તમારા માટે, તમારી સાથે, સતત…

આવ્યો છે ભારતની આસ્થાનો મહાકુંભ

પહેલું શાહી સ્નાન ૧૫ જાન્યુઆરીએ

0 178

કવર સ્ટોરી હિંમત કાતરિયા

વડીલો કહે છે કે, આસ્થાના મહાપર્વ કુંભ મેળામાં આવવું છે તો બધું પાછળ છોડીને આવો. તર્ક-વિતર્ક, જ્ઞાન-અજ્ઞાન, કલા-વિજ્ઞાન, દુઃખ-સુખ, રાગ-વિરાગ… બધું જ. જેમણે બધંુ પાછળ છોડી દીધું તેણે જ અમૃતધારામાં ડૂબકી લગાવી. જે ખાલી થઈને આવ્યો તે જ અહીંથી તૃપ્ત થઈને જઈ શકે છે. કુંભમાં દસથી બાર કરોડ લોકો ગંગામાં ડૂબકી લગાવશે. શું આ માત્ર સ્નાનનો જ મેળાવડો છે? ભારતમાં માન્યતા છે કે શતં વિહાય ભોક્તવ્યમ્, સહસ્ત્ર વિહાય સ્નાતવ્યમ્. સ્નાનનું આટલું મહત્ત્વ દુનિયાના કોઈ દેશમાં નથી.

કલશસ્ય મુખેવિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતઃ
મુલેત્વસ્ય સ્થિતોબ્રહ્મા મધ્યે માતૃગણાઃ સ્થિતાઃ
કુક્ષૌ તુ સાગરાઃ સર્વે સપ્તદ્વીપા વસુન્ધરા ।
ઋગ્વેદો।થ યજુર્વેદઃ સામવેદો હ્યથર્વણઃ ।
અંગૈશ્વ સંહિતાઃ સર્વે કલશં તુ  સમાશ્રિતઃ

આ સંસ્કૃત શ્લોક આપણને ત્રિદેવ- સર્જક બ્રહ્મા, પોષક વિષ્ણુ અને સંહારક શિવની સાથે, તેના સાત ખંડો સાથે ધરતી માતા અને જ્ઞાન સ્વરૃપ ચારેય વેદ – ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ કુંભ મેળામાં હાજર રહે છે એમ કહે છે. આમ કુંભ એ સર્વત્રના અસ્તિત્વનું પ્રતીક છે. કુંભ મેળો બધા જ્ઞાન અને બધા જીવોનો ઉત્સવ છે.

પુરાણો પ્રમાણે, કુંભ કે અમૃતનો ઘડો સમુદ્ર મંથનમાંથી મળ્યો હતો અને તે અમૃતને સંઘરી રાખવાને બદલે તેનું વિતરણ કરવામાં આવ્યંુ હતું. એટલે કે જ્ઞાનામૃત અને અધ્યાત્મિકતાનું આપણી અંદર મંથન થવું જોઈએ અને તેને માનવજાત સાથે વહેંચવું જોઈએ. આ તત્ત્વજ્ઞાનને ધ્યાનમાં રાખીને પવિત્ર પર્વનું નામ કુંભ મેળો રાખવામાં આવ્યું છે.

પૂર્ણ કુંભ દર બાર વર્ષે ચાર સ્થળે ભરાય છે, પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક. ૧૨ પૂર્ણ કુંભ મેળા પછી, ૧૪૪ વર્ષ પછી ભરાતો મહાકુંભ પ્રયાગરાજમાં ભરાય છે. એક જ હેતુથી એક દિવસમાં, જ્ઞાતિ અને જાતિ, રંગ અને ધર્મના ભેદભાવ વગર સર્જાતો ઇતિહાસનો સૌથી મોટો માનવ મેળાપ છે. આ પ્રસંગે પૃથ્વીની દરેક દિશા અને ખૂણામાંથી, વિવિધ ભાષા અને બોલી ધરાવતા, વિવિધ સંપ્રદાયની નિશાનીઓ ધરાવતા, વિવિધ રીતભાત અને રૃઢિઓ ધરાવતા લોકો ગંગા અને ગોદાવરી નદીના પવિત્ર જળમાં ડૂબકી લગાવવા એકત્ર થાય છે. એવું માનવામાં આવે છે કે માંગલિક દિવસોમાં સ્નાન કરવાથી વ્યક્તિનાં બધાં જ પાપો અને કુકર્મોનો નાશ થાય છે અને જીવ જીવન, મૃત્યુ અને પુનર્જન્મમાંથી મુક્તિ અપાવતા મોક્ષ તરફ ગતિ કરે છે. 

ચીની પ્રવાસી હુઆન ત્સાંગ કે હ્યએનઝેંગ(ઈ.સ. ૬૦૨-૬૦૪)ની ડાયરીમાં કુંભ મેળાનાં વર્ણનો મળે છે. તે ઈ.સ. ૬૨૯ – ૬૪૫ વચ્ચે રાજા હર્ષવર્ધનના સમયમાં ભારત આવ્યો હતો. અલબત્ત, એના પહેલાં ઘણી સદીઓ પૂર્વે મધ્યયુગના હિન્દુ દર્શન પ્રમાણે, સૌથી પ્રસિદ્ધ મધ્યકાલીન પુરાણ, ભાગવત પુરાણમાં તેનાં મૂળ જોવા મળે છે. સમુદ્ર મંથનનું વર્ણન ભાગવત પુરાણ, વિષ્ણુપુરાણ, મહાભારત અને રામાયણમાં કરવામાં આવ્યંુ છે.

Related Posts
1 of 245

કથા પ્રમાણે દુર્વાસા મુનિના શ્રાપને પગલે દેવોની શક્તિ હણાઈ ગઈ. શક્તિ ફરી પ્રાપ્ત કરવા દેવોએ ભગવાન બ્રહ્મા અને ભગવાન શિવ પાસે ગયા. તેમણે બધા દેવોને ભગવાન વિષ્ણુ પાસે મોકલ્યા. વિષ્ણુ ભગવાને દેવોને અમૃત માટે ક્ષીરસાગરનું મંથન કરવા કહ્યું. સમુદ્ર મંથન માટે દેવોએ તેમના કટ્ટર દુશ્મન એવા દાનવો કે અસુરો સાથે તત્પૂરતું સમાધાન કરવાની ફરજ પડી. દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથનમાંથી જે કંઈ સંપત્તિ નીકળે તેની સરખે ભાગે વહેંચણી કરવાના કરાર થયા. જોકે, સમુદ્રમંથનથી અમૃત ભરેલો કુંભ નીકળ્યો એ સાથે જ કુંભનો કબજો મેળવવા માટે બંને પક્ષ વચ્ચે લડાઈ થઈ. બાર માનવ વર્ષ સમાન બાર દિવસ અને બાર રાત્રિ દેવો અને દાનવો વચ્ચે આકાશમાં અમૃતના ઘડાને લઈને લડાઈ ચાલી. એવું માનવામાં આવે છે કે આ લડાઈ દરમિયાન વિષ્ણુ ભગવાન મોહિની સ્વરૃપ ધારણ કરીને દાનવોના હાથમાંથી અમૃત કુંભ પડાવીને નાસી ગયા. દરમિયાન પૃથ્વી પર ચાર જગ્યાએ કુંભમાંથી અમૃતના ટીપા પડ્યા ઃ પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક. ત્યારે ગ્રહ એ સ્થિતિમાં આવે છે ત્યારે યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ એ પવિત્ર પ્રસંગની ઉજવણી કરવા એકઠા થાય છે. મહા કુંભ મેળો દર ત્રણ વર્ષે બદલાતા ક્રમમાં આ ચાર સ્થળોએ આયોજિત થાય છે. આમ દરેક સ્થળે દર બારમાં વર્ષે મહાકુંભ મેળો ભરાય છે. 

કુંભ મેળાની ગુરુ ગ્રહ અને સૂર્યની સ્થિતિ પ્રમાણે અલગ-અલગ સ્થળે ઉજવણી કરવામાં આવે છે. જ્યારે ગુરુ અને સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશે ત્યારે ત્ર્યમ્બકેશ્વર, નાસિકમાં કુંભ મેળો ભરાય છે. સૂર્ય મેશ રાશિમાં પ્રવેશે ત્યારે હરિદ્વારમાં, ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યારે કુંભ મેળો પ્રયાગમાં અને ગુરુ અને સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશે ત્યારે મેળો ઉજ્જૈનમાં ભરાય છે. દરેક સ્થળની ઉજવણીની તારીખની ગણતરી અગાઉથી સૂર્ય, ચંદ્ર અને ગુરુની ગ્રહની રાશિના જોડાણની ગણતરીને આધારે નક્કી કરવામાં આવે છે.

ગ્રહની ગતિવિધિમાં દરેક સંક્રાન્તિકાળ માનવ જીવનને પણ અસર કરે છે. પ્રાચીન ભારતીય ઋષિઓએ આ બધી અસરોનો અભ્યાસ કર્યો હતો અને અસાધારણ પ્રકૃતિ અને તેની આપણા જીવન પરની અસરો પ્રમાણે રિવાજો ગોઠવ્યા હતા. ગુરુને સૂર્ય ફરતે ચક્ર પૂરું કરતા ૧૧ વર્ષ, ૧૦ મહિના અને ૧૪ દિવસ લાગે છે. આશરે ૧૨ વર્ષ પછી ગુરુ તેની ભ્રમણકક્ષામાં ચોક્કસ સ્થિતિમાં પરત ફરે છે. આમ આ બધી ગ્રહીય સ્થિતિઓનું દર ૧૨ વર્ષે પુનરાવર્તન થાય છે અને તેથી કુંભ મેળો પણ એટલા જ સમયગાળા પછી આવે છે.

સમુદ્રમંથનમાંથી જીવન સંજીવની અમૃત નીકળવાનું અધ્યાત્મિક મહત્ત્વ છે. સૂર્ય અને ચંદ્ર અનુક્રમે માનવની વૈચારિક બુદ્ધિ અને મન સાથે સંબંધ ધરાવે છે. સંસ્કૃતમાં ગુરુતરીકે ઓળખાતો બૃહસ્પતિ કે જ્યુપિટર ગ્રહ અધ્યાત્મનો ગુરુ છે. જ્યારે વૈચારિક બુદ્ધિ સાથે સંકળાયેલો સૂર્ય ગુરુ સાથે ચોક્કસ સંબંધ બાંધીને ચંદ્ર(માનવ મગજ)ને માર્ગદર્શન આપે છે. પરિણામે સ્વની અમરત્વ(અમૃત)ની અનુભૂતિ થાય છે.

ઘંટ વગાડવો, ધૂપદ્રવ્યની સુગંધ, ફૂલોની સુગંધ, વૈદિક મંત્રોચ્ચારનું ગાન, નગારાંનો નાદ, ઘોડા, ઊંટ અને હાથીની પરેડ, સોના અને ચાંદીના રથમાં બેસીને તેને શિષ્યો દ્વારા ખેંચીને વિવિધ અખાડામાંથી નાગા સાધુઓનું આગમન, કુંભ મેળો અધ્યાત્મિકતાથી તરબતર હોય છે. ફેરિયાઓના નાદ ભજનના સંગીતમાં ભળી જાય છે. ભગવા, શ્વેત, અંગે ભભૂત લગાવેલા સાધુઓ અને યોગીઓ સતરંગી મેળાના રંગો સાથે ભળી જાય છે. ૧૨ વર્ષમાં માત્ર એકવાર તપમાંથી પરવારીને જાહેરમાં આવતા યોગીઓનાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુ આતુર રહે છે. જ્યારે સંતોનું સરઘસ ગંગા નદી તરફ આગળ વધે છે ત્યારે હણહણતા ઘોડા, સીંકતા હાથીઓ, કણસતાં ઊંટ, બળદના આરડવા સાથે સાધુઓના સમૂહ નાદ અને રુદનનો મિશ્રિત અવાજ સંભળાય છે. ઝાલર અને નગારાના તાલ સાથે, તૂરીની ભેરી, શંખનાદ અને ઘંટનાદ સંભળાય છે. આ સરઘસની વચ્ચે સંગીતકારો અને નર્તકો કલા પ્રસ્તુત કરે છે. કુંભ મેળો એ આત્માનો શુદ્ધ આનંદ છે.

કુંભ મેળાનું હાર્દ છે નિર્ધારિત દિવસોમાં ચોક્કસ પવિત્ર સ્થળોએ યાત્રાળુઓ દ્વારા લેવામાં આવતું સ્નાન. સ્નાનના કેટલાક દિવસોનું રાજવીનામાભિધાન થયંુ છે. બધી મહત્ત્વની સ્નાનની તારીખોએ નાગા સાધુઓ સરઘસ કાઢીને સ્નાન કરે છે. સ્નાનની મહત્ત્વની તારીખોએ ઊગતા સૂર્યે સાધુઓનું સરઘસ અદ્ભુત દ્રશ્ય સર્જે છે. ગંગામાં આ બધા જ પવિત્ર સંઘોએ સ્નાન કરી લીધા પછી જ સામાન્ય લોકોનો ગંગામાં સ્નાનનો વારો આવે છે.

પ્રયાગરાજ કુંભમેળામાં સ્નાનની મુખ્ય તારીખોમાં પહેલું શાહી સ્નાન ૧૫ જાન્યુઆરીએ, શિયાળાની છેલ્લી પૂનમ પોષ પૂનમનું સ્નાન ૨૧ જાન્યુઆરીએ, એકાદશી સ્નાન ૩૧ જાન્યુઆરીએ અને મૌની અમાસનું બીજું શાહી સ્નાન ૦૪ ફેબ્રુઆરીએ થશે. મૌની અમાસના દિવસે વિવિધ અખાડાના નવા સભ્યો પ્રથમ દીક્ષા લે છે. આ દિવસે ૫ કરોડ કરતાં વધુ લોકો સ્નાન કરે છે. ત્રીજંુ શાહી સ્નાન વસંત પંચમીનું ૧૦ ફેબ્રુઆરીએ અને રથ સપ્તમીનું સ્નાન ૧૨ ફેબ્રુઆરીએ, ભીષ્મ એકાદશીનું સ્નાન ૧૩ ફેબ્રુઆરીએ થશે. એવું માનવામાં આવે છે કે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રમ્ આ દિવસે ભીષ્મે મહાભારતના યુદ્ધ દરમિયાન બાણશૈયા પર સૂતા પાંડવોને સંભળાવ્યંુ હતું. માઘી પૂર્ણિમાનું સ્નાન ૧૯ ફેબ્રુઆરીએ અને મહાશિવરાત્રીનું સ્નાન ૦૪ માર્ચના રોજ થશે. શિવરાત્રિની રાત્રે કહેવાય છે કે, શિવે તાંડવ નૃત્ય અર્થાત્ કે આદિ સર્જન, પાલન અને સંહારનું કાર્ય કર્યું હતું.

પ્રયાગરાજના પૌરાણિક ઇતિહાસ પ્રમાણે, જ્યારે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમણે પ્રથમ પ્રાર્થના અહીં કરી હતી. તેથી તેના પ્રાચીન નામ પ્રયાગને ન્યાય મળે છે. પ્રયાગ એટલે પ્રણિત સ્થાન, આહુતિનું સ્થાન, પવિત્ર સ્થાન. આ શહેરનું વિશેષ મહત્ત્વ હિન્દુ કથાઓ પ્રમાણે પણ છે. આ સ્થાન ભારતની સૌથી પવિત્ર ત્રણ નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમ પર મેળાપનું સ્થાન છે. સંગમના કાંઠે સાંજની આરતી જોવી એ એક લહાવો છે. તે જ કુંભ મેળાની તમામ ઉજવણીનું કેન્દ્ર સ્થાન બને છે. દુનિયાનું બીજું સૌથી જૂનું શહેર પ્રયાગરાજ પૌરાણિક કાળથી મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યથી મુઘલ સામ્રાજ્ય સુધીના સમૃદ્ધ ઇતિહાસથી છલોછલ છે.
 —————

Leave A Reply

Your email address will not be published.

Translate »