૧૩ શહેરો ટૉપ એફ.એમ. દ્વારા પ્રવેશી રહ્યાં છે રેડિયો યુગમાં
એક સાથે આટલા મોટાપાયે એફ.એમ. સ્ટેશનો શરૃ થયાની આ પહેલી ઘટના
મનોરંજન – નરેશ મકવાણા
એક સમયે મનોરંજનનું એકમાત્ર સાધન રહેલો રેડિયો આજે પ્રત્યાયનનાં વધતાં જતાં સાધનો વચ્ચે પણ અડીખમ છે. આકાશવાણીથી એફ.એમ. સુધી પરિવર્તન પામેલા રેડિયોના આ દોરને વધુ આગળ લઈ જતાં ‘સમભાવ ગ્રુપ’ આગામી ૪ ઑગસ્ટ, ૨૦૧૮ના રોજ દેશભરનાં વિવિધ ૧૩ શહેરોમાં એફ.એમ. રેડિયો સ્ટેશનો શરૃ કરીને ફરી નૂતન ‘રેડિયો યુગ’ લાવી રહ્યું છે… આ તમામ શહેરોમાં પહેલીવાર એફ.એમ. રેડિયો શરૃ થઈ રહ્યાં છે. જેનું શ્રેય ટૉપ એફ.એમ.ને જાય છે.
આજે પ્રત્યાયનનાં આટઆટલાં સાધનોની હાજરી વચ્ચે પણ એ બાબતે સ્પષ્ટતાની કોઈ જરૃર નથી કે મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સૌથી સુલભ માધ્યમ હજુ પણ એકમાત્ર રેડિયો જ છે. યુનેસ્કોએ તો જાહેર કરી દીધું છે કે દુનિયામાં એકમાત્ર રેડિયો જ એવું સાધન છે જે પૃથ્વી પર હાજર ૯૫ ટકા લોકો સુધી પહોંચની ક્ષમતા ધરાવે છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને રેડિયો સાંભળી શકાય છે, જે બીજા કોઈ સાધનમાં શક્ય નથી. પહેલી નજરે અત્યંત શક્તિશાળી લાગતાં આજના ઈન્ટરનેટ, ટીવી સહિતનાં મનોરંજનનાં માધ્યમો કેટલીક મોટી નબળાઈઓ ધરાવે છે. આ વાત ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોના ધ્યાન બહાર નથી. જમાનો ભલે ફોર-જી ઈન્ટરનેટનો લાગતો હોય, પણ તે મોટાં શહેરોથી બહાર નીકળતાં જ દમ તોડી દેતો હોય છે. આવું જ ટીવીનું છે, જ્યાં રિચાર્જ નહીં તો મનોરંજન નહીંનો નિયમ કાયમી ધોરણે લાગુ પડેલો છે. વળી તેને જોવા માટે બધું જ કામ એકબાજુ મૂકીને આંખ, કાન, મગજ ખુલ્લાં રાખીને સમય ફાળવવો પડે છે એ લટકામાં. એ બધું કર્યા પછી પણ અંધ વ્યક્તિ માટે તો તે સાવ નકામું બની રહે છે.
આ બધાંની સામે રેડિયો સાવ સીધોસાદો! ભોળી ગાયની જેમ જ્યાં દોરી જાઓ ત્યાં સાથે ચાલી નીકળે. તેની સૌથી મોટી દરિયાદિલી તો એ કે જેનો વાંચતા લખતાં ન આવડતું હોય તેવા લોકોનું પણ તે મનોરંજન કરે. અભણ લોકો પણ રેડિયો સાંભળીને દુનિયાભરની મહત્ત્વની જાણકારી મેળવી શકે. તો આપત્તિ વેળાએ એ જ સૌથી પહેલો સંકટમોચન બનીને આગળ આવે. એનું જ કારણ છે કે, ટીવી, ઈન્ટરનેટના આ જમાનામાં પણ આ ભલાભોળા રેડિયોની મહત્તા તસુભાર પણ ઓછી નથી થઈ.
દેશની અનેક નાની-મોટી તડકીછાંયડીનો રેડિયો સાક્ષી રહ્યો છે. દેશ અને સમાજની જેમ તેણે પણ પરિવર્તનનો એક આખો દોર પસાર કર્યો છે અને છતાં અડીખમ ઊભો છે. તેની આ મક્કમતા જોઈને જ કદાચ અનેક ખાનગી કંપનીઓએ એફ.એમ. સ્ટેશનો શરૃ કર્યાં હશે. આઝાદી પહેલાં ૧૯૨૭ સુધીમાં તો અનેક ખાનગી રેડિયો સ્ટેશનો ખૂલી ગયાં હતાં, પણ ૮ જૂન, ૧૯૩૬ના રોજ બધાં જ રેડિયો સ્ટેશનોને ભેગાં કરીને ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવેલી. જોકે અહીં એ યાદ રાખવું રહ્યું કે રેડિયોની શરૃઆત ભારતમાં ખાનગી રાહે થઈ હતી. સરકારી રેડિયો સ્ટેશન પર એ વખતે ફિલ્મી ગીતોની મનાઈ હતી. જેનો શ્રીલંકાના રેડિયો સ્ટેશને ભરપૂર લાભ લીધેલો. ૧૯૫૯માં ટીવીની એન્ટ્રી થઈ જેના કારણે ધીરે-ધીરે રેડિયોના સુવર્ણ યુગને ઝાંખપ લાગેલી, પણ હવે ફરી રેડિયોનો એ સુવર્ણ યુગ પરત ફરવાના સ્પષ્ટ સિગ્નલો મળી રહ્યાં છે! અને તેના મૂળમાં છે ફ્રિક્વન્સી મોડ્યુલેશન ઉર્ફે એફ.એમ. રેડિયો સ્ટેશન. જી હા, એફ.એમ. રેડિયો સ્ટેશનો તેને ફરી તેના સુવર્ણકાળ તરફ લઈ જવા તૈયાર છે. તેને સાંભળનાર આખો શ્રોતાગણ બદલાઈ ગયો હોઈ તેના રંગરૃપમાં પણ ધરમૂળથી પરિવર્તન આવી ગયું છે, પણ તેના મનોરંજનના મૂળ સ્વભાવમાં તસુભાર પણ ઓટ નથી આવી. ઊલટાનું તે વધુ મનોરંજક બનીને વાપસી કરી રહ્યો છે. એક સમયે ગાયો ચરાવતો ગોવાળ ખભે રેડિયો ટીંગાડીને ગીતો સાંભળતો. જ્યારે આજે રેડિયોનું સ્થાન સ્માર્ટફોનમાં સમાયેલું છે. એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને અનેક રેડિયો સ્ટેશનો સાંભળી શકાય છે. એક નાનકડી એપ્લિકેશન દ્વારા લાખો લોકો સુધી આસાનાથી પહોંચી શકાય છે. આટલી સામાન્ય જાણકારી બાદ ખુશીના સમાચાર એ છે કે, એફ.એમ. રેડિયોની આ તાકાતને ધ્યાને લઈને જ આપનું ‘સમભાવ મીડિયા લિમિટેડ’ પણ રેડિયોના માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે!
આપ સૌને જાણીને આનંદ થશે કે આજે ૪ ઑગસ્ટ, ૨૦૧૮ને શનિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના હસ્તે ગુજરાતના ૦૮ અને જમ્મુ-કાશ્મીરના ૦૫ મળીને કુલ ૧૩ શહેરોમાં એક સાથે એફ.એમ. રેડિયો સ્ટેશનોનો શુભારંભ થવા જઈ રહ્યો છે. એ સાથે જ ગુજરાતના એફ.એમ. રેડિયોના ઇતિહાસમાં એક નવા જ યુગનો આરંભ થશે.
એક સાથે આટલા મોટાપાયે એફ.એમ. સ્ટેશનો શરૃ થયાની આ પહેલી ઘટના હશે. ગુજરાત માટે આ ઘટના અનેક રીતે ઐતિહાસિક છે. મજાની વાત એ છે કે, આ રેડિયો સ્ટેશનો એવાં શહેરોમાં શરૃ થવા જઈ રહ્યાં છે જ્યાં દૂર-દૂર સુધી એફ.એમ. રેડિયોનું કોઈ નામોનિશાન નથી. રેડિયો સ્ટેશનનું નામ રહેશે ‘ટૉપ એફ.એમ.’ અને તેની ટેગલાઈન છે ‘જબ સૂનો ટૉપ સૂનો’! છે ને મજાનું નામ! આ એફ.એમ. રેડિયો સ્ટેશનો ૪ ઑગસ્ટથી તબક્કાવાર જૂનાગઢ(૯૧.૯), જામનગર (૯૧.૯), ભાવનગર (૯૩.૧), ગોધરા (૯૩.૧), વેરાવળ (૯૩.૫), પોરબંદર (૯૩.૫), ભરૃચ (૧૦૫.૨), મહેસાણા (૯૨.૭), લેહ (૯૧.૧), કારગિલ (૯૧.૧), કઠુઆ (૯૧.૧), પૂંચ (૯૪.૩) અને ભાડેરવાહ (૯૪.૩)માં અહીં જણાવેલી ફ્રિક્વન્સી પર સાંભળી શકાશે.
ટૉપ એફ.એમ.નાં પ્રોગ્રામિંગ હેડ જિગ્નેશ વસાવડા આ તમામ સ્ટેશનોની વિશેષતા સમજાવતા કહે છે, ‘હું એવા અનેક પ્રસંગોનો સાક્ષી રહ્યો છું જેમાં એફ.એમ. રેડિયો માહિતી પ્રસારણનું સૌ પ્રથમ માધ્યમ રહ્યો હોય. અગાઉ અમદાવાદમાં પૂર, અતિવૃષ્ટિ, બોમ્બ બ્લાસ્ટ, હુલ્લડો વગેરે દુર્ઘટનાઓ વખતે જિલ્લા કલેક્ટર સહિતનું વહીવટી તંત્ર સૌ પ્રથમ રેડિયો પર આ મામલે ચેતવણી જાહેર કરતું. એવી પણ કેટલીક ઘટનાઓ છે જેમાં ખુદ મુખ્યમંત્રી કે મુખ્ય સચિવશ્રીએ પ્રજાજોગ સંદેશો રેડિયો પર વહેતો મૂક્યો હોય. આ કામ અન્ય માધ્યમો કરી શકતાં નથી. પ્રાઇવેટ એફ.એમ. રેડિયો સ્ટેશનની આ સૌથી મોટી વિશેષતા છે. મજાની વાત એ છે કે સરકારી રેડિયો સ્ટેશનની જેમ ખાનગી એફ.એમ. રેડિયો પર કોઈ બંધન નથી. બંને માહિતી પ્રસારણ અને મનોરંજનનું જ કામ કરે છે છતાં બંનેમાં જમીન આસમાનનો ફરક છે. અમે રેડિયોનો ઉપયોગ મનોરંજનની સાથે લોક સુખાકારી માટે કરવા માગીએ છીએ. ટૉપ એફ.એમ.ના સ્ટેશન પર એ દરેક વસ્તુ મળશે જે સ્થાનિકો ઇચ્છી રહ્યા છે. કદાચ એટલે જ સ્થાનિક કલેક્ટર, ધારાસભ્યો, સાંસદો, ગાયકો, અભિનેતાઓ, સ્ટેજ પ્રોગ્રામરો, રમતવીરો સૌ તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.
‘ટૉપ એફ.એમ.ની સૌથી મોટી ખાસિયત એ રહેશે કે તેની ઑફિસ જે-તે શહેરમાં જ હશે. તેના રેડિયો જૉકી સહિતનો સ્ટાફ જે તે શહેરમાં મોજૂદ હશે. એટલે સ્થાનિકોને થતી દરેક લાગણીઓ ટૉપ એફ.એમ. પણ અનુભવશે એ હદે અમે લોકલ હોઈશું. એ રીતે લોકો સાથે વધુ નજીકથી જોડાયેલા રહીશું. મહત્ત્વની માહિતીના આદાનપ્રદાનની સાથે આપણે સ્થાનિકોને ગમતું, સુમધુર સંગીત પીરસીશું. સામાન્ય રીતે દરેક શહેરની પોતાની ભાષા, તાસીર હોય છે જેને ધ્યાનમાં રાખીને અમે યુનિક પ્રકારનું હ્યુમર પણ આપીશું. હાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી બેઠી થઈ રહી છે. સુંદર ગીતો લખાતાં થયાં છે ત્યારે ટૉપ એફ.એમ. પર લોકલ ગુજરાતી ગીતો વગાડીશું જે સામાન્ય રીતે અન્ય એફ.એમ. રેડિયો વગાડતાં નથી. સરકારી રેડિયો સ્ટેશનો પર દિવસ દરમિયાન વચ્ચે બ્રેક આવતો હોય છે. જ્યારે આપણે સવારે પાંચ વાગ્યાથી લઈને રાત્રિના બાર વાગ્યા સુધી સ્થાનિકોને ગમતી વાતો, ગમતાં ગીતોનું નોનસ્ટોપ મનોરંજન આપીશું.
‘અમે જાણી જોઈને મોટાં શહેરો પસંદ નથી કર્યાં કારણ કે સાચું ગુજરાત આ નાનાં શહેરોમાં વસે છે એવું અમે માનીએ છીએ. વળી સાચા રેડિયો સાંભળનારા આવાં નાનાં શહેરો અને તેની આસપાસનાં ગામડાંઓમાં વસે છે. રેડિયો માટે આ સંપૂર્ણ વર્જિન માર્કેટ છે. મોટાં શહેરોમાં ઓલરેડી પાંચ જેટલાં એફ.એમ. સ્ટેશનો હોય છે જ્યાં વધુ એક ઉમેરાય તો કોઈ ફરક પડતો નથી. જ્યારે અહીં એક પણ એફ.એમ. સ્ટેશન ન હોઈ અસર ઊભી કરવાના ચાન્સ વધુ રહે છે. વડાપ્રધાનનો ‘મન કી બાત’ કાર્યક્રમ રેડિયોની સફળતાનો સાક્ષી છે. મોટી કંપનીઓને ગામડાંઓમાં પહોંચવા માટે પણ ટૉપ એફ.એમ. એક સરળ માધ્યમ બની રહેશે. ટૂંકમાં ટૉપ એફ.એમ. સ્થાનિકોનો અવાજ બની રહેશે.’
——————————————–.