તમારા માટે, તમારી સાથે, સતત…

‘સંજુ’ સંજય દત્તના જીવનની અજાણી દાસ્તાન

સંજુબાબાએ માત્ર અંતિમ ભાગ જોવાની જ વાત કરી

0 554

બોલિવૂડનો પહેલો એવો નાયક જે ખલનાયક તરીકે વધુ જાણીતો બન્યો. જી હા, સંજય દત્ત. જેણે ‘નાયક નહીં, ખલનાયક હું મેં’ સોન્ગ ગાઈને એક સમયે પોતાની છબીને સાચે જ ખલનાયક જેવી બનાવી દીધી હતી, પરંતુ સમયે ચક્કર ચલાવ્યું અને સંજુબાબાને તેમના ચાહકોએ ફરી એક ચાન્સ આપ્યો. આ બધા વચ્ચે બે લગ્ન અનેક અફેર, ડ્રગ્સી, એકે-૫૬ પ્રકરણ જેવી અનેક ઘટના સંજયના જીવનમાં બની ગઈ. સાથે જ ઘણુ બધંુ એવું જે આજે પણ અજાણ્યું છે. આવી જ જાણી-અજાણી વાતો જોવા મળશે ‘સંજુ’ ફિલ્મમાં.

બોલિવૂડમાં બાયોપિકની નવાઈ નથી રહી. કોઈ ને કોઈ સેલિબ્રિટીના જીવન પર ફિલ્મ બનતી જ રહે છે. છતાં સંજય દત્તની ફિલ્મ બધાથી અલગ હશે તેવંુ કહેવામાં અતિશયોક્તિ નથી, કારણ કે સંજુબાબાના જીવનમાં જે ઘટનાઓ બની છે તે કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. રોકી ફિલ્મથી ડેબ્યુ કરનાર સંજય દત્તના જીવનમાં ફિલ્મી ઢબે બનાવો બનતા રહ્યા. કદાચ તે જ કારણોસર સંજુ હંમેશાં ચર્ચામાં રહ્યો છે.

ત્યારે સંજુ ફિલ્મમાં ઘણા એવા પાસા પણ જોવા મળશે જેનાથી તેના ચાહકો અજાણ હશે. ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રાજકુમાર હિરાણી કહે છે કે સંજય દત્તના જીવનને પરદે કંડારવા કોઈ કારણની જરૃર જ નથી. જો આવી ફિલ્મ બનાવવા મળે તો એક સુંદર તક કહેવાય. હકીકતમાં તો રાજુ મુન્નાભાઈ ફિલ્મનો નવો પાર્ટ બનાવવાની વાત લઈને સંજુ પાસે ગયા હતા. ત્યારે તેમને લાગ્યું કે મુન્નાભાઈ જેવી હશે તેવી લોકો જોઈ લેશે, પરંતુ જો સંજુના જીવન પર ફિલ્મ બનાવી વધુ રસપ્રદ રહેશે. રાજુની આ આરજૂ ત્યારે પૂરી થઈ જ્યારે સંજુબાબાએ પોતાની જીવન પર ફિલ્મ બનાવવાની વાતને સ્વીકારી. હવે રાજુ માટે પડકાર હતો સંજુની દરેક બાબતોને દર્શાવવાનો. કારણ કે રાજુના કહેવા પ્રમાણે ‘મારે સંજય સત્ય દર્શાવવો હતો, સારો નહીં. સંજય જેલમાંથી બહાર આવ્યા ત્યારે હું તેમને મળવા ગયો. સંજુ અને મેં સાથે ફિલ્મો કરી છે, પણ મહેશ માંજરેકર કે સંજય ગુપ્તા જેવી ખાસ મિત્રતા અમારી વચ્ચે ક્યારેય નહોતી.

તે છતાં તે સમયે પોતાના જેલના અનુભવો મારી સાથે વાગોળવા લાગ્યા. એકે ૫૬ પ્રકરણ જેના કારણે તેમને સજા થઈ હતી તે વિશે પણ ખૂલીને વાત કરી. સંજુએ જીવનના એવા પ્રકરણની વાત કરી જે કોઈ નહોતું જાણતું.હું આશ્ચર્યચકિત થઈ ગયો કે કોઈનું જીવન આવું પણ હોઈ શકે છે. લેખક અભિજિત જોશી સાથે વાત કરી અને સતત ૨૫ દિવસ સુધી રાતોની રાતો સંજુ પાસે બેસીને તેની વાતો સાંભળતા રહ્યા. બીજા પાસાની માહિતી મેળવવા હું મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી રાકેશ મારિયાને મળ્યો. જે આ વિષય સાથે જોડાયેલા હતા ઉપરાંત સંજુના વકીલ પરિવાર મિત્રો અને અનેક એવી વ્યક્તિઓ જે સંજુ સાથે જોડાયેલી હતી તેમને મળ્યો.’

Related Posts
1 of 258

રાજકુમાર હિરાણીએ ફિલ્મ બનાવતા પહેલાં સંજય દત્ત સામે એક શરત મુકી હતી કે તે એવી ફિલ્મ બનાવશે જે રિયલ છે. સંજય અને અન્ય લોકો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ફિલ્માંકન કરશે. ત્યારે સંજુબાબાએ હસીને કહ્યું હતું તારે યાર જે કરવું હોય તે કર, તને છૂટ છે. બસ, પછી તો રાજુએ કોઈ કચાશ બાકી નથી રાખી ફિલ્મ બનાવવામાં. રાજુ કહે છે કે, ‘ફિલ્મમાં ઘણી એવી વાતો છે જે લોકો પહેલેથી જાણે છે, પરંતુ હું એવી વાતો દર્શાવીશ જે અજાણી છે. જેમ કે સંજય અને તેના પિતા વચ્ચેના સંબંધો. સંજય હંમેશાં કહેતા કે, મારું જીવન તો ખુલ્લી કિતાબ જેવંુ છે. ફિલ્મમાં ઘણી નવી વાતો જાણવા મળશે, ફિલ્માંકન સરલ રીતે કરવામાં આવ્યું છે. જેથી કોઈના દિલને ઠેસ ન પહોંચે. ફિલ્મ બનાવવાનો આશય દર્શકોને રિયલ સંજયની ઓળખ કરાવવાનો છે. પોતાના પિતા સાથે સંજયના રિલેશન તે ફિલ્મનો મહત્ત્વનો ભાગ બની રહેશે.’

સંજયે માત્ર ફિલ્મની સ્ક્રિપ્ટ જ સાંભળી છે અને  ફિલ્મના અમુક ભાગ જ જોયા છે. જ્યારે તેને પૂરી ફિલ્મ જોવાનું કહેવામાં  આવ્યું ત્યારે સંજુબાબાએ માત્ર અંતિમ ભાગ જોવાની જ વાત કરી. સ્ટોરી સાંભળી સંજયે ત્રણ કલાકમાં પોતાનું આખું જીવન જીવી લીધું હોય તેવો અહેસાસ તેને થયો હતો. તેમ કહેતા રાજુ કહે છે, ‘આ પહેલો એવો કલાકાર છે જેણે કોઈ પણ રોકટોક વગર અમારી મરજીથી પોતાના જીવનને રજૂ કરવાની તક આપી છે.’

ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપૂર નિભાવી રહ્યો છે. જ્યારે તેના પિતાના રોલમાં એટલે કે સુનિલ દત્તના રોલમાં પરેશ રાવલ જોવા મળશે. સંજયની માતા મનિષા કોઇરાલા અને પત્ની માન્યતા દીયા મિરઝા છે, ટીનામુનિમના રોલમાં સોનમ કપૂર અને માધુરીના રોલમાં કરિશ્મા તન્ના જોવા મળશે. બાયોગ્રાફરનો રોલ અનુષ્કા શર્મા કરશે. આ ઉપરાંત તબ્બુ, વાકી કૌશલ, બોમન ઇરાની પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. સંજ્ય દત્તના ચાહકોને સંજુબાબાના જીવનના અજાણ્યા પહેલુ જોઈને આંચકો લાગે છે કે પછી કહાની કંઈક નવો જ મોડ લેશે તે જોવું રહ્યું.

————.

Leave A Reply

Your email address will not be published.

Translate »