તમારા માટે, તમારી સાથે, સતત…

લોકસભાની ચૂંટણીમાં કેન્દ્ર સ્થાને રહેશે કાશ્મીર મુદ્દો

કેન્દ્ર સરકાર કડક હાથે કામ લેશે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે

0 198

કવર સ્ટોરી – સુધીર રાવલ

આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્ર સ્થાને જો કોઈ મુદ્દો રહેશે તો તે કાશ્મીર હશે. આ કોઈ અધિકૃત સમાચાર નથી, પરંતુ જે રીતે દેશમાં રાજકીય વાતાવરણ બદલાતું જાય છે અને સત્તા પક્ષ ભાજપની રણનીતિ સ્પષ્ટ થતી જાય છે, તે જોતાં અંદાજ લગાવવો જરાય મુશ્કેલ નથી કે આવનારા દિવસોમાં સૌથી વધુ ચર્ચા ૩૭૦મી કલમ, ૩પ-એ, ટ્રિપલ તલાક અને કાશ્મીરની પરિસ્થિતિની થશે. આવું એટલા માટે થશે કે આ જ મુદ્દાઓ એવા છે, જેમાં ભારતની મહત્તમ જનતા એકમત છે, ભાજપનાં વલણને સમર્થન આપે છે અને તેમાં કોમવાદની બદબૂના બદલે રાષ્ટ્રાવાદની ખૂશ્બુ સમજાય છે.

આ મુદ્દો કાશ્મીરને સ્પર્શતો છે એટલે અખંડ ભારતની અવધારણા અને પાકિસ્તાન પ્રત્યેની નફરતના અંચળા હેઠળ ‘મુસ્લિમ વિરોધી’ના લેબલથી આબાદ બચી શકાય તેમ છે. કાશ્મીરનો મુદ્દો એટલો સંવેદનશીલ છે કે તેની સામે મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની હાડમારી, નોટબંધી જેવા કેટલાય સરકારને ન ગમતા મુદ્દાઓનું ધનોતપનોત નીકળી જાય તેમ છે. આમ કાશ્મીર નામની સંજીવની હવે હાથ લાગી ગઈ છે અને ભૂતકાળમાં ભલે કસ્યા પછી ન કરી શકાયું હોય, પરંતુ આ મુદ્દે ભારતની પ્રજા જે ઇચ્છે છે, તે ભાજપ જ કરી શકવા સક્ષમ છે, તેવા જનતા જનાર્દનના હજુ અખંડ રહેલા વિશ્વાસ પર લોકસભાની આગામી ચૂંટણીની વૈતરણી પાર કરી જવા ભારતીય જનતા પક્ષે કાશ્મીરમાં મહેબુબા મુફતીની સરકારને પાડી દઈ રણટંકાર કરી દીધો છે કે, ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ…’

આ યુદ્ધ પાકિસ્તાન સામેનું સંપૂર્ણ કક્ષાનું ભલે હોવાની સંભાવના અત્યંત નહિવત્ છે, પરંતુ આતંકવાદી ઓછાયામાંથી કાશ્મીરને મુક્ત કરવા હવે કેન્દ્ર સરકાર કડક હાથે કામ લેશે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. કાશ્મીરની પરિસ્થિતિ થાળે પાડવી તે દેશ માટે આમ પણ ટોચની પ્રાથમિકતા બની ચૂકી છે અને કરોડો- અબજો રૃપિયા ખર્ચાયા કરતા હોવા છતાં સિત્તેર સિત્તેર વર્ષોથી કાશ્મીરનો પ્રશ્ન ભારત માટે માથાનો દુઃખાવો બની ગયો છે. કાશ્મીરની પ્રજાનો ભારતપ્રેમ સૈફુદ્દીન સૌઝ જેવા નેતાઓના નિવેદનોમાં સમજાય છે. જમ્મુ, લડાખ અને કાશ્મીરના ખીણપ્રદેશની આંત્રિક સ્થિતિ ભિન્ન છે. આતંકવાદીઓ કોણ અને કાશ્મીરી પ્રજા કોણ?નો ભેદ સમજવા આપણા જવાનોએ બલિદાન આપવા પડે છે! રાજકીય સમીકરણોએ થાગડ-થીગડની સ્થિતિને પણ વકરાવી દીધી છે. રાજ્યમાં પીડીપી, નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ક્યાંય એક મુદ્દે એકસૂત્રતા નથી. સામાજિકપ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંગઠનોની પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે. ચારે બાજુ ભય, શંકા-કુશંકા, નફરત અને ધર્મઝનૂનનાં વાતાવરણની અનુભૂતિ થઈ રહી છે.

રાજકીય પાંખ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રાથમિકતાઓ અલગ-અલગ રહી હોવાના કારણે છેલ્લાં ચાર વર્ષમાં પ્રયત્નો છતાં વિકાસ માટેનું પરિણામ મળી શક્યું નથી. આમ કાશ્મીરની બાબતમાં કહી શકાય કે રાજકીય પક્ષોની, સરકારોની કે સરકાર સમર્થક સંગઠનોની રણનીતિ ખોટી પડતી રહી છે. કોઈ સફળ થતું નથી અને સૌની નિષ્ફળતાની કિંમત છેવટે પ્રજા જ ચૂકવી રહી છે.

આજે ફરી કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન લાગી ગયું છે. આ અગાઉ ૧૯૭૭, ૧૯૮૬, ર૦૦ર, ર૦૦૮, ર૦૦૯ અને ર૦૧૬માં જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન લાદવામાં આવેલું. ત્યાં વિધાનસભાની ૮૭ બેઠકો છે, જેમાં પીડીપી અને ભાજપે સાથે મળી બંને વચ્ચે ઘણા વિરોધાભાસી મુદ્દાઓ હોવા છતાં ચૂંટણી થયા પછી સતત ચાર મહિના સુધી ચર્ચાઓ કર્યા કરીને છેવટે સંયુક્ત સરકાર બનાવેલી. શરૃઆતમાં મુફતી મહંમદ સઈદ મુખ્યમંત્રી બનેલા અને તેમના નિધન બાદ તેમનાં પુત્રી મહેબુબા મુફતીએ ભાજપ પાસે પોતાની કેટલીક શરતો મનાવી અને મુખ્યમંત્રી બનેલાં. છેલ્લાં ત્રણ વર્ષમાં કાશ્મીરમાં ભણેલા-ગણેલા લોકોએ પણ હાથમાં હથિયાર લીધાં. સત્તાવાર આંકડા પ્રમાણે આતંકીઓમાં ૧ર પ્રોફેસર અને ૧૩ એન્જિનિયર પણ આતંકી બન્યા. પથ્થરમારાની ૬૦૦૦થી વધુ ઘટનાઓ નોંધાઈ.

Related Posts
1 of 276

પીડીપી-ભાજપ વચ્ચે થયેલી સમજૂતી અનુસાર ૧૧૦૦૦ જેટલા પથ્થરબાજો સામેના કેસ પરત ખેંચાયા. લગભગ ૧૦૦૦થી વધુ લોકો લશ્કર સાથેની તથા અન્ય ઘટનાઓની મૂઠભેડ દરમિયાન માર્યા ગયા, જેમાં ૬૦૦થી વધુ આતંકીઓ હતા. રમજાનના પવિત્ર માસ દરમિયાનનું સીઝફાયર નિષ્ફળ રહ્યંુ. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ કથળી ગઈ. મહેબુબા સરકારે જમ્મુ અને લડાખ સાથે જે ભેદભાવ કર્યો તેનાથી રાજ્યની પરિસ્થિતિ વધુ કોમવાદી બની. સુજાત બુખારી તથા ઔરંગઝેબની હત્યા પછી વાતાવરણ વધુ સંવેદનશીલ બની ગયું. મેજર ગોગોઈ દ્વારા કાશ્મીરી યુવાનને ઢાલ બનાવવાની લશ્કરની કડક કાર્યવાહી પછી મહેબુબા મુફતી ખુલ્લેઆમ ‘કાશ્મીર’ની તરફદારી કરવામાં શોપિયામાં પથ્થરબાજોના ફાયરિંગમાં મૃત્યુ બાદ મેજર આદિત્ય પર એફઆઈઆર કરવા સુધીની હદે ગયા. ભારતીય લશ્કરીની સ્થિતિ નબળી પાડવામાં કાશ્મીરના આંતરિક રાજકારણે મહત્ત્વનો ભાગ ભજવ્યો.

હકીકતમાં ભાજપ અને પીડીપીનું રાજકીય જોડાણ જ એટલું અકુદરતી હતંુ કે ડગલે ને પગલે બંને પક્ષો વચ્ચે નીતિ વિષયક મતભેદો સર્જાતા રહ્યા હતા. શરૃઆતમાં જ્યારે પ્રેમભર્યા વ્યવહાર અને સંવાદથી સમસ્યા હલ કરવાના જે પ્રયત્નો અને વિચાર થયા, તે જરૃર આશારૃપી હતા, પરંતુ તે પરિણામદાયી સાબિત ન થઈ શક્યા. રાજ્યમાં કટ્ટરવાદીઓનું જોર એટલું બધું વધી ચૂકેલંુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શાસનની શરૃઆતમાં જે રીતે કાશ્મીરીઓના દિલ જીતવા પ્રયત્નો કરેલા, અવારનવાર કાશ્મીર જવું, વરસાદની મુશ્કેલીમાં જવાનોએ ત્યાંની જનતાને સહાયરૃપ થવા જાનની બાજી લગાવેલી, વિશ્વાસનું વાતાવરણ સર્જાયેલું, નવાઝ શરીફના ઘરે અચાનક પહોંચી જવું જેવી બાબતો ચોક્કસપણે એક રાજનીતિજ્ઞને છાજે તેવી પહેલ હતી, તેમાં સાહસ પણ હતંુ, આમ છતાં ધર્મઝનૂની તત્ત્વોએ કાશ્મીરનો પ્રશ્ન સળગતો જ રાખવા જે કરતૂતો કર્યે રાખ્યા અને ભાજપ-પીડીપીની રાજ્ય સરકાર તેના પર અંકુશ મેળવવામાં જે રીતે નિષ્ફળ રહી, તે ઇતિહાસમાં કાશ્મીરના વધુ એ નિષ્ફળ પ્રકરણ સમાન બની રહ્યું છે.

ભાજપે અલગતાવાદી સંગઠન હુર્રિયત સાથે વાત ન કરવાનો અભિગમ રાખ્યો અને પીડીપીએ તે માટે આગ્રહ સેવેલો, પરિણામે અલગતાવાદીઓ સાથે ચર્ચા કરવા કેન્દ્ર સરકારે દિનેશ્વર શર્માની પણ મધ્યસ્થી તરીકે નિમણૂક છેલ્લે કરી જોઈ, પરંતુ કશું આગળ વધ્યું નહીં.

આજે કાશ્મીરમાં હવે શું? તેનો મોટો સવાલ ખડો થયો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થાપનામાં સરકારે સૈન્યશક્તિનો સહારો લેવો પડશે. સૂકા ભેગું લીલું પણ ક્યાંક બળશે. આ મહિનાના અંતે રાજ્યપાલ એન.એન. વ્હોરાની મુદત સમાપ્ત થાય છે. તેમના સ્થાને કોણ આવશે અને આવશે તે કેટલા અસરકારક સાબિત થશે તે સમય જ કહી શકશે. કાશ્મીરમાં શાંતિની સ્થાપના માટે અગાઉ નરસિંહ રાવની સરકારે જે રીતે કુનેહપૂર્વક કાર્ય કરી બતાવ્યું હતું, તેવું આ સરકાર કરી શકશે કે પછી પક્ષના એજંડાને લાગુ કરવામાં રાજ્યની જનતાના જનમતને અવગણવાની નીતિ અખત્યાર કરશે તે જોવાનું રહેશે.

કાશ્મીરમાં હવે નવસેસરથી ચૂંટણીઓ યોજાશે કે પહેલાં સર્જિકલ સ્ટ્રાઇક, યાને કે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓના અડ્ડા ઉડાવી દેતું મર્યાદિત યુદ્ધ કરી દેશે, તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત રાજકીય સ્તરે અને વહીવટી સ્તરે કેન્દ્ર સરકારની શું રણનીતિ હોઈ શકે છે, તે પણ ટોચનાં વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કાશ્મીરની સમસ્યાનો હલ લાવવામાં જમ્મુ-લડાખ અને કાશ્મીર એ ત્રણ પ્રદેશોને રાજ્યના દરજ્જાને બદલે જુદી-જુદી યુનિયન ટેરીટરીમાં પરિવર્તિત કરી શકાય કે કેમ? જેથી કરીને માત્ર ખીણ પ્રદેશનો નાનકડો વિસ્તાર કે જે સાચા અર્થમાં વધુ સમસ્યા સમાન છે, તેના પર અલગ રણનીતિ થકી ભવિષ્યમાં આગળ વધી સમસ્યાનો હલ લાવી શકાય. આ બધા પ્રશ્નોમાં ‘જો અને તો’ ભરપૂર છે.

એકાદ નિર્ણય પણ સરળ નથી અને એમાં પણ અમલમાં તબક્કે જો નાનકડી ચૂક પણ થાય તો ય માત્ર કાશ્મીર રાજ્યને જ નહીં, સમગ્ર દેશને તેની લાંબાગાળે કિંમત ચૂકવવી પડે તેવંુ જોખમ પણ છે. ત્યારે લાગે કે કાશ્મીર મુદ્દે સરકારોની, રાજકીય પક્ષોની અને જનતાની એમ સૌની કસોટી થવાની છે. આશા રાખીએ કે સમગ્ર મામલે ભારતહિતને કેન્દ્રમાં રાખતી રણનીતિ

અને જનતા જનાર્દનનાં સુખ-ચેનનું ધ્યેય જ સૌનાં વિચાર-વાણી અને વર્તનમાં જોવા મળે.
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »