તમારા માટે, તમારી સાથે, સતત…

પ્રેમનો એક રંગ – દેશપ્રીતિનો

વડોદરાના મહારાજા સયાજીરાવને ક્રાંતિકારીઓએ સંકેત આપ્યો કે તૈયાર થઈ જાઓ.

0 63
  • ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ… – વિષ્ણુ પંડ્યા

સાવરકર આંદામાનની જેલ-દીવાલોને પ્રેમ કરતા હોય તે બહારના સાથીદારોને માટે મૂંઝવણ હતી ઃ કેમ કરીને તેમને છોડાવવા? દરમિયાન દુનિયામાં યુદ્ધનો ભારેલો અગ્નિ પ્રજ્વલતો હતો. લાલા હરદયાળ, રાજા મહેન્દ્રપ્રતાપ, ડૉ. ભૂપેન્દ્રનાથ દત્ત (વિવેકાનંદના બંધુવર) વગેરેએ બર્લિન કમિટી સાથે મંત્રણા કરી. રાજવી કૈસર સાથે વાટાઘાટો થઈ. ૧૯૧૪ના ઑગસ્ટમાં મહાયુદ્ધ શરૃ થયું. જર્મન સત્તાની નજર ભારતમાં પ્રજાકીય સ્વતંત્રતાના જંગ તરફ પણ હતી. બર્લિન, પારિસ, લંડનમાં ક્રાંતિ-પ્રવૃત્તિ ગાજી રહી. દ.અમેરિકા, દ.આફ્રિકા, ચીન, સીઆમના દેશોમાં જર્મન પ્રભાવ વધવા માંડ્યો. ૧૯૧૧માં બર્ન હાર્ડીનું પુસ્તક ‘જર્મની એન્ડ ધ નેક્સ્ટ વૉર’ પ્રકાશિત થયું. તેણે બંગાળના ‘હિન્દુ ક્રાંતિકારો’ ઇંગ્લેન્ડના અહંકારને નષ્ટ કરશે એવી ભવિષ્યવાણી પણ ઉચ્ચારી. એ જ સમયે હાર્ફમેનના પુસ્તકની ચર્ચા શરૃ થઈ. અંગ્રેજોના પતનના એંધાણ તેમાં દર્શાવાયા હતા.

વડોદરાના મહારાજા સયાજીરાવને ક્રાંતિકારીઓએ સંકેત આપ્યો કે તૈયાર થઈ જાઓ. વિદેશ પ્રવાસે તેઓ ગયા ત્યારે બ્રિટિશ એજન્ટે તેમને પ૦ નામની યાદી આપી જણાવ્યું હતું કે, આ બ્રિટન-દ્રોહી ભારતીયોને મળવાનું રાખશો નહીં. તેમાં મેડમ કામા, સરદારસિંહ રાણા, શ્યામજી કૃષ્ણવર્મા, તારકનાથ દાસ, લાલા હરદયાળનાં નામો મુખ્ય હતાં! ‘બર્લિનિયર ટેબ્લેટી’ અખબારે તો ‘કેલિફોર્નિયામાં ભારતીય ક્રાંતિકારો’ શીર્ષકે મોટો અહેવાલ પણ છાપ્યો. કેટલીક પરિસ્થિતિએ લાલા હરદયાળને નિરાશ કરતાં, અધ્યાપકીય અને આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ ઢાળ્યા અને માર્ટીનિક-હોનોલુલુ બેટમાં તે કાર્ય માટે જઈને વસ્યા ત્યારે ભાઈ પરમાનંદ તેમને મળ્યા, સમજાવ્યા. હરદયાળ વળી તૈયાર થયા, મેડમ કામા સાથે ‘ભારત મિત્ર સંઘ’ સંસ્થા ઊભી કરી. સાવરકરનાં પુસ્તકો મંગાવ્યાં.

‘અભિનવ ગીતા’ની રચના કરીને તેમાં ક્રાંતિકારોનાં જીવનદર્શનને આલેખવાનો વિચાર હતો. જો આ પુસ્તક લખાયું હોત તો, ગાંધીજીના ‘હિન્દ સ્વરાજ’ની જેમ ‘ક્રાંતિ ગીતા’ દેશને પ્રાપ્ત થઈ હોત. પોર્ટલેન્ડના હિન્દુઓ સમક્ષ રોજનાં તેમનાં પ્રવચનો બળબળતી આગ જેવાં રહ્યાં. ઉર્દૂ-ગુરુમુખીમાં પ્રકાશનો શરૃ કરાવ્યાં તે ‘ગદર’ નામે જાણીતાં થયાં. તેમાં જ વેંકોવરનો છગન ખેરાજ વર્મા સામેલ થયો તે પોરબંદર-નિવાસી હતો. ગુજરાતી ‘ગદર’ અખબારનો તે તંત્રી બન્યો. સ્વતંત્રતા અને ભાષા પ્રત્યેના પ્રેમનો એ અદ્ભુત પ્રસંગ છે; પ્રથમ અંકમાં જ તેણે તંત્રીલેખમાં લખ્યું કે, ‘પરિવર્તન માટે દૂધભાષા જ સૌથી મોટું હથિયાર છે.’ છેક ૧૯૧૪માં તેણે આ વાત કરી હતી. ૧૯૧૪ના જુલાઈમાં કેનેડા, મેક્સિકો, અમેરિકન સંયુક્ત સંસ્થાનોના ભારતીયોની જંગી સભામાં એલાન કરવામાં આવ્યું ઃ ભારતમાં વિપ્લવ માટે તૈયાર થઈ જાઓ!

સાવરકરને કાળકોટડીમાં આ માહિતી જેલ અધિકારી બારીએ જ આપી! તેનો હેતુ તો ક્રાંતિકારોનું મનોબળ નબળું પાડવાનો હતો, પણ તેમ ન થયું. બારીએ તો ત્યાં સુધી કહ્યું કે તમારા મિત્ર હરદયાળની કોઈ અંગ્રેજની હત્યા માટે ધરપકડ થઈ છે! સાવરકરે ‘મારી જન્મટીપ’માં લખ્યું કે, આ સાંભળીને મને આઘાત થયો, અત્યારે હરદયાળ જ વિદેશોમાં વિપ્લવના ભારતીય નેતા હતા, તે પકડાયા હોય તો…

વાત સાચી કે અમેરિકામાં તેમની ધરપકડ થઈ, પણ લાલા હરદયાળ જેલમાંથી યે છટકી ગયા અને અમેરિકન સરકારે તે વાત ગંભીરતાથી લીધી નહીં. ત્યાંથી તે યુરોપ આવ્યા, સ્વિત્ઝર્લેન્ડમાં પહોંચ્યા, તુર્કસ્તાન થઈને બર્લિન ગયા. જિનિવામાં શ્યામજી કૃષ્ણવર્માને મળ્યા, પછી પત્રમાં જણાવ્યું કે ઇજિપ્ત, તુર્કસ્તાનમાં વિપ્લવ માટેનો માહોલ છે. બર્લિનમાં આ ધુરંધરો એકઠા થયા. ‘ભારત સ્વાતંત્ર્ય સમિતિ’ની સ્થાપના કરી. ચંપક રમણ પિલ્લૈને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. મલેશિયા-ઇન્ડોનેશિયા-બર્મા સુધી વિસ્તરવાની યોજના તૈયાર કરાઈ.

Related Posts
1 of 88

એ દિવસોમાં આંદામાનથી દૂર ભારતમાં યે વિપ્લવની રક્તરંજિત કથા અ-વિરત હતી. ‘લાહોર કાવતરાં કેસ’ના ત્રણ ત્રણ મુકદ્દમા ચાલ્યા. ૧૯૧૬માં ‘બનારસ ષડ્યંત્ર’ કેસ ચાલ્યો. પછી ‘માંડલે કેસ’. બધામાં સ્વાતંત્ર્ય વિપ્લવી યુવાનો સામેલ હતા. જર્મન મદદ પણ મેળવી. (સિડીશન કમિટી રિપોર્ટમાં તેની વિગતો છે) ૭પ,૦૦૦ રાઇફલો જર્મન સત્તાવાળાઓએ આપવાનું વચન કર્યું. જહાજો-મેનવરિક, એનીલાર્સેન- વગેરે પ્રાપ્ત થયાં. તિબેટમાં શસ્ત્રો એકત્રિત કરીને ભારતમાં પહોંચાડવાની યોજના તૈયાર થઈ.

સાવરકર આ બધી ઘટનાઓથી માહિતગાર હતા. કેદી જીવ અજંપિત બન્યો; અરે, આવા સમયે તો મારે દેશ-દુનિયાની વચ્ચે હોવું જોઈએ! પણ છૂટવું કઈ રીતે?

એવી અફવા પણ આવી કે તુર્કી દેશ અને જર્મનીની દોસ્તી ના રહે એટલા માટે આંદામાનના મુસ્લિમ કેદીઓને છોડી મુકાશે. તેમને ભારતમાં ‘ઇસ્લામિક સ્ટેટ’ સ્થાપવા માટે અંગ્રેજો મદદ કરશે. જે કામ ૧૯૪૭માં લૉર્ડ માઉન્ટ બેટનના માધ્યમથી બ્રિટને કર્યું તેનો ચીલો છેક ૧૯૧૪ના મહાયુદ્ધ સુધી પહોંચે છે.

સાવરકરે તે સમયે બ્રિટિશ સરકારને જે પત્ર લખ્યો તેનો સાવરકર-વિરોધી ડાબેરીઓએ આજ સુધી દુરુપયોગ કર્યો છે કે સાવરકરે માફી માગી હતી! આજીવન યોદ્ધા સાવરકર માફી માગે તેવું માનવું પણ સ્વાતંત્ર્યદ્રોહ છે. સાવરકરની વ્યૂહરચના છત્રપતિ શિવાજી મહારાજના ‘હિન્દવી સામ્રાજ્ય’ની સ્થાપના સમયે દિલ્હી સલ્તનત સામેની વ્યૂહરચના જેવી જ હતી. જર્મનીથી ડરી ગયેલા બ્રિટનને પુનર્વિચાર કરવો પડે ક્રાંતિપ્રવૃત્તિના તમામ કેદીઓ માટે, તે કારણે સાવરકરે ૧૪ સપ્ટેમ્બર, ૧૯૧૪ના ભારત સરકાર પર પત્ર લખ્યો. તે શબ્દશઃ આ પ્રમાણે હતો ઃ

‘આ મહાયુદ્ધમાં હિન્દની રાજકીય સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. તેમાં પણ હિન્દી ક્રાંતિવીરો શું કરશે, કેવાં પગલાં લેશે એ વિશે જાણવા માટે સરકાર ઉત્સુક હોય તે સ્વાભાવિક છે. મારા જેવા રાજકીય કેદીઓ તરફથી મારા વિચાર સરકાર સમક્ષ મૂકવાનું હું કર્તવ્ય સમજું છું. હિન્દને સ્વતંત્ર રાષ્ટ્રોની હરોળમાં સ્થાન અપાવવાનું ધ્યેય અમારું ગઈ કાલે હતું અને આજે પણ છે. તે પ્રાપ્ત કરવા માટે હથિયાર કે રક્તપાત એક જ માત્ર ઉપાય છે એમ અમે માનતા નથી અને તે ધારણ કરવાના સોગંદ પણ ખાધા નથી. બીજા અન્ય ઉપાયોથી અમારા ધ્યેયની સિદ્ધિ શક્ય હોત તો અમે શસ્ત્રો ધારણ કર્યાં ન હોત. જે આદર્શ સાધન માટે છે તે જ આદર્શ સાધનને ધારણ કરતાં સાધ્યનો છે. સમસ્ત માનવજાતનું રાજકીય-સામાજિક સંગઠન કરવું એ અમારું અંતિમ ધ્યેય હોવાથી એવા સમાન ધ્યેયની દરેક સંસ્થાઓ અને તેના સિદ્ધાંતોને ગ્રાહ્ય માનીએ છીએ. બ્રિટિશ સામ્રાજ્યમાં હિન્દ જેવા અન્ય દેશો છે તેમને પણ સ્વતંત્રતા મળે એવી અમારી નેમ છે અને જો બ્રિટિશ સામ્રાજ્ય આ માન્યતાને અમલમાં મૂકશે તો અમે એ સામ્રાજ્યની સાથે રહેવાનું અમારું કર્તવ્ય સમજીશું. આયર્લેન્ડથી હિન્દ સુધીના બધા પ્રદેશોને ત્યાર બાદ બ્રિટિશ સામ્રાજ્ય નામ આપી શકાય નહીં, પરંતુ બીજું કોઈ યોગ્ય નામ ન શોધી શકાય ત્યાં સુધી આર્ય સામ્રાજ્ય તરીકે સંબોધવામાં આવે એવી અમારી મનીષા છે.

બ્રિટિશ સામ્રાજ્યના સર્વ અમલદારોએ હિન્દને એક સ્વતંત્ર રાષ્ટ્ર ગણવું જોઈએ અને તે પ્રમાણે હક્ક આપવા જોઈએ અને તેવો વ્યવહાર થવો જોઈએ. જોકે યુદ્ધના આ કપરા સમયમાં આ બધું તાત્કાલિક ન બની શકે તો કામચલાઉ ઓપિનિવેશિક સ્વતંત્રતા (કોલોનિયલ ગવર્નમેન્ટ) આપવામાં આવે અને તે સાથે વરિષ્ટ વિધિ મંડળમાં હિન્દી પ્રતિનિધિઓને નિરપવાદ બહુમતી આપવામાં આવશે તો અમે ક્રાંતિકારો ચળવળ મૂકી દઈને બ્રિટિશ સામ્રાજ્યને જર્મન સામેના યુદ્ધમાં મદદ કરીશું. અમારા આ કથન પર બ્રિટિશ સામ્રાજ્યને વિશ્વાસ હોય તો અને તે મુજબ વર્તનની સાચા હૃદયે દાનત હોય તો પ્રથમ પગલાં તરીકે મારા જેવા સર્વ ક્રાંતિકારોને જેલોમાંથી તુરત જ મુક્ત કરી દેવા જોઈએ. અમને જો મુક્ત કરવામાં આવશે તો હિન્દ પર ચઢી આવેલા અફઘાન-તુર્કી વગેરે મુસ્લિમ ધાડાંનો સામનો કરવા માટે અમે લશ્કરમાં ભરતી થઈશું. સરકારને એમ જ લાગતું હોય કે મને મુક્ત ન કરવો તો અન્ય સર્વ રાજકીય કેદીઓ – જે આંદામાન, હિન્દ, દેશ-પરદેશમાં એક યા બીજા કારણોસર જેલમાં રાખવામાં આવ્યા છે તેમને તો મુક્ત કરવા જ જોઈએ.’

આ પત્રનું અર્થઘટન પૂર્વગ્રહ વિના કરવામાં આવે તો દેશભક્ત સાવરકરની પ્રતિમાને વધુ ઊંચાઈ પ્રાપ્ત થાય છે.
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »