તમારા માટે, તમારી સાથે, સતત…

ઇશા અંબાણીનાં લગ્ન સંસ્કાર, સંસ્કૃતિ અને આસ્થાનો અનેરો સમન્વય

નીતાએ ચાંદીની ઘંટડી વગાડીને દીકરીને આવકારી

0 409

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ – હેતલ રાવ

ઇશા અંબાણીનાં લગ્ન માત્ર દેશમાં જ નહીં, પરંતુ પુરા વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયાં છે. ત્રણ લાખની કંકોતરીથી લઈને કરોડો રૃપિયાના ખર્ચે એકની એક દીકરીને અંબાણી પરિવારે ધામધૂમથી વિદાય કરી છે, ત્યારે સેલિબ્રિટીથી લઈને દરેક વ્યક્તિ માટે આ લગ્ન પ્રસંગ યાદગાર બની રહ્યો છે, પરંતુ આટલી જાહોજહાલી વચ્ચે પણ અંબાણી દંપતી સતત પોતાની દીકરી માટે ભગવાન પાસે પ્રાર્થના કરતા જોવા મળ્યાં. નાનામાં નાની રસમથી લઈને વિદાય સુધી આખા વાતાવરણમાં ધાર્મિકતાની મહેક હતી.

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પોતાની એકમાત્ર દીકરી ઇશાનાં લગ્નને શાહી બનાવવામાં કોઈ કમી નથી રાખી. એન્ટિલિયામાં યોજાયેલા આ લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનો આવ્યા હતા. જોકે ૧૨ ડિસેમ્બરે યોજાયેલાં લગ્ન સમારંભ પહેલાં ઉદેયપુરમાં ભવ્ય પ્રિ-વેડિંગ સમારંભ યોજાયો હતો. જેમાં બોલિવૂડ સહિત અનેક સેલિબ્રિટી હાજર રહી હતી. આ દરેક વાતો આપણે સાંભળી પણ છે અને વીડિયો જોયા પણ છે. છતાં ઘણા બધા એવા હશે જેની નજર અંબાણી પરિવારની ધાર્મિકવૃત્તિને જોઈ નહીં શક્યા હોય. ઇશાનાં લગ્નની શરૃઆતથી લઈને તેની વિદાય સુધી દરેક કાર્યમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતંુ. ડાન્સ, પાર્ટી, ડી.જે. બધંુ હતું છતાં શરૃઆત તો શ્રીનાથજીનાં નામથી જ થઈ હતી.

ઇશા અને આનંદનાં લગ્નની વાત કરીએ તે પહેલાં આનંદ પીરામલે ઇશા અંબાણીને પ્રપોઝ કર્યું તેની વાત કરીએ. કરોડપતિ બિઝનસમેનનો દીકરો અબજોપતિ બિઝનેસમેનની દીકરીને જ્યારે પ્રપોઝ કરે ત્યારે કોઈ સેવનસ્ટાર હોટલ કે દુનિયાના બેસ્ટ ડેસ્ટિનેશનને પસંદ કરે, પરંતુ આનંદે ઇશાને મહાબળેશ્વરના એક મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. અંબાણી અને પીરામલની ચાલીસ વર્ષની દોસ્તી સંબંધમાં પરિણમી ત્યારે બંને પરિવાર ખૂબ જ ખુશ થયા. ખાસ તો નીતા-મુકેશને આનંદની પ્રપોઝ કરવાની વાત ખૂબ જ ગમી ગઈ. મંદિરના પવિત્ર વાતાવરણમાં પોતાના સંતાનોએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો તેનાથી નીતા ઝૂમી ઊઠ્યા હતાં.

ઇશાની સગાઈ સમયે પણ અંબાણી પરિવારે પ્રથમ પ્રભુ શ્રીહરીનું સ્મરણ કર્યું હતંુ. અંબાણી પરિવાર ભારતીય સંસ્કૃતિને ખૂબ જ માને છે. માટે ઇશાનાં લગ્નની કંકોતરી અંબાણી પરિવારે દેશના મોટાં-મોટાં મંદિરોમાં પ્રણાલી મુજબ દેવ-દેવીઓને અર્પણ કરી હતી. પ્રથમ સમરું ગણપતિદેવા માટે પરિવારે મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિર જઈ ગણપતિના આશીર્વાદ મેળવી કંકોતરી અર્પણ કરી હતી. ત્યાર બાદ પિતા મુકેશ અને દીકરા અનંતે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરે જઈને ભગવાન બાલાજી વ્યંકટેશનાં ચરણોમાં બંને કંકોતરી અર્પણ કરી હતી. જ્યારે નીતા અંબાણીએ ગુજરાતમાં આવી માતા અંબાજીનાં સાંનિધ્યમાં દીકરીના સુખી લગ્નજીવનની કામના કરી કંકોતરી અર્પણ કરી હતી. આ ઉપરાંત બદ્રીનાથ, કેદારનાથ, અને દ્વારકામાં પણ શ્રીહરિનાં ચરણે આમંત્રણ ધરવામાં આવ્યું હતું. 

Related Posts
1 of 319

આ તો વાત થઈ કંકોતરીની, પરંતુ જ્યારે ઇશાનાં પ્રિ-વેડિંગની તૈયારી ચાલતી હતી ત્યારે પણ નીતા અંબાણીએ જાતે પેલેસના લૅકમાં પ્રભુ શ્રીનાથજીની મૂર્તિનું સ્થાપન કરાવ્યંુ હતું. તમામ ફંક્શનોમાં શ્રીનાથજીની દૃષ્ટિ સતત દીકરી ઇશા પર રહે અને તેમના આશીર્વાદથી દરેક કાર્ય નિર્વિઘ્ન થાય તેવી ભાવના સાથે આ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યંુ હતું. લગ્નના કાર્યક્રમ શરૃ થયા તે પહેલાં એન્ટેલિયામાં ગ્રહશાંતિની પૂજા પણ રાખવામાં આવી હતી. ત્યાર બાદ દાદી કોકિલાબહેનના આશીર્વાદ લઈને ઇશાએ ગરબા દ્વારા ફંક્શનની શરૃઆત કરી હતી. લગ્નની એક પણ રસમ એવી નથી રહી જેમાં સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મને ભૂલવામાં આવ્યા હોય. લગ્ન સમયે એન્ટિલિયામાં માતા ગાયત્રીનું આખું પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું હતંુ. જેની થીમ ગોલ્ડ અને રેડ હતી. ગાયત્રી માતાનું આ પેઇન્ટિંગ ૧૨૦૦ કારીગરોએ તૈયાર કર્યું હતું જેમાં ટેક્સટાઇલ, ફેબ્રિક, ઍમ્બ્રૉઇડરી અને જરદોશીનું વર્ક કરવામાં આવ્યું હતંુ.

દીકરી જ્યારે માંડવામાં આવી ત્યારે ઢોલ-નગારાં નહીં, પણ માતા નીતાએ ચાંદીની ઘંટડી વગાડીને દીકરીને આવકારી હતી. જ્યારે ઇશાનો હાથ આનંદના હાથમાં સોંપવામાં આવ્યો ત્યારે સામાન્ય માતા-પિતાની જેમ જ મુકેશ-નીતા ભાવુક બની ગયાં હતાં. કન્યાદાનના આ સમય દરમિયાન મંડપની અંદર લતાજીએ ગાયત્રી મંત્ર દ્વારા ઇશા-આનંદને નવા જીવનની શુભેચ્છા પાઠવી હતી. તો અમિતાભ બચ્ચને આખી વિધિ અંગ્રેજીમાં માઇક દ્વારા મહેમાનોને સમજાવી હતી. દીકરીનાં લગ્ન પછી નીતા અંબાણીએ પરંપરા પ્રમાણે ઇશાના કાનમાં અખંડ સૌભાગ્યવતી કહ્યું હતું. આ ઉપરાંત પણ મંડપમાં સતત સીતા-રામની ધૂન વાગતી હતી. દીકરીનાં લગ્નમાં વાતાવરણને સતત ભક્તિમય રાખવામાં આવ્યું હતંુ.

દીકરી ઇશાની વિદાય દરેક પિતાની જેમ મુકેશ અંબાણી માટે પણ કપરી જ હતી. દીકરીની સાસરી વધારે દૂર ન હોવા છતાં દીકરીનાં લગ્ન થઈ ગયાં અને તે પારકી બની ગઈ તેવો અહેસાસ મુકેશ અંબાણીના ચહેરા પર આખા પ્રસંગ દરમિયાન જોવા મળ્યો છે. સામાન્ય પિતાની જેમ જ ઇશા અને પિતા મુકેશ એકબીજાને ભેટીને ખૂબ જ રડ્યાં હતાં. જ્યારે માતા નીતા આર્દ્ર સ્વરે પતિ મુકેશને સાંત્વના આપી રહ્યાં હતાં. પિતા કરોડપતિ હોય, અબજોપતિ હોય કે પછી સામાન્ય, પિતા એ તો પિતા જ છે.

આ પ્રસંગનો લેખક શૈશવ વોરાએ પોતાના બ્લોગમાં ઉલ્લેખ કરતા લખ્યું છે કે, ‘અધરં મધુરંથી શરૃ થયેલી ક્લિપ્સ.. અહાહા.. મજા આવી ગઈ.., રૃપિયો હોવો અને ટેસ્ટ હોવો બંને વાતમાં બહુ ફેર છે, શું શાલીનતાથી આખો લગ્નનો મહોત્સવ થયો છે, ખાલી ક્લીપો જોઈને જ દિલ બાગ બાગ

થઈ ગયું.., છેલ્લી ક્લીપ પેલી માંગ ભરાઈ અને મંગલસૂત્રની આવી અને પછી જે મ્યુઝિક ચાલુ થઈ જાય લક્ષ્મીનારાયણ નારાયણ..નારાયણ.., વાહ..

આવા તો અગણિત લોકો છે જે અંબાણી પરિવારનાં સંસ્કૃતિ-પ્રેમ પર ઓળઘોળ થઈ ગયા છે. કરોડોનો ખર્ચ કર્યા પછી પણ અંબાણી પરિવારે પોતાની પરંપરા, ઈશ્વર પ્રત્યેની આસ્થા પોતાના સંસ્કાર અને સંસ્કૃતિને એક પળ પણ અળગી કરી નથી. કદાચ આવા જ કારણોસર ઇશાનાં લગ્ન ખાસથી પણ વધુ ખાસ બની ગયાં.
———–

Leave A Reply

Your email address will not be published.

Translate »