તમારા માટે, તમારી સાથે, સતત…

પાંચ રાજ્યની ચૂંટણીઃ લોકસભાની ‘સેમિફાઇનલ’માં ‘અગ્નિપરીક્ષા’

છત્તીસગઢમાં રમણસિંહ ફરી બાજી મારશે?

0 178

સાંપ્રત –  પ્રજ્ઞેશ શુક્લ

છત્તીસગઢમાં ૧૨ નવેમ્બરે ૧૮ બેઠકો પરના પ્રથમ તબક્કાના મતદાન સાથે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની ‘સેમિફાઇનલ’ ગણાતી આ ચૂંટણીઓ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે અગ્નિપરીક્ષા સાબિત થશે તેમાં કોઈ શંકા નથી. રાજકીય વિશ્લેષકો આ પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીને લોકસભા ચૂંટણીનું ટ્રેલર પણ કહે છે, કેમ કે તેમાં મતદારોનો મૂડ અને રાજકીય પક્ષમાં કેટલો વિશ્વાસ છે તે સ્પષ્ટ થઈ જશે. હિન્દી બેલ્ટનાં ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીઓ પર સૌની વિશેષ નજર છે. લોકસભા ચૂંટણીના લગભગ છ મહિના પહેલાં એટલે કે ૧૧ ડિસેમ્બરે જાહેર થનારાં પરિણામોથી સાફ થઈ જશે કે દેશના બે સૌથી મોટા રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાંથી કોની તૈયારીઓ વધુ મજબૂત અને દૂરંદેશીભરી છે. હાલ તો આ ત્રણેય રાજ્યમાં ભાજપ સત્તાસ્થાને છે અને આ રાજ્યોની ૬૫માંથી ૬૨ લોકસભા બેઠકો તેના ખાતામાં બોલે છે. બાકીનાં બે રાજ્યની વાત કરીએ તો મિઝોરમમાં કોંગ્રેસની સત્તા છે અને તેલંગાણામાં ટીઆરએસ ફરી સત્તાનું સુકાન સંભાળવા તત્પર છે.

આ પાંચ રાજ્યનાં પરિણામો એ પણ નક્કી કરશે કે ટોચના રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીમાં કોની સાથે ગઠબંધન બનાવશે અને તે કેટલું અસરકારક નીવડશે. છત્તીસગઢની ૯૦, મધ્યપ્રદેશની ૨૩૦, મિઝોરમની ૪૦, રાજસ્થાનની ૨૦૦ અને તેલંગાણાની ૧૧૯ વિધાનસભા બેઠકો જીતવા ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીય દળો પૂરું જોર લગાવી રહ્યા છે.

કોંગ્રેસ જો આ વિધાનસભા ચૂંટણીઓમાં તેના સૌથી કટ્ટર હરીફ ભાજપનો ખેલ બગાડવામાં સફળ રહે છે તો લોકસભા ચૂંટણી પહેલાં આ સૌથી મોટી જીત ગણાશે અને તેનાથી સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસનું મનોબળ પણ મજબૂત થશે. બીજી તરફ ભાજપ ત્રણ રાજ્યમાં સત્તા જાળવી રાખવા અને કાર્યકર્તાઓમાં વિજયથી નવો જોશ ભરવા આતુર છે.

આંકડાઓ પર એક નજર કરીએ તો ભાજપે વર્ષ ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં હિન્દી બેલ્ટના સૌથી અગત્યનાં રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ક્રમશઃ ૧૬૫, ૧૬૩ અને ૪૯ બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ ૫૮, ૨૧ અને ૩૯ સીટમાં સમેટાઈ ગઈ હતી. તેલંગાણામાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં સત્તારૃઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિને સૌથી મોટી રાજનૈતિક પાર્ટી તરીકે જોવામાં આવે છે અને તેનો સીધો મુકાબલો કોંગ્રેસ અને ભાજપ સાથે થશે.

૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં ૬૩ બેઠકો જીતવામાં સફળ રહેલી ટીઆરએસમાં બાદમાં વિરોધી દળના અનેક નેતાઓ સામેલ થયા છે. હાલ તો રાજ્યમાં સત્તાવિરોધી લહેર અને મુખ્યમંત્રી કેસીઆર દ્વારા નિયત સમય પહેલાં ચૂંટણી કરાવવાની હઠ ચોંકાવનારાં પરિણામો પણ લાવે તેવું વિશ્લેષકો માની રહ્યા છે.

મિઝોરમમાં કોંગ્રેસ વર્ષ ૨૦૦૮થી સત્તાસ્થાને છે, જ્યારે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ છેલ્લાં ૧૫ વર્ષથી શાસન કરી રહ્યો છે. ૨૦૧૩માં છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં આમ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફક્ત ૧૦ બેઠકનું જ અંતર રહ્યું હતું, પરંતુ તેમને મળેલા મતોની ટકાવારીમાં ફક્ત ૦.૭૫ ટકાનું અંતર રહ્યું હતું, જે ઘણુ જોખમી ગણાય છે.

જો સત્તારૃઢ પક્ષ એકથી વધુ રાજ્યમાં હારે તો તેણે લોકસભા ચૂંટણી માટે પોતાની રણનીતિ પર ફેરવિચાર કરવો જ પડે તે રાજનીતિનો વણલખ્યો નિયમ છે. આ રાજ્યોમાં હારથી ભાજપના ભવિષ્ય સામે પણ મોટું સંકટ ઊભું થઈ શકે છે, કેમ કે તેને હજુ પણ દેશના પૂર્વીય અને દક્ષિણી પ્રાંતોમાં ભરપૂર સંઘર્ષ કરવો પડે છે. તેનાથી મોટી વાત કોંગ્રેસની જીત ખાસ કરીને તેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી માટે સંજીવની સાબિત થશે અને કોંગ્રેસના પુનરોદ્ધારનો રસ્તો પણ તૈયાર થવા લાગશે.

Related Posts
1 of 268

જો પરિણામ તેનાથી વિપરીત આવે તો બે દાવાની પુષ્ટિ થઈ જશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહની ચૂંટણી રણનીતિ અને વ્યૂહરચનાને હિન્દી બેલ્ટમાં હરાવવી લગભગ અશક્ય છે તથા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને પુનર્જીવિત કરવાની યોજના ફક્ત કાગળ પર જ સમેટાઈને રહી જાય છે. આ રાજ્યોમાં હાર મળે તો આગામી તમામ ચૂંટણીઓમાં મોદી વિરુદ્ધ વિપક્ષીદળોનું મહાગઠબંધન ઊભું કરવામાં મુખ્ય ધુરાની ભૂમિકા નિભાવવાનું કોંગ્રેસનું સપનું પણ ચકનાચૂર થઈ શકે છે.

સત્તાવિરોધી લહેર વચ્ચે ભાજપના ત્રણ હાઈ પ્રોફાઈલ સી.એમ. વસુંધરા રાજે, શિવરાજસિંહ ચૌહાણ અને રમણસિંહનું ભાગ્ય પણ આ ચૂંટણીઓ લખશે. વસુંધરા રાજે સામે રાજસ્થાનમાં પ્રચંડ વિરોધની લહેર જોવા મળી છે. આમ પણ રાજસ્થાનનો ઇતિહાસ રહ્યો છે કે ત્યાંની જનતા સત્તારૃઢ પક્ષને ફરી સિંહાસન પર બેસાડતી નથી અને દરેક વખતે રાજ્યની કમાન અન્ય પક્ષને સોંપે છે.

છત્તીસગઢમાં રમણસિંહ ફરી બાજી મારશે?
છત્તીસગઢ ૯૦ બેઠક ધરાવતું નાનું પણ ઘણુ અગત્યનું રાજ્ય છે. રાજ્યમાં હાલ કુલ ૧૧ લોકસભા અને પાંચ રાજ્યસભા બેઠકો છે. છત્તીસગઢમાં કુલ ૨૭ જિલ્લા છે, જેમાંથી મોટા ભાગના નક્સલ પ્રભાવિત છે. ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ૮ ડિસેમ્બરે જાહેર થયાં હતાં. જેમાં ભાજપે રાજ્યમાં સતત ત્રીજી વખત કોંગ્રેસને હાર આપીને સરકાર બનાવી હતી. રમણસિંહની આગેવાનીમાં ભાજપને ૪૯ વિધાનસભા સીટ પર જીત મળી હતી, જ્યારે કોંગ્રેસના ભાગે ફક્ત ૩૯ બેઠકો આવી હતી. રમણસિંહ ૨૦૦૩થી મુખ્યમંત્રીપદ પર છે અને તેમની લોકચાહના જોતાં આ ચૂંટણીમાં પણ ભાજપને કોઈ તકલીફ પડે તેવું લાગતું નથી. સી.એમ. પોતે જ પક્ષના સ્ટાર પ્રચારક છે અને છત્તીસગઢના આદિવાસીઓમાં તેમની ઘણી લોકપ્રિયતા પણ છે. રાજ્યના સૌથી મોટા ઓબીસી સમુદાય સાહુને રિઝવવા માટેના પ્રયત્નો ભાજપ અને કોંગ્રેસ બંનેએ કર્યા છે. ભાજપે જનરલ કેટેગરીની ૫૧ બેઠકોમાંથી ૧૦ બેઠક પર સાહુ ઉમેદવારોને ઉતારીને અડધી બાજી મારી લીધી છે.

રાજસ્થાનમાં ભાજપ માટે આકરાં ચઢાણ
રાજસ્થાનમાં ભાજપની હાલત હાલ સૌથી ખરાબ માનવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે અને ભાજપ લોકોમાં ઉગ્ર સરકાર વિરોધી લહેરનો સામનો કરી રહ્યા છે. વસુંધરા રાજે સરકારે કોઈ મોટા કામ કર્યા નથી અને આવા સંજોગોમાં ફક્ત વડાપ્રધાન મોદીના નામ પર મત મેળવવા તેમના માટે સરળ નહીં રહે. રાજસ્થાનના રાજકારણમાં વર્ષોથી જાતિવાદી રાજનીતિ દરેક પક્ષનું અમોઘ શસ્ત્ર બની છે. અહીંની ૨૦૦ બેઠકના સમીકરણ ખૂબ જટિલ છે અને એટલે જ ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉમેદવારોની પસંદગીમાં સાવચેતીથી આગળ વધી રહ્યા છે. ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૬૩ બેઠક મળી હતી અને કોંગ્રેસને ફક્ત ૨૧ સીટથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ હવે પાંચ વર્ષમાં ઘણુ બદલાઈ ગયું છે. સ્થાનિક પ્રજામાં વસુંધરા રાજે અને તેમના આકરા મિજાજ સામે રોષની લાગણી સતત વધતી જોવા મળી છે.

વિપક્ષ કોંગ્રેસમાં પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સચીન પાયલટ અને બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા વરિષ્ઠ નેતા અશોક ગેહલોતની વચ્ચેના મતભેદો સપાટીએ આવ્યા બાદ સ્થિતિ કફોડી બની છે. કોંગ્રેસને નબળી પાડવા ભાજપ તરફથી વિપક્ષમાં ફૂટ પાડવા ઉપરાંત જાતિવાદી સમીકરણોના આધારે ટિકિટ અને હિન્દુઓના હિતેચ્છુ હોવાની છાપ ઊભા કરવાના પ્રયત્નની ત્રિકોણીય રાજનીતિ અમલમાં મૂકવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં શિવરાજ પર સંકટ ઃ મુકાબલો બરાબરીનો
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે પણ લોકપ્રિય છે, પરંતુ ભાજપને આ રાજ્યમાં કોંગ્રેસ તરફથી બરાબરીની ટક્કર મળી રહી છે. જાતિવાદી અસંતોષ ચરમસીમાએ છે અને ખેડૂતોની નારાજગી પહેલેથી જ શિવરાજ સરકાર માટે માથાનો દુખાવો બની છે ત્યારે પક્ષ માટે આ વિધાનસભાની ચૂંટણી જીતવી સાવ સરળ નથી.

આ અગાઉ ૨૦૦૩, ૨૦૦૮ અને ૨૦૧૩માં આવા પડકારનો સામનો ભાજપે ક્યારેય કર્યો નથી. ૧૫ વર્ષથી સત્તામાં રહેવા છતાં પણ શિવરાજસિંહ ખેડૂતોની ભાવનાને સમજી શક્યા નથી તેવા આરોપ વારંવાર થતાં રહે છે અને તેની પુષ્ટિ કરતા અનેક ઉદાહરણો પણ સામે છે. ૨૦૧૩માં ભલે ભાજપને ૧૬૫ બેઠક જીતીને સત્તા આસાનીથી મળી હોય, પરંતુ એ વખતે માત્ર ૫૮ બેઠક પર સમેટાઈ જનારી કોંગ્રેસે આ વખતે જોરદાર ફાઈટ આપવાના ઇરાદે રાજકીય દંગલમાં પ્રવેશ કર્યો છે. એક જમાનામાં ખેડૂતો શિવરાજસિંહના સૌથી પ્રબળ સમર્થકો ગણાતા હતા, પરંતુ હવે સ્થિતિ સાવ વિરોધાભાસી થઈ ગઈ છે. રાજ્યમાં સતત થઈ રહેલા કિસાન આંદોલનોથી ભાજપના પાયા હચમચી ગયા છે. નારાજ થયેલા ખેડૂતોને આકર્ષવા કોંગ્રેસે પૂરું જોર લગાવી દીધું છે. ‘મધ્યપ્રદેશના મામા’ના હુલામણા નામથી જાણીતા શિવરાજસિંહ તેમની રાજકીય કારકિર્દીના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

તેલંગાણા અને મિઝોરમ ઃ કોંગ્રેસ માટે બેય હાથમાં લાડુ
તેલંગાણામાં કોંગ્રેસે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), સીપીઆઈ અને તેલંગાણા જન સમિતિ સાથે ‘મહાકુટ્ટામી’ એટલે કે મહાગઠબંધન બનાવીને મેદાનમાં ઊતરવાની યોજના બનાવી છે. તેમનો સીધો મુકાબલો ટીઆરએસ સાથે થવાનો છે. અહીં ભાજપના ભાગે ખાસ કંઈ કરવાનું આવતું નથી. મિઝોરમમાં કોંગ્રેસે બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા લલથનહવલા પર ભરોસો મુક્યો છે. આ પૂર્વોત્તર રાજ્યમાં સીધો મુકાબલો કોંગ્રેસ અને એનડીએના ઘટક મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) વચ્ચે થવાનો છે, પરંતુ આ વખતે ફરીથી સૌથી અગત્યનો રોલ હિમંતા બિસ્વ સરમાનો રહેશે, જેઓ પૂર્વોત્તરનાં ચાર રાજ્યમાં ભાજપની સરકાર લાવવા પાછળના મુખ્ય ખેલાડી છે.
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »