તમારા માટે, તમારી સાથે, સતત…

ડિસ્ચાર્જ અરજી રદ્દ થતાં કશિશના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ

બંને પક્ષની દલીલ સાંભળીને જજ રિસેસ પછી ચુકાદો સંભળાવશે

0 129

‘રાઇટ એન્ગલ’    નવલકથા પ્રકરણ – ૧૩

  • કામિની સંઘવી

ડિસ્ચાર્જ અરજી રદ્દ થતાં કશિશના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ

કશિશ અને ઉદય ડિસ્ચાર્જ અરજી અંગે જજ શું હુકમ સંભળાવે છે તેની આતુરતાપૂર્વક રાહ જોતાં હતાં. જજે ડિસ્ચાર્જ અરજી રદ્દ કરી આરોપી સામે ચાર્જફ્રેમ કરી કેસ ચલાવવા હુકમ કર્યાે. ચુકાદો સાંભળી કશિશના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. જ્યારે ઉદય અને મહેન્દ્રભાઈના ચહેરાઓ પર ચિંતા ધસી આવી. તેમણે હુકમ સામે રિવિઝનમાં જવાની માગેલી મંજૂરી જજે ગ્રાહ્ય રાખી. રાહુલે કશિશને રિવિઝન અરજીના ચુકાદા સુધી રાહ જોવા જણાવ્યું. બીજી તરફ કોફી હાઉસનું કામ ટાઇમ લિમિટમાં પૂરું થશે તે જાણી કશિશને રાહત થઈ. કોર્ટના ચક્કરમાંથી દોઢ મહિનાનો સમય મળતાં કૉફી હાઉસનું કામ ઝડપથી આટોપી લઈ તેને લોન્ચ કરવાનું નક્કી કર્યું. આ બધી ઉલઝનમાં તે ધ્યેય સાથે વાતચીત ન કરી શકી. આથી તેને ફોન કરી ડિનર માટે ઇન્વાઇટ કર્યાે. કશિશે ધ્યેયને કૉફી હાઉસની સાઇટ પર લઈ જવાનું કરેલું સૂચન કૌશલને ન ગમ્યું. દરમિયાન ધ્યેય આવ્યો અને તેણે કશિશને બુકે આપ્યો. ધ્યેય પોતાના કરતાં વધુ હેન્ડસમ છે તે વાત કૌશલને ન ગમી. ધ્યેયે લાવેલો રજનીગંધા ફૂલોનો બુકે કશિશને ખૂબ ગમ્યો. તેની મમ્મીને પણ આ ફૂલ ખૂબ પસંદ હતાં. તેણે ધ્યેયનો આભાર માન્યો. કૌશલને બંનેની મિત્રતાની મનોમન ઈર્ષા થઈ આવી. જમીને ત્રણેય કૉફી હાઉસની સાઇટ પર ગયાં. જ્યાં ધ્યેયે કૉફી હાઉસની ડિઝાઇન અંગે કરેલાં સૂચન કૌશલને ચંચુપાત સમાન લાગ્યાં. કૌશલની નારાજગી જોઈ ગયેલી કશિશે વાત વાળી લીધી. કૉફી હાઉસથી ત્રણેય ઘરે આવ્યાં. પોતાની પત્નીની મમ્મીને ક્યા ફૂલ પસંદ હતાં તે વાતની ધ્યેયને ખબર છે તે જાણી કૌશલને તેની ઈર્ષા થઈ. કશિશે તેને સમજાવવાની કોશિશ કરી પણ કૌશલના મનનું સમાધાન ન થયું. આથી કશિશ અસમંજસમાં પડી.

હવે આગળ વાંચો…

‘કિશુ મારે આજે ઑફિસ મોડું જવાનું છે, તો આપણે સાથે કૉફી હાઉસ જઈએ?’

એકાદ વીક પછી એક સવારે કશિશ કૉફી હાઉસની સાઇટ પર જવા તૈયાર થઈ ત્યારે અચાનક કૌશલે કહ્યું.

‘ઓ.કે.’ કશિશ બોલી અને બંને કારમાં બેઠાં કે તરત કૌશલે પૂછ્યું,

‘તારો કેસ કેટલે પહોંચ્યો?’ કશિશને આ સવાલથી એકદમ આશ્ચર્ય થયું. આને રાતોરાત કેમ કેસમાં રસ પડવા લાગ્યો? હજુ કાલ સુધી તો એ કેસના નામ માત્રથી ગુસ્સે થતો હતો.

‘બસ, ચાલે છે, ઉદયે સેશન્સમાં રિવિઝન અરજી આપી છે, જોઈએ શું થાય છે.’ કશિશે ટૂંકમાં માહિતી આપી.

‘એટલે?’ કૌશલે પૂછ્યું એટલે કશિશે ડ્રાઇવ કરતાં કરતાં રિવિઝન અરજી શું હોય છે તે બધું કહ્યું અને કૌશલ તે બધું ધ્યાનથી સાંભળતો રહ્યો.

‘હમ્મ…તો હજુ કદાચ કેસ અહીં જ અટકી જાય તેમ બને..રાઇટ?’

‘હા…તેવું થઈ શકે, પણ ધ્યેય કહેતો હતો કે આગળ સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં આવો કોઈ કેસ આવ્યો હોય તો એના ચુકાદાને ધ્યાનમાં લઈને પણ સેશન્સ જજ ફેંસલો આપે. લેટ્સ સી…મારા કેસમાં શું થાય છે!’ કશિશે કહ્યું. બંને સાઇટ પર  પહાંેચ્યાં. સાથે સાઈટ પર ફરતાં-ફરતાં બધું જોતાં હતાં ત્યાં કશિશનું ધ્યાન એક વૉલ પર ગયું. ત્યાં દોરેલા પેઇન્ટિંગને જોઈને બોલી ઊઠી,

‘વાઉ…!’

કૌશલ એ જોઈને પેલા ચિત્ર સામે જોઈ રહ્યો. એને આમાં વાઉ કહેવા જેવું કશું લાગ્યું નહીં. એટલે એને પૂછ્યું,

‘આ શું છે?’

‘એ ફેમસ પાબ્લો પિકાસાના પેઇન્ટિંગની રેપ્લિકા છે.’ કશિશે જવાબ આપ્યો.

‘આમાં એવું શું આકર્ષક છે?’

કૌશલે પૂછ્યું અને એ પેઇન્ટિંગ સામે જોઈ રહ્યો. એક નાનકડી છોકરીને એક સ્ત્રી સૂપનું બાઉલ આપતી હોય તેવું ચિત્ર હતું. કશિશને એનો સવાલ સાંભળીને સહેજ રમૂજ થઈ, પણ એની ઉત્સુકતા જોઈને બહુ ઉત્સાહથી એને પેઇન્ટિંગનો અર્થ સમજાવ્યો.

‘પાબ્લો ત્યારે એટલો ગરીબ હતો કે ખુદને ખાવાના ફાંફાં હતા. એણે જેલમાં તથા ગલીઓમાં ભીખ માંગતી સ્ત્રીઓને જોઈ હતી. બસ, પોતાના ભૂખમરાને એણે પોતાની કલામાં વણી લીધી. કલાકારની કલાકૃતિમાં ઘણીવાર એના જીવનનું પ્રતિબિંબ પડતું હોય છે. વળી, આ પેઇન્ટિંગની ખૂબી એ છે કે આમાં છોકરી સૂપ સ્ત્રીને આપી રહી છે કે સ્ત્રી છોકરીને સૂપ આપી રહી છે તે તમે નક્કી ન કરી શકો.’ કશિશ બધું વિગતવાર કહેતી હતી તે કૌશલ બધું સાંભળતો રહ્યો.

‘ગુડ!’ એ સાંભળીને બોલ્યો. એટલે કશિશે સ્માઇલ કરીને એની તરફ જોયું,

‘ધ્યેયનો આઇડિયા સરસ જ હોય!’

અને કૌશલના ચહેરા પર વિચિત્ર પ્રકારના ભાવ આવી ગયા. એના મનમાં પડઘો પડ્યો.

‘અચ્છા તો આ બધું ધ્યેયના કહેવા મુજબ થયું?’ થોડીવાર પહેલાં જે પેઇન્ટિંગ એને ગમ્યું હતું તે હવે અણગમતું લાગ્યું. કૌશલનો મૂડ આઉટ થઈ ગયો.

‘ચલ જલદી મારે ઑફિસ જવાનું લેઇટ થાય છે. તને ઘરે મૂકીને હું જાવ.’ કૌશલ આટલું બોલીને કૉફી શોપની બહાર નીકળી ગયો અને કશિશ એ જોઈને વિચારમાં પડી ગઈ.

‘હજુ બે મિનિટ પહેલાં તો બધું શાંતિથી જોવાની વાત કરતો હતો અને હવે આટલીવારમાં તો એને ઑફિસ જવાનું લેઇટ થવા માંડ્યું? આને થયું છે શું?’

* * *

એ પછીના પંદર દિવસમાં કૉફી શોપનું મોટા ભાગનું કામ પતી ગયું હતું. બસ, હવે દિવસ નક્કી કરવાનો હતો કે ક્યારે કૉફી શોપનું ઉદ્દઘાટન કરવું. કશિશ અને કૌશલ દિવસ નક્કી કરવાનું વિચારી રહ્યાં હતાં ત્યાં રાહુલનો ફોન આવ્યો,

‘કાલે સેશન્સ કોર્ટમાં હિયરિંગ છે, મેમ કાલે અગિયાર વાગે આવી જજો.’ અને અચાનક કશિશ કૉફી શોપના કામમાંથી બહાર આવી.

ઓહ! કૉફી શોપની રામાયણમાં એ કોર્ટ કેસ તો ભૂલી જ ગઈ હતી. કાલનો દિવસ મહત્ત્વનો બની રહેશે. કશિશે એ વિશે રાહુલ સાથે ડિટેઇલમાં બધી વાત કરી લીધી. સેશન્સમાં લાંબી દલીલ નહીં થાય, પણ પોતાની વાત રજૂ કરવાનો એક મોકો બંને પક્ષને મળશે તેવી માહિતી રાહુલે આપી. રાહુલ સાથે વાત પૂરી થઈ એટલે કશિશ બોલી,

‘હવે આજે નહીં, આપણે એક-બે દિવસ પછી કૉફી શોપના ઓપનની ડેટ નક્કી કરીએ? મારો મૂડ ઓફ થઈ ગયો છે અને કાલના હિયરિંગને લઈને થોડી એક્સાઇટ છું.’

કૌશલને આ વાત ગમી નથી એ એના ચહેરા પરથી ખબર પડતી હતી. જે એના વર્તનમાં પણ દેખાયું,

‘તું અને તારો કેસ! તું ફ્રી થાય ત્યારે કહેજે આપણે ડેટ નક્કી કરી લઈશું.’ આટલું બોલી એ એના રૃમમાં જતો રહ્યો. કશિશ એને તાજુબીથી જોઈ રહી. હજુ થોડા દિવસ પહેલાં કૌશલ એના કેસ વિશે પૂછતો હતો ‘ને અચાનક કેસની વાત આવી તો ઓવર રિએક્ટ કરે છે!

* * *

બીજે દિવસે કશિશ વહેલી ઊઠી ગઈ. સમયસર કોર્ટ પહોંચવાનું હતું. સાડાદસ વાગે એ કોર્ટ જવા નીકળતી હતી અને એ હજુ તો કારમાં બેઠી ત્યાં પાછળથી કૌશલનો અવાજ આવ્યો,

‘હેય કિશુ, હું તારી સાથે કોર્ટ આવું છું. પ્લીઝ વેઇટ!’

કશિશ વિસ્મયથી એને જોઈ રહી. બસ, સીધે-સીધું કહી દીધું કે હું કોર્ટ આવું છું.  જ્યારે એને કૌશલની મદદની જરૃર હતી ત્યારે એણે મદદ કરી નહીં. આજે જ્યારે તે એની મદદ વિના પોતાની લડાઈ એકલી લડી રહી છે ત્યારે હવે એ કોર્ટ આવવા ઇચ્છે છે? વ્હોટસ રોન્ગ વિથ હીમ?

Related Posts
1 of 122

એક ક્ષણ માટે કશિશને થઈ આવ્યું કે એ ના પાડી દે, પણ માંડ-માંડ હાલકડોલક થતો એનો સંસાર ટ્રેક પર આવ્યો છે ત્યાં ક્યાં ના પાડવી. ઘણીવાર સંસાર રથનાં પૈડાં સમાન ન હોય તો ય સમાન રાખવા પ્રયત્ન કરવો પડતો હોય છે. તો જ સંસાર રથ ટકી શકે છે. એણે પોતાના અવાજને સંતુલિત રાખીને કહ્યું,

‘ઓ.કે…!’ કૌશલ એની બાજુની સીટ પર ગોઠવાઈ ગયો. કશિશ ચૂપચાપ ડ્રાઇવિંગ કરતી રહી. એ કશું બોલી નહીં એટલે કૌશલને પણ હવે અહેસાસ થયો હતો કે કદાચ કશિશને એ કોર્ટ આવે છે તે ગમ્યું નથી. એટલે બંને વચ્ચે વણકહેલ ક્ષોભજનક મૌન છવાઈ ગયું. કશિશ વિચારતી હતી કે કૌશલ શા માટે કોર્ટ આવતો હશે? જ્યારે કૌશલ વિચારતો હતો કે કશિશને હું કોર્ટ આવું છું તે શું કામ નહીં પસંદ હોય?

એમ જ કોર્ટ બિલ્ડિંગ આવી ગયું. રાહુલ તૈયાર જ હતો એટલે એની સાથે એ બંને સેશન્સ કોર્ટમાં ગયાં. તે પહેલાં કૌશલની ઓળખાણ રાહુલ સાથે કરાવી. બધાં કોર્ટ રૃમમાં પહોંચ્યાં અને એમનો નંબર બોલાયો એટલે ઉદયના વકીલ નીતિન લાકડાવાલાએ પોતાની દલીલ રજૂ કરી.

બંને પક્ષ માટે હવે કશું નવીન ન હતું, કારણ કે જે ખેલ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં ખેલાયો હતો એની નાની આવૃત્તિ જેવો ખેલ અહીં પણ ખેલાયો. બસ, નવીન એ હતું કે હવે આજના કોર્ટના નિર્ણય પર બંનેનું ભાવિ નિર્ભર હતું. નીતિન લાકડાવાલાએ એમના અસીલ નિર્દોષ હોય એમની રિવિઝન અરજી મંજૂર કરવામાં આવે તેવી દલીલ કરી. એના વિરુદ્ધ કશિશના વકીલ રાહુલની દલીલ હતી કે આરોપીની સામે પૂરતા પુરાવા છે એટલે કોર્ટમાં કેસ ચાલવો જોઈએ. આરોપીની રિવિઝન અરજી મૅજિસ્ટ્રેટ કોર્ટની જેમ નામંજૂર થવી જોઈએ.

બંને પક્ષની દલીલ સાંભળીને જજ રિસેસ પછી ચુકાદો સંભળાવશે તેવું કહ્યું એટલે બંને પક્ષકારો પોતા-પોતાના વકીલ સાથે કોર્ટ રૃમની બહાર આવ્યા. મહેન્દ્રભાઈ એઝયુઝવલ નિર્લેપ દેખાવાનો પ્રયત્ન કરતાં હતા, પણ કશિશ સામે જોતા અને એમની આંખોમાં અજાણતા કોઈ પાપ થઈ ગયું હોય તે પછી થતો પસ્તાવો છલકાતો હતો. બસ, કશિશ એ વાંચી અને સમજી શકતી જ્યારે ઉદય એ સમજી શકવા જેટલો લાગણીશીલ ન હતો.

પણ ઉદય આજે ખૂબ ગંભીર દેખાતો હતો. એને કૌશલને કોર્ટમાં જોઈને આશ્ચર્ય થયું હતું. એ માનતો હતો કે કશિશ એની સામે કોર્ટે ચડી છે તે કૌશલને પસંદ નથી. જો આજે કૌશલ અહીં હોય એનો મતલબ કે એ આ લડાઈમાં કશિશના પક્ષે છે. તો એવું હરગિજ થવું ન જોઈએ. એના વકીલે એને સમજાવ્યું હતું, એવું થયું તો પોતાનો કેસ નબળો પડી શકે છે. એટલે આજે કૌશલ છે એ વાતનો ફાયદો પણ ઉઠાવી લેવો. એટલે એ જેવો કોર્ટ રૃમમાંથી બહાર નીકળ્યો કે તરત કૌશલ તરફ ગયો. એણે કશિશ સામે જાણી જોઈને જોયું જ નહીં.

‘આજે તો તમે ભૂલા પડ્યા છો ને?’ કૌશલ તરફ ઉદયે હાથ મિલાવવા માટે હાથ લંબાવતા કહ્યું. કૌશલ પોતાનાથી બે વર્ષ ઉંમરમાં નાનો તે છતાં ઉદય પોતાની બહેનના પતિ તરીકે એને માન આપવા માટે તમે કહીને બોલાવે છે. કૌશલે એની સાથે હાથ મિલાવ્યો. કશિશ નાછૂટકે કૌશલની સાથે ત્યાં ઊભી રહી,

‘બસ એમ જ, એક વાર કોર્ટ જોઈ લીધી હોય તો સારું ને! કદીક જરૃર પડી તો કામ લાગે!’ કૌશલે મજાક કરી અને ઉદયે મોકો ઝડપી લીધો.

‘તમે આ સારું કર્યું, મારી બહેનનું ઠેકાણુ નથી, તમને ય મારી જેમ ક્યારે જરૃર પડી જાય તે કહેવાય નહીં!’ ઉદયે મજાકને ક્રૂર કટાક્ષમાં ફેરવી નાંખી.

કશિશ તે સાંભળીને કૌશલ સામે તીર નજરે જોઈને ધ્યેયની ઑફિસ તરફ ચાલવા લાગી. રાહુલ એને અનુસર્યો. કશિશનો ચહેરો ગુસ્સાથી તમતમી ગયો હતો. છેલ્લા કેટલા દિવસથી કૌશલનું વિયર્ડ વર્તન એ જોતી આવી હતી, પણ આજે હદ થઈ ગઈ. આટલા દિવસ સુધી એ કોર્ટ આવ્યો નહીં. એ ઇચ્છતી હતી કે એને સપોર્ટ કરે ત્યારે મદદ ન કરી અને હવે આવ્યો છે તો એને મદદ કરવાના બદલે એ મજાક કરીને એને હર્ટ કરે છે? આવી રીતે પતિ-પત્નીના સંબંધ સચવાય?

કશિશ ઑફિસમાં પહોંચી અને એણે ધ્યેયને જોયો તેવું જ એણે કૌશલ અને ઉદયે કેવું વર્તન કર્યું તે બધું જ ધ્યેયને કહી દીધું. ધ્યેય કશું જ બોલ્યા વિના ચૂપચાપ એને સાંભળાતો રહ્યો. એ સમજી ગયો હતો કે એકવાર કશિશના મનમાં ગુસ્સો છે તે નીકળી જવો જોઈએ. પછી જ તે શાંત થશે. ધ્યેયે રાહુલને પાણી લાવવા ઇશારો કર્યો. રાહુલે પાણી આપ્યું તે કશિશે પીધું પછી થોડી એ શાંત થઈ.

‘કૉફી પીશ?’ ધ્યેયે પૂછ્યું.

કશિશ કશું બોલી નહીં. માત્ર માથું હલાવ્યું. થોડીવારમાં ચાર કપ કૉફી આવી. એ જોઈએ… કશિશ કશું બોલવા જતી હતી ત્યાં જ કૌશલ ત્યાં આવ્યો. એને જોઈને ધ્યેયના ચહેરા પર સ્મિત આવ્યું. એણે ઊભા થઈ અને હસીને એને આવકાર્યો.

‘વેલકમ ટુ માય ઑફિસ! પ્લીઝ, હેવ અ સીટ!’

કશિશ આશ્ચર્યથી બધાને તાકી રહી. કશિશ જ્યારે પોતાનો ગુસ્સો કાઢતી હતી ત્યારે જ ધ્યેયે પહેલું કામ કૌશલને મેસેજ કરીને ઑફિસમાં બોલાવવાનું કર્યું હતું. એટલે જ કૌશલ ત્યાં આવ્યો હતો. જે રીતે કશિશ એને ઉદય સાથે મૂકીને આવી ગઈ હતી તેથી એ પણ ગૂંચવાયો હતો કે હવે શું કરવું? કશિશે જે કહ્યું તેથી ધ્યેય તરત સમજી ગયો હતો કે ઉદય સાથે કૌશલ વધુ સાથે રહે તે કશિશના હિતમાં નથી. આથી જ એણે મેસેજ કરીને એને બોલાવી લીધો.

ધ્યેયે કેસ વિના જ બીજી વાત કરી. બધાંએ કૉફી પીધી. તે પછી કૌશલ ઊભો થયો.

‘કિશુ, હું ઑફિસ જાવ છંુ. ડ્રાઇવરને મેં અહીં બોલાવી લીધો છે. સાંજે વહેલો આવી જઈશ.’

કશિશ કશું બોલી નહીં. એનો ગુસ્સો હજુ યથાવત્ હતો. ઉદયને કટાક્ષ કરવાનો મોકો કૌશલે આપી દીધો. કશિશને ગમ્યું ન હતું. એ ઇચ્છતી હતી કે કૌશલે સોરી કહેવું જોઈએ, પણ બધાંની હાજરીમાં કૌશલને તેવું કહેવામાં ઇગો નડતો હતો. એટલે એણે ઑફિસ જતાં રહેવાનું મુનાસિબ માન્યું.

ધ્યેય ઊભો થઈને કૌશલને બહાર સુધી મૂકવા ગયો. એ જેવો પાછો આવ્યો કે તરત કશિશ ટોન્ટમાં બોલી,

‘સો મિસ્ટર ધ્યેય સુચક, આપે બધી દોસ્તી કૌશલ નાણાવટી સાથે જ નિભાવવાની છે, નહીં?’

ધ્યેય એનો ટોન્ટ સાંભળીને હસી પડ્યો,

‘જી, તમને ઈર્ષા થાય છે મિસિસ

કશિશ?’

કશિશે જવાબમાં મોઢું ચડાવ્યું. એટલે ધ્યેયને ફરી હસવું આવ્યું. પછી જરા સિરિયસ થઈને બોલ્યો,

જો કિશુ, વાત એટલી બધી ગંભીર નથી.  કૌશલને હથિયાર બનાવીને ઉદયે તને નિશાન બનાવી છે. સો જસ્ટ ટેક ઇટ ઇઝી!’

‘કૌશલની ય ભૂલ કહેવાય ને? એવી મજાક કરવાની શી જરૃર હતી?’ કશિશ હજુ ય નારાજ હતી.

‘કિશુ ક્યારેક એવું થઈ જાય છે યાર! માણસ ન ઇચ્છતો હોય તો ભૂલમાં એવું બોલાય જાય, હવે ચીભડાંના ચોરને ફાંસીની સજા તો ન અપાય ને?’ ધ્યેયે સહેજ આવેશમાં સમજાવવાની કોશિશ કરી અને એ કામિયાબ રહ્યો.’હમમ…’ આટલું બોલી કશિશ ચુપ થઈ ગઈ એટલે ધ્યેયે વાત ફેરવવા પૂછ્યું,

‘પછી કેવું રહ્યું સેશન્સ કોર્ટમાં?’

કશિશે બધી વિગતવાર વાત કરી. ધ્યેય બધું નિરાંતથી સાંભળતો હતો. બધી વાત પૂરી કરી છેલ્લે કશિશે પૂછ્યું,

‘તને શું લાગે છે?’

‘હમમ…કશું પ્રેડિકેટ કરી શકાય તેમ નથી. યુ નો આ કેસ બહુ અલગ છે. મારી અત્યાર સુધીની પ્રેક્ટિસમાં આવો કેસ મેં જોયો નથી. મેં તારો કેસ રાહુલને ફોરવર્ડ કર્યો તે પહેલાં આ વિશે ઘણા સાથે વાત કરી ‘ને થોડા કોર્ટ રેકોર્ડ પણ જોયા, પણ કશું કામનું મળ્યું નહીં. એટલે મને લાગે છે કે જજના નિજી ઓપિનિયન અને આપણા કાયદાને ધ્યાનમાં રાખીને આજનો ચુકાદો આવશે.

ધ્યેયનો જવાબ સાંભળીને કશિશ બોલી,

‘ટૂંકમાં ભગવાન ભરોસે..!’

‘જી…એક બીજી વાત કહું? પ્લીઝ, ડોન્ટ માઇન્ડ ઇટ.. આ કેસ તે કર્યો ત્યાર જ મેં કહ્યું હતું કે તારે ભાગે બહુ સહન કરવાનું આવશે. એટલે કૌશલ સાથે જે રફ પેચીસ સોલ્વ થઈ ગયા છે તે હવે ફરી ન આવે તેનું ધ્યાન રાખજે.’ ધ્યેય બોલ્યો એટલે કશિશે એની સામે જોયું,

‘જો ધી, વગર વાંકે બધું સહન કરી લેવામાં હું માનતી નથી અને મારી ભૂલ હોય તો હું સ્વીકારવામાં પાછી પાની નથી કરતી. એટલે જે મારાથી થઈ શકે તે કરીશ.’

————————-.

નવલકથાની આગળની કડી વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો

Leave A Reply

Your email address will not be published.

Translate »