તમારા માટે, તમારી સાથે, સતત…

પચ્ચીસ વર્ષ પછી કે પહેલાં, સત્ય હંમેશાં સત્ય જ રહે છે.’

તમારું મિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટની આગલી રાત્રિએ જાતીય શોષણ કર્યું

0 581
  • નવલકથા  પ્રકરણ પહેલું

– સંગીતા-સુધીર

‘આજથી પચ્ચીસ વર્ષ પહેલાં ‘મિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટ’ની આગલી રાત્રિએ અહીં બેઠેલા મિ. સત્યેન શાહે મારું જાતીય શોષણ કર્યું હતું. મારી જિંદગીનો એ સૌથી ગોઝારો દિવસ હતો.’

મુંબઈ શહેરના થોડા સમયથી વિકાસ પામેલા બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ વિસ્તારમાં હાલમાં જ એક અદ્યતન અને મૉડર્ન આર્કિટેક્ચરના નમૂના સમાન વિશ્વનું સૌથી અજાયબ એવું સભાગૃહ બંધાયું હતું. મિ. સત્યેન શાહની કન્સ્ટ્રક્શન કંપની ‘અમૃત ડેવલપર્સે’ જ એ બાંધ્યું હતું. એ

સભાગૃહમાં સૌપ્રથમ ‘મિસિસ ઇન્ડિયા’ કૉન્ટેસ્ટના વિજેતાઓને સત્કારવાનો અને એમને ઍવૉર્ડ આપવાનો કાર્યક્રમ મિ. સત્યેન શાહના આગ્રહથી જ યોજવામાં આવ્યો હતો. સભાગૃહ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલું હતું. સેંકડો લોકો સભાગૃહના મકાનને જોવા તેમ જ મિસિસ ઇન્ડિયા કોણ બને છે એ જાણવા ઉત્સુકતાથી બહાર ઊભા હતા. ફક્ત મુંબઈનાં જ નહીં, ભારતનાં જ નહીં, વિશ્વનાં બધાં જ અખબારો, મૅગેઝિનો તેમ જ ટીવી ચેનલોના રિપોર્ટરો અને એમના ફોટોગ્રાફરો એ આખા પ્રસંગને પોતપોતાનાં અખબારો, સામયિકો અને ટીવીમાં પ્રદર્શિત કરવા હાજર હતા.

આજથી બરાબર પચ્ચીસ વર્ષ પહેલાં ‘મિસ ઇન્ડિયા’નું બિરુદ જેમણે પ્રાપ્ત કર્યું હતું એ મિસ મયૂરી માણેકલાલ ભટ્ટ, જેઓ આજે મિસિસ મયૂરી મહેશકુમાર મહેતા હતાં, એમણે જ મિસિસ ઇન્ડિયાનું બિરુદ પ્રાપ્ત કર્યું છે એવી નિર્ણાયકોની જાહેરાત થતાં જ મયૂરીની આ સિદ્ધિ માટે ત્યાં હાજર પબ્લિક અવાક્ થતાંની સાથે-સાથે હર્ષઘેલી બની ગઈ હતી. મયૂરી જાતે પણ ખૂબ જ ઉત્તેજિત અને આનંદિત થઈ ગઈ હતી.

આવા સમયે મિસિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટનાં આયોજક શ્રીમતી યશોદા ઘનશ્યામ દવેએ મયૂરીને પ્રશ્ન કર્યો ઃ

‘આજથી પચ્ચીસ વર્ષ પહેલાં તમે મિસ ઇન્ડિયાનો એવૉર્ડ જીત્યો હતો. આજે મિસિસ ઇન્ડિયાનો ઍવૉર્ડ જીત્યો છે. પચ્ચીસ વર્ષ

પહેલાં મિસ ઇન્ડિયાનો ઍવૉર્ડ જીતતાં તમને જે આનંદ થયો હશે એથી પચ્ચીસ ગણો વધુ આનંદ આજે તમને થયો હશે. તમારી જિંદગીમાં અતિશય આનંદનો આ એક બીજો પ્રસંગ છે. આવા આનંદના અનેક પ્રસંગ તમારી જિંદગીમાં આવ્યા હશે અને આવતા રહેશે, પણ તમારી જિંદગીમાં જેમ આ અતિ આનંદનો દિવસ છે એવો કોઈ અતિ વિષાદનો દિવસ આવ્યો છે?’

‘હા… આજથી પચ્ચીસ વર્ષ પહેલાં ‘મિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટ’ની આગલી રાત્રિએ અહીં બેઠેલા મિ. સત્યેન શાહે મારું જાતીય શોષણ કર્યું હતું. મારી જિંદગીનો એ સૌથી ગોઝારો દિવસ હતો.’ ઉત્તર સાંભળતાં યશોદાબહેનના હાથમાંથી માઈક પડી ગયું. સભાગૃહમાં સોપો પડી ગયો. અખબારના ફોટોગ્રાફરો જેમણે એક ક્ષણ પહેલાં જ ઉપરાઉપરી મયૂરીના અસંખ્ય ફોટાઓ પાડ્યા હતા એમના કૅમેરાની ચાંપો આપોઆપ દબાતી અટકી ગઈ. સભાગૃહની બહાર મૂકવામાં આવેલ જાયન્ટ સાઈઝના બે સ્ક્રીન ઉપર આ સમારંભને જોઈ રહેલા સેંકડો લોકો, જેમના ગણગણાટથી સભાગૃહની બહારનું વાતાવરણ ગાજી રહૃાું હતું, એમનામાં એકદમ ચુપકીદી વ્યાપી ગઈ. સમગ્ર માનવમેદનીમાં મિ. સત્યેન શાહને ન ઓળખે એવી કોઈ વ્યક્તિ નહોતી.

‘અમૃત ગ્રૂપ’ના ચૅરમેન, ભારત તેમ જ વિદેશની અનેક ખ્યાતનામ કંપનીઓના ડિરેક્ટર, અસંખ્ય નામાંકિત, સામાજિક તેમ જ ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટી અને જય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ સત્યેન શાહ અત્યંત જાણીતા અને લોકપ્રિય હતા. એમના ઉપર આવો ભયંકર જાતીય શોષણ કરવાનો આક્ષેપ સાંભળતાં જ હાજર સૌ અવાક્ બની ગયા.

સ્મશાનવત્ ફેલાયેલી શાંતિનો ભંગ કરતાં રિપોર્ટરોમાંના એકે મયૂરીને હિંમત કરીને પ્રશ્ન કર્યો ઃ

‘મિ. સત્યેન શાહે જ્યારે તમારું મિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટની આગલી રાત્રિએ જાતીય શોષણ કર્યું ત્યારે બીજે જ દિવસે યોજાયેલ આવા જ સમારંભમાં એ જાહેર કેમ ન કર્યું? આજે પચ્ચીસ વર્ષ પછી મિ. સત્યેન જેવી નામાંકિત વ્યક્તિ ઉપર આવો ગંદો આક્ષેપ કેમ કરો છો?’

‘મેં આક્ષેપ નથી કર્યો. સત્ય હકીકત જણાવી છે.’ વિફરેલી વાઘણની જેમ મયૂરીએ એ રિપોર્ટરને તોડી પાડતાં કહૃાું.

‘સત્ય હકીકત જણાવવા માટે તમે પચ્ચીસ વર્ષ અને આ પ્રસંગની વાટ જોઈ?’ એ રિપોર્ટર પણ ગાંજ્યો જાય એવો નહોતો.

‘પચ્ચીસ વર્ષ પછી કે પહેલાં, સત્ય હંમેશાં સત્ય જ રહે છે.’ ‘નહીં. સમયના વહેણની સાથે-સાથે સત્યની સત્યતા પણ વહી જાય છે.’ પ્રશ્ન પૂછતાં-પૂછતાં એ રિપોર્ટર મયૂરીની નજીક જવા લાગ્યો. કૉન્ટેસ્ટના સ્વયંસેવકોએ એને અટકાવ્યો. એમની વચ્ચે થોડીક ઝપાઝપી થઈ. આ દરમિયાન અન્ય રિપોર્ટરો પણ મયૂરીને પ્રશ્ન પૂછવાના ઇરાદાથી ઘેરી વળ્યા. ફોટોગ્રાફરોએ હવે એમના કૅમેરાઓની ચાંપો દબાવવાનું શરૃ કર્યું. સભાગૃહની માનવમેદની જે થોડીક ક્ષણો માટે આશ્ચર્યને કારણે શાંત થઈ ગઈ હતી એ મયૂરીના કથન વિશે પોતપોતાના વિચારો જણાવવા લાગી. બહાર ઊભેલી માનવમેદની પણ હવે મોટે-મોટેથી મયૂરીના કથન બદલ એમના પ્રત્યાઘાતો કહેવા લાગી. ખૂબ જ ચહલપહલ મચી ગઈ. સમારંભનું વાતાવરણ બદલાઈ ગયું, કલુષિત થઈ ગયું. સમારંભ અટકી ગયો.

‘આ બાઈ જુઠ્ઠી છે. સત્યેન શાહ જેવા માણસ આવું કોઈ કૃત્ય કરે જ નહીં.’

‘અરે, જાતીય શોષણ થયું હોય તો કોઈ પચ્ચીસ-પચ્ચીસ વર્ષ સુધી મૂંગું રહે!’

‘જરૃર આ ઓપોઝિશનનું કાવતરું છે.’

‘કંઈ કહેવાય નહીં. હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા હોય છે.’

‘મોટા માણસો એમની મોટાઈની આડમાં જ આવાં કૃત્યો કરતાં હોય છે.’

‘પણ જો સત્યેન શાહે મયૂરીનું જાતીય શોષણ કર્યું હોય તો આટલાં વર્ષો સુધી એ ચૂપ કેમ રહી?’

‘અરે, આ તો પ્રસિદ્ધિ મેળવવાનો એક સહેલો રસ્તો છે.’

‘પણ મયૂરીને તો પ્રસિદ્ધિ મળી છે.

પહેલાં મિસ ઇન્ડિયા અને આજે મિસિસ ઇન્ડિયા તરીકે એ ચૂંટાઈ છે.’

‘મિસિસ ઇન્ડિયા બની એટલે જ એનામાં આવા મોટા માણસ સામે આક્ષેપ કરવાની હિંમત આવી.’

‘મોટા માણસો આવાં કાળાં કૃત્યો કરે છે અને એમની મોટાઈ પાછળ એ બધાં ઢંકાઈ જાય છે.’

‘હા, હા, સ્ત્રીઓ જાતીય શોષણની મોટા માણસોની બીકને લીધે જ જાણ નથી કરતી હોતી.’

‘સ્ત્રીને જોઈને તો ભલભલા ચલિત થઈ જાય છે. વિશ્વામિત્ર મેનકા પાછળ ઘેલા નહોતા બન્યા? મયૂરી તો મિસ ઇન્ડિયા બની હતી એટલે એના રૃપે સત્યેન શાહને પીગળાવી નાખ્યા હશે.’

જેટલાં મોઢાં એટલી વાતો. ટોળાંનું કંઈ જ નિશ્ચિત નથી હોતું. અનેકે મયૂરીને જુઠ્ઠી અને પ્રસિદ્ધિની લાલચુ ઠેરવી. ઘણાએ મયૂરીના કથનને એ પબ્લિસિટી સ્ટન્ટ છે એવું માન્યું. કોઈને વળી મયૂરી સાચું કહેતી હોય, મોટા માણસોનો શું ભરોસો એવો વહેમ પણ આવ્યો. ટૂંકમાં, એ સમારંભમાં મયૂરીના કથનને કારણે સત્યેન શાહ વગોવાઈ ગયા.

એ આખી સાંજ અને ત્યાર બાદના કેટલાય દિવસ મયૂરી ઇન્ટરવ્યૂ આપવામાં વ્યસ્ત રહી. સત્યેન શાહ માટે એણે જે વાતો કરી એ ભયંકર ચોંકાવનારી અને એમને ઓળખતા લોકોના માન્યમાં ન આવે એવી હતી. અખબારોને તો આવો જ મસાલો જોઈતો હતો. એમણે મોટાં-મોટાં મથાળાં બાંધી એમનાં અખબારોના પ્રથમ પાને સત્યેન શાહ વિશે મયૂરીએ જે જણાવ્યું હતું એમાં મીઠું-મરચું ભભરાવીને અહેવાલો છાપ્યા. વિશ્વનાં લગભગ બધાં જ મૅગેઝિનોએ એમના ત્યાર બાદના અંકોમાં મયૂરીની આપવીતી અને સત્યેન શાહની કાળી કરણીથી પાનાં ભર્યાં. મયૂરીના પચ્ચીસ વર્ષ પહેલાંના, એ મિસ ઇન્ડિયા બની એ સમયના, ઉઘાડા અને કામુકતાથી ભરપૂર એવા ફોટાઓ એમણે છાપ્યા. ટીવી ચેનલોએ પણ ઉપરાઉપરી મયૂરીના ઇન્ટરવ્યૂ લીધા અને પ્રદર્શિત કર્યા.

સત્યેન શાહ, જેઓ આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજર હતા, એમને મયૂરીના કથન બદલ ખુલાસો કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ ‘નો કમેન્ટ્સ’ કહીને ચૂપ રહૃાા. આથી બધાએ જ મયૂરીના કથનને સત્ય માની લઈને એમાં કેટલું તથ્ય છે એની તપાસ કર્યા સિવાય સત્યેન શાહની વગોવણી કરી.

સત્યેન શાહ વિરુદ્ધ મયૂરીની વગોવણીનો જુવાળ શાંત પડે એ પહેલાં એક પછી એક બીજી ચાર સ્ત્રીઓએ પણ ‘મી-ટુ’ ઉચ્ચારીને સત્યેન શાહ વિરુદ્ધ જાતીય સતામણીના આક્ષેપો કર્યાં. અખબારો અને મૅગેઝિનોએ એ સરવે, સંયમ દાખવ્યા સિવાય છાપ્યા. સત્યેન શાહ વગોવાઈ ગયા. સૌ એમને થૂ-થૂ કરવા લાગ્યા. એમની કંપનીના શૅરોના ભાવો રાતોરાત ઘટી ગયા. જે-તે સંસ્થામાં તેઓ ટ્રસ્ટી હતા એમણે એમનું રાજીનામું માગ્યું. એમની પાર્ટીએ એમની પાસેથી ઉપાધ્યક્ષની જવાબદારી લઈ લીધી અને પાર્ટીમાંથી બરતરફ કર્યા. એટલું જ નહીં, પણ એવાં વિધાનો પણ કર્યાં કે સત્યેન શાહની કાળી કરતૂતોની એમને જાણ નહોતી, નહીં તો તેઓ આવી વ્યક્તિને એમની પાર્ટીમાં સામેલ જ ન કરત.

ફક્ત પેલો રિપોર્ટર અટલ, જેણે મયૂરીને પ્રશ્ન કરવાની હિંમત કરી હતી કે, ‘જો તમારું પચ્ચીસ વર્ષ પહેલાં જાતીય શોષણ થયું હતું તો તમે પચ્ચીસ પચ્ચીસ વર્ષ સુધી ખામોશ કેમ રહૃાાં?’ એણે એકલાએ સત્ શું છે એ શોધવાનો પ્રયત્ન આદર્યો.

*  *  *

‘હું એ સમયે ફક્ત સત્તર વર્ષની ગભરુ, ગામડિયણ હતી. નવસારીથી વીસ કિલોમીટર દૂર આવેલ ગણદેવી ગામમાં મારો જન્મ. ઉછેર પણ ત્યાં જ. દસમી પછી મારા ખેડૂત પિતાએ શહેરની કૉલેજમાં ભણવા જવાની ચોખ્ખી ના પાડી એટલે મારું ઍજ્યુકેશન ફક્ત સ્કૂલ સુધીનું જ.

એક રવિવારે અમારા આખા કુુટુંબને પૂજ્ય બાપુએ જ્યાંથી સત્યાગ્રહની કૂચ આદરી હતી એ દાંડીના દરિયાકિનારે મારા પિતા ફરવા લઈ ગયા. એક ફિલ્મનું યુનિટ શૂટિંગ માટે ત્યાં આવ્યું હતું. એના ફોટોગ્રાફરે મને જોઈ. એણે મારા પિતાને કહૃાું, ‘તમારી દીકરી તો મિસ ઇન્ડિયા બનવાને લાયક છે.’ એ ફોટોગ્રાફરે મારા થોડા ફોટા પાડ્યા અને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપતાં મારા પિતાને જણાવ્યું કે તેઓ મને લઈને મુંબઈ આવે. મારા પિતાએ તો આ વાત અવગણી, પણ મારો મોટો ભાઈ મયંક મારા પિતાની પાછળ પડી ગયો. આખરે મારા પિતા માન્યા. એક દિવસ હું, મયંક અને મારા પિતા એ ફોટોગ્રાફરને મળવા મુંબઈ ગયાં.

એ પછી મારી જિંદગી સાવ બદલાઈ ગઈ. મારા પિતા, જેમને મિસ ઇન્ડિયા સ્પર્ધા વિશે કંઈ પણ જાણકારી નહોતી, એમને એ વિશે માહિતી મળતાં અને આગલાં વર્ષોમાં એ સ્પર્ધામાં ભાગ લેનાર છોકરીઓના ફોટાઓ જોતાં એવું લાગ્યું કે હું જરૃરથી મિસ ઇન્ડિયા બની શકું. મયંકનું પણ એવું જ માનવું હતું. મુંબઈમાં અમારા એક સગાના ઘરે રહીને મેં મિસ ઇન્ડિયા બનવાની તાલીમ લેવાનું શરૃ કર્યું. સારસંભાળ લેવા મયંક પણ મુંબઈમાં રોકાયો. એક વર્ષની આકરી તાલીમ લીધા બાદ સૌને એવું જણાયું કે હવે હું મિસ ઇન્ડિયા સ્પર્ધા માટે તૈયાર થઈ ચૂકી છું આથી એ વર્ષમાં યોજાનારી મિસ ઇન્ડિયાની સ્પર્ધામાં ભાગ લેવા માટે મેં મારું નામ નોંધાવી દીધું.

એક પછી એક ઉપરાઉપરી, જાતજાતની ટેસ્ટ આપ્યા બાદ આખરે હું સેમિ-ફાઇનલમાં પહોંચી. મારી જોડે બીજી વીસ છોકરીઓ પણ સેમિ-ફાઇનલમાં ચૂંટાઈ આવી હતી. એ બધી જ મોટાં-મોટાં શહેરોમાં રહેનારી હતી. દરેકનો એટિટ્યૂડ ભયંકર હતો. મને તો એ બધી તુચ્છ ગણતી હતી.

‘તું ગુજ્જુ, ગામડાની છોકરી મિસ ઇન્ડિયા શું બનવાની હતી?’ મારા માટે મારી પ્રતિસ્પર્ધીઓ આવું કહેતી હતી. એમનામાં અંદરોઅંદર પણ એકબીજા પ્રત્યે ખૂબ જ ઈર્ષા હતી. મોઢા ઉપર એકબીજાનું સારું બોલતી, પણ જેવી પીઠ ફરે કે એની ખણખોદ કરતી. એ દરેકેદરેક યુવતી એમના વર્તન દ્વારા મને આંચકાઓ આપતી હતી. સ્પર્ધાના આયોજકોને એ બધી સહજતાથી છૂટછાટ લેવા દેતી. સામે મળતા આયોજકોને તેઓ ‘જયશ્રી કૃષ્ણ’ કે ‘જય જિનેન્દ્ર’ અથવા ‘નમસ્તે’ કે ‘ગુડ મોર્નિંગ’ ન કહેતી, પણ ગળે વળગતી. આયોજકો એમના ગાલે ચુંબનો કરતા. મેં એવું સાંભળ્યું હતું કે એ બધીએ જ આયોજકો અને સ્પર્ધાના નિર્ણાયકો જોડે અંગત સંબંધો પણ બાંધ્યા હતા.

આ બધું જોયા અને જાણ્યા બાદ મને સ્પર્ધામાંથી નીકળી જવાનું મન થયું. એ યુવતીઓની જેમ મારી જાત જોડે સ્પર્ધાના આયોજકો કે નિર્ણાયકોને છૂટછાટ લેવા-દેવા હું તૈયાર નહોતી.

મયંકને મેં મારી આ દ્વિધા જણાવી.

‘શહેરોમાં રહેતી છોકરીઓમાં આ બધું ખૂબ જ સામાન્ય છે. તું ગામડામાં રહી છે એટલે તને આ બધું અજુગતું લાગે છે. તને જો ઠીક ન લાગે તો તારે આવી છૂટછાટ આપવાની જરૃર નથી. સ્પર્ધા તું તારા રૃપને કારણે અને સામાન્ય જ્ઞાનનો તેં એક વર્ષ અભ્યાસ કર્યો છે એના લીધે જીતીશ. આપણા પિતાએ તો તારા વસ્ત્રપરિધાન લખલૂટ ખર્ચે પરદેશના ડિઝાઇનરો આગળ તૈયાર કરાવ્યા છે. તું સ્પર્ધા છોડી દેવાનો ખોટો વિચાર ન કર. છેલ્લા એક વર્ષથી આપણે આ સ્પર્ધા જીતવા માટે તનતોડ મહેનત કરી છે. હવે એમાં પાછીપાની કરવી ન જોઈએ.’

સેમિ-ફાઇનલમાંથી ફાઇનલ માટે સાત યુવતીઓ ચૂંટાઈ. એમાંથી ફાઇનલમાં ત્રણ યુવતીઓ ચૂંટાય. એ ત્રણમાંથી પ્રથમ કોણ, દ્વિતીય કોણ અને છેલ્લે તૃતીય કોણ એ નક્કી કરવામાં આવે. ફાઇનલમાં ચૂંટાયેલી એ સાત યુવતીઓમાં હું પણ એક હતી. અમારી એ સફળતા માટે આયોજકોએ એક સાંજના ડિનરનું આયોજન કર્યું હતું.

Related Posts
1 of 279

પરદેશના પણ જાણીતા લોકોને એ ડિનરમાં આમંત્રવામાં આવ્યા હતા. હોલિવૂડની મોટી મોટી હસ્તીઓ ત્યાં મોજૂદ હતી. ફાઇનલ સ્પર્ધા માટે ચૂંટાયેલ અમે સાતેય યુવતીઓનો પરિચય એ બધી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જોડે કરાવવામાં આવ્યો. મિસ્ટર સત્યેન શાહ પણ એમાં હતા. જ્યારે મારી ઓળખ એમની સાથે સ્પર્ધાના આયોજકે કરાવી ત્યારે સત્યેન શાહે મારી સાથે હસ્તધૂનન કરતાં જણાવ્યું કે, ‘હું નિર્ણાયક કમિટીનો ચૅરમેન છું.

સ્પર્ધા જીતવી હોય તો મારો સંપર્ક રાખજે.’ તે વખતે મને તેઓ શું કહેતા હતા એ ન સમજાયું.

ફાઇનલમાં જે સાતેય યુવતીઓ ચૂંટાઈ એમાં હું પણ એક હતી. અમારામાંથી પ્રથમ કોણ હશે એ નિર્ણય માટે ગોવાની ખૂબ જ મશહૂર હોટેલમાં સ્પર્ધા યોજાઈ હતી. અમે સાતેય બે દિવસ પૂર્વે ગોવા પહોંચી ગઈ.

સ્પર્ધાની આગલી સાંજે ભોજન સમારંભ યોજાયો હતો એમાં નિર્ણાયક કમિટીના સત્યેન શાહ પણ હતા. એમણે એ સમયે કોઈ ન સાંભળે એમ મને કહૃાું ઃ

‘પ્રથમ આવવું હોય તો ડિનર પછી મળજે.’

પ્રથમ સ્થાન કેમ મેળવાય એને લગતી કોઈ ટિપ તેઓ આપવા માગતા હશે એવું મને લાગ્યું. એમના કહેવા મુજબ ડિનર બાદ હું એમના સ્યૂટમાં ગઈ.

સ્પર્ધામાં પ્રથમ જાહેર થનાર યુવતીને જે ક્રાઉન પહેરાવવાનો હતો એ લાલ માણેક અને અન્ય ચળકતા પથ્થરોથી અત્યંત આકર્ષક દીસતો મુગટ એમના સ્યૂટમાં બરોબર વચ્ચે મૂકવામાં આવેલ ટેબલ પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. મને જોતાં જ સત્યેન શાહ ખુશ થઈ ગયા. મારો હાથ પકડીને તેઓ સ્યૂટની અંદર લઈ ગયા. પછી ટેબલ પર મૂકવામાં આવેલ એ મુગટ તરફ અંગુલીનિર્દેશ કરીને એમણે મને પૂછ્યું ઃ

‘કેવો લાગે છે આ મુગટ?’

‘ખૂબ જ સુંદર…’ મેં જવાબમાં કહૃાું હતું.

‘પણ એ જો અહીં ટેબલ ઉપર છે એના બદલે તારા માથા ઉપર હોય તો વધુ સુંદર લાગશે, નહીં?’ એમણે મને બીજો પ્રશ્ન કર્યો હતો.

સ્વાભાવિક છે કે હું આ પ્રશ્નનો ઉત્તર હકારમાં જ આપું.

એ પછી એમણે એ મુગટ હાથમાં લઈને મને પહેરાવ્યો અને કહૃાું ઃ ‘સામે કાચમાં જો, મારાથી તો નક્કી નથી કરી શકાતું કે મુગટના લીધે તું સુંદર દેખાય છે કે તારા લીધે મુગટ સુંદર દેખાય છે.’

હું એ સમયે ખૂબ જ શરમાઈ ગઈ.

મેં સત્યેન શાહને કહૃાું ઃ ‘પ્રથમ આવવા માટે તમે જે ટિપ આપવાના છો એ કહો.’

‘જો, પહેલાં તો મારે એ જોવું છે કે તેં જે આ યુરોપના ફેશન ડિઝાઇનરે તૈયાર કરેલ વસ્ત્રો પહેર્યાં છે એના લીધે તું સુંદર દેખાય છે કે હકીકતમાં તું ખરેખર સુંદર છે.’

‘એટલે?’ તેઓ શું કહી રહૃાા હતા એ સમજ ન પડતાં મેં પૂછ્યું.

‘એટલે… એમ કે તેં પહેેરેલાં વસ્ત્રોનો ત્યાગ કર. મારે તારું કુદરતી સૌંદર્ય જોવું છે.’

‘આ તમે શું કહો છો?’ આશ્ચર્યચકિત અને સાથે-સાથે ગભરાતાં ગભરાતાં મેં એમને પૂછ્યું.

‘એ જ કે મારે તને વસ્ત્રવિહીન જોવી છે, જેથી હું નક્કી કરી શકું કે મિસ ઇન્ડિયા સ્પર્ધામાં તને પ્રથમ સ્થાન આપવું કે નહીં.’

‘કેવી વાહિયાત વાત કરો છો?’ સત્યેન શાહ શું કહી રહૃાા હતા એ સમજાતાં મેં મારો ગુસ્સો પ્રદર્શિત કર્યો ઃ

‘તમે બીજી છ સ્પર્ધકોને પણ આવી જ રીતે નિર્વસ્ત્ર જોવાના છો?’

‘તારે એ જાણવાની શું જરૃર છે? જો, તું મને ગમી ગઈ છે એટલે આ ઑફર કરું છું.’

‘આવી ઑફર મને મંજૂર નથી. તમે મને નગ્ન થવાની વાત કરો છો? આવી વાહિયાત વાત તમે કઈ રીતે કરી શકો?’

‘એમાં વાહિયાત શું છે? મને તારી સુંદરતા જોવી છે, જેથી હું નિર્ણય કરી શકું કે તને પ્રથમ સ્થાન આપવું કે નહીં?’

‘મિસ્ટર સત્યેન શાહ, હું તમને એક સજ્જન પુરુષ માનતી હતી. તમે આવા નીચ હશો, આવી ગંદી માગણી કરશો એવી ખબર હોત તો હું અહીં આવી જ ન હોત.’

‘જો, આવી સ્પર્ધાઓમાં શું થાય છે એની તને જાણ જ નથી. બ્યુટી કૉન્ટેસ્ટમાં ભાગ લેનાર યુવતીઓએ નિર્ણાયકોની માગણીઓ સંતોષવી જ પડે છે તો જ તેઓ સ્પર્ધામાં જીતી શકે છે.’

‘સોરી… મારે આ સ્પર્ધા આવી રીતે નથી જીતવી. આ લો તમારો મુગટ, મને એ નથી જોઈતો.’ મેં માથા પરથી મુગટ ઉતાર્યો અને મિસ્ટર સત્યેન શાહને ધર્યો. એમણે મુગટ પકડેલો મારો હાથ પકડી લીધો અને પછી એ ખેંચ્યો. મને બાથ ભરી. ચુંબનોથી મને નવડાવી દીધી. બળ કરી હું એમનાથી છૂટી થઈ. સ્યૂટમાંથી બહાર જવા દોડી. એમણે દોડીને મને પકડી લીધી. પછી ઘસડીને સ્યૂટના જાયન્ટ સાઈઝના બેડ ઉપર સૂવડાવી. મેં કાલાવાલા કર્યા, આજીજીઓ કરી, હું એમની દીકરીની ઉંમરની છું એવું પણ જણાવ્યું. તેઓએ મારી એકેય વાત ન સાંભળી. બેડ ઉપરથી ઊભી જ થવા ન દીધી. મેં એમનો પ્રતિકાર બળ વડે, પગેથી લાતો મારીને અને હાથેથી લાફા મારીને કર્યો. એમના બળ આગળ મારી શક્તિ નકામી નીવડી. આખરે સત્યેન શાહે એમની હવસ પૂરી કરી. એ રાત્રિના મેં અનેક વાર આપઘાત કરવાનો વિચાર કર્યો, પણ હું જો આવું પગલું ભરું તો મારા પિતાની બદનામી થાય.

મયંક કંઈક કારણસર મારી જોડે ગોવા આવી શક્યો ન હતો. એને ફોન કરીને સત્યેન શાહનું અપકૃત્ય જણાવવાનો વિચાર કર્યો, પણ ‘તું એમના સ્યૂટમાં ગઈ જ કેમ?’ મયંક મને સામો આવો જ પ્રશ્ન કરશે આવો વિચાર આવતા મેં એનો સંપર્ક ન સાધ્યો. મારી જોડે સ્પર્ધામાં બીજી છ યુવતીઓ હતી, એમને મારા ઉપર થયેલ બળાત્કારની જાણ કરું એવો પણ વિચાર આવ્યો, પણ જો એવી જાણ કરીશ તો તેઓ એવો આપેક્ષ કરશે કે અત્યાર સુધી હું મારી જાતસમર્પિત કરીને જ સ્પર્ધા જીતતી આવી છું. આવા આવા વિચારોને કારણે જ મારી ઉપર જે જબરજસ્તી થઈ હતી એ મેં કોઈને ન જણાવી.

સ્પર્ધામાં મને પ્રથમ જાહેર કરવામાં આવી. આગલી રાત્રે લૂંટાઈ ચૂકેલી હું મિસ ઇન્ડિયા જાહેર થઈ. મારા માથે મિસ ઇન્ડિયાનો મુગટ પહેરાવતાં એ નફ્ફટ સત્યેન શાહે મને કાનમાં કહૃાું ઃ ‘ગઈકાલની રાત્રિના બદલામાં આ મુગટ તને પહેરાવું છું.’ મને એ સમયે એ નીચ અને હલકટને એક તમાચો ચોડી દેવાનું મન થયું. બદનામીને કારણે હું ચૂપ રહી. હું એક ગામડાની ગભરુ છોકરી અને સત્યેન શાહ મોટા જબરજસ્ત ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ. લોકો મારી વાત સાચી ગણશે જ નહીં. મેં નક્કી કર્યું કે યોગ્ય અવસર આવતાં હું જરૃરથી સત્યેન શાહને ખુલ્લો પાડીશ. આજે પચ્ચીસ વર્ષ બાદ જ્યારે મારું સ્ટેટસ સત્યેન શાહનાં પત્ની સાવિત્રી જેટલું જ છે, મારા પતિ પણ એક ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે, આજે મેં મિસિસ ઇન્ડિયાનું બિરુદ પ્રાપ્ત કર્યું છે ત્યારે મારામાં સત્યેન શાહને ઉઘાડો પાડવાની હિંમત આવી છે. આજથી પચ્ચીસ વર્ષ પહેલાં મિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટની આગલી રાત્રિએ સત્યેન શાહે મારું જાતીય શોષણ કર્યું હતું. મારી જિંદગીનો એ સૌથી ગોઝારો દિવસ હતો.

સૌથી વધુ ફેલાવો ધરાવતાં સ્ત્રીઓના અતિ માનીતાં મૅગેઝિન ‘ગજગામિની’એ મિસિસ મયૂરી મહેશકુમાર મહેતાનો ઉપર પ્રમાણે ઇન્ટરવ્યૂ એમના મૅગેઝિનમાં પ્રકાશિત કર્યો હતો. સાથે-સાથે એ મૅગેઝિને, જેમણે ગયા અઠવાડિયે જ મિસિસ ઇન્ડિયાનો ખિતાબ મેળવ્યો હતો એ, મિસિસ મયૂરીના નાનપણથી લઈને અત્યાર સુધીના અનેક રંગબેરંગી ફોટાઓ પણ છાપ્યા હતા. બે લાખ નકલનો ફેલાવો ધરાવતાં એ મૅગેઝિનને મયૂરીના ઇન્ટરવ્યૂવાળી નકલ ત્રણ વાર છાપવી પડી હતી. એ ઈસ્યુનું વેચાણ છ લાખનો આંક આંબી ગયું હતું.

સત્યેન શાહ, એમની પત્ની સાવિત્રી, પુત્ર મંથન તેમ જ એમનાં અન્ય સગાંવહાલાં, મિત્રો અને એમની સાથે વ્યાવહારિક સંબંધો ધરાવતી વ્યક્તિઓએ મયૂરીના ‘ગજગામિની’માં પ્રગટ થયેલ ઇન્ટરવ્યૂને કારણે આશ્ચર્યજનક આઘાત અનુભવ્યો. આ આઘાતની અસરમાંથી તેઓ બહાર નીકળે એ પહેલાં, એક પછી એક, બીજી ચાર જાણીતી સ્ત્રીઓએ પણ સત્યેન શાહ વિરુદ્ધ જાતીય શોષણના કરેલા આક્ષેપો ‘ગજગામિની’ તેમ જ અન્ય મૅગેઝિનો અને અખબારોએ પ્રસિદ્ધ કર્યા. હવે સૌને લાગ્યું કે સત્યેન શાહ ખરેખર એક દંભી, વ્યભિચારી અને લંપટ વ્યક્તિ છે. સારા હોવાનો દંભ કરતાં એમણે અનેક વ્યભિચારી કૃત્યો આદર્યાં છે. લાચાર સ્ત્રીઓની પરિસ્થિતિનો લાભ લઈ સત્યેન શાહે એમનું જાતીય શોષણ કર્યું છે.

એક સમયની ટોચની અભિનેત્રી મહેક મોમિન, જે એના સમયકાળ દરમિયાનના ટોચના પ્રોડ્યુસર તેજાની સાથે છેલ્લાં થોડાં વર્ષોથી લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતી હતી એણે મયૂરીના ગાણામાં સૂર પૂરાવ્યો અને ‘મી ટુ’, ‘મારી જોડે પણ…’ એવું કહીને સત્યેન શાહ વિરુદ્ધ આક્ષેપ કર્યો ઃ

‘આજથી વીસ વર્ષ પહેલાં સત્યેન શાહે મારું પણ મયૂરીની જેમ જ જાતીય શોષણ કર્યું હતું.’

સ્વિમિંગ ચેમ્પિયન અને ઑલિમ્પિક્સમાં ઇન્ડિયાનું નામ ઊજળું કરનાર ગોલ્ડ મેડાલિસ્ટ બત્રીસ વર્ષની સુઝન સેલવમ હજુ સુધી કુંવારી હતી. એણે પણ મયૂરીની વાત સાંભળી. એણે પણ મહેકની જેમ ‘મી ટુ’નું આક્રંદ કર્યું ઃ

‘આજથી પંદર વર્ષ પહેલાં સત્યેન શાહે મારું પણ મયૂરીની જેમ જ જાતીય શોષણ કર્યું હતું.’

કામોત્તેજક નવલકથાઓ લખવા માટે પંકાયેલી પાંત્રીસ વર્ષની રંજના સેન ઉર્દૂના મશહૂર લેખક અલ્તાફ અકબરીને પરણી હતી. લગ્ન કરતાં મુસ્લિમ ધર્મ અંગીકાર કરનાર રંજનાને થોડા સમય પહેલાં એના શૌહરે ત્રિપલ તલાકની પ્રથા હેઠળ ત્રણ વખત તલાક ઉચ્ચારીને છૂટાછેડા આપ્યા હતા. ડિવૉર્સ મળ્યાને બીજા દિવસે રંજનાએ પણ મયૂરીની વાત વાંચતાં મહેક અને સુઝનની જેમ જ ‘મી ટુ’ની બૂમ પાડીને સત્યેન શાહને બદનામ કરતાં જાહેર કર્યું હતું ઃ

‘આજથી દસ વર્ષ પહેલાં સત્યેન શાહે મારું પણ મયૂરીની જેમ જ જાતીય શોષણ કર્યું હતું.’

રમણી લચ્છુ અદનાની સમાજસેવિકા હતી. પંચાવન વર્ષની વય ધરાવતી એ

પરિણીત સ્ત્રીએ પણ મયૂરીની વાતો સાંભળીને મહેક, સુઝન અને રંજનાની જેમ જ ચિત્કાર કર્યો ‘મી ટુ’ ઃ

‘આજથી પાંચ વર્ષ પહેલાં સત્યેન શાહે મારું પણ મયૂરીની જેમ જ જાતીય શોષણ કર્યું હતું.’

આજ સુધી સમાજમાં અતિશય પ્રતિષ્ઠા ધરાવનાર સત્યેન શાહ હવે એટલો વગોવાઈ ગયો હતો કે એને મોઢું છુપાવવા માટે કોઈ જગ્યા બાકી રહી નહોતી. આટઆટલા આક્ષેપો એની સામે થયા છતાં એને પૂછવામાં આવેલ પ્રશ્ન કે ‘આ આક્ષેપોના જવાબમાં તમારે શું કહેવું છે?’ એણે ‘નો કમેન્ટ્સ’નો કક્કો પકડી રાખ્યો હતો. રિપોર્ટર અટલ સત્યેન શાહના કંઈ પણ ખુલાસો કરવાની ના પાડવાના વર્તનથી અકળાઈ ગયો હતો. એને પણ હવે એવું લાગવા માંડ્યું હતું કે મિસિસ મયૂરી મહેશકુમાર મહેતાનું કહેવું સાચું હશે. મયૂરીનો મોટો ભાઈ મયંક એની બહેનના કથનથી ચોંકી ગયો હતો. પચ્ચીસ વર્ષ પહેલાં એની બહેન ઉપર બળાત્કાર કરનાર સત્યેન શાહનો જીવ લેવા એ તલપાપડ થઈ ગયો હતો.
(ક્રમશઃ)
————–.

સર્જક સંગીતા-સુધીરનો પરિચય
સંગીતા જોશી એટલે ‘પ્રીત, પિયુ અને પન્નાબેન’નાં પન્નાબેન. ટીવી સિરિયલ ફિલ્મો તેમ જ નાટકોમાં અભિનયના ઓજસ પ્રસરાવતાં પ્રતિભાશાળી એક્ટર હોવા ઉપરાંત તેઓ એક કુશળ ફોટોગ્રાફર પણ છે. એમના ક્લિક કરેલા ફોટાઓનું ઍક્ઝિબિશન મુંબઈની પ્રતિષ્ઠિત જહાંગીર આર્ટ ગૅલરીમાં યોજાયું છે. વિશ્વપ્રવાસી હોવા ઉપરાંત તેઓ એમના પતિ ડૉ. સુધીર શાહ, ઍડ્વોકેટ સાથે પ્રવાસવર્ણનો લખવા માટે પંકાયેલા છે. એમના પુસ્તક ‘અમેરિકાના શો’ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય એકેડેમીએ વર્ષ ૨૦૧૨માં પ્રથમ પુરસ્કાર આપ્યો છે.

ડૉ. સુધીર શાહ, ઍડ્વોકેટ ભારતીયોના અમેરિકન સ્વપ્ના સાકાર કરવામાં કાયદાકીય મદદ કરે છે. ‘થિયરી ઑફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ સ્થળાંતરનો આ નવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવા બદલ મુંબઈ યુનિવર્સિટીએ એમને ડૉક્ટરેટની ઉપાધિથી નવાજ્યા છે. અમેરિકાના વિઝા વિશે એમણે પાંચ હજારથી વધુ લેખ લખ્યા છે. અગિયાર વર્ષ ‘ઇકોનોમિક ટાઈમ્સ’, પંદર વર્ષ ‘મુંબઈ સમાચાર’ ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘વ્યાપાર’ અને ‘ઇમિગ્રેશન ટાઈમ્સ’માં એમના લેખો પ્રસિદ્ધ થયા છે. અગિયાર વર્ષથી તેઓ ‘ગુજરાત મિત્ર’માં વાચકોને અમેરિકાના ઇમિગ્રેશન વિશે જાણકારી આપે છે. સંયુક્ત રીતે પ્રવાસવર્ણનો અને નવલકથા લખતાં આ દંપતી એટલું ઝઘડી પડે છે કે જોનારને એમ જ લાગે કે કાલથી તેઓ ડિવોર્સ લઈ લેશે. એમની આ ઉગ્ર ચર્ચા જ એમના લખાણને ઉચ્ચ કોટિ સુધી પહોંચાડે છે. સુધીરભાઈએ લખેલ નાટક ‘પશા પટેલને વિઝા મળ્યા’માં ડિરેક્ટર અરવિંદ જોશીએ સંગીતાબહેનને મુખ્ય ભૂમિકામાં કાસ્ટ કર્યા હતા. નાટકનાં રિહર્સલો શરૃ થયાં એ દરમિયાન અરવિંદ જોશીને પક્ષાઘાતનો હુમલો થયો. નાટક ખોરંભે પડ્યું. પશા પટેલને વિઝા ન મળ્યા, પણ સંગીતા-સુધીરની સર્જક જોડી એકમેકને મળી. ત્યારથી એમના સંયુક્ત સર્જનની શરૃઆત થઈ.

સંગીતા-સુધીરની પ્રથમ નવલકથા ‘આભને આલિંગન’ ‘ગુજરાત મિત્ર’માં હપ્તાવાર પ્રગટ થઈ હતી. બીજી નવલકથા ‘કલ આજ ઔર કલ’ માટે જાણીતાં લેખિકા ડૉ. નલિની માડગાંવકરે જણાવ્યું છે કે, ‘હિન્દુ-મુસ્લિમની એકતા આણવામાં આ નવલકથા ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે.’ ‘અભિયાન’માં આજથી પ્રગટ થતી નવલકથા ‘સત્-અસત્’ એમની ત્રીજી નવલકથા છે.
————————–.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »