તમારા માટે, તમારી સાથે, સતત…

કર્ક રાશીઃ વિક્રમ સંવત 2075નું ફળકથન

આ વર્ષે પહેલા ચરણમાં શક્ય હોય તો અગત્‍યના કાર્યોનો નિર્ણય ન લેતા. ‍

0 516

કર્ક

श्रुतकलाबलनिर्मलवृत्तयः कुसुमगंधजलाशयकेलयः ।
किल नरास्तु कुलीरगते विधौ वसुमतीसुमतीस्मितलधयः ।।

કર્ક રાશિમાં ચંદ્ર હોય તે સમયે જન્મ લેનાર જાતક વેદ શાસ્ત્રનો જાણકાર, કલા પ્રિય, સદાચારી, પુષ્પ- સુગંધ અને જળથી પ્રેમ કરવાવાળો અને સંસારમાં વિખ્યાત, કીર્તિવાન હોય છે.

આ વર્ષે પહેલા ચરણમાં શક્ય હોય તો અગત્‍યના કાર્યોનો નિર્ણય ન લેતા. ‍માલમિલકત સંબંધી દસ્તાવેજો કરવા માટે શરૂઆતમાં અનુકૂળ સમય નથી. કદાચ તમે કોઈ ગાફેલિયતમાં રહો અથવા તમારી સાથે કોઈ છેતરપિંડી થાય તેવું બની શકે છે. માતાની તબિયત અંગે ચિંતિત હશો. આપની લાગણીને ઠેસ ના પહોંચે તેનો ખ્‍યાલ રાખજો. આપ સાંસારિક બાબતો તરફ ઓછું અને આધ્યાત્મિકતા તરફ વધારે ઝુકેલા હશો. માર્ચ મહિના પછી તમારી શારીરિક માનસિક પ્રસન્‍નતા જળવાશે. ગૃહસ્‍થજીવનમાં એકંદરે શાંતિ જળવાશે. ધનલાભના પણ સારા યોગ છે. મ્યુચ્યુઅલ ફંડ, બેંક ડિપોઝિટ, કિંમતી ધાતુઓ તેમ જ શેર જેવા સ્ત્રોતોમાં લાંબા ગાળાનું રોકાણ લાભદાયી નીવડશે. નકારાત્મક વિચારોને મગજમાંથી ખંખેરી નાખવાથી સંબંધો તૂટતા અટકાવી શકશો. સરકારથી તેમજ પિતા તરફથી લાભ થાય. આપનું મનોબળ મક્કમ રહેવાથી કાર્યોમાં સફળતા મળે. વાદવિવાદમાં પણ સફળતા મેળવી શકશો. વાંચન-લેખનમાં આપની અભિરૂચિ વધશે. નાણાંનું વ્‍યવસ્થિત આયોજન કરી શકશો. પરિવારના સભ્યોને એશોઆરામ અને આનંદની જિંદગી આપવા આપ મહત્તમ પ્રયાસો કરશો. આ માટે કોઈ ખર્ચ કરતા પણ આપ અચકાશો નહીં. વૈભવી મોજશોખ અને વાહનસુખ મળે. વ્‍યવસાય ક્ષેત્રે આપને લાભ થાય. વિજાતીય આકર્ષણ આપને મંત્રમુગ્‍ધ કરશે. વધુ મહેનતે ઓછું ફળ મળે પરંતુ આપ નિરાશ થયા વગર ખંતપૂર્વક કામ કરશો. તબિયત ન બગડે તે માટે ખાનપાનમાં ધ્‍યાન રાખવું. વાણીનો સંભાળપૂર્વક ઉપયોગ કરવાથી આપ કોઇ સાથે વિખવાદ કે મનદુ:ખ ટાળી શકશો. આપ માનસિક શાંતિ માટે દેવ દર્શને જશો. પરોપકારની ભાવનાથી આપ દાન-પુણ્ય કે સેવા કાર્યોમાં વિશેષ રસ લેશો. આ વર્ષના પ્રથમ ચરણમાં કોઈ વ્યક્તિ અંગે તમારા મનમાં શંકા-કુશંકાનું પ્રમાણ પણ વધી શકે છે જેમાં ખાસ કરીને દાંપત્યજીવન પર તેની અસર પડી શકે છે. માર્ચ મહિના પછી ખાસ કરીને નજીવા ખર્ચને પહોંચી વળવા માટે દેવું ના કરતા.

સમૃદ્ધિ અને સંપત્તિ
આ વર્ષે પ્રથમ ત્રિમાસિકગાળામાં તમારે આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી પડશે. કોઈથી ભરમાઈને અનૈતિક પ્રવૃત્તિઓ કરશો તો ધન અને પ્રતિષ્ઠા બંનેથી હાથ ધોવાનો વારો આવશે. ખર્ચ વધવાના પરિણામે નાણાંભીડ રહેશે. બિનજરૂરી ખર્ચ થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિકારક અને લાભદાયી તબક્કો પુરવાર થશે. આપની સિદ્ધિઓ અને પ્રગતિની ઘર તેમ જ સમાજમાં પણ પ્રસંશા થશે. આપના કાર્યો સરળતાથી પાર પડે અને તેમાં લાભ થાય. નવા કાર્યની શરૂઆત આપના માટે લાભદાયી નીવડશે. નાણાંની લેવડદેવડ કે મૂડી રોકાણમાં ધ્‍યાન રાખવું. માર્ચ મહિના પછી દેવું, ઉધારી, ક્રેડિટ કાર્ડનો બેફામ ઉપયોગ ટાળવો. બીજાના ભરોસે કોઈ નિર્ણય લેશો તો લાખના બાર હજાર થશે. કોઇના જામીન ન થવું તેમ જ અદાલતની કાર્યવાહીઓથી સંભાળવું. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. કોઇનું ભલું કરવામાં ધરમ કરતાં ધાડ પડે તેવો અનુભવ થાય. નાણાંકીય દ્રષ્ટિએ રાહત રહેશે. આપ વૈભવી જીવનશૈલીને લગતી ચીજો પાછળ ખર્ચ કરો કે નવી ખરીદી કરો તેવી પણ શક્યતા છે. ખોટાં કાર્યો અને નકારાત્‍મક વિચારોથી આપ દૂર રહેજો અન્યથા ધન અને માન બંને ગુમાવશો. આપનો ક્રોધ અને જીદ બિનજરૂરી ઝઘડાનુ મૂળ બની શકે છે.

Related Posts
1 of 259

અંગત અને જાહેર સંબંધો
વધુ પડતા વિચારોથી આપ માનસિક થાક અનુભવશો. આવી સ્થિતિમાં ઇશ્વરનું નામ સ્‍મરણ અને આધ્‍યાત્મિકતા આપના મનના બોજને હળવો કરશે. તબિયતમાં અસ્‍વસ્‍થતા રહેવા છતાં માનસિક રીતે સ્‍વસ્‍થ હશો. સંતાનો અંગે ચિંતા રહે. હરીફો સાથે ચર્ચામાં ન ઉતરવું. ઉત્તરાર્ધમાં વિદેશથી સમાચાર મળે અથવા કદાચ વિદેશ યોગ પણ બની શકે છે. બીજા ત્રિમાસિકગાળામાં આપના પર ઉપરી અધિકારીઓ અને વડીલવર્ગની પણ કૃપા દ્રષ્ટિ રહેશે. નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે પરિસ્થિતિ અનુકૂળ રહેતા આપની સર્વાંગી પ્રગતિ થશે. ગૃહસ્‍થજીવનમાં શરૂઆતમાં સંભાળવું પડશે પરંતુ બાદમાં આનંદની અનુભૂતિ કરશો. સ્‍ત્રી મિત્રો આપની પ્રગતિમાં નિમિત્ત બને. પ્રિયપાત્ર સાથે સુંદર સ્‍થળે પર્યટનનું આયોજન થાય. સમાજમાં આપની ખ્‍યાતિ વધશે. સંતાનોની પ્રગતિ આપનું મન ખુશ કરશે. વ્યવહારિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે. મિત્રો સાથે બહાર ફરવા જવાનું આયોજન થાય તો નવાઈ નહીં. બીજી તરફ આપની ચિંતન‍ આધ્‍યાત્મમાં ડૂબેલા રહેશો. જીવનસાથી પ્રત્યે આપનું આકર્ષણ વધશે અને દામ્‍પત્‍યજીવનની મધુરતા માણી શકો. ભેટ સોગાદો કે અન્ય પ્રકારે ધન પ્રાપ્તિ થાય.

પ્રણય અને દાંપત્ય જીવન
આ વર્ષે શરૂઆતમાં તમારે ખાસ કરીને જીભને અંકુશમાં લેવી પડશે. ગમે તેમ બોલી જવાથી તમારા કારણે સ્‍વજનોની લાગણી દુભાઈ શકે છે. પ્રણય, રોમાંસ, પ્રવાસ પર્યટન અને મનોરંજન આપના રોજિંદા જીવનનો હિસ્‍સો બની જશે. ગૃહસ્‍થજીવનમાં માર્ચ પછી ઘણો આનંદ રહેશે. સ્‍નેહી સંબંધીઓ, પરિવારજનો કે પ્રિય પાત્ર સાથે ફરવાનો, મનોરંજન, સીનેમા કે શોપિંગ માટેનો કાર્યક્રમ થશે. પ્રિયપાત્રનો સહવાસ અને દાંપત્‍યજીવનમાં વધુ ઘનિષ્‍ઠતા અનુભવાશે. જેઓ નવા સંબંધો શરૂ કરવા માંગે છે તેમને વિજાતીય પાત્રો સાથે ઓળખાણ કે પ્રણય રોમાંસની શક્યતા છે. અવિવાહિતોના લગ્‍ન ગોઠવાય. આપ રચનાત્‍મક અને કલાત્‍મક પ્રવૃત્તિઓ તરફ વળશો. જીવનસાથી જોડે આપ ઉત્તમ પળો વિતાવી શકશો. પ્રણય અને રોમાંસ આપને રંગીન મૂડમાં લાવશે. પત્ની અને પુત્ર તરફથી આપ સુખ અને સંતોષ અનુભવશો. સપ્ટેમ્બર પછીના સમયમાં આપને એવું લાગશે કે આપને જેટલી ખુશીઓ મળવી જોઈએ તે નથી મળતી અને કદાચ આના કારણે આપ એકલતા અથવા ક્રોધનો ભોગ બનો તેવી શક્યતા છે. આવા સમયે આપને આપનો પરિવાર અને જીવનસાથી ઉગારી શકે છે.

નોકરી અને વ્યવસાય
આપ એ સારી રીતે જાણો છો કે જીવનમાં મફત કશું જ મળતું નથી. કર્મ, પ્રયત્ન અને કઠિન પરિશ્રમની આવશ્યકતા હોય છે. હવેનો તબક્કો નોકરી અને વ્યવસાય માટે થોડો ચડાવ-ઉતારવાળો હોઈ શકે છે. કારણ કે ઘર અને વ્યક્તિગત સંબંધોમાં આપના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ આપનું ધ્યાન તેમની તરફ ખેંચવા ઈચ્છશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ખાસ કરીને તમારે કમ્યુનિકેશન, ચર્ચા, વાટાઘાટો, પ્રેઝન્ટેશન અથવા ક્લાયન્ટને પોતાની વાત સમજાવતી વખતે ખૂબ સાવચેતી રાખવી પડશે અન્યથા તમારી એક નાની ભૂલ તમારી કારકિર્દી અથવા પ્રોફેશનને જોખમમાં મૂકી શકે છે. જો તમે કલા, નાણા, મીડિયા, પ્રિન્ટિંગ, નાટ્ય, પ્રવાસ, સંગીત અથવા તો સૌંદર્ય પ્રોડક્ટના વ્યવસાય સાથે જોડાયેલા હોવ તો તમને વર્ષના મધ્યમાં નફો વધવાની આશા રહેશે. તમે કોઇ નવા વ્યવસાયમાં પણ પૈસા બનાવી શકો છો, પરંતુ પહેલાં અનુભવી લોકોનું માર્ગદર્શન અને મંતવ્ય જાણી લેશો તો ફાયદામાં રહેશો. જમીન-જાયદાદ સાથે જોડાયેલી બાબતોમાં સાવચેતી રાખવી. વર્ષના મધ્યમાં આર્થિક સ્થિતિ મજબૂત થશે. શેરબજારમાંથી સારું વળતર પ્રાપ્ત થશે, જો કે તમે લોટરી અને સટ્ટાબાજીથી દૂર રહેવું.

મુસાફરી અને આરોગ્ય
અા વર્ષમાં અાપે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ કાળજી રાખવી પડશે. વર્ષની શરૂઅાતના કેટલાક મહિનામાં નબળાઇ કે પછી બિમારી થવાની શક્યતા રહેલી છે અને માર્ચ મહિના સુધી અાપે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન અાપવું પડશે. કાર્યસ્થળે, દૈનિક પ્રસંગો, અાદતો અને સ્વાસ્થ્યમાં કેટલાક સ્તરનું દબાણ જોવા મળશે. અાપની દૈનિક જીવનશૈલીમાં બિનજરૂરી દબાણ જોવા મળશે જેના કારણે અાપના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થશે. વિદેશને લગતા કામકાજોમાં કંઈક મુવમેન્ટ આવે અથવા તે કામકાજને અનુલક્ષીને આપે પ્રવાસ કરવા પડે તેવી શક્યતા છે. ગણેશજી હંમેશા કહે છે કે રોગ, શત્રુ અને સમસ્યા ગંભીરરૂપ ધારણ કરે તે પહેલા તેને ડામી દેવા જોઈએ. આવા સમયે વ્યક્તિગત, વૈચારિક અને ભાવનાત્મક રીતે શાંતિપૂર્વક રહેવાનું જ આપના માટે મોટામાં મોટી સંપત્તિ પુરવાર થશે. આપને ધાર્મિક યાત્રા-પ્રવાસ પણ કરાવે.

શિક્ષણ અને જ્ઞાન
આપ સંપૂર્ણ એકચિત્ત થઈને ભણશો. આપ વધુ એકાગ્રતા સાથે અભ્યાસ કરશો. તેનું પરિણામ સારું મળશે. જોકે, પ્રણયસંબંધોથી દૂર રહેવું અન્યથા આપની એકાગ્રતા ઘટશે અને તેની અસર અભ્યાસમાં પડી શકે છે. હાલમાં તમારી સર્જનાત્મક શક્તિઓ કેન્દ્ર સ્થાને રહેશે અને કલાત્મક વિષયોમાં તમે અગાઉની તુલનાએ સરળતાથી સફળતા હાંસલ કરશો. માસ્ટર ડિગ્રી કરવા માટે સારો છે. જે લોકોને આદ્યાત્મિક જ્ઞાન માટે આગળ વધવું હોય તેના માટે શ્રેષ્ઠ સમય કહી શકાય. જેઓ અભ્યાસ અર્થે વિદેશમાં જવા માંગે છે તેમને ઉત્તરાર્ધમાં તક મળે અથવા અગાઉથી આ દિશામાં પ્રયાસો આદર્યા હોય તો તેમાં સફળતા મળી શકે છે. આ ઉપરાંત ઓગસ્ટના મધ્યથી સપ્ટેમ્બરના અંત સુધીના સમયમાં ખાસ કરીને ભાવિ અભ્યાસ અંગે કોઈપણ મહત્વનો નિર્ણય લેતા પહેલા બે વાર વિચાર કરવો અને જરૂર જણાય તો બીજાની સલાહ લેવી.
—————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »