તમારા માટે, તમારી સાથે, સતત…

પ્રયાગરાજ કુંભઃ દુનિયાને અચંબિત કરવાનો અવસર

ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પ્રયાગરાજમાં ૧૪ જાન્યુઆરીથી ૪ માર્ચ સુધી કુંભ મેળો ભરાશે.

0 751

કવર સ્ટોરી ૨ – હિંમત કાતરિયા

ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પ્રયાગરાજમાં ૧૪ જાન્યુઆરીથી ૪ માર્ચ સુધી કુંભ મેળો ભરાશે. પ્રયાગરાજ કુંભમાં ૧૫ કરોડ લોકોના આગમનનો અંદાજ છે. ચૂંટણીનું વર્ષ હોવાથી અને યુપીમાં યોગી સરકાર હોવાથી કુંભ મેળાની જડબેસલાક તૈયારીઓ કરવામાં આવી છે. ૨૦૧૨માં મેળાનું બજેટ ૨૦૦ કરોડ હતું. ઉત્તર પ્રદેશ સરકારે આ બજેટ બાર ગણુ વધારીને ૨૫૦૦ કરોડ રૃપિયા કર્યું છે. દુનિયાને અચંબિત કરવાનો આ અવસર છે.

યોગી સરકારના શાસનમાં કુંભનું આયોજન થતું હોય એટલે એમાં તો શી મણા હોય. પ્રયાગરાજ કુંભની તૈયારીઓ સમય પહેલાં જ પુરી થઈ ગઈ હતી. રાત્રે આકાશમઢ્યા તારા નીચે પ્રયાગના સંગમની રેતી પર તંબુઓ વચ્ચે ઝળહળતી રોશનનું વાતાવરણ અલગ જ આભા પ્રદાન કરે છે. મેળામાં વર્લ્ડ ક્લાસ સેનિટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળાને ખુલ્લામાં શૌચ મુક્ત કરવા માટે ૧,૨૨,૫૦૦ શૌચાલયો બનાવવામાં આવ્યાં છે. સેનિટેશનની વ્યવસ્થાને લઈને મેળાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે. આરોગ્યમંત્રીએ કહ્યું છે કે, કુંભ મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે શહેરમાં સાફ-સફાઈનાં ધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. આ માટે કુંભ મેળા દરમિયાન ૩૫ હજાર જેટલા સફાઈ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા માટે એસડીઆરએફની ટીમોને એનઆરએફની ટીમો દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી છે. ડૂબકીબાજોને પણ તૈયાર રખાયા છે. મેળામાં ડોગ સ્ક્વૉડની ટીમ પણ હાજર રહેશે.

પ્રયાગરાજ કુંભમાં વિશાળ અને ભવ્ય ૨૦ કરતાં વધુ પ્રવેશદ્વારો બનાવવામાં આવ્યાં છે. દરેક પ્રવેશદ્વારે મેળાનો નકશો મૂકવામાં આવ્યો છે. આ પ્રવેશદ્વારો પણ વિશેષ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યા છે. કુંભ મેળા વિસ્તારને ૨૨ સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ગંગાના બીજા કાંઠે જવા પાંટૂન પુલ બનાવવામાં આવ્યા છે. કુંભમાં રોકાતા યાત્રાળુઓ માટે કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એ માટે દરેક સેક્ટરમાં અલગ-અલગ પ્રકારની ૩૭૯ દુકાનો ખોલવામાં આવી છેે. આ દુકાનોમાં પૂજન-સામગ્રી, કપડાં, વાસણ, પ્રસાધન સામગ્રી, હસ્ત શિલ્પ, રમકડાં વગેરે મળી રહેશે. મેળા વિસ્તારને પોલિથિન મુક્ત રાખવા માટે દુકાનદારોને કડક ચેતવણી આપવામાં આવી છે. મેળામાં લાગેલા સેંકડો કાઉન્ટર પર સ્પેશિયલ ડેબિટ કાર્ડ બનાવવામાં આવશે. જેમાં તમારે ખિસ્સામાં રોકડ રાખવાની જરૃર નહીં પડે. તમે પરત ફરો ત્યારે ડેબિટ કાર્ડમાં વધેલી રકમ પાછી લઈ શકશો.

કલ્પવાસ માટે સાધુ-સંતો અને ગૃહસ્થો આવી રહ્યા છે અને કલ્પવાસ માટે શિબિરો તૈયાર છે. કહેવાય છે કે સાચા હૃદયથી કલ્પવાસ કરનાર યાત્રીને ગમે તે રૃપે દેવદર્શન થાય છે અને તે પાપમુક્ત થાય છે. પોષ પૂનમથી માઘ પૂનમ અને મકર સંક્રાંતિથી કુંભ સંક્રાંતિ સુધી કલ્પવાસની પરંપરા છે. કુંભ મેળામાં કલ્પવાસીઓ અને શ્રદ્ધાળુઓને મેળા સ્થળે જ સરળતાથી એલપીજી મળી રહેશે. સપ્લાય સાથે જોડાયેલી ત્રણેય પેટ્રોલિયમ કંપનીઓએ મેળા માટે વિશેષ શિબિરો બનાવી છે. જેમાં જરૃરતમંદોને માત્ર ઓળખપત્રના આધારે વ્યાવસાયિક અને ઘરેલુ ગેસ સિલિન્ડરો મળી રહેશે. આ કામ માટે પ્રયાગરાજ સહિતની આસપાસના જિલ્લાની ૨૩ ગેસ એજન્સીઓને કામે લગાડી છે.

કુંભમાં આવતા શ્રદ્ધાળુઓને મફત વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે. મેળામાં રેલવેનાં પણ કાઉન્ટર લાગેલાં રહેશે. એનસીઆર, ઉત્તર રેલવે અને પૂર્વોત્તર રેલવેની કુલ ૮૦૦ સ્પેશિયલ ટ્રેનો દોડશે.કુંભમાં આ વખતે શ્રદ્ધાળુઓને ૨૪ કલાક સારવાર મેળવવાની સુવિધા મળશે અને આ માટે હાઈટેક વ્યવસ્થા કરવામાં આવી છે. મેદાન હોય કે પાણી, દરેક સ્થળે આરોગ્ય ટીમો હાજર રહેશે. એવી સ્પષ્ટ સૂચના છે કે દર્દી પાસે થોડાક જ સમયમાં ડૉક્ટર કે ટીમ હાજર થઈ જવી જોઈએ. મેળા વિસ્તારમાં સેક્ટર-૨માં ૧૦૦ બેડની કેન્દ્રીય હૉસ્પિટલ શરૃ કરવામાં આવી છે. જેમાં એક્સ-રૅ, અલ્ટ્રા સાઉન્ડ, પેથોલોજીની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ૨૦ બેડની ૧૧ હૉસ્પિટલ તેમજ સેક્ટર ૧૪ અને ૨૦માં ૨૦ બેડની ચેપી રોગોની હૉસ્પિટલો બનાવવામાં આવી છે. આ સિવાય મેળામાં ૨૫ ફર્સ્ટ એઇડ પોસ્ટ અને મેળા વિસ્તારની બહાર ૧૦ આઉટ હેલ્થ પોસ્ટ બનાવવામાં આવી છે. કુંભ મેળામાં તૈયાર કરાયેલા આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર આધારિત ૨૮ આયુષ ચિકિત્સાલયોમાં ૨૪ કલાક આયુષ ઓપીડી ચાલશે. ૧૦ સુપર સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ ન્યૂરો સર્જરી, ન્યૂરોલોજી, નેફ્રોલોજી, એન્ડોક્રાઇનોલોજી, યૂરોલોજી, પ્લાસ્ટિક સર્જરી, ઓન્કો સર્જરી અને સીટીવીએસ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી તેમજ કાર્ડિયોલોજીના ગંભીર દર્દીઓ માટે વિશેષ સારવાર પ્રદાન કરશે. ૪૦ બેડનો ટ્રોમા કૅર સુવિધા સંપન્ન ટ્રોમા સેન્ટર ખોલવામાં આવ્યું છે.

Related Posts
1 of 262

કુંભ મેળાના દરેક શાહી સ્થાન વખતે વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડવાની ટપાલ ખાતાએ તૈયારી કરી છે. ટપાલ ટિકિટોને ગંગા અને કુંભની થીમ પર કલાત્મક બનાવવામાં આવી છે. મનીઓર્ડર વગેરે માટે પણ પરેશાન થવાની જરૃર નથી. આ વખતે કુંભમાં પોસ્ટ ઑફિસની બધી સુવિધા મળી રહેશે. પોસ્ટ કાર્ડ, પરબીડિયું, સ્પીડપોસ્ટ જેવી સુવિધા માટે મોબાઇલ પોસ્ટ ઑફિસની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આ પૂર્વે જ્યારે ખાસ જરૃર હતી ત્યારે ટપાલ વિભાગને કુંભ મેળાઓમાં આવી સુવિધા આપવાનું સૂઝતું નથી અને હવે પેટીએમ, એટીએમ, વૉટ્સઍપ, ઇ-મેઇલની ભરમાર થઈ છે ત્યારે નિરર્થક બની રહેતી આ સુવિધા આપી રહી છે. જોકે દિશાહીન પોસ્ટ વિભાગે દસ સેક્ટરમાં પોસ્ટ ઑફિસ ખોલવા માટે પ્રશાસન પાસે જગ્યા માગી હતી, પણ પ્રશાસને માત્ર ચાર પોસ્ટ ઑફિસને જ મંજૂરી આપી છે. 

દૂરદર્શન તેની મોટા ભાગની ચેનલો પર કુંભ મેળાનું લાઇવ પ્રસારણ કરશે. દૂરદર્શન પર સવારના આઠથી રાતના નવ વાગ્યા સુધી લાઈવ વિશેષ પેકેજ ચલાવાશે. ડીડી ન્યૂઝ પર દરરોજ અડધા કલાકના ત્રણ કાર્યક્રમ ચલાવવામાં આવશે. દૂરદર્શને કુંભના સ્નાન પર્વો અને મહત્ત્વના કાર્યક્રમો દરમિયાન ૧૦ કેમેરા, ઓબી સેટઅપ સાથે ત્રણ ડીએસએનજી વેન તહેનાત કરી છે. ચાર કેમેરા દરેક ટીમ સાથે શાહી સ્નાન સમયે લગાવવામાં આવશે. 

કુંભમાં ૪૦ પોલીસ થાણા, ૩ મહિલા પોલીસ મથક અને ૬૦ પોલીસ ચોકીઓ સાથે ચાર પોલીસ લાઈન કુંભ મેળાના એક ભાગ રૃપે બનાવવામાં આવ્યા છે. નદીની ચોતરફ જળ પોલીસની ત્રણ ટુકડી સ્થાપવામાં આવી છે. એક ઘોડેસવાર પોલીસ લાઈન ઊભી કરાઈ છે. ટ્રાફિક મૅનેજમૅન્ટ માટે વીડિયો એનાલિસિસ અને રિયલ ટાઇમ વીડિયોની વ્યવસ્થા કરાઈ છે. ૪૦ ફાયર બ્રિગેડ સેન્ટર અને ૧૫ ફાયર બ્રિગેડ ચોકીઓ ઊભી કરાઈ છે.  ગુમ થયેલા કે મળી આવેલા વ્યક્તિઓની નોંધણી માટેના સુવિધા સંપન્ન ૧૫ કેન્દ્રો ઊભાં કરાયાં છે. ફેસબુક, ટ્વિટર પર ખોવાયેલા અને મળી આવેલા લોકોના સંદેશા પોસ્ટ કરવામાં આવશે. જો ૧૨ કલાકમાં મળી આવેલી વ્યક્તિને લેવા કોઈ ન આવે તો પોલીસ મદદ પુરી પાડવામાં આવશે.

પ્રયાગરાજ હાલ તો તંબુઓનું શહેર બની ગયું છે. સીધી રીતે કહી શકાય કે ટેન્ટ સિટી બધી જ સુવિધાઓથી સજ્જ છે. પ્રયાગરાજ કુંભને ભારત સરકારે રાષ્ટ્રીય આયોજન તરીકે લીધું છે. મેળામાં વિદેશી નાગરિકો સહિત દેશના ખૂણેખૂણેથી આવેલા તીર્થ યાત્રીઓ માટે રહેવાની વ્યવસ્થા માટે આ વખતે ટેન્ટ સિટીનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. આશરે ૧૦૦ હેક્ટરમાં ૧૫૦૦ જેટલા ટેન્ટમાં આ ટેન્ટ સિટી ફેલાયેલા છે. ૧૦-૧૦ હેક્ટરના ૧૦ બ્લોક. જેમાં ત્રણમાં ડોર્મેટરી અને બાકીનામાં વિલા, સુપર ડિલક્સ, ડિલક્સ અને સ્વિસ કોટેજ. યોગી સરકારે ચાર ટેન્ટ સિટી ઊભા કરાવ્યા છે ઃ કલ્પવૃક્ષ, કુંભ કેનવાસ, વૈદિક ટેન્ટ સિટી અને ઇન્દ્રપ્રસ્થ સિટી. કલ્પવૃક્ષની વાત કરીએ તો તેમાં ડોર્મેટરીમાં રોકાણના ૬૫૦ રૃપિયા, કોટેજના ૩૧૭૫ રૃપિયા અને લક્ઝરી વિલાના એક રાત્રિનું ભાડું ૬૪૨૫ રૃપિયા છે. ટેક્સ અલગથી. વધુ વિગતો મેળવવા અને ઓનલાઇન બુકિંગ માટે વેબસાઇટ www.kalpavriksh.in પર જવું. કુંભ કેનવાસમાં ડોર્મેટરીનું પ્રતિ રાત્રિનું ભાડું સામાન્ય દિવસોમાં ૯૮૦ રૃપિયા અને વિશેષ દિવસોમાં ૧૨૭૦ રૃપિયા છે. ડિલક્સ ડોર્મ કોટેજનું ભાડું અનુક્રમે ૧૭૯૦ અને  ૨૩૨૦ રૃપિયા તેમજ લક્ઝરી ડોર્મ કોટેજનું ભાડું અનુક્રમે ૨૧૯૦ અને ૨૮૪૭ રૃપિયા રાખવામાં આવ્યું છે. કુંભ કેનવાસ ટેન્ટ સિટી લલ્લુજી એન્ડ સન્સ સંભાળી રહ્યંુ છે અને તેની વેબસાઇટ www.kumbhcanvas.com છે. વિશેષ દિવસોમાં સ્નાન વખતે વધુ ટ્રાફિક હોવાથી યાતાયાત બંધ થઈ જાય છે એટલે મિનિમમ ૩ દિવસનું બુકિંગ કરાવવું ફરજિયાત છે. વૈદિક ટેન્ટ સિટી ગુજરાતના ગાંધી કોર્પોરેશન અને લાભ ડેકોરેટ્સ ચલાવી રહ્યા છે. તેમના ટેન્ટનું ભાડાપત્રક નદીઓના નામ સાથેનું છે. સાબરમતીનું ભાડું પ્રતિ રાત્રિ ૨૫૦૦ રૃપિયા, નર્મદાનું ૭,૪૫૦ રૃપિયા, સરસ્વતીનું ૧૦,૯૯૯ રૃપિયા, યમુનાનું ૧૮,૯૯૯ રૃપિયા અને ગંગાનું ૨૩,૯૯૯ રૃપિયા છે. વૈદિક ટેન્ટ સિટી સાઉન્ડ લાઇટ શૉ અને વેદિક સેમિનાર ઑફર કરે છે. શ્રદ્ધાળુઓ માટે હવન વિસ્તાર રાખ્યો છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેનો કૉફી લોન્જ રાખ્યો છે. તેની વેબસાઇટ www.indraprasthamcity.com છે. ચોથી ટેન્ટ નગરી છે, ઇન્દ્રપ્રસ્થમ. હિતકારી પ્રોડક્શન્સ એન્ડ ક્રિએશનની આ ટેન્ટ સિટીમાં ડિલક્સ, લક્ઝરી અને કોટેડ ટેન્ટને ઋષિઓનાં નામ આપ્યાં છે. ૩૩૬ ચોરસ ફૂટના ડિલક્સ ટેન્ટ અત્રિનું ભાડું ૧૨ હજાર, ૪૮૦ ચોરસ ફૂટના લક્ઝરી આંગિરસનું ભાડું ૧૬ હજાર અને ૯૦૦ ચોરસ ફૂટના સૂટ ગૌતમનું ભાડું ૩૨ હજાર રૃપિયા રાખવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશ સરકાર અને ભારત સરકારે ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક વિરાસતના નિદર્શન માટે બધાં રાજ્યોના સંસ્કૃતિ વિભાગોને તાકીદ કરી છે. કુંભમાં પાંચ વિશાળ પંડાલ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં દરરોજ સંગીતની પ્રસ્તુતિથી લઈને પારંપરિક તેમજ લોક નૃત્યના સાંસ્કૃતિક આયોજનોની શ્રેણી આયોજિત કરવામાં આવશે. બધા પંડાલોમાં ગંગા પંડાલ સૌથી મોટો હશે જેમાં બધા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પાંચેય પંડાલ બધી સુવિધાઓથી સજ્જ હશે અને તેમાં અખાડાઓની મદદથી વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. યુપી સરકારે કુંભ યાત્રીઓ માટે ટૂરિસ્ટ વૉકનું આયોજન પણ કર્યું છે. અમદાવાદ હેરિટેજ વૉક જેવી આ વૉક શંકર વિમાન મંડપમ્થી શરૃ થશે અને બડે હનુમાનજી મંદિર, પાતાલપુરી મંદિર, અક્ષયવટ, અલાહાબાદ ફોર્ટ થઈને રામઘાટે પુરી થશે. યુપી સરકારે વિદેશી પર્યટકો અને બહારના યાત્રીઓના અનુભવને સુખદ બનાવવા માટે લેસર લાઇટ શૉનું આયોજન કર્યું છે. અલાહાબાદ ફોર્ટના કિલ્લાની દીવાલ પર લેસર લાઇટ શૉ બતાવવામાં આવશે.

૨૦ કિલોમીટર લાંબા જળમાર્ગ પર સુજાવન ઘાટથી લઈને રેલવે પુલની નીચેથી સરસ્વતી ઘાટ થઈને કિલા ઘાટ સુધી હોડીઓ અને બોટમાં જળ પરિવહનની સેવાઓ પુરી પાડવામાં આવશે. યમુના નદીના કિલા ઘાટથી સુજાવન દેવ મંદિર સુધી ક્રૂઝ તથા મોટરબોટ ચલાવવામાં આવશે. શ્રદ્ધાળુઓ તેની મદદથી જળ માર્ગે મેળામાં ભ્રમણ કરી શકશે. આ માટે વારાણસી અને આસપાસના જિલ્લાઓમાંથી ૨૦ મોટરબોટ મંગાવવામાં આવી છે. જોકે તે ઘણી ખર્ચાળ નિવડી શકે છે. કેમ કે કિલા ઘાટથી સુજાવન મંદિર સુધીનું જવા-આવવાનું ભાડું ૧૨૦૦ રૃપિયા નક્કી કરવામાં આવ્યંુ છે. ક્રૂઝ અને મોટરબોટ પર કપડાં બદલવાની સુવિધા પણ હશે. તેમાં ફોલ્ડ થઈ શકતા ચેન્જિંગ રૃમ હશે. સવારી બેસે ત્યારે હટાવી દેવાના અને ઘાટ પર ચેન્જિંગ રૃમ તૈયાર. ક્રૂઝ અને વૉટરબોટની ઓનલાઇન ટિકિટ પણ મેળવી શકાય છે. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિભાગવાર સમીક્ષા દરમિયાન અધિકારીઓને પ્રથમ શાહી સ્નાન પહેલાં બધાં કામ આટોપી લેવાનો આદેશ કર્યો છે અને વિશેષ તાકીદ કરી છે કે કુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો અને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અસુવિધાનો અનુભવ ન થવો જોઈએ. આ માટે મેળામાં આવતા શ્રદ્ધાળુઓને આવાસ અને ભોજનની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવે. વ્યવસ્થામાં કોઈ અવરોધ ન આવે એ માટે સ્નાન પર્વોના એક દિવસ પહેલાં અને એક દિવસ બાદ કોઈ પણ પ્રકારનો પ્રોટોકોલ નહીં રહે. યોગીએ કુંભ દરમિયાન અસામાજિક તત્ત્વો ઉપર ચાંપતી નજર રાખવાના નિર્દેશ આપ્યા છે. કુંભનું આયોજન જોવા માટે વિવિધ દેશોના વડાઓ અને કેટલાય ગવર્નરો અને મુખ્યમંત્રીઓ આવશે. આ માટે મેળા પ્રશાસન હેઠળ પ્રોટોકોલ માટે અલગ એક વિભાગ બનાવવામાં આવ્યો છે.
————–

Leave A Reply

Your email address will not be published.

Translate »