માઓવાદીઓ દ્વારા વડાપ્રધાન મોદીની હત્યાનું કાવતરું હસી કાઢવા જેવું નથી!
આમાં પ્રકાશ આંબેડકરનું નામ આવ્યું તેનાથી ચોંકી જવાય તેમ છે
- ષડ્યંત્ર – જયવંત પંડ્યા
ભીમા-કોરેગાંવ હિંસામાં છ માઓવાદી સમર્થક અને દલિત કાર્યકરોની ધરપકડ થઈ. તેના લીધે કૉંગ્રેસની યુપીએ સરકારના મંત્રી, માઓવાદીઓ અને કેટલાક દલિત આગેવાનોની સાઠગાંઠ બહાર આવે તેવી સંભાવના છે. માઓવાદીઓ દલિતોને પોતાના તરફ ખેંચીને આ દેશમાં સરકાર સામે અરાજકતાનું વાતાવરણ સર્જવા તત્પર જણાય છે, જેને વિપક્ષોના વિરોધના રાજકારણ થકી હવા મળી રહી છે…
પહેલી જાન્યુઆરી ૧૮૧૮ના રોજ અંગ્રજો તરફથી દલિતો મહારાષ્ટ્રના કોરેગાંવની લડાઈમાં પેશ્વાઓ સામે જીતેલા. તેના પગલે પેશ્વાઓના સામ્રાજ્યને જબરદસ્ત ફટકો પડેલો. દલિતોના ઉદ્ધારક ગણાતા ડૉ. બાબાસાહેબ આંબેડકર ૧ જાન્યુઆરી, ૧૯૨૭ના રોજ મહાર સૈનિકો અને બ્રિટિશ-ભારતીય સેનાના પીઢ સૈનિકો સાથે મહારના ગૌરવ તરીકે બ્રિટિશરોએ ઊભા કરેલા સ્તંભની મુલાકાતે ગયા. ત્યારથી દર વર્ષે દલિતોનો એક સમૂહ મહારાષ્ટ્રમાં આ વિજય મનાવે છે, પરંતુ ગત જાન્યુઆરીમાં આ ઉજવણી હિંસક બની. કેટલાક મરાઠા લોકોએ તેનો વિરોધ કરેલો કે અંગ્રેજોના વિજયની ઉજવણી કેવી રીતે કરી શકાય?
આ હિંસામાં એક રાહુલ ફટાંગળેનું મૃત્યુ થયું અને અનેક લોકો ઘાયલ થયા. તેના પછી ૩ જાન્યુઆરીએ બંધ આપવામાં આવેલો જે પણ એટલો જ હિંસક સાબિત થયો. દલિત કર્મશીલોના આક્ષેપોના આધારે પોલીસે હિન્દુવાદી કાર્યકરો સંભાજી ભીડે અને મિલિન્દ એકબોતે સામે ફરિયાદ નોંધી હતી. એક તો તેની ધરપકડ થઈ અને તે જામીન પર છૂટી ગયા. આ હિંસા માટે ગુજરાતના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જોકે, આ હિંસા પાછળ, જેમ શંકા હતી તેમ, માઓવાદી સમર્થકોનો હાથ બહાર આવ્યો છે. પૂણે પોલીસે છ જણાની ધરપકડ કરી. તેમાં કર્મશીલ રોના વિલ્સન, જેએનયુના પૂર્વ વિદ્યાર્થી અને કર્મશીલ રાણા જેકબની દિલ્હીમાંથી, દલિત કાર્યકર સુધીર ધવલેની ધરપકડ મુંબઈમાં કરવામાં આવી જ્યારે કર્મશીલ શોમા સેન, મહેશ રાઉત અને વકીલ સુરેન્દ્ર ગાડલિંગની ધરપકડ નાગપુરમાં કરવામાં આવી. (આ છ જણાનો પરિચય જાણવા જુઓ બૉક્સ). તેમની ધરપકડ ગેરકાયદે પ્રવૃત્તિઓ (અટકાવવી) અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી.
ગત વર્ષની ૩૧ ડિસેમ્બરે પૂણેમાં શનિવારવાડા નજીક દલિત સંગઠન યલગાર પરિષદ મળી હતી. સ્થળ પણ યુક્તિપૂર્વક પસંદ કરાયું હતું. શનિવારવાડા મરાઠા સામ્રાજ્યમાં પેશ્વાઓનું, સૈન્ય અને પ્રશાસનની રીતે સત્તાનું કેન્દ્ર હતું. પહેલાં નક્સલો અને આ નક્સલ સમર્થકો વચ્ચે પૈસાની લેવડદેવડની માહિતી પોલીસને મળી. આ જે યલગાર પરિષદ થઈ તેમાં અપાયેલાં ઉશ્કેરણીજનક ભાષણોના કારણે ૧ જાન્યુઆરીએ હિંસા થઈ. છેલ્લા કેટલાક મહિનાઓમાં પોલીસ આ હિંસાની તપાસમાં લાગેલી હતી જેમાં તેને ઘણા નક્કર પુરાવા પ્રાપ્ત થયા હોવાનો દાવો છે.
પરંતુ આઠ જૂને પોલીસે જે ધડાકો કર્યો તેની ધ્રુજારી સમગ્ર ભારતમાં અનુભવાઈ, કેમ કે એ ધડાકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરા બાબતે હતો! રાજીવ ગાંધીની જે રીતે હત્યા કરાઈ હતી તે જ રીતે મોદીજીની પણ હત્યા કરવી તેવું તે પત્રમાં લખાયેલું હતું અને એ પત્ર રોના વિલ્સનના દિલ્હી ખાતેના ઘરમાં મળી આવ્યો હતો. આ પત્રમાં એમ-૪ રાઇફલ અને ચાર લાખ રાઉન્ડ ખરીદવા રૃ. આઠ કરોડની જરૃરિયાત હોવાની વાત કરવામાં આવી હતી.
‘ટાઇમ્સ નાવ‘ ચેનલની રિપોર્ટરે તો ત્યાં સુધી કહ્યું કે જે પકડાયા છે તેમાંની એક વ્યક્તિ (સંભવતઃ મહેશ રાઉત)ને યુપીએ સરકારના પ્રધાન સાથે સારો એવો ઘરોબો હતો. આ પ્રધાનને પાછો ગાંધી (એટલે સંભવતઃ સોનિયા-રાહુલ) સાથે સારો ઘરોબો છે અને તેના લીધે તે સરકારના નક્સલો અંગેના પ્રોજેક્ટમાં નોકરીએ પણ રહી ગયો હતો. વર્ષ ૨૦૧૨માં પોલીસ તેની ધરપકડ કરવાની હતી પરંતુ ‘ઉપર‘થી આદેશ આવતા તે બચી ગયો હતો. તે પૂર્વ વડાપ્રધાનના ગ્રામીણ વિકાસનો ફેલો હતો. આ યોજનાનો લાભ લઈ તેણે જંગલોમાં ઘૂસણખોરી કરી હતી. અત્યારે તેના પર માઓવાદીઓ અને અર્બન માઓઇસ્ટ વચ્ચે નાણા પૂરા પાડવા સંદર્ભે તપાસનું વર્તુળ મંડાયેલું છે.
નક્સલ કાર્યકર મિલિન્દ ટેલ્ટુમ્બડે દ્વારા રોના વિલ્સનને લખવામાં આવેલા મનાતા પત્રમાં બે નામો ચોંકાવનારા છે. આ બે નામો પ્રકાશ આંબેડકર અને જિજ્ઞેશ મેવાણીના હોવાનું મનાય છે. ‘પૂણેમિરર‘ નામના અખબાર અનુસાર, આ પત્રમાં લખવામાં આવ્યું છે, ‘કૉમરેડ મંગલુ અને કૉમરેડ દીપુ છેલ્લા બે મહિનાથી કૉમરેડ સુધીર સાથે ભીમ-કોરેગાંવ કાર્યક્રમનું સંકલન કરી રહ્યા છે. તેમાં રાજ્યભરના દલિતોનો સારો ટેકો મળી રહ્યો છે. કૉમરેડ જિજ્ઞેશ અને કૉમરેડ ઉમર આપણી ક્રાંતિના યુવાન લડવૈયાઓ છે. પ્રકાશ આંબેડકરના મજબૂત સમર્થન સાથે, કેટલાંક વર્ષોની અંદર દેશભરમાં અનેક દલિત સંઘર્ષોને મજબૂત કરવામાં તેમના પ્રયાસોનાં પરિણામો આપણે જોઈ શકીશું.‘ જો આ પત્રોની અધિકૃતતા હોય અને નામોના અનુમાન સાચા હોય તો આનાથી યુપીએ સરકારના કોંગ્રેસી પ્રધાન, નક્સલીઓ-માઓવાદીઓ, દલિત ચળવળકારો અને ખાસ કરીને જિજ્ઞેશ મેવાણીની સાઠગાંઠ સાબિત થાય છે.
આમાં પ્રકાશ આંબેડકરનું નામ આવ્યું તેનાથી ચોંકી જવાય તેમ છે, કારણ કે પ્રકાશ આંબેડકર એ બંધારણના ઘડવૈયા બાબાસાહેબના પૌત્ર છે. ‘ટાઇમ્સ નાવ‘ પર લાઇવ વાતચીતમાં ઉશ્કેરાઈને પ્રકાશે ટાઇમ્સના પત્રકારને ‘જોઈ લેવાની‘ ધમકી ગાળની ભાષામાં આપતા કહ્યું હતું કે, આ સરકાર તો પાંચ વર્ષ જ છે. ગૌરી લંકેશ બાબતે ઊકળી ઊઠેલા ભારતભરના પત્રકારો જોકે આ બાબતે મૌન રહ્યા છે!
જોકે વિપક્ષો મૌન નથી રહ્યા, પરંતુ તેમણે આ બાબતને ગંભીરતાથી પણ નથી લીધી. કોંગ્રેસના સંજય નિરુપમે આને મોદીની ઘટી રહેલી લોકપ્રિયતા ફરી મેળવવા માટેનો પ્રયાસ ગણાવ્યો તો, એનસીપીના શરદ પવારે સહાનુભૂતિના મત મેળવવાનો પ્રયાસ ગણાવ્યો જ્યારે શિવસેનાએ તેને હાસ્યાસ્પદ બાબત ગણાવી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ ધમકી મળી છે. અગાઉ ૨૬ એપ્રિલ, ૨૦૧૮ના રોજ રાહુલ ગાંધીના વિમાનમાં સામાન્ય ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ ત્યારે કોંગ્રેસ બેબાકળી થઈ ગઈ હતી, પરંતુ આ ઘટના સંજય નિરુપમને ડ્રામા લાગે છે. જે ધરપકડો થઈ છે તે લોકોની ધરપકડ અગાઉ કોંગ્રેસના શાસનમાં પણ થઈ હતી. મામલો ગંભીર છે, પરંતુ અત્યારે વિપક્ષમાં હોવાથી કોંગ્રેસ આવું વલણ દાખવી રહી છે. આના પરથી પ્રતીત થાય છે કે વિપક્ષો કેટલા નીચા સ્તરે ગયા છે. મીડિયામાં આની ગંભીરતાથી નોંધ લેવાવી જોઈએ તે લેવાઈ નથી.
જોકે આ ધરપકડ થઈ એટલે ડાબેરી સંગઠનો જેમ કે ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશન, ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફૅડરેશન, એસોસિયેશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ મેદાનમાં આવી ગયા અને સરકાર દલિતોને હેરાન કરતી હોવાનો આક્ષેપ કરી ધરપકડ કરાયેલાઓને મુક્ત કરવા માગણી કરી હતી. જયપ્રકાશ નારાયણ દ્વારા શરૃ કરાયેલી, પરંતુ હવે ધીમે-ધીમે ડાબેરીઓના હાથમાં જતી રહેલી સંસ્થા પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝે પણ આ મામલે આ ધરપકડોને વખોડી કાઢી છે. આ એ જ પીયુસીએલ છે જેના ઉપાધ્યક્ષ ડૉ.બિનાયક સેનની નક્સલવાદી પ્રવૃત્તિને સમર્થન આપવા માટે છત્તીસગઢ પોલીસે ધરપકડ કરી હતી અને અત્યારે જામીન પર છે. આ બિનાયક સેન પાછા આમ આદમી પાર્ટીના પોલીસ સુધારા માટેના નીતિ જૂથમાં સભ્ય પણ છે તેમ વિકિપિડિયા કહે છે.
————————–.
વિગતો માટે અભિયાન સબસ્ક્રાઇબ કરો..