તમારા માટે, તમારી સાથે, સતત…

મોટાં બંદરોની આડમાં કચ્છનાં નાનાં બંદરો ભુલાયાં

જૂનું મુન્દ્રા બંદર વધુ ને વધુ પાછળ ધકેલાવા લાગ્યું

0 945
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

કચ્છના કંડલા અને મુન્દ્રા બંદરની ગણના વિશ્વનાં મહાબંદરોમાં થવા લાગી છે, પરંતુ જેમ વડના વૃક્ષની નીચે નાનાં વૃક્ષો સારી રીતે ઊગી શકતાં નથી તેવી જ રીતે આ બંને મહાબંદરોના પડછાયામાં કચ્છનું પેરિસ ગણાતું મુન્દ્રાનું જૂનું, ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકનું બંદર અને માંડવી બંદર આજે અવિકસિત રહ્યાં છે. દેશી વહાણો આજે ધીરે-ધીરે ઓછાં થઈ રહ્યાં છે. મહારાષ્ટ્ર, ગુજરાત આ બે રાજ્યોમાં માત્ર મુન્દ્રાના જૂના બંદરે જ આ વહાણો થકી માલસામાનની આયાત નિકાસ થાય છે. તે આજે પણ અનેક લોકોને રોજીરોટી પૂરી પાડે છે. દેશી વહાણવટું તદ્દન નામશેષ ન થાય તે માટે આ બંદરોનો વિકાસ કરવો જ રહ્યો. મુન્દ્રામાં મુખ્ય ચેનલ અને જેટી માટે નિયમિત ડ્રેજિંગ કરાવીને, હાલના વેરહાઉસની ક્ષતિઓ દૂર કરીને નવા વેરહાઉસ બનાવાય તો બંદર પરનો દેશી વહાણોનો ટ્રાફિક જળવાઈ રહી શકે.

પાકિસ્તાનમાં ગયેલા કરાચી બંદરની અવેજીમાં કચ્છમાં કંડલા બંદરનો વિકાસ થયો અને ભૂકંપ પછી અદાણી ગ્રૂપે મુન્દ્રા બંદર અને સેઝ વિકસાવ્યું. આજે આ બંને બંદરો મહાબંદરો તરીકે વિશ્વભરમાં વિખ્યાત બની રહ્યાં છે, પરંતુ વહાણવટાનો ઉજ્જવળ ઇતિહાસ ધરાવતા કચ્છના જૂના અને ઐતિહાસિક રીતે મહત્ત્વનાં બંદરો મુન્દ્રા અને માંડવી પ્રત્યે જાણેઅજાણે દુર્લક્ષ થઈ રહ્યું છે. તેથી દેશી વહાણો થકી અત્યાર સુધી જીવંત રહેલી આ પરંપરા નજીકના ભવિષ્યમાં ઇતિહાસમાં દફન થાય તો નવાઈ નહીં. એક જમાનામાં મુન્દ્રા બંદરે સિઝન દરમિયાન ૪૫૦થી ૫૦૦ જેટલાં વહાણો ભરાતાં અને ખાલી થતાં હતાં. તે સમયે વહાણોને પોતાનો વારો આવે તેની લાંબો સમય રાહ જોવી પડતી, પરંતુ આજે સ્થિતિ પલટાઈ ગઈ છે. આજે જૂના મુન્દ્રા બંદરે સિઝનના મહામુશ્કેલીથી ૧૦૦ જેટલાં વહાણો જ આવે છે.

પહેલાંના જમાનામાં માંડવીમાં બનતાં વહાણોથી કચ્છના ખારવાઓએ રત્નાકરને સર કર્યો હતો અને આફ્રિકા, ઈરાન, ઇરાક, જાવા, સુમાત્રા, ચીન સુધીનો સમુદ્રમાં કચ્છનો ઝંડો ફરકાવ્યો હતો. રાજાશાહી જમાનામાં એક વર્ષમાં ૪૦-૫૦ જેટલાં ૨૦૦થી ૪૦૦ ટનનાં સિંગલ એન્જિનવાળાં વહાણો બનતાં હતાં, પરંતુ આજે વહાણો બનાવવાનો ઉદ્યોગ પણ પડી ભાંગ્યો છે. અગાઉ કરતાં ભલે મોટા એટલે કે ૧૦૦૦થી ૨૦૦૦ ટનનાં ડબલ એન્જિનવાળાં વહાણો બને છે, પણ વર્ષે માત્ર ૨થી ૫ જેટલાં જ.

જૂના મુન્દ્રા બંદરે ખજૂર, જૂના ટાયર, સ્ક્રેપની આયાત થતી અને ચોખા, અન્ય અનાજ, લોટ, કોલસા, બેન્ટોનાઇટ, મીઠું, કેટલ ફોડર વગેરેની નિકાસ થતી હતી. આજે આયાત- નિકાસ ઘટી ગઈ છે. મહાબંદરોમાં કન્ટેનર ટ્રાફિકમાં ભારે વધારો થયો છે. કન્ટેનરમાં ઓછો જથ્થો પણ સહેલાઈથી મોકલી શકાય છે તેવી જ રીતે એકસાથે અલગ અલગ કંપનીનો માલસામાન આવતો હોવાથી પરિવહન સસ્તું પડે છે. જ્યારે જૂના પ્રકારના દેશી વહાણોમાં પરિવહન મોંઘું પડે છે. આથી મોટા ભાગનો ટ્રાફિક મહાબંદરો પર મોટી સ્ટીમરોમાં ખેંચાઈ ગયો છે. આ પણ જૂના મુન્દ્રા બંદરની પડતીનું એક મહત્ત્વનું કારણ છે. ઉપરાંત મેરીટાઇમ બોર્ડ દ્વારા બંદરોના આધુનિકીકરણ પ્રત્યે ધ્યાન અપાયું ન હોવાથી આ બંદરો પાયાની સુવિધાઓથી વંચિત છે.

Related Posts
1 of 142

મુન્દ્રાના જૂના બંદર સાથે રાજાશાહી જમાનાથી સંકળાયેલા અને એજન્ટનું લાયસન્સ ધરાવતા યોગેશભાઈ ઠક્કર જણાવે છે, ‘પહેલાંના જમાનામાં જ્યારે કન્ટેનર ન હતાં ત્યારે વહાણો ચાલતાં અને કોઈને સામાન મોકલવો હોય તો આખા વહાણ બુક કરાવવા પડતાં. અત્યારે કન્ટેનરમાં ૨૦ ટન જેટલો ઓછો સામાન પણ મોકલી શકાય છે. તેનું ભાડું ઓછું લાગે છે. જેના કારણે આજે જૂના બંદર પર પહેલાં જેટલી માલસામાનની આયાત નિકાસ થતી નથી. આમ છતાં જો ડ્રેજિંગ કરી, મોટી ક્રેનોની સગવડતા રાખીને, નવા વેરહાઉસ બનાવીને આયાત નિકાસકારોને આકર્ષવાની જરૃર છે. જોકે આજે તો આ બંદર પર લાઇટિંગ કે ફોન જેવી જરૃરી વ્યવસ્થા પણ નથી, તે મુખ્ય વાત છે. આ બંદર થકી સીધી અને આડકતરી રોજગારીનું નિર્માણ થતું હોવાથી સરકારે તેને સુવિધાયુક્ત બનાવવા જોઈએ. આ કામ ખાનગી પાર્ટીને સોંપવાના બદલે ગુજરાત મેરીટાઇમ બોર્ડે જ કરવું રહ્યું, અન્યથા નાના વેપારીઓ અને આયાત નિકાસકારોને ફાયદો થઈ નહીં શકે.’

આવી જ વાત કરતાં અન્ય એક આયાત નિકાસકાર ભાવિન ઠક્કર કહે છે, ‘પહેલાં વર્ષે લાખ- સવા લાખ ટન કાર્ગોનો ટ્રાફિક હતો, પરંતુ પછી નવા બંદરના ઉદય સાથે ટ્રાફિક ધીરે-ધીરે ઘટતો ગયો. અત્યારે અહીં રોજગારીનું પ્રમાણ પણ ઘટ્યું છે. રોજગારી હવે સિઝનલ થઈ છે. જો જૂના બંદરે પૂરતી સગવડતા મળે તો વહાણોની અવરજવર વધે અને માલાસામાનની આયાત નિકાસ વધી શકે. થોડા સમય પહેલાં કસ્ટમ દ્વારા ખૂબ ઉપયોગી એવી ઇલેક્ટ્રોનિક ડાટા ઇન્ટરચેન્જ નામની કોમ્પ્યુટર સુવિધા તો ચાલુ કરાઈ છે જેના કારણે આયાત નિકાસની કામગીરી વિશ્વસનીય અને ઝડપી રીતે થઈ શકે તેવા સંજોગો ઊભા થયા છે, ત્યારે મેરીટાઇમ બોર્ડે જરૃરી સુવિધા ઊભી કરી નથી.’

ગુજરાત મેરીટાઇમ બોર્ડની મુન્દ્રા કચેરીમાં ફરજ બજાવી ચૂકેલા અને ઓલ્ડ પોર્ટ યુઝર્સ એસોસિયેશનના મંત્રી બી.એમ. ગોહિલ પણ આવી જ વાત કરતાં જણાવે છે કે, ‘૧૯૫૨થી કાર્યરત મુન્દ્રા બંદર આજે ખરેખર જૂનું થઈ ગયું છે. તે સમયે એક ખાનગી કંપનીને માત્ર નિકાસ કરવાની શરતે મીઠાના ઉત્પાદન માટે ૨૨૦૦ એકર જમીન અપાઈ હતી અને તેની સાથે આ બંદરનો વિકાસ પણ શરૃ થયો હતો, પરંતુ ત્યાર બાદ કોઈ કારણસર ૧૯૮૭ની આસપાસથી નિકાસ બંધ થઈ ગઈ. ત્યાર પછી અન્ય કંપનીઓને આકર્ષવા જૂના મુન્દ્રા પોર્ટ પર ૨૦ હજાર ટન લાકડું ૨૦ દિવસમાં ખાલી કરાવાયું હતું. ત્યાર પછી અન્ય કંપનીઓનાં વહાણો અહીં આવતાં થયાં હતાં. લગભગ ૨૦૦૨ સુધી વહાણો અહીં આવતાં હતાં. જોકે આ સમય દરમિયાન મુન્દ્રા પોર્ટ ખાનગી કંપનીને ચલાવવા આપવા માટેની સરવે કામગીરી શરૃ થઈ હતી. ખાનગી પોર્ટ ૧૯૯૮થી શરૃ થઈ ગયું હતું.  સરકારી અધિકારીઓના દુર્લક્ષના કારણે જૂનું મુન્દ્રા બંદર વધુ ને વધુ પાછળ ધકેલાવા લાગ્યું હતું.’

પહેલાં વહાણોનો ટ્રાફિક જામનગર, પોરબંદર, વેરાવળ, મુન્દ્રા, માંડવી બધાં બંદર પર હતો, પરંતુ હવે ગુજરાતમાં માત્ર મુન્દ્રાના જૂના બંદર પૂરતો મર્યાદિત રહ્યો છે. ક્યારેક જ વિકલ્પમાં પોરબંદર બંદર પર વહાણનો ટ્રાફિક હોય છે. મહારાષ્ટ્રનાં બંદરો પર પહેલાં દેશી વહાણોનો ટ્રાફિક હતો, પરંતુ છેલ્લા થોડા સમયથી તે બંધ થતાં અત્યારે આ વહાણો માટે જૂનું મુન્દ્રા એકમાત્ર બંદર રહ્યું છે. રાજાશાહી જમાનામાં માંડવી બંદરે પણ વહાણોની મોટા પ્રમાણમાં આવજા રહેતી હતી. ત્યાંથી આવતા માલસામાન પર વસૂલાતા વેરાના કારણે જ નગરનું નામ પણ માંડવી પડ્યું હતું, પરંતુ આજે તેની યાદ માત્ર નામ પૂરતી જ મર્યાદિત રહી છે. અહીંના બંદર પર છેલ્લાં કેટલાંય વર્ષોથી વહાણોની અવરજવર બંધ છે. માત્ર વર્ષ દરમિયાન બે- પાંચ વહાણો બને છે.

માંડવીમાં રૃક્માવતી નદી પર ડેમ બંધાવાના કારણે તથા આ જ નદી પર વધુ ચેકડેમ બંધાવાના કારણે નદીના દરિયામાં જતાં પાણી ઓછા થવા લાગ્યા છે. જ્યારે ભરતી આવે ત્યારે દરિયાનાં પાણી સાથે રેતી પણ રૃક્માવતી નદીમાં ઢસડાઈ આવે છે, પરંતુ ઓટ વખતે નદીના પાણીનો પ્રવાહ ધીરો થયો હોવાથી બધી જ રેતી દરિયામાં પરત જતી નથી. તેથી બંદર પાસે રેતીનો ખૂબ ભરાવો થાય છે. જો ડ્રેજિંગ કરાય તો પણ રોજિંદી આવતી રેતી કાઢવાનો ખર્ચ ખૂબ જ વધી જાય તેમ છે. અત્યારે વહાણો માંડવી બંદરે લાંગરી શકતા નથી. દોઢેક કિલોમીટર દરિયાની અંદર વહાણોએ લંગર નાખવું પડે છે. આથી મેરીટાઇમ બોર્ડને આ બંદરની કોઈ આવક થતી નથી. જ્યારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકના મુન્દ્રા બંદરે આયાત નિકાસ ઘટી હોવા છતાં તેની નિયમિત આવક મળી રહે છે. વર્ષ ૨૦૦૬-૦૭માં ૧૯,૪૨૯ મે. ટનની આયાત થતી હતી જ્યારે દસ વર્ષ પછી ૨૦૧૫-૧૬માં આયાત માત્ર ૨૨૮૫ મે. ટન થાય છે, તેવી જ રીતે ૦૬-૦૭માં ૧,૫૭,૮૪૬ મે. ટનની નિકાસ થતી હતી અને ૨૦૧૫-૧૬માં નિકાસ માત્ર ૮૫,૩૬૨ મે. ટન થઈ હતી. જેના રેવન્યુ પેટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને રાજ્ય સરકારને કરોડોની આવક થાય છે.

જો આ આવકમાંથી જૂના બંદરની કાયાપલટ માટે થોડા નાણાં પણ ખર્ચાય તો દેશી વહાણથી આયાત નિકાસ કરનારાઓને અને આનુષંગિક અન્ય રોજગારી મેળવનારાઓને ફાયદો થાય તેમ છે. અન્યથા જૂના, દેશી વહાણવટાની ઐતિહાસિક પરંપરા નામશેષ થવાની ભીતિ સેવાઈ રહી છે.
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »