તમારા માટે, તમારી સાથે, સતત…

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી દાંડી  માર્ગે મેરેથોન દોડ યોજશે

એવી મેરેથોનનું આયોજન થઈ રહ્યું છે કે જે ફરી એકવાર દાંડીયાત્રા જેવો જ અનુભવ કરાવશે.

0 367

મુકામ મુંબઈ – લતિકા સુમન

અંગ્રેજ હકૂમતના પાયા હચમચાવી મૂકનારી મહાત્મા ગાંધીજીની દાંડીયાત્રા વિશે કોઈ અજાણ્યું નથી. સાબરમતી આશ્રમથી શરૃ થયેલી આ યાત્રાએ દુનિયામાં ઇતિહાસ રચી દીધો હતો. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જયંતીની ઉજવણીના અવસરે આપણને ફરી એકવાર એ ઐતિહાસિક દાંડીયાત્રાનો અનુભવ કરાવે તેવી મેરેથોન દોડનું આયોજન થઈ રહ્યું છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી પાસેથી જાણીએ આ મેરેથોન દોડ વિશે…

હાલમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જયંતીની ઉજવણી ચાલી રહી છે. બીજી ઑક્ટોબર, ૧૮૬૯ના રોજ જન્મેલા ગાંધીજીએ તેમની યુવાવસ્થાથી લઈને છેલ્લા શ્વાસ સુધી દેશની સેવા કરી હતી. તેમની વિચારધારા અને તેમણે ચલાવેલા અહિંસક આંદોલનોની ચર્ચાઓ આજે પણ થાય છે. તેમની દાંડીયાત્રા સાબરમતી આશ્રમથી શરૃ કરીને દાંડીના સમુદ્ર તટ સુધી પહોંચી હતી. આ યાત્રાએ દુનિયાભરમાં એક ઇતિહાસ રચી દીધો હતો. તે દિવસોમાં આખા દેશમાં એક પ્રકારનું ભયનું વાતાવરણ ફેલાયેલું હતું. અંગ્રેજોએ બધી જ વસ્તુઓ પર ટેક્સ નાંખ્યો હતો. ખૂબ જ સસ્તા ભાવે મળતા મીઠા પર પણ ટેક્સ લાદવામાં આવ્યો હતો. આમ છતાં ૭૮ જેટલા સત્યાગ્રહીઓએ બાપુની સાથે ચાલીને ૨૬ દિવસોની દાંડીયાત્રાને સફળ બનાવી મીઠાના કાયદાનો ભંગ કર્યાે હતો. દાંડીયાત્રા ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમથી શરૃ થઈ હતી અને ૬ એપ્રિલે દાંડીના સમુદ્રતટે તેનું સમાપન થયું હતું. જે સ્થળે બાપુએ મીઠું ઉપાડી કાયદાનો ભંગ કર્યાે હતો અને જે સ્થળોએથી દાંડીયાત્રા પસાર થઈ હતી તે ગામોમાં આજે પણ આ યાત્રાનું એટલું જ મહત્ત્વ છે.

હવે એક એવી મેરેથોનનું આયોજન થઈ રહ્યું છે કે જે ફરી એકવાર દાંડીયાત્રા જેવો જ અનુભવ કરાવશે. દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધી એ તમામ રસ્તે હાથમાં લાકડી પકડીને દોડી રહ્યા હતા અને તે તમામ સત્યાગ્રહીઓ પણ તેમને સાથ આપી રહ્યા હતા. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર (પૌત્ર અરુણ મણિલાલ ગાંધીના પુત્ર) તુષાર ગાંધીએ આવી જ કલ્પના સાથે એક એવી મેરેથોન દોડનું આયોજન કર્યું છે, જેમાં દુનિયાભરમાંથી લોકો ભાગ લે તેવી શક્યતા છે.

તુષાર ગાંધીએ ‘અભિયાન’ને જણાવ્યું કે, ‘ગાંધીજીની ૧૫૦મી જયંતીના અવસરે અમે કાંઈક અલગ પ્રકારનું કરવાનું વિચારી રહ્યા હતા. વર્ષ ૨૦૦૫માં દાંડીયાત્રાને ૭૫ વર્ષ પૂર્ણ થયાં હતાં તે સમયે મારા એક સહયોગી સાથે ચર્ચા કરીને અમે પણ તે જ પ્રકારે દાંડીકૂચનું આયોજન કર્યું હતું કે જ્યાંથી મહાત્મા ગાંધીજી પસાર થયા હતા. હાલમાં બાપુની ૧૫૦મી જયંતી ઊજવાઈ રહી છે. જે માટે મેં મારા કેટલાક સાથી મિત્રો સાથે મળીને એક કંપની બનાવી છે, જેને ગ્રેટ સોલ્ટ માર્ચ ઇવેન્ટ એવું નામ આપ્યું છે. આ કંપનીના માધ્યમથી અમે ૧૨ માર્ચથી ૨૧ માર્ચ ૨૦૧૯ સુધી એક એવી મેરેથોનનું આયોજન કર્યું છે જે ૧૦ દિવસ સુધી ચાલશે. આનો બધો ખર્ચ અમારી કંપની ઉઠાવશે. અમે આ ઇવેન્ટનું આયોજન એટલા માટે કર્યું છે કેમ કે, ભારતમાં દોડનારાઓની સંખ્યા સૌથી વધુ છે અને આવા સૌથી વધુ ૬૦ હજાર જેટલા રનર્સ ગુજરાતમાં છે.’

તુષાર ગાંધીએ વધુમાં જણાવ્યું કે, ‘જ્યાં મહાત્મા ગાંધી રોકાયા હતા તે ગામડાંઓમાં આજે પણ તેમની યાદો તાજી છે. ગ્રામજનો આજે પણ તેમના દાદા-પરદાદાના મહાત્મા ગાંધી સાથેના અનુભવો યાદ કરીને ગર્વ અનુભવે છે. જેમ કે, એક ગામમાં બાપુ રોકાયા હતા. ત્યાંના વાળંદે પોતાના અસ્તરાથી બાપુની હજામત કરી હતી. જ્યારે હું તે ગામ પહોંચ્યો હતો ત્યારે તે વાળંદની પેઢીનો એક યુવાન મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મારા પરદાદાએ આ અસ્તરાથી બાપુની હજામત કરી હતી. હું પણ તે જ પ્રકારે તમારી હજામત કરવા માગું છું. તેણે એ અસ્તરો કાઢ્યો જેનાથી બાપુની હજામત કરી હતી. અસ્તરાને ખૂબ જ કાટ લાગી ગયો હતો. મેં તેને કહ્યું કે, રહેવા દો હું હજામત નહીં કરાવું કેમ કે હું દાઢી રાખવાનું પસંદ કરું છું.’

Related Posts
1 of 319

શું આ પ્રકારની મેરેથોનના આયોજન દ્વારા બાપુ અને તેમના વિચારોને લોકો સુધી પહોંચાડી શકાશે? તેવા એક સવાલના જવાબમાં તુષાર ગાંધીએ જણાવ્યું કે, ‘અમે આ મેરેથોન માટે કોઈને આમંત્રણ નથી આપી રહ્યા. દરેક વ્યક્તિ માટે આ શ્રદ્ધા અને નિષ્ઠાનો વિષય છે. અમે કોઈની સાથે બળજબરી નથી કરી રહ્યા. આમ છતાં હું ૨૦૦૫નો એક કિસ્સો કહું છું. જ્યારે હું દાંડીયાત્રા કરી રહ્યો હતો તે સમયે બિલકુલ બાપુ જેવા દેખાતા મુકેશ મોદી નામના ભાઈ અમારી સાથે સાબરમતી આશ્રમથી પગપાળા ચાલી નીકળ્યા હતા. અમે બધાં ચંપલ, જૂતાં અને સ્લિપર પહેરીને ચાલી રહ્યા હતા, પરંતુ મુકેશભાઈ વગર ચંપલે બાપુની જેમ જ દોડી રહ્યા હતા. અમારા પગમાં છાલાં પડી ગયાં હતાં છતાં તેઓ બિલકુલ થાકતા નહોતા. એક ગામમાંથી અમે પસાર થઈ રહ્યા હતા ત્યારે બે ક્વૉલિસ કાર ત્યાં આવી પહોંચી. ગાડીઓમાં કોઈ પરિવાર હતો. જેમાં એક યુવતીના હાથમાં નાનું બાળક હતું. તે યુવતીએ બાળકને મુકેશ મોદીના પગમાં મુકીને કહ્યું કે, બાપુ આને તમારા આશીર્વાદ આપો. જાણે તેઓ હકીકતમાં મહાત્મા ગાંધીજીને મળી રહ્યા હોય તેવા ભાવ તે પરિવારના ચહેરા પર જોવા મળ્યા હતા.’

કેવા પ્રકારે આ દોડ યોજાશે અને તેમાં કેટલા લોકો જોડાવાના છે? તેવા સવાલના જવાબમાં તુષાર ગાંધીએ જણાવ્યું કે, ‘અમે આ માટે કેટલીક મર્યાદા બાંધી છે. ૧૮ વર્ષથી ઉપરના કોઈ પણ આ યાત્રામાં જોડાઈ શકે છે. બધા જ લોકો ભાગ લઈ શકે છે, પરંતુ જેઓ રનર છે અને સાયક્લિંગ કરશે તેમની સંખ્યા ૫૦૦ સુધી સીમિત રાખવામાં આવી છે. આ માટેનું રજિસ્ટ્રેશન મુંબઈમાં શરૃ થઈ રહ્યું છે. જે માટે આગામી ૧ અને ૨ ડિસેમ્બરે મુંબઈના પવઇમાં હાફ મેરેથોનનું આયોજન કરાયું છે. દાંડી માર્ચની જે ઇવેન્ટ છે તે ૧૨ માર્ચથી ૨૧ માર્ચ સુધીની હશે. જેમાં શરૃઆતમાં જે લોકો દોડશે તેમને એનએચ ૬૪ નામ આપવામાં આવ્યું છે. આ દોડ પાંચ દિવસની પણ છે, કેમ કે જ્યારે રનર્સ સાથે વાત થઈ હતી ત્યારે એમનું કહેવું હતું કે, હાફ મેરેથોન તો અમે ચપટી વગાડતામાં પૂરી કરી લઈએ છીએ. આથી અમે ૪૦૦ કિ.મી.ની દોડ પાંચ દિવસની અને સાઇક્લિંગ કરનારાઓ માટે ૨૪ કલાકમાં ૪૦૦ કિ.મી.ની સાઇક્લિંગની રેસ રાખી છે.’

તે ૫૦૦ લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થાને કોઈ સ્પોન્સર કરી રહ્યું છે? તેનો હકારમાં જવાબ આપતા તુષાર ગાંધીએ જણાવ્યું કે, ‘અમે કેટલાક ગણતરીના માણસો સાથે વાત કરી છે. કેમ કે, આ બાપુની ઇવેન્ટ હોવાના કારણે કોણ સ્પોન્સર કરી રહ્યું છે તેની ખાતરી કરીએ છીએ અને ખૂબ જ સંભાળીને પૈસા લઈએ છીએ. જે સ્થળે અમે ટેન્ટ લગાવીશું ત્યાં અમે ગુજરાતના ગ્રામોદ્યોગની લોકોને જાણકારી આપીશું અને માત્ર બાપુ જ નહીં, આઝાદીની લડતમાં જે કોઈએ પણ પોતાનું યોગદાન આપ્યું છે તેમના વિશે પણ જાણકારી આપીશું.

‘અહીં તમને ભારતના વિભિન્ન પ્રદેશોમાં મળતાં ભોજનનો સ્વાદ ચાખવા મળશે. ખાદીનું પ્રદર્શન પણ હશે. અમદાવાદમાં ચરખો ચલાવવાની તાલીમ આપતાં અવની વરિયાને પણ આમંત્રિત કરવાના છીએ, જેઓ તે વિશેની જાણકારી આપશે. ત્યાર બાદ ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ સુદર્શન આયંગર બાપુની વાતો સંભળાવશે. ગુજરાતના ભવાઈ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સાથોસાથ આપણા ગામડાંની સભ્યતા અને આપણી સાંસ્કૃતિક જીવન પદ્ધતિ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવશે. અમારી મેરેથોનને પી.ટી. ઉષા અને મિલ્ખા સિંગ જેવા ભારતના કોહિનૂર હીરાઓના આશીર્વાદ મળે તેવું ઇચ્છીએ છીએ. અમે તેમનો સંપર્ક કરી અમારી સાથે તેઓ જોડાય અને તેમના આશીર્વાદ આપે તેવી વિનંતી કરવાના છીએ. દેશની આ પ્રથમ એવી મેરેથોન દોડ હશે જે આપણા સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી છે. આ વર્ષે તેની ચર્ચા થશે ત્યારે આવતા વર્ષે દુનિયાભરના લોકો આની સાથે જોડાઈ જશે અને બાપુની દાંડીકૂચની દર વર્ષે નવી ચર્ચા થશે. દક્ષિણ આફ્રિકાના કોમરેડ્સ મેરેથોનની તારીખની રનર્સ પોતાની ડાયરીમાં નોંધ રાખે છે તેવી રીતે આ મેરેથોનની દુનિયાભરમાં ચર્ચા થશે અને દરેક રનર પોતાની ડાયરીમાં આની નોંધ પણ રાખશે.’

શું તમને લાગે છે કે આ મેરેથોનની પણ એટલી જ ચર્ચા થશે? આ સવાલનો હસતાં હસતાં જવાબ આપતા તુષાર ગાંધીએ દાંડીકૂચના એક કિસ્સાને સંભળાવતા આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, ‘જ્યારે બાપુએ દાંડીયાત્રાનો નિર્ણય લીધો હતો ત્યારે તેનો પણ ખૂબ વિરોધ થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ અને બાપુ વચ્ચે ઝઘડા પણ થયા હતા. છેવટે સરદાર પટેલે કહ્યું હતું કે, તમે તો કોઈનું સાંભળવાના નથી, આથી વ્યવસ્થા કરવાનું કામ હું સંભાળીશ, પરંતુ અંગ્રેજ હકૂમતે સરદારની અગાઉથી જ ધરપકડ કરી લીધી. આથી મીઠાના સત્યાગ્રહ દરમિયાન સરદાર પટેલ નજરે નથી પડતા. તો મોતીલાલ નહેરુએ બાપુને ૨૨ પાનાંનો પત્ર લખીને સાવચેત કર્યા હતા કે આની કોંગ્રેસ અને તમારા નેતૃત્વ પર વ્યાપક અસર પડશે. ત્યારે બાપુએ તેમનાં ૨૨ પાનાંનો પત્ર વાંચ્યા બાદ એક પોસ્ટકાર્ડમાં તેનો માત્ર બે જ શબ્દોમાં જવાબ આપ્યો હતો કે, કરીને જોઈએ. ત્યાર બાદ જ્યારે આ આંદોલન સફળ થયું અને તેણે અંગ્રેજ હકૂમતને હચમચાવી મૂકી ત્યારે મોતીલાલજીએ અલહાબાદમાં તેને સમર્થન જાહેર કર્યું હતું અને એ જ સમયે તેમની અટકાયત કરવામાં આવી હતી. મોતીલાલ નહેરુએ તુરંત બાપુને એક તાર મોકલ્યો જેમાં શબ્દો લખેલા હતા- કરતાં પહેલાં જ જોઈ લીધું. આ ઘટનાને વર્ણવતાં તુષાર ગાંધીએ જણાવ્યું કે, અમારું પણ એ જ સૂત્ર છે – કરીને તો જોઈએ, શું થાય છે?’

તુષાર ગાંધીની સાથે આવેલા તેમના સહયોગી જિતેન્દ્ર ઝા અને મુંઝાલ શ્રોફે ‘અભિયાન’ને જણાવ્યું કે, ‘આ અમારા માટે અને દેશની તમામ પ્રજા માટે એક ચેલેન્જ સમાન છે. આપણી પેઢીઓ ગાંધીજી વિશે સાંભળતી આવી છે, પરંતુ તેમને અનુભવી શકતી નથી. જ્યારે આ દાંડીયાત્રાને એક મેરેથોન સ્વરૃપે દેશવાસીઓ અનુભવ કરશે ત્યારે તેમના મનમાં એ સવાલ જરૃર ઊઠશે કે તે દિવસોમાં વગર કોઈ સાધને સત્યાગ્રહીઓએ પોતાના જોશ સાથે આવું કાર્ય કેવી રીતે કર્યું હશે? તેમણે કેટલી મુસીબતોનો સામનો કરીને આપણને આઝાદી અપાવી હશે?’
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »