તમારા માટે, તમારી સાથે, સતત…

ભારતમાં 5-Gના પડઘમ વાગી રહ્યા છે

હાઈસ્પીડ ડાટા ટ્રાન્સફરની દિશામાં ફાઇવ-જીના અનેક ફાયદા હશે.

0 330

કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

ભારતમાં એક મોટી સંખ્યાની પ્રજા હજી ફોર-જી(ફોર્થ જનરેશન)ના સ્માર્ટફોનનો વેંત કરી શકી નથી અને અસંખ્ય લોકો ટુ-જી(સેકન્ડ જનરેશન)ની ટૅક્નોલોજીવાળા ફોન વાપરી રહ્યા છે ત્યારે ભારતનો મોબાઇલ અને ડાટા ઉદ્યોગ હવે પોતાના પાંચમા યુગમાં અથવા તો ફિફ્થ જનરેશન(ફાઇવ-જી)માં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે. પડઘમ વાગી ચૂક્યા છે. અમેરિકા, ચીન, જપાન, દ-કોરિયા અને યુરોપના દેશો ફાઇવ-જીનું તંત્ર બાંધવામાં આગળ છે, જ્યારે ભારતમાં ૨૦૨૦ના વરસથી તબક્કાવાર હાલની વાયરલેસ ટૅક્નોલોજીને અપગ્રેડ કરવાનું શરૃ થશે. ભારતે પ્રથમ તો પોતાની વીજપુરવઠા વ્યવસ્થા અસ્ખલિત બનાવવી પડશે જે અચ્છે દિન હજી સુધી આવ્યા નથી.

ફાઇવ-જી એક એવી અદ્યતન ટૅક્નોલોજી છે જેની સામે ફર્સ્ટ જનરેશનની સેલફોન ટૅક્નોલોજી સદીઓ પુરાણી આદિમાનવ ટૅક્નોલોજી જેવી જણાશે. ટુ-જી, થ્રી-જી અને ફોર-જી ટૅક્નોલોજીમાં જે તાંત્રિકી અને યાંત્રિકી મર્યાદાઓ છે તે ફાઇવ-જી ટૅક્નોલોજી વડે દૂર થશે. ડાટા ટ્રાન્સફર, વાતચીત, બિઝનેસ, ઑફિસ અને ઘરનાં કામકાજ, વાહન વ્યવહાર અને બીજા ઘણા ક્ષેત્રોમાં આજે આપણે જે રીતે કામ કરીએ છીએ તેમાં ક્રાન્તિકારી ફેરફારો આવશે જેનું વ્યવસ્થાપન ફાઇવ-જી યંત્રણા વડે શક્ય બનશે.

હમણા સોશિયલ મીડિયામાં એક વીડિયો ફિલ્મ વાયરલ થઈ છે જેમાં એક વ્યક્તિનાં તમામ કામકાજ જેમ કે માત્ર બોલવાથી બાથરૃમમાં પાણી ગરમ થાય, જ્યૂસર જ્યૂસ કાઢે, ઘરની તાપમાન વ્યવસ્થા હુકમ કરો તે પ્રમાણે ગરમી કે ઠંડી વધારે, વર્ચ્યુઅલ સેક્રેટરી આજનાં કરવાનાં કામો અને એપોઇન્ટમેન્ટ્સની વિગતો બોલી જાય અને તમે ઑફિસે જવા નીકળો ત્યારે હુકમ કરવાથી દરવાજો ખૂલે. ઘરના, મોટરકારના કે ઑફિસનાં તમામ સાધનો એકમેક સાથે તાલ સાધીને, આપસમાં વાતચીત કરીને માણસનું કામ સરળ બનાવે. તે માટે તેઓ માલિકનો અવાજ જાણતા હોય છે. બીજી કોઈ વ્યક્તિ હુકમ આપે તો ના ચાલે. અહીં વ્યંગ છે કે દાંતના ડૉક્ટરે પ્રોસિજર કર્યા બાદ હંગામી સમય માટે વ્યક્તિ બરાબર અવાજ કાઢી શકતો નથી અને ઘરે આવે ત્યારે દરવાજો જ ખૂલતો નથી. ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ એનો અવાજ પારખી શકતી નથી. જોકે તે એક અલગ મુદ્દો અને મર્યાદા છે, પણ ઘરની એ તમામ વ્યવસ્થા બરાબર કામ કરે તે માટે હાઈસ્પીડ ડાટા ટ્રાન્સફરની જરૃર પડે. ઘરે આવો અને તમારા હુકમ બાદ દરવાજાનું ઇલેક્ટ્રોનિક તાળું ખોલવા માટે કોમ્પ્યુટરમાં વર્તુળ ગોળ ગોળ ઘૂમ્યા કરે(બફરિંગ) તો દરવાજો ખૂલવામાં મિનિટો લાગી જાય. થ્રી-જીની આ મર્યાદાઓ ફોર-જીમાં વધુ પ્રમાણમાં દૂર કરી શકાઈ અને ફાઇવ-જીમાં ખૂબ મોટા સ્કેલમાં દૂર કરી શકાશે. આજકાલ ભારતમાં સ્માર્ટ શહેરોની વાતો અને યોજનાઓ ચાલી રહી છે જેમાં મોટરકારો, રૉબો, રૅફ્રિજરેટરો, મોબાઇલ ફોન, ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રોનિક્સ સાધનો સાંકળની કડીઓની માફક જોડાયેલાં હશે અને તેઓ સરળતાથી કામ કરે તે માટે ફાઇવ-જી કે પછી સિક્સ, સેવન-જીનું પ્રાણતત્ત્વ તેમાં જરૃરી બનશે. આ પ્રાણતત્ત્વ એટલે હાઈસ્પીડ ડાટા ટ્રાન્સફર.

હાઈસ્પીડ ડાટા ટ્રાન્સફરની દિશામાં ફાઇવ-જીના અનેક ફાયદા હશે. ભલે અમુક વિકસિત રાષ્ટ્રો ફાઇવ-જી ટૅક્નોલોજીમાં ભારતથી એક-બે વર્ષ આગળ હશે, પણ સમગ્ર દુનિયાના સંદર્ભમાં જોઈએ તો ભારત ખાસ પાછળ નહીં હોય. સત્તાવાર રીતે ફાઇવ-જી ટૅક્નોલોજી ૨૦૨૦માં દુનિયાભરમાં એકસાથે લોન્ચ કરવામાં આવશે. ફાઇવ-જી અન્ય વર્તમાન થ્રી-જી અને ફોર-જી નેટવર્કની સમાંતર અથવા સાથે-સાથે કામ કરશે. ફાઇવ-જીનું નેટવર્ક ઓછી વીજળી બાળશે અને તેના મેન્ટનન્સ(રાખરખાવ)નો ખર્ચ પણ પ્રમાણમાં ખૂબ ઓછો હશે. વળી, તે વધુ કાર્યક્ષમ અને ઝડપી હશે, પરંતુ તે માટે હાલના માળખાને દૂર કરી તેની જગ્યાએ નવાં માળખાં બેસાડવા પડશે. આ જરૃરી ફેરફારો પછી જ કોઈ પણ દેશ દુનિયાની ફાઇવ-જી વ્યવસ્થાનો ભાગ બની શકશે.

એક ગણતરી પ્રમાણે વરસ ૨૦૨૦ સુધીમાં દુનિયાના નેટવર્ક્સ સાથે ૫૦ અબજ ડિવાઇસ(સેલફોન, પેડ વગેરે સાધનો) જોડાયેલાં હશે અને ઇન્ટરનેટ કોમ્પ્યુટરો સાથે જોડાયેલાં સાધનો(જેનો આપણે આગળ ઉલ્લેખ કર્યો)ની ભરમાર(જેને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) કહે છે તે પણ વધુ બહોળી હશે. આટલાં સાધનોને વર્તમાન નેટવર્ક વ્યવસ્થા પહોંચી વળે તેમ નથી. તે માટે ફાઇવ-જી અનિવાર્ય આશીર્વાદરૃપ બનશે. બીજી એક ગણતરી પ્રમાણે દુનિયાના ફાઇવ-જી નેટવર્ક સાથે સાત ટ્રિલિયન અર્થાત્ સાત હજાર અબજ સાધનો કાર્યક્ષમતાથી ચાલે તે રીતે જોડી શકાશે. ક્યાં હાલના ૫૦ અબજ અને ક્યાં સાત હજાર અબજ? આટલાં સાધનો નજીકના ભવિષ્યમાં કામમાં લેવાશે નહીં, પરંતુ ફાઇવ-જીની ક્ષમતાનું પ્રમાણ એ દર્શાવે છે કે તેના વડે દુનિયાભરમાં ડાટા ટ્રાન્સફરની ઝડપ નોંધપાત્ર અને ભરોસાલાયક બનશે. નવી ડિજિટલ ઇકોનોમીને નવી પાંખો મળશે. વાહનવ્યવહાર, સુરક્ષા, આરોગ્ય, ઊર્જા, ઉદ્યોગો અને રોજગારીની દિશામાં નવા આયામો ખૂલશે, જેનો હળવો અનુભવ આપણે ટુ-જીમાંથી થ્રી-જીમાં અને થ્રી-જીમાંથી ફોર-જીના પ્રવેશ બાદ કરી ચૂક્યા છીએ. દાખલા તરીકે ફાઇવ-જીના આગમન બાદ વિમાનની સોળ કલાકની મુસાફરી દરમિયાન તમે અમરેલીમાં બેઠેલા ઘરના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી શકશો. પ્રોવાઇડેડ કે અમરેલી કે વલસાડમાં એ દિવસે વીજળીની હાજરી હોવી જોઈએ. જોકે હવે પાવરબેન્કો ખૂબ ઊંચી ક્ષમતાવાળી મળતી થઈ છે.

ફાઇવ-જીની મહત્ત્વની ખૂબીઓ હશે તે તેમાં મળતી ડાટા ટ્રાન્સફરની સ્પીડ, મોબાઇલ ક્ષેત્રનું કવરેજ, જરૃરિયાત પ્રમાણે ક્ષમતા વધારવાની સ્થિતિસ્થાપકતા (માત્રા) અને ઝડપી પ્રતિક્રિયા એ ચાર મુખ્ય હશે. એક નેટવર્ક એક ચોક્કસ સમયમાં માહિતીના ડાટા ટ્રાન્સફર કરે છે તેના આધારે તેની સ્પીડ મપાય છે જે કિલોબીટ્સ, મેગાબીટ્સ અથવા ગીગાબીટ્સમાં માપવામાં આવે છે જેને આપણે હવે રોજબરોજની થયેલી ભાષામાં કેબી, એમબી કે જીબી તરીકે ઓળખીએ છીએ. હવે લગભગ દરેક સ્માર્ટફોન કે ઇન્ટરનેટ યુઝર જાણે છે કે, પાવરફુલ નેટવર્કમાં ઊંચી સ્પીડ મેળવી શકાય છે. કવરેજ ક્ષેત્ર જેમ બહોળું અથવા વિસ્તૃત તેમ નેટવર્ક વધુ મજબૂત ગણી શકાય. જ્યારે ડિમાન્ડ વધુ હોય ત્યારે નેટવર્કની શક્તિ અથવા કાર્યક્ષમતા વધારી શકાય તો ફાયદો એ થાય કે હંમેશાં તેને ઊંચી કાર્યક્ષમતા (કેપેસિટી)માં ચલાવવું ના પડે. દિવાળીના કે બીજા તહેવારોના દિવસોમાં ડિમાન્ડ વધુ હોય ત્યારે કેપેસિટી વધારી શકાય જેથી ઓછા કામકાજના દિવસોમાં વીજળીનો ખોટો વ્યય ન થાય. વળી, ઊંચી ક્ષમતા હોય ત્યારે કેપેસિટી વધારવાથી પણ ડાટા ટ્રાન્સફરની ક્વૉલિટી (ગુણવત્તા) જળવાઈ રહે. અવાજ તૂટે કે વીડિયો ડાઉનલોડ થવામાં સમય લાગે તેવી તકલીફો પેદા ના થાય. પ્રતિક્રિયા અથવા લેટેન્સીની ઝડપ પણ ફાઇવ-જીનો એક મહત્ત્વનો ગુણ હશે. તમે ફોન કે ડિવાઇસને કંઈક કરવાનો આદેશ કે સૂચના આપો અને નેટવર્ક તેનું અર્થઘટન કરે, આદેશને કે સૂચનાને સમજીને તેનું પાલન કરે તેમાં સમય જતો હોય છે. હાલના ફોર-જી નેટવર્કમાં તે સમય ૫૦થી ૧૦૦ મિલિ-સેકન્ડ્સનો છે. નેટવર્ક એમ સમજે કે રમેશને ફોન જોડવાનું નરેશ જણાવી રહ્યો છે તેમાં ૫૦થી ૧૦૦ મિલિ સેકન્ડનો સમય હાલમાં લાગે છે, પરંતુ ફાઇવ-જી નેટવર્કમાં આ સમય માત્ર ૧ મિલિ-સેકન્ડનો રહેશે. તમે સૂચના આપો ત્યાં જ રમેશને ફોન જોડવાની વિધિ શરૃ થઈ જશે. ફોનની વાતચીતમાં આ ખૂબી એટલી મહત્ત્વની નહીં લાગે, પરંતુ ક્લાઉડ ડાટા દ્વારા કોઈ રમત રમવાની હોય, કોન્ફરન્સ યોજવાની હોય કે પછી વર્ચ્યુઅલ દુનિયાનો આનંદ માણવો હોય ત્યારે આ ખૂબી ખૂબ ઉપયોગી થઈ પડે છે. ડ્રોન ઉડાડવું, આપમેળે ચાલતી કારને આગળ વધવા માટે આ ટૅક્નોલોજી અનિવાર્ય છે. તબીબો હવે મુંબઈમાં કે અમદાવાદમાં બેસી બીજા કોઈ શહેરમાં આવેલી હૉસ્પિટલના ઑપરેશન થિયેટરમાં સૂવડાવેલા દરદી પર શસ્ત્રક્રિયાઓ કરવાના છે, ત્યારે પણ આ ફાઇવ-જી ટૅક્નોલોજી અનિવાર્ય છે. લેટેન્સી(પ્રતિક્રિયા)નો સમય જેટલો ઓછો એટલી સચોટતા વધે.

ફાઇવ-જી ટૅક્નોલોજીનું એક મહત્ત્વનું ફીચર છે તે ઇએમબીબી અર્થાત્ ‘એનહાન્સ્ડ મોબાઇલ બ્રોડબેન્ડ’ છે. આ ફીચરને કારણે અનેક ડિવાઇસો (સાધનો) વચ્ચે ઝડપભેર તાલમેલ સાધી શકાય છે. લેટેન્સીનો સમય ઘટાડે છે તે ફીચર યુઆરએલએલસી અર્થાત્ ‘અલ્ટ્રા રિલાયેબલ લો લેટેન્સી કોમ્યુનિકેશન્સ’ તરીકે ઓળખાય છે. તદુપરાંત આરોગ્ય, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ, હવામાનનું નિરીક્ષણ, સ્માર્ટ પાવર ગ્રીડ્સ અને સ્માર્ટ વીજળી નેટવર્કો, સ્માર્ટ ખેતીવાડી અને સ્માર્ટ એગ્રિકલ્ચર ( જેમાં સેન્સરોના આધારે કયા છોડને પાણીની જરૃર છે તે જાણી શકાય વગેરે) માટે ‘મેસિવ મશીન ટાઇપ કોમ્યુનિકેશન્સ’ની જરૃર પડે છે. તે ટૂંકાક્ષરોમાં એમએમટીસી તરીકે ઓળખાય છે. આ કોમ્યુનિકેશન માત્ર ફાઇવ-જી વડે જ સંભવી શકે છે.

વીજળી અથવા ઊર્જાનો વ્યય અટકાવવો તે ફાઇવ-જીની એક વધુ મહત્ત્વની ખૂબી છે. તેના સંકેતો, સિગ્નલો અથવા બીમનું એવી રીતે ઘટ્ટ સંયોજન થાય છે જેમાં ડાટા જ્યારે અને જ્યાં પહોંચાડવાના હોય ત્યારે જ એ બીમ કાર્યરત થાય છે અને મજબૂત બને છે. બિનજરૃરી રીતે આખો દિવસ બીમ છૂટતા રહેતા નથી. તેને કારણે વીજળીની કે ઊર્જાની એટલી જરૃર પડતી નથી. તેને કારણે મોબાઇલ ફોનની બેટરીઓ પણ લાંબો સમય ચાર્જ થયેલી રહેશે. એવી ગણતરી છે કે ફોર-જીની સરખામણીમાં ફાઇવ-જી નેટવર્કમાં ૯૦ ટકા ઓછી વીજળીની જરૃર પડશે. ફોર-જીમાં પડે છે તેના લગભગ દસ ટકા વીજળીની ફાઇવ-જીમાં જરૃર પડશે.

Related Posts
1 of 262

પણ આ ફાઇવ જી નેટવર્ક કઈ ટૅક્નોલોજીના આધારે કામ કરશે? જવાબ એ છે કે એની જુદી-જુદી ખૂબીઓ અને હેતુઓ માટે જુદી-જુદી ટૅક્નોલોજીઓ એકઠી કરીને સમન્વય સાધવામાં આવશે. પ્રસારણ માટેની જે મુખ્ય ટૅક્નોલોજી રહેશે તે ‘ફાઇવ જી એનઆર’ તરીકે ઓળખાય છે. હમણા સુધી મોબાઇલ અને વાયરલેસ નેટવર્કો પૂર્ણપણે રેડિયો ફ્રિક્વન્સી સ્પેક્ટ્રમનો ઉપયોગ કરતા હતા જે ત્રણ કિલોહટ્ર્ઝથી છ ગીગાહટ્ર્ઝની વચ્ચે રહેતા હતા, પરંતુ હવે ડાટા ટ્રાન્સફર દ્વારા ચાલતાં સાધનો અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની સંખ્યા ઝડપભેર વધી રહી છે અને હાલના ઉપલબ્ધ રેડિયો સ્પેક્ટ્રમમાં તેને ચલાવવામાં આવે તો કોઈ સાધનો યોગ્ય રીતે કામ આપી ન શકે. હાલમાં જ આપણે વાતવાતમાં કહેતા હોઈએ છીએ કે સ્પેક્ટ્રમ ઓછું પડે છે. સરકાર સ્પેક્ટ્રમની હરાજી કરી તેને છૂટું કરે ત્યારે કંપનીઓના નેટવર્ક સરખાં કામ કરતાં થતાં હોય છે. ભારતમાં આ સ્પેક્ટ્રમનું એક અલગ રાજકારણ છે જેનો મુખ્ય તંતુ ભ્રષ્ટાચાર અને પૈસા છે, પણ તે વાતને બાજુએ રાખીએ તો કહી શકાય કે વધી રહેલાં ડિવાઇસોને ચલાવવા માટે છ ગીગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમ ઓછાં પડે. માટે તેનાથી ઉપરની ક્ષમતાનો જ હવે વિચાર કરવો પડે.

વિજ્ઞાનીઓ અને સંશોધકોએ હવે છ ગીગાહર્ટ્ઝથી ઉપરના એટલે કે ૭૩ ગીગાહટ્ર્ઝ સુધીનાં મોજાં અથવા વૅવ્ઝ બ્રોડકાસ્ટ કરવામાં સફળતા મેળવી છે. છ ગીગાહટ્ર્ઝની લિમિટ નોર્મલ ગણાય છે. તેનાથી ઊંચી ક્ષમતાના વૅવ્ઝ ‘મિલિમીટર વૅવ્ઝ’ તરીકે ઓળખાય છે. આ મિલિમીટર વૅવ્ઝનો ફાયદો એ છે કે તેનાથી ફ્રિક્વન્સી સ્પેક્ટ્રમની ક્ષમતા છ ગીગાહટ્ર્ઝ પરથી વધારીને છેક ૩૦૦ ગીગાહટ્ર્ઝ પર પહોંચાડી શકાય છે. ફાઇવ-જીમાં આ ટૅક્નોલોજી છે. જેથી તમે ઓગમેન્ટેડ રિયાલિટી અર્થાત્ તળાવને કાંઠે વાઘ કે સિંહની બાજુમાં ઊભા રહેવાનો કે વાદળો વચ્ચે ઊડવાનો આનંદ ઉઠાવી શકશો.

ફાઇવ-જીમાં સ્મોલ સેલ્સ અર્થાત્ નાના-નાના સેલ્સ (વિભાગ)ની ટૅક્નોલોજી વપરાશે. ઘણી વખત વૅવ્ઝ છોડતાં મોટી સંખ્યામાં સાધનો જ્યાં કેન્દ્રિત થયાં હોય ત્યાં અથવા મોબાઇલ ટાવરો આજુબાજુના મોબાઇલ ફોન અને સાધનોમાં ખલેલ ઊભી કરતાં હોય છે. આ સમસ્યા દૂર કરવા નાના સેલ અથવા કોમ્પેક્ટ ટ્રાન્સમિટિંગ ડિવાઇસ એ વિસ્તારમાં કામે લગાડવામાં આવશે જે વધુ ચોખ્ખાં સિગ્નલો પૂરાં પાડશે. કોઈ ગીચ વિસ્તારમાં બિલ્ડિંગો, ઝાડ, વાહનો વગેરેને કારણે મોટાં ટાવરનાં સિગ્નલો રોકાઈ જતાં હોય ત્યાં પણ આ ‘સ્મોલ સેલ્સ’ ગોઠવવામાં આવશે. આ સ્મોલ સેલ્સનું કામ એક નાનકડા ભૌગોલિક વિસ્તારમાં સિગ્નલો ટ્રાન્સમિટ કરવાનું રહેશે. તે મોબાઇલ ઓપરેટરને હાઈક્વૉલિટી નેટવર્ક કવરેજ અને ખલેલ વગર ઊંચી ઝડપે ડાટાનું પ્રસારણ કરવામાં મદદરૃપ નીવડશે. જે ગીચ શહેરોમાં સંકેતોનું પ્રસારણ બરાબર કાર્યક્ષમ રીતે થતું ના હોય ત્યાં આ સ્મોલ સેલ્સ ખૂબ મદદગાર પુરવાર થશે. એક કોઈ ખાસ વિસ્તારનો એ સમગ્ર ડાટા ટ્રાફિક લોડ ઉઠાવી લેશે, જે આજના મોટા કદના પણ એક માત્ર ટ્રાન્સીવર (ટ્રાન્સમીટર)થી શક્ય બનતું નથી.

ટૅક્નોલોજીની આ ફાઇવ-જી ગુજરાતી થાળીમાં બીજી એક સ્વાદિષ્ટ ચીજ ‘મેસિવ મિમો’ (એમઆઇએમઓ) તરીકે ઓળખાતી ટૅક્નોલોજી હશે. સિસ્ટમમાં વધુ ને વધુ ટ્રાન્સમિટિંગ અને રિસિવિંગ એન્ટેના જોડીને નેટવર્કની કેપેસિટી ખૂબ ઊંચી લઈ જવાશે. મેસિવ મિમો એટલે ‘મેસિવ મલ્ટિપલ ઇનપુટ એન્ડ મલ્ટિપલ આઉટપુટ.’

યુદ્ધમાં તમે ચારે બાજુ, કોઈ લક્ષ્યાંક વગર એક વર્તુળાકાર ક્ષેત્રમાં મિસાઇલો છોડો તો શું થાય? મોટા ભાગની નિરર્થક જાય. હાલના તોતિંગ મોબાઇલ ટાવરો આ રીતે જ સિગ્નલો છોડે છે, પણ તેના ઉપાય તરીકે હવે બીમફોર્મિંગ ટૅક્નોલોજી મદદે આવી છે. બીમ એટલે સિગ્નલ. ફોર્મિંગ એટલે તેને ઘટ્ટ, વ્યવસ્થિત અને ચોક્કસ દિશા તરફ જતું બનાવવું. આ ડાટા ટ્રાન્સમિશન ટૅક્નિકમાં પ્રથમ તો ટ્રાન્સમિશન સ્ટેશન એ શોધી કાઢશે કે અમદાવાદ શહેરમાં અમથાભાઈ કઈ જગ્યાએ બેઠા છે અને પછી ડાટાનાંં સિગ્નલો માત્ર એ જગ્યા તરફ અમથાભાઈને મોકલશે. નિશાન પર મોકલેલી મિસાઇલની માફક. વળી, આ સિગ્નલ જ્યારે અને જેટલી માત્રામાં જરૃર હોય તે પ્રમાણે જ મોકલાશે. પરિણામે નેટવર્ક સ્ટેશન બીજાં સાધનોને પણ વધુ સંખ્યામાં હેન્ડલ કરી શકશે.

અન્ય એક ટૅક્નોલોજી ઉમેરાશે તે ‘ફુલ ડુપ્લેક્સ’ તરીકે ઓળખાય છે. હાલમાં તમારો ફોન સિગ્નલ ટ્રાન્સમિટ કરતો હોય ત્યારે સિગ્નલ મેળવી શકતો નથી અને સિગ્નલ મેળવતો હોય ત્યારે ટ્રાન્સમિટ કરી શકતો નથી. હાલની નેટવર્ક સિસ્ટમમાં એક સમયે માત્ર એક જ મોડ એક્ટિવ રહે છે અને આ સિસ્ટમ માત્ર એક ફાળવાયેલા બેન્ડ પર કામ કરે છે જેમાં આપણે બંને છેડાએથી વાતચીત કરી શકીએ છીએ. જો બેન્ડ એલોકેટ કરવામાં ના આવે તો સિગ્નલો એકસાથે આવે અને જાય તે માટે બે રેડિયો બેન્ડ ફાળવવા પડે, પણ ‘ફુલ ડુપ્લેક્સ’ મોડમાં વાયરલેસ નેટવર્ક એક હાઈ-સ્પીડ સ્વિચિંગ સિસ્ટમ વડે બંને તરફનાં સિગ્નલો એકસાથે પ્રસારિત કરી શકે છે. સ્પેક્ટ્રમ આજે ખૂબ મોંઘા ભાવે ખરીદવા પડે છે ત્યારે આ પદ્ધતિથી તેનો કાર્યક્ષમ અને કરકસરભર્યો વપરાશ થાય છે જે ટેલિકોમ કંપની અને ગ્રાહક બંનેને આર્થિક રીતે પણ ફાયદાકારી નીવડશે. તેના થકી તાંત્રિકી ક્ષમતા પણ વધશે.

ફાઇવ-જીના ક્ષેત્રમાં આજે અનેક કંપનીઓ સજ્જ થઈ રહી છે. જાણીતી મોબાઇલ કંપનીઓએ સહયોગ અને જોડાણોના કરાર કર્યા છે. સંશોધન સંસ્થાઓને રોકવામાં આવી છે. ફાઇવ-જી ટૅક્નોલોજીમાં પ્રસારણની મશીનરી તૈયાર કરતી કંપનીઓથી માંડીને ડિવાઇસ તૈયાર કરતી કંપનીઓએ પોતપોતાનાં કાર્યાલયો, લેબોરેટરીઓ અને સંશોધન વિભાગો શરૃ કર્યાં છે. નોકિયા અને એરિકસન કંપનીઓએ ફાઇવ-જી માટેનાં પ્લેટફોર્મની રચના અને બાંધકામનાં કામકાજ આરંભી દીધાં છે. એરિકસને આ વરસમાં જ ફાઇવ-જી રેડિયો નેટવર્ક સોફ્ટવેર બજારમાં લોન્ચ કર્યું છે, જેના વડે મોબાઇલ ઓપરેટર કંપનીઓ (કેરિયર) ફાઇવ-જી સેવા લોન્ચ કરી શકશે. નોકિયાએ ગયા વરસે ‘ફાઇવ જી ફર્સ્ટ’ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. એરિકસને બ્રિટિશ ટેલિકોમ (બીટી), વેરીઝોન અને લંડનની કિંગ કૉલેજ સાથે મળીને ફાઇવ-જી ડ્રોનની રચના કરી છે અને આ વરસે તેનું પરીક્ષણ પણ થયું. દુનિયાની લગભગ તમામ મોબાઇલ ઓપરેટર કંપનીઓ ૨૦૨૦થી ફાઇવ-જી સેવાઓ લોન્ચ કરવા માટે સજ્જ બની ગઈ છે. કતારની મોબાઇલ ઓપરેટર કંપની ‘ઉરેડુ’એ ફાઇવ-જી સેવા લોન્ચ કરી દીધી છે. ફાઇવ-જીના નિર્માણને લગતા વ્યવસાયમાં ફિનલેન્ડ (નોકિયા), અમેરિકા, પોલેન્ડ અને દક્ષિણ કોરિયા વગેરે ઝડપભેર આગળ વધી રહ્યા છે.

આપણે ફાઇવ-જીની યંત્રણા વિશે વાત કરી, પણ તેનું પરિણામ શું? મોબાઇલ ધારકોને શો લાભ, કઈ સેવા મળશે? તો એ વાતને સરળ ભાષામાં સમજાવવા માટે એમ કહી શકાય કે, ફાઇવ-જીના આગમન બાદ પૂરી લંબાઈની હાઈ-ડેફિનેશન (એચડી) હિન્દી ફિલ્મ ડાઉનલોડ કરવામાં હવે મિનિટો નહીં લાગે, પણ માત્ર ગણતરીની સેકન્ડોમાં સડસડાટ કરતી તમારા મોબાઇલમાં ડાઉનલોડ થઈ જશે. કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ કનેક્શન મળશે. ઓછામાં ઓછી ૨૫ એમબીપીએસની સ્પીડ મળશે. મહત્તમ સ્પીડ તેનાથી અનેક ગણી મેળવી શકાશે. અવાજ અને વીડિયોની ઊંચી ક્વૉલિટી હશે. અલ્ટ્રા-હાઈ ડેફિનેશન (ફોર થાઉઝન્ડ) વીડિયોનું સતત પ્રસારણ મોળવી શકાશે. મતલબ કે કોઈ પણ ગેમ વિના અવરોધ રમી શકાશે. સેલફોન અને બીજાં સાધનો વીજળીનો ખૂબ ઓછો વપરાશ કરશે. ક્રિકેટ મેચ લાઇવ જોતાં હશો ત્યારે દર્શક મહત્ત્વની રસપ્રદ રમતની તત્કાળ પોતાની ઇચ્છા પ્રમાણે રિપ્લે જોઈ શકશે અને તે પણ જુદા જુદા અનેક એંગલથી જોઈ શકશે. ગ્રામીણ વિસ્તારોમાં પણ હાઈ-ક્વૉલિટીની કનેક્ટિવિટી મળશે. કોઈ પણ વાયરલેસ ડિવાઇસ સાથે તત્કાળ સંપર્ક સ્થાપી શકાશે. કોઈ ટેલિકોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા લોકોને અન્ય ભાષાના વક્તા બોલી રહ્યા હોય એ જ સમયે ભાષણનો તત્કાળ તરજુમો (અનુવાદ) મળી રહેશે.

વરસ ૨૦૨૦માં પ્રથમ ભારતના મેટ્રો શહેરમાં ફાઇવ-જી લોન્ચ થશે. સ્વીડનની એરિકસન કંપનીેએ દિલ્હી આઈઆઈટીના સહયોગમાં ભારતમાં પ્રથમ ફાઇવ-જી સેન્ટર અને પ્રયોગશાળા શરૃ કર્યાં છે. ભારતની અન્ય આઈઆઈટી સંસ્થાનો અને એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂ ટોમાં ફાઇવ-જી માટેનાં રિસર્સ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરો શરૃ થયાં છે. ૨૦૧૯માં મોંઘાદાટ ફોર-જી ફોન ખરીદવાના હો તો થોડી રાહ જોઈ લેજો. જો એ ફાઈવ-જી કમ્પેટિબલ નહીં હોય તો ૨૦૨૦ કે તે પછી કશા કામનો નહીં રહે.
——————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »