તમારા માટે, તમારી સાથે, સતત…

ગીરના નેસ અને ગીરકેસરીના વળતા પાણી

જંગલમાં વન વિભાગે સિંહો માટે પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી કરી

0 679
  • કવર સ્ટોરી – હિંમત કાતરિયા

રૃડી ને રળિયામણી હરિયાળી ને હેતાળ, ચારણ ગીર નતી છોડવી, તારા પશુને પાછા વાળ્ય, હરિયાળી ગીર છે રૃડી, પવિતર પ્રેમ ઘેલુડી… કવિનો આ પોકાર, ગીરના સિંહનો પોકાર પણ છે. જોકે આ પોકાર કોણ સાંભળે છે અને કોના બહેરા કાને અથડાઈ પાછો પડઘાય છે… આવો જોઈએ આ કવર સ્ટોરીમાં…

‘સુગરી જેવું પ્રાણી એના નવજાત શિશુ માટે માળો બનાવે. એવો માળો બનાવે કે ૨૦-૨૫ ઇંચ વરસાદ પડે તો પણ એ માળાને કોઈ નુકસાન ન થાય. એ બચ્ચાંના આશરા માટે નવા સ્થળે, ટાઢ તાપ અને અન્ય પશુ-પક્ષીઓ સામે રક્ષણ મળે એવું ઘર બાંધે છે, નમૂનેદાર ઘર બાંધે છે. સુગરી પોતાનાં બચ્ચાં માટે નવું ઘર બાંધી શકે છે, તમામ આપદાઓ સામે રક્ષણ આપી શકે એવું ઘર બાંધી શકે છે, પણ અમે અમારા બાળબચરનો વિસ્તાર ગમે તેટલો વધે તો અમે એક નવું ઝૂંપડું પણ બાંધી શકતા નથી. સુગરી વગડાનું પંખી છે અને અમે વનના છોરું. પોતાનાં ઈંડાં કોઈ ઉપાડી ન જાય એ માટે સુગરીને નવો માળો બાંધવા ઉપર કોઈ પ્રતિબંધ નથી, પણ અમે અમારો વિસ્તાર ગમે તેટલો વધે અમે એક નવું કાચું ઝૂંપડું પણ બાંધી શકતા નથી. ગીર ફોરેસ્ટની મનાઈ છે. અમારા આ વર્તમાન ઝૂંપડામાં પણ અમે કોઈ ફેરફાર કરી શકતા નથી.’

ગીરના પૂર્વ વિસ્તારના ઘનઘોર જંગલમાં આવેલા અંદાજે ૪૦૦ વર્ષ જૂના ઘુડજીંજવા નેસના રહેવાસી નનાભાઈ નારણભાઈ ગઢવીની આ ફરિયાદ છે. પેઢી દર પેઢી ગીરના જંગલમાં વસતા નેસધારીઓની આ ફરિયાદ છે. ગીરના નેસમાં આહીર, ચારણ, કાઠી, રબારી, ભરવાડ જેવા માલધારીઓ વસવાટ કરે છે. દરેક નેસ એક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે પૂર્વ ગીરમાં દોઢી નેસ, આસુંદ્રાળી નેસ અને મીંઢા નેસ રબારીના નેસ છે, ઘુડજીંજવા ચારણનો નેસ છે તો ખજૂરી, લેરિઆ અને સરાખડિયા નેસ આહીરોના નેસ છે. લેરિઆ નેસમાં એક કાઠીનું ખોરડું પણ છે.  ઘુડજીંજવા, આસુંદ્રાળી મોટા નેસ છે. ઘુડજીંજવામાં ૨૨ જેટલાં ખોરડાં છે. કુલ ૧૦૦૦ જેટલાં ઢોર છે. અમુક ખોરડે ૭૦-૮૦ ભેંસો છે. સદીઓથી માલધારીઓ ગીરમાં વસવાટ કરતા આવ્યા છે. આઝાદી વખતે ભારતની વસ્તી ૩૫ કરોડ હતી જેમાં અત્યારે ત્રણ ગણો વધારો થઈને ૧.૨૧ અબજ થઈ છે. એની સામે ગીરના જંગલમાં આઝાદી વખતે ૩૦૦૦ નેસ હતા જે ઘટીને આજે ૫૪ થયા છે.

જોકે ધન્યવાદ એ ૫૪ નેસને કે ડગલે ને પગલે આવતા પ્રતિકૂળ સંજોગોને ગણકાર્યા વગર અનેક ખૂબીઓથી ભરેલી ગીરના જંગલની માલધારી સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. જેટલો વન્ય પ્રાણીઓનો ગીર ઉપર અધિકાર છે, જેટલી વન્યપ્રાણીઓની ગીર સાથે નિસ્બત છે એટલી જ ગીર સાથેની નિસ્બત, ગીર ઉપરનો અધિકાર આ માલધારીઓનો છે. તેમ છતાં તેમને નજીવી બાબતે સરકાર સતાવી રહી છે, વન વિભાગ સતાવી રહ્યું છે. વન વિભાગના અધિકારીઓ પાક્કા મકાન બાંધે, પોતાની ઇચ્છા પ્રમાણે સગવડતામાં ઉમેરો કરે તેમાં તેમને ક્યાંય કાયદો આડે નથી આવતો, પણ સદીઓથી અહીં વસવાટ કરતા માલધારીઓનો પરિવાર ગમે તેટલો મોટો થાય તેમને એક નવું ઝૂંપડું પણ બાંધવાની પરવાનગી નથી. આઝાદી મળી ત્યારે આ દેશની વસ્તી હતી તે કરતાં અત્યારે અનેક ગણી વધારે છે. વસ્તી વધતાં મકાનોમાં પણ એટલો વધારો થયો છે. ત્યારે ગીરમાં વસવાટ કરતો આઝાદી કાળનો એક પરિવાર અત્યારે પણ એ જ ઢબના અને એટલા વિસ્તારના મકાનમાં કેવી રીતે રહી શકે? પાંચનો પરિવાર આજે પચીસનો થયો તોય એના માટે નાનકડું ઝંૂપડું જ?

મહર્ષિ પાણિનિ લખી ગયા છે કે વેદકાલીન સંસ્કૃતિના છેલ્લા પુરાવા જોવા હોય તો સૌરાષ્ટ્ર જાવ. ગીર સૌરાષ્ટ્રનું હૃદય છે. ગીરની સંસ્કૃતિ આથમશે તો સૌરાષ્ટ્રની સંસ્કૃતિ મરશે. મર્યાદિત બાંધકામને કારણે શિક્ષણ મેળવવું પણ ગીરના નેસવાસીઓ માટે બહુ અઘરું છે. નાના નેસમાં નિશાળ જ નથી એટલે ત્યાં ભણતરનો પ્રશ્ન જ નથી અથવા તો બાળકોને શિક્ષણ આપવું હોય તો ગીર બહાર મોકલવું પડે. મોટા નેસમાં નિશાળ છે, પણ ગમે તેટલો મોટો નેસ હોય નિશાળનો એક જ ઓરડો મંજૂર થયેલો હોય છે. એટલે એક જ રૃમમાં ૧થી ૭ ધોરણના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ચાલે. વિભાગ એવી રીતે પડે કે પહેલી પાટલીએ સાતમા ધોરણના વિદ્યાર્થી, બીજી પાટલીએ છઠ્ઠા ધોરણના, ત્રીજી પાટલીએ પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ બેસે છે. પહેલું અને બીજું ધોરણ નીચે બેસે અને બાલમંદિર પરસાળમાં. અમારી શાળામાં ૧૦ કોમ્પ્યુટર આવ્યાં પણ એને મૂકવા ક્યાં? એક જ રૃમના કારણે ઘણી અગવડતા પડે છે. જો મંજૂરી મળે તો માલધારીઓ સ્વખર્ચે રૃમ બંધાવી આપે એમ છે, પણ બીજો રૃમ બાંધવાની મંજૂરી જ અપાતી નથી. શિક્ષકના કહેવા પ્રમાણે શાળામાં ૯૦ ટકા કરતાં વધારે હાજરી હોય છે, પણ ગીરના બધા જ નેસમાં એક ઓરડો અને મોટા ભાગે એક જ શિક્ષક ઉપર શાળાઓ ચાલે છે. ઘુડજીંજવાની શાળાના દરેક વિદ્યાર્થીઓના ભાગે ૧૦ રમકડાં આવે એટલી માત્રામાં રમકડાં શાળાને મળ્યાં છે, પણ એક જ ઓરડાની શાળામાં એ રાખવા ક્યાં એ મોટો પ્રશ્ન થઈ પડ્યો છે. સરકાર જો શાળાનો બીજો ઓરડો બનાવી દેવા જ ન માગતી હોય તો શા માટે આટલાં રમકડાં, આટલાં કોમ્પ્યુટર ત્યાં મોકલે છે?

ગીરના સંરક્ષણને લઈને વન વિભાગ આકરું વલણ અપનાવે તે જરૃરી પણ છે. કેમકે જો વધુ પડતી ઢીલી નીતિ અપનાવાય તો એડવેન્ચરના નામે લોકો બાઈક લઈને ગીરની ટેકરીઓ સુધીનો રસ્તો બનાવી દે. બધું ઉજ્જડ કરી દે અને અહીંના વન્યજીવોની શાંતિ જ હણી નાખે. જોકે વનવિભાગે એટલું તો સમજવું રહ્યું કે આ જંગલમાં વસતા માલધારીઓ પણ વન્યજીવો છે. સિંહની જેમ એમની સુખાકારીનો પણ વિચાર કરવો જોઈએ. ગીરમાં માલધારીઓ જરીકેય ઉપદ્રવી નથી. જૂનાગઢના નવાબ જો તુલસીશ્યામની ગૌશાળાના નિભાવ માટે ૩ હજાર વીઘા જમીન દાનમાં આપવા જેવી ઉદારતા દાખવી શકતા હોય તો વન વિભાગને હૈયે માલધારીઓનું સહેજ પણ હિત કેમ વસતું નથી? વન વિભાગ પોતાની મનમાની સગવડતાઓ ઊભી કરે અને નેસની શાળાને એક જ ઓરડો બાંધવા દે એ બાબત સમજાતી નથી.

ઓરડાની વાત જવા દઈએ તો પણ એવી ઘણી બાબતો છે જે નેસના વિદ્યાર્થીઓને સમજાવવી અઘરી પડે છે. જેમ કે મેળા વિશે નિબંધ લખવો. આ બાળકોએ કદી મેળો જોયો નથી. મેળો કોને કહેવાય તેની તેને કશી ખબર નથી. એવામાં મેળા વિશેનો નિબંધ તેમના માટે એક કોયડા સમાન બની જાય છે.

એમના મોંઘેરા પશુઓને સિંહ ફાડી ખાય છતાંય એમને ગીરનો ખોળો ગમે છે. સિંહ સામે એમને કોઈ રોષ કે ફરિયાદ નથી. બલ્કે સિંહને આ માલધારીઓ માન આપે છે. ‘હજુ થોડાં વરસો પહેલાં જ ઘુડજીંજવા નેસમાં સિંહ ત્રાટક્યો હતો અને અમારા સંબંધી એવા સૂતેલા બે જુવાનને પીંખી નાખ્યા હતા, એ સિવાય ૧૯૯૪માં મારા ખોરડે સિંહે ૩ પારુડા(બાળ પશુ)ને મારી નાખ્યા હતા.’ આમ નનાભાઈ કહે છે. નનાભાઈ આ વાત સિંહ સામે સહેજ પણ રોષ લાવ્યા વગર કહે છે. જાણે કે શહેરોમાં જેવી રીતે અકસ્માત મૃત્યુ થાય છે એવી રીતે નેસના આ માલધારીઓ સિંહના હુમલાને એક અકસ્માત ગણે છે. એની એને કોઈ રાવ-ફરિયાદ નથી કે નથી વળતરની અપેક્ષાઓ.

મહેમાનો સાથે ગાડીમાં આંટો મારતા પણ આ માલધારીઓ ફફડે છે. તેમને બીક સિંહની નથી લાગતી, પણ વન અધિકારીઓની લાગે છે. તેમને બીક લાગે છે કે વન અધિકારીઓ પ્રવાસીઓને અનધિકૃત ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવા સબબ ગુનેગાર ઠેરવશે. અને એની સાથે સ્થાનિક માલધારીઓને પ્રવાસીઓ પાસેથી પૈસા લઈ ગીર બતાવતા હોવાનું કહી રંજાડશે. આવો ફડકો આ માલધારીઓને સતત રહે છે.

નેસના માલધારીઓ માટે તેઓ બાહ્ય જગત સામે જ્યારે રૃબરૃ થાય ત્યારે જગત વેરી થયું હોય તેવો ઘાટ સર્જાય છે. આ વાતને સમજાવતા ઘુડજીંજવા નેસના યુવક કનુભાઈ ગઢવી કહે છે, ‘નેસની મુલાકાત લેતા દરેક અને અમારા ગામડાંઓ અને શહેરોમાં વસવાટ કરતા સગાંસંબંધીઓ પણ અમને સંભળાવી જાય છે કે શું અહીં પડ્યા છો, જમાનો ક્યાંનો ક્યાં પહોંચ્યો અને હજુ તમે જંગલીના જંગલી રહ્યા. તમારું તો ઠીક તમારા સંતાનોના ભવિષ્યનું તો વિચારો. હવે નીકળો બહાર અને જુઓ કે દુનિયા ક્યાંની ક્યા પહોંચી છે.’

કટાક્ષમાં કહેવાતા આવા શબ્દોને ભોળા આ માલધારીઓ ન સમજી શકે એટલા અબુધ નથી. તેઓ જાણે છે કે ટૅક્નોલોજીની, આધુનિકતાની દોડમાં તેઓ સમાજ અને દુનિયામાં સાવ પાછળ રહી ગયા છે, પણ એની સામે તેઓ એ પણ સારી રીતે જાણે છે કે જંગલ બહાર નકરા ઉપાધિનાં પોટલાં છે. અહીં વનમાં જે શાંતિ છે, જે નિરાંત છે તે શહેરમાં નથી. કનુભાઈ કહે છે, ‘અમે શહેરમાં જઈએ ત્યારે જોઈએ છીએ કે દરેક જણ જાણે કે રઘવાયો થઈને ફરે છે. સવારમાં જાગે ત્યારથી દરેકને કામ-ધંધે જવાની ઉતાવળ હોય છે. મહેમાનોને પણ સાચવી શકાય એટલો સમય નથી. સંકડાશ પણ બહુ. જ્યારે અહીં અમારે ત્યાં કોઈ મહેમાન આવે તો અમે બે-ચાર કલાક, બે-ચાર દિવસ પણ તેમની સરભરા માટે ફાળવી શકીએ છીએ. સંકડાશ ક્યાંય નથી, આખો વગડો અમારો છે. એવામાં તમે જ કહો કે કોણ વધુ સુખી?’

એમ કહેતાકને પાંચ ધોરણ ભણેલો યુવક કનુભાઈ એના નરવા ગળેથી રાજભાઈ ગઢવીએ ગીર અનુલક્ષીને લખેલું આ કવિત લલકારે છે ઃ

રૃડી ને રળિયામણી હરિયાળી ને હેતાળ
ચારણ ગીર નતી છોડવી, તારા પશુને પાછા વાળ્ય

હરિયાળી ગીર છે રૃડી પવિતર પ્રેમ ઘેલુડી
વાયુ ઝપાટે ઝાડવા ઝૂલે હાલતા હીંચક લઈ

જેમ જાદવા હારે જાણે ગોપીયુ ઘૂમી રહી
ડુંગરા ટૂંકે દીપતી કેવી સંધ્યા રૃડી સાંજ

લાલ પાઘડિયે લાડકવો રૃડો વીર ઊભો વરરાજ
વાદડિયું વારણા લેતી એમ જાનડિયુ જાનમાં કેતી

વેલડિયુ જ્યાં કૂંપળોવાળી ઝાડવે વીંટાઈ રહી
હરખ ખેલુડી બેનડી જાણે વીરને ભેટી રહી

Related Posts
1 of 258

ગીરના નેસવાસીઓ કહે છે કે, ‘અમે જાણીએ છીએ કે આ ગીર મૂકવા જેવી નથી, પણ જગત અમારી પાસેથી તે છીનવી જ લેશે. કેમ કે અત્યારે સમસ્યાઓ વધી ગઈ છે. બાળ બચ્ચાને પરણાવવામાં તકલીફો પડી રહી છે. બાકી બધું અમને સ્પર્શતું નથી, પણ આ વ્યથા કોઈને કહી શકાય તેમ નથી. અમારે મન શિક્ષણનું બહુ મહત્ત્વ નથી, પણ બહારના જગત સાથે વહેવાર કરવાનો આવે ત્યારે જગત અમને શિક્ષણના માપદંડથી માપે છે.’

નેસના માલધારીઓ પશુપાલનને વ્યવસાય ગણે છે, પણ આર્થિક બાબતોનું આ માલધારીઓના જીવનમાં બહુ વિશેષ સ્થાન નથી. તેમના વ્યવહારમાં પણ પૈસો બહુ આવતો નથી. જેમ કે તેમને નથી તેમના બાળકોની શિક્ષણ ફી ભરવી પડતી, નથી પાલિકાના વેરા ભરવાના, નથી વીજળીનું બિલ ભરવાનું, વિશેષપણે ઘી-દૂધનો જ ખોરાક હોવાથી નથી શાકભાજીનો ભાવવધારો તેમને સ્પર્શતો, નથી તેમને સિનેમા જોવાના કે મોબાઇલનું બિલ ભરવાના ખર્ચા કે નથી ફેશનમાં ફરવાના અભરખા. ચારેકોર વેરાયેલી લખલૂટ હરિયાળી વનરાજી વચ્ચે એવા કોઈ વિચાર પણ નથી આવતા. આ માલધારીઓનો સૌથી મોટો ખરચો ગણો તો એના ખાસડાનો. વહેલી સવારે ૬ વાગતામાં જ બબ્બે ત્રણ-ત્રણ કિલોમીટર આઘે ઢોર ચરાવવા જાય. તે છેક સાંજે ૬ વાગે ઢોર સાથે પાછા ફરે. એવામાં બહુ ચાલતા તેમના ખાસડા વહેલા ઘસાઈ જાય છે.

ક્યારેક કાળ-દુકાળે વન ખાતું પરવાનગી આપે તો પોતાના પશુધનને લઈને આ નેસધારીઓ ચારાની શોધમાં ગામડાંઓમાં જાય. માલધારીઓનાં રહેણાકો પહાડી વિસ્તારમાં જ હોય છે. નેસના માલધારીઓએ ઘાસચારો લાવવા માટે ઉપાય શોધી કાઢ્યો છે. એ માટે રણ વિસ્તારના વાહન ઊંટને અહીં પહાડીઓમાં લાવવામાં આવ્યું છે. ઊંટ ઉપર માલધારીઓ માલસામાન અને ઘાસચારાની હેરફેર કરે છે.

અહીં નેસડામાં થોડા દિવસ ગાળતા જ આ ગીરનાં છોરુંઓની આગવી સંસ્કૃતિનો પરિચય મળે છે. ચારેકોર જંગલ અને વચ્ચે વસવાટ કરતી આ પ્રજાને ગામડાં કે શહેરોમાં સ્થળાંતરણ નથી કરવું. ગીરની વન્ય

સંસ્કૃતિના આખરી અવશેષ સમા આ ૫૪ નેસ તેની સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે.  ફરિયાદ કરવી એ આ નેસડાવાળાનો સ્વભાવ નથી. જો એમ જ હોત તો એ તેમણે એકલશુરૃ વન્ય જીવન જીવવાનું દાયકાઓ પહેલાં છોડી દીધું હોત. પંખા વગર, ટીવી-રેડિયો વગર, સિનેમા વગર, અરે ગામ વગર, બજાર વગર, વસ્તી વગર ગીરના જંગલમાં જીવતી આ માલધારી પ્રજાના ગરવા ચહેરા જોઈને જ એ પ્રતીતિ થાય છે કે, તેમના જીવનમાં જરીકેય ખાલીપો નથી, જરીકેય અજંપો નથી. બીજાથી આગળ નીકળી જવાની ધખના નથી. જીવનને જીવવાના ચોક્કસ દૃષ્ટિકોણ વગર આ પ્રકારે જીવન જીવવું શક્ય નથી. આજથી ૨૦ વરસ પહેલાં નેસના આ પરિવારો અનાજ કરિયાણુ લેવા પગપાળા ૨૨ કિલોમીટર દૂર છેક ધોકડવા ગામ જતા હતા. માથે તેલના, ગોળના ડબ્બા જેવો ૩૦ કિલો જેટલો સામાન ઉપાડીને લાવતા હતા. તમામ પ્રકારની અસુવિધા છતાં એમને ગીરનો ખોળો ગમે છે.

અહીંના નેસમાં રહેલી દરેક ભેંસોને નામથી બોલાવવામાં આવે છે અને ભેંસો દોહવાનો વખત થાય ત્યારે જે ભેંસને નામથી બોલાવવામાં આવે તે એક જ ભેંસ ખીલે દોડી આવે છે. મોટા ભાગે માલધારીઓનાં બાળકો પારૃડાનું નામકરણ કરે છે. અહીં રીતસરની ઘી-દૂધની નદીઓ વહે છે. શુદ્ધ ઘી-દૂધ અને વગડાની સાવ તાજી હવાના પ્રતાપે નેસમાં વસતું એક પણ બાળક કુપોષિત જણાતું નથી. કોઈ બાળકને ગાળો બોલતા આવડતું નથી. ફિલ્મી ગીતો કે ફિલ્મી સીન-સપાટાની તેમને જાણ નથી. પ્રાકૃતિક વગડાનું સંગીત તેઓ રોજ માણે છે. ચારેકોર ઠલવાયેલી પ્રાકૃતિક સુંદરતા વચ્ચે કોઈ બહારનો ફેશનેબલ માણસ આવી ચડે તો પણ એ દૃશ્ય જરી વરવું લાગે છે.

બાળકોના શિક્ષણની ચિંતાનું મોજંુ શહેરોમાંથી આગળ વધતું ઘનઘોર ગીરના જંગલમાં પણ ફરી વળ્યંુ છે. ઘુડજીંજવા નેસના માલધારી સામતભાઈ દેવાણંદભાઈ નાજાણી શહેરી અને જંગલના જીવન વચ્ચેનો તફાવત કોઈ તત્ત્વજ્ઞાનીની જેમ પાળી જાણે છે. તેઓ કહે છે, ‘જંગલમાં હવા ખુલ્લી મળે, પાણી પવિત્ર મળે, અમારું ઘરનું ચોખ્ખું ઘી-દૂધ મળે એનાથી અમને સંતોષ છે. શહેરમાં આધુનિક સુવિધાઓ છે, પણ કુદરતી સુવિધાઓ જંગલમાં છે. પૈસા માધ્યમિક સુખ છે જ્યારે કુદરતી સુખ અહીંયા છે એવું અમને સમજાય છે. આ વાત કદાચ બહારના લોકોને નહીં સમજાતી હોય.’

લાખ રૃપિયાની ભેંસને સિંહે ફાડી ખાધી હોય ત્યારે આ માલધારીઓ રોવા નથી બેસતા કે નથી સરકારી સહાયની રાહ જોતા. જંગલમાં ચરતી ભેંસો ઉપર સિંહ અવારનવાર ત્રાટકે અને ભૂખ્યો સિંહ એકાદ ભેંસનું મારણ કરે એ તો સમજ્યા, પણ રાત્રે નેસમાં સૂતા માલધારીઓના પરિવાર ઉપર પણ ક્યારેક સિંહ ચડી આવે છે. જોકે એમાં સિંહનો ઇરાદો માલધારીઓના પરિવારને નુકસાન પહોંચાડવાનો હોતો નથી. એનો ડોળો તો નેસમાં રહેલી ભેંસો ઉપર હોય છે. ગીરની ભેંસો પણ ગીરનું ઘાસ ખાઈને ઉછરેલી, એમ મચક ન દયે. આ ભેંસો વચ્ચેનો પરસ્પરનો સંપ ઘણો અને ઘ્રાાણેન્દ્રિય અતિ તીવ્ર એટલે આસપાસમાં રહેલા સિંહને તરત ઓળખી કાઢે. તત્કાલ એકસંપ થઈને સિંહ સામે શિંગડાં ભેરવે. સિંહને ભગાડે. ગીરની ડાલામથ્થી ભેંસ જો ઘાસ ચરવામાં એકલી પડી જાય તો જ સિંહ તેનો શિકાર કરવામાં ફાવે. એટલે નેસમાં ત્રાટકેલો સિંહ ઘણીવાર ભેંસોના પ્રતિકાર સામે સૂતેલા લોકો ઉપર પણ હુમલો કરી બેસે છે.’

લેરિઆ નેસના માલધારી ભીખાભાઈ સેલાભાઈ કોટિલાનું કહેવું હતું કે, ‘અમારી લાખ રૃપિયાની ભેંસ સિંહ મારી નાખે છતાં અમને એનો કોઈ રોષ નથી. અફસોસ કરીને છાનામાના થઈ જઈએ છીએ. અમારો સિંહની સાથે જૂનો નાતો છે. સિંહ અમારો રાજા છે અમે એની રૈયતની જેમ રહીએ છીએ.’ ભીખાભાઈ પાસે ૩૦ જેટલી ભેંસો છે.

નેસવાસીઓનું માનવું છે કે જંગલખાતાએ માલધારીને બદનામ કર્યા છે. માલધારીએ સ્થળાંતરણ ન કરવું. સ્થળાંતર કરે એટલે માલધારી જંગલનું નિકંદન કાઢે એવું માનવામાં આવે છે. ગીરના અભયારણ્યની જાળવણી માટે અને તેમાંથી માનવવસ્તીને દૂર કરવા અહીંના નેસને સ્થળાંતરણ કરાવાયા. દાયકાઓ પહેલાં પરિવારદીઠ ૨૦ વીઘા જમીન અને રહેવા માટે પ્લોટની સ્કીમમાં સામેલ થઈ ઘણા પરિવારો ગીર કાંઠેના ગામડાંઓમાં જઈ વસ્યા. હાલ ગીરના માલધારીઓને આ સ્કીમમાં ન જોડાયાનો સહેજેય રંજ નથી. ‘એમાંના ઘણાએ જમીનો વેચી નાખી અને રસ્તા ઉપર આવી ગયા છે. કેમકે મૂળ તો માલધારીનો જીવ, એને ખેતી કરતા ક્યાંથી ફાવે. એને એ પણ ખબર નહોતી કે તેમને આપેલી જમીન ખેડી શકાય એવી છે કે પછી વાડીમાં નર્યા પથરાઓ પડ્યા છે,’ એમ નનાભાઈ કહે છે.

એક એવી સમજ પ્રવર્તે છે કે આ માલધારીઓ વન્યજીવનને નુકસાન પહોંચાડી રહ્યા છે. એની સામે નનાભાઈ કહે છે, ‘જ્યાં માલધારી ત્યાં સિંહ.’ ગીરમાં જ્યાં નેસ નાબૂદ થયા ત્યાંથી સિંહોએ પણ ઉચાળા ભર્યા છે. વળી સિંહની વસ્તીગણતરીમાં વન વિભાગ કરતાંય મોટો ફાળો નેસના માલધારીઓનો હોય છે. કહેવાય છે કે ગીરના નેસમાંથી માલધારીએ નવાબને સિંહનો શિકાર ન કરવા માટે રજૂઆત કરી હતી, એટલો તો એને સિંહ વ્હાલો હતો. એ સિંહનો વેરી કેવી રીતે ગણાય? ગીરના તલસ્પર્શી અભ્યાસને રજૂ કરતી ‘ખમ્મા ગીરને’ ડોક્યુમેન્ટ્રીના સર્જક અને ગીરના અભ્યાસુ નરેન્દ્ર મોજીદ્રા કહે છે, ‘ગીરમાં સિંહનો શિકાર કરવા આવતા રાજાઓ, નવાબો વિરુદ્ધની કાર્યવાહીમાં આ નેસવાસીઓ જુબાની આપતા હતા. કોઈ સિંહનો શિકાર કરવા આવે ત્યારે માલધારીઓ સિંહને બચાવવા તેને છુપાવી દેતા કે ભગાડી દેતા હતા. એ જોતા એવું નક્કી કહી શકાય કે સિંહને બચાવવામાં માલધારીઓનો હાથ છે. સિંહ માલધારીનાં પશુઓ ઉપર મોટાપાયે નિર્ભર હતા. દરેક માલધારી પાસે ૫૦-૧૦૦ પશુ રહેતાં. એમાંથી બે-ચારની આવરદા પુરી થતાં મરી જતાં અને બે-ચારનો સિંહ શિકાર કરતો. અલબત્ત, માલધારીઓ પોતાનાં પશુનું રક્ષણ કરતા હતા, સિંહને ભગાડતા હતા, પરંતુ એકવાર મારણ થઈ ગયા પછી સિંહને ખલેલ નહોતા પહોંચાડતા. માલધારીઓનું સ્થળાંતર કરાવવામાં આવ્યું, કડક કાયદાઓ લાદવામાં આવ્યા. અત્યારે તો ગીરમાં દિવાળી પછી માલધારીઓ જંગલમાંથી બહાર આવી જાય છે અને એની પાછળ સિંહ પણ બહાર આવતા રહે છે. સિંહને માણસો પણ જોઈએ અને પશુઓનું ભોજન પણ જોઈએ, બેમાંથી એકેય જંગલમાં ન રહેતા સિંહ એકલો જંગલમાં કરે પણ શું? બહાર રેઢિયાળ ગાયો એને પુષ્કળ મળે છે એટલે તેનું મારણ કરે છે અને વાડીઓમાં પાણી પીએ છે. જંગલમાં વન વિભાગે સિંહો માટે પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી કરી. તેમના માટે બનાવેલા ખુલ્લા હવાડામાં ઉનાળે પાણી એટલું ગરમ થઈ જાય છે કે સિંહ તેને પી નથી શકતા. સિંહ મોટા ભાગે વાડીઓમાં આવીને જ પાણી પીએ છે.’ આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ સરકાર સિંહ માટે પાણી ઠંડંુ રહે એ માટે છાંયડાવાળા હવાડા બાંધી નથી શકી.

ગીરની સંસ્કૃતિને જાળવી શકાઈ હોત? પ્રશ્નના જવાબમાં નરેન્દ્રભાઈ કહે છે, ‘હા, ચોક્કસ જાળવી શકાઈ હોત. પહેલાં ગીરમાં દર બે-ત્રણ કિલોમીટરે બેથી ત્રણ પરિવાર રહેતા હોય એવું એક નાનું નેસડું હતું. સમયાંતરે ત્યાંનું ઘાસ પૂરું થાય એટલે જગ્યા બદલીને ઝૂંપડું વાળે. નવું ઘાસ મળે અને જ્યાં પશુએ ઘાસ ખાઈ લીધંુ ત્યાં પણ નવું ઘાસ ઊગે, પરંતુ તેમના પર નિયંત્રણો લાદી દેવાયા. ૨૦-૨૦ પરિવારોને એક જ જગ્યાએ સ્થાઈ ઝૂંપડાં ફાળવ્યાં. આમ, ઢોરને ચરવા માટે બે-ચાર કિલોમીટરનો જ સ્થાયી વિસ્તાર મળ્યો. પશુધન માટેનું ઘાસ ગાયબ થયું. ફરતા રહેતા માલધારીઓની પ્રથા પ્રશાસને બંધ કરી અને પછી તેમના ઉપર દોષારોપણ કરાયું કે તેમણે ઓવરગ્રેઝિંગ કર્યું. તેમને ગીરની બહાર નીકળવા દબાણ કરાયું. તેમને પથરાળ જમીનો અપાઈ. માલધારી ખેતી કેવી રીતે કરે? તેમણે પશુધન વેચી-વેચીને થોડા વખત ચલાવ્યું અને પછી જમીન વેચી નાખી. અમુકે તો ઢોરને ચારો મળે માત્ર એટલા માટે જ જમીન વેચી નાખ્યાના કિસ્સાઓ છે. કેટલાકની જમીન ગામડાના લોકોએ પચાવી પાડી. એમાંથી આજે ૮૦ ટકા લોકો મજૂરી કામ કરે છે એમ કહી શકાય. ગીરની મૂળ ભાષા હતી તે પણ હવે દૂષિત થઈ ગઈ છે, હવે તેમાં હિન્દી-અંગ્રેજી શબ્દો આવે છે.’

ગીરની સંસ્કૃતિ જાળવી શકાઈ હોત. એવું નથી કે માલધારીઓનો વિસ્તાર વધે એટલે જંગલ ઉપર દબાવ વધે. સરકાર જંગલમાં રહેતા પરિવારદીઠ ૫૦-૧૦૦ ઢોર જેટલી મર્યાદા નક્કી કરે અને માલધારીઓનાં સંંતાનોને તેમને અનુકૂળ નોકરીઓ આપીને ગીરની સંસ્કૃતિ જાળવી શકાઈ હોત.

ગીરની અવનતિમાં સૌથી મોટો ફાળો કોનો? એ જવાબદારી નક્કી કરવી હોય તો ગીરને નેશનલ પાર્ક જાહેર કરીને પોતાના હસ્તક લઈ લીધું એટલે તે જવાબદારી પણ સરકારની, વન વિભાગની જ આવે. વન વિભાગ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી નથી શક્યું એટલે જ ૧૪૦૦-૧૫૦૦ ચોરસ કિલોમીટરના ગીરમાં આજે સિંહ નથી, સિંહ બહાર ફરે છે. માલધારીઓની સંસ્કૃતિ હતી તેને પાયમાલ કરી નાખી. જંગલમાં કહેવાય છે કે ૪૦૦ પ્રકારના ઘાસ થતા હતા, હજારો પ્રકારની જડીબુટ્ટીઓ થતી હતી, એ પૈકી આજે કંઈ થતું નથી. આપણે પૂર્ણ રીતે સંપન્ન એવા ગીરના જંગલનો નાશ કર્યો છે એની સીધી જવાબદારી પણ એમને જ લેવી પડે. ગીરના પતનની શરૃઆત છેલ્લાં ૨૦ વર્ષથી થઈ અને છેલ્લા દાયકામાં તો અતિરેક થયો છે. મૂળ ગીરને પાછું લાવવાના આશાવાદ વિશે નરેન્દ્રભાઈ કહે છે, ‘ગીરના નેસમાં ૧૦૦ વર્ષથી વધુ વયના ઘણા વડીલોને હું મળ્યો છું. સિંહ અને ગીરની પરિસ્થિતિને લઈને તેઓ ખૂબ વ્યથિત છે. તેમની પરિસ્થિતિ દયનીય છે. મને એક વૃદ્ધની ઉંમર ૧૨૮ વર્ષની કહી હતી, મારી સાથે વાત કરતા આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. તેમને દેખાઈ રહ્યું છે કે હવે બધું ખતમ થઈ રહ્યું છે. ગીરમાં જન્મીને એક સદીનો સમય ગાળ્યો છે તેઓ દુઃખી છે. અત્યારે ગીરમાં કાંઈ રહ્યું ન હોઈ, નવી પેઢી બહાર નીકળી જવા તૈયાર છે, જો તેમને બહાર તબેલા આપવામાં આવે, હૉસ્પિટલોમાં નોકરી આપવામાં આવે તો. ગીરમાં રહેવાની મોજ હવે રહી નથી. ગીર આપણી વિરાસત છે અને તેનું જતન કરવું છે એવી સામૂહિક ચેતના જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી ગીરની મોજ પાછી લાવવાનું મુશ્કેલ છે. પહેલાં જેવું જંગલ રહે, એમાં સિંહ રહે, સમજદાર માલધારીઓ રહે તો પાછી મોજ આવે. આફ્રિકામાં ઘણી એવી જગ્યા છે જ્યાં વાઇલ્ડલાઇફની જાળવણી માટે સ્થાનિકોને જવાબદારી સોંપાય છે અને વ્યવસ્થા ઊભી કરાય છે. એવું પરિવર્તન લાવવું જોઈએ.’  પણ, બીજી વિડંબણા એ છે કે ગીર માટે સાચા દિલથી કામ કરવાવાળું કોઈ નથી. નરેન્દ્રભાઈ કહે છે, ‘ટાઇગર માટે લોકો અને સંસ્થાઓ કામ કરે છે, જીવનભરનો સંઘર્ષ કરી રહ્યા છે. એવો ગીર માટે, સિંહ માટે સંઘર્ષ કરનાર કોઈ મળતો નથી. સિંહના એક્સપર્ટ, સિંહપ્રેમી ઘણા મળશે. વન વિભાગે જ એમ ન થવા દીધું. એવા લોકોને પોતાના આમુખ બનાવી દીધા એટલે કંઈ પણ ગરબડ થાય ત્યારે એ લોકો જ જાહેરમાં આવીને ખુલાસો કરે કે કોઈ ગરબડ નથી, વન વિભાગ બધું બરાબર કરી રહ્યો છે. બદલામાં તેમને ગીરમાં જવા માટે ફ્રી-એક્સેસ મળે છે.’

વન અધિકારીઓમાં વિપુલ માત્રામાં ભ્રષ્ટાચાર ચાલે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વન વિભાગની મિલીભગતથી જ ગીરની આજુબાજુ પુષ્કળ પ્રમાણમાં માઇનિંગ કામ ચાલે છે, એમ કહી શકાય કે ગીરને અડીને આવી ખનનની ૧૫૦ જેટલી પ્રવૃત્તિઓ ચાલે છે. સૂત્રો તરફથી મળતી વિગતો પ્રમાણે, વન વિભાગની ચેકપોસ્ટથી ૫૦૦ મીટરે દિવસની ૩૦૦-૩૦૦ ગાડીઓ આવતી હોય અને એક-એક ગાડીના ૪૦૦૦-૪૦૦૦ રૃપિયા લેવાતા હોય એ પ્રકારે ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવામાં આવે છે.

ગીરના નેસમાં વસતા માલધારીઓની દિનચર્ચા પ્રકૃતિના ખોળે રમતા આપણા પ્રાગૈતિહાસિક કાળના પૂર્વજોની જીવનશૈલીનું સ્મરણ કરાવે છે. બસ, થોડાક જ દાયકામાં એક યા બીજા પ્રશ્નોને લઈને ગીરમાં નેસનું અસ્તિત્વ આથમી જશે. ગીર છે તો સૌરાષ્ટ્ર છે, ગીર ન હોત તો સૌરાષ્ટ્રની સંસ્કૃતિ આટલી સુદૃઢ, સંપન્ન ન હોત. નેસવાસીઓનું ગીરમાંથી ઉચાળા ભરવાનું વલણ હજુય ચાલુ છે. એ વાતની માત્ર બે જણાને ચિંતા છે, એક ગાંડી ગર્ય અને બીજા વનકેસરીને. પરાપૂર્વથી ગર્યની અસ્મિતા કંઈ એકલા જંગલથી કે સાવજથી ગવાતી નહોતી. ગીરનું વિશેષ માહાત્મ્ય તો નેસવાસીઓના ગરવા જીવનમાં ઝળકતું હતું. ગીરના એ રખેવાળ હતા, સિંહના એ રખેવાળ હતા, પર્યાવરણના એ રખેવાળ હતા. પર્યાવરણની બાંગ પોકારતા બહારના પ્રદેશમાંથી ગીરની રખેવાળી કરવા આવતા વન અધિકારીઓને આ વાત નહીં સમજાય. તેમને એ પણ નહીં સમજાય કે સિંહ કેમ ગીર છોડીને બહાર આવી રહ્યા છે? સિંહને કેમ જંગલમાં સોરવતું નથી કે છેક મહુવાની સીમમાં મારણ માટે આંટા મારે છે? નાશ પામે છે ત્યારે સઘળું નાશ પામે છે. કીર્તિ અને ધૂળમાં મળવા જઈ રહેલી કીર્તિને સાચવવાનો વિવેક બધું જ. વનમાં દવ જેવી સ્થિતિ છે. કોણ કોને બચાવે? ગીરને કોણ બચાવે? છોને મરતું. ‘છેવટ નસીબ એનું’ એમ કહીને મોં વાળી લેવાનો બિઝનેસ-પ્રેમી એવા આપણને સારી પેઠે ફાવે છે.

‘એકાદ પ્રાણી કે પક્ષીની નસલનું અસ્તિત્વ જોખમમાં પડે તો આખી દુનિયા તેને બચાવી લેવા તૈયાર થઈ જાય છે. કહેવાતા બુદ્ધિજીવીઓ હાંફળા-ફાંફળા બનીને બોલવા-લખવા બેસી જાય છે. પૈસા ખર્ચી અને વિરોધ પણ કરે પણ માણસની આખી સંસ્કૃતિ, તેની પરંપરા, તેના જીવનની ધરોહર સમૂળથી નાશ પામે, આખે આખી વ્યવસ્થા જ ભાંગી પડે તેને પરિવર્તન ગણીને વધાવે.’ લેખક ધ્રુવ ભટ્ટની નવલકથા ‘તત્ત્વમસી’નો આ સંવાદ ગીરની માલધારી સંસ્કૃતિને અક્ષરશઃ લાગુ પડેે છે.

————-

Leave A Reply

Your email address will not be published.

Translate »