હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી
ઉનાળો એટલે દાક્તરો માટે મંદીનો ગાળો. અત્યારે ૪૪ ડિગ્રી ગરમીમાં માણસો મરી જાય છે ત્યારે બેક્ટેરિયા જીવતા રહે જ નહીં. ચોમાસું એટલે દાક્તરો માટે હરખનાં આંસુ. લોકો એટલા બીમાર પડે કે સારવાર કરી કરીને દાક્તર માંદા પડી જાય.
હું બજારમાં જતો હતો અને અચાનક મારી નજર ડૉ.દવેના દવાખાના ઉપર પડી. ઉનાળાની બળબળતી બપોરે દવે સાહેબના દવાખાનામાં માણસોની ભીડ જોઈને મને દુઃખદ આશ્ચર્ય થયું. દવાખાનું, કોર્ટ પોલીસ સ્ટેશન વગેરે એવા સ્થાન છે જ્યાં ભીડ વધે તો દુઃખદ આશ્ચર્ય થવું જોઈએ. કારણ ત્રણમાંથી કોઈ પણ સ્થાનમાં ઘરાકી વધે તો માનવું કે સમાજ માંદો પડ્યો છે. આ સમાજમાં ઘણા વ્યવસાય એવા છે જેમાં લોકોનું દુઃખ વધે તો પેલા વેપારીઓનું સુખ વધે છે. આમ સમાજના દુઃખ ઉપર જે લોકોનું સુખ આધારિત છે તેવા લોકોમાં દાક્તર, વકીલ, પોલીસ, ભૂવો, દારૃનો વેપારી વગેરે આવે છે.
ડૉ.દવે સાહેબ ચોમાસામાં પણ ખાસ
પ્રવૃત્તિશીલ હોતા નથી. એમના દવાખાનામાં મે મહિનાની બપોરે ટોળું જોઈને મને ધ્રાસકો પડ્યો. મેં કુતૂહલવશ દવાખાનામાં પ્રવેશ કર્યો. મને જાતતપાસ બાદ જાણવા મળ્યું કે દોઢસો માણસોમાં દર્દી તો દામોદર એક જ છે. અહીં દવે દાક્તર અને દામોદર દર્દી સિવાયના તમામ માણસો તમાશો જોવા આવ્યા છે. હું ઘટના સ્થળ ઉપર હતો અને દામોદરે મારી પાસે વિગતવાર વાત માંડી.
‘જગદીશભાઈ, બે વરસ પહેલાં મને વાઢિયા પડ્યાં.’
‘ક્યાં પડ્યા?’ મેં પૂછ્યુંઃ
‘વાઢિયા ક્યાં પડે? પગમાં પડે. વાઢિયા પેટ ઉપર ન પડે.’ દામોદર ધખ્યો.
‘બે વરસ પહેલાં તારા પગમાં વાઢિયા પડ્યા.’
‘વાઢિયા મારા પગમાં પડ્યા અને હું આવીને આ ડૉક્ટરના પગમાં પડ્યો, મેં કહ્યું કે ભલે ગમે તેટલો ખર્ચ થાય, પણ મને વાઢિયાની પીડામાંથી ઉગારો, પંદર દિવસ પછી મારાં લગ્ન છે. મારા સસરા મારા પગનો અંગૂઠો ધોવા માટે મારા પગ સામે જોશે અને આવડા મોટા વાઢિયા જોઈને એમના દિલમાં વાઢિયા પડશે.’ દામોદરે સ્વપીડા રજૂ કરી.
‘પછી?’ મને રસ પડ્યો જે પારકી પંચાતમાં કાયમ પડે છે.
‘દવે સાહેબે બિલોરી કાચથી મારા વાઢિયા જોયા. મને ઘડીક તો એમ થયંુ કે આ દાક્તર મને તડકામાં લઈ જઈને બિલોરી કાચથી મારા પગ ઉપર ટીલડી ન પાડે તો સારંુ. એનાથી મારા વાઢિયા સાથે મારો પગ પણ સળગી જશે.’ દામોદર શ્વાસ ખાવા ઊભો રહ્યો.
‘દાક્તરે શું કહ્યું?’
‘હું કારતક મહિનાની ઠંડીમાં આવ્યો હતો એટલે મારા વાઢિયા જોઈને મને કહે, શિયાળામાં વાઢિયા ન પડે તો શું વીજળી પડે? લાવ દોઢસો રૃપિયા..’
‘પછી?’
‘મેં ધડ દઈને દોઢસો રૂપિયા ઢીલા કર્યા. મને એમ કે ઉનાળામાં વાઢિયા મટી જશે.’
‘ઉનાળામાં મટી ગયા હશે’ મેં આશાવાદ પ્રગટાવ્યો.
‘ના… ન.. મટ્યા.. હું બે વરસ પહેલાં ઉનાળામાં બીજીવાર આવ્યો.’ દામોદરે કહ્યુંઃ
‘એ વખતે શું કર્યું?’
‘દાક્તરે ફરીથી બાબા આદમ વખતનો પેલો બિલોરી કાચ કાઢ્યો. ફરીથી મારા વાઢિયાને મોટા કરીને જોયા… ઉનાળામાં પાણી વગરની ધરતીમાં તિરાડ પડી જાય અને લાગે એવા મારા વાઢિયા દેખાતા હતા. જાણે ત્રણ ત્રણ વરસનો દુકાળ પડ્યો હોય એવા.’ દામોદરે સરસ ઉપમા આપી હતી.
‘દવે સાહેબે શું કહ્યું?’ મારી ઇંતેજારી વધી.
‘થોડીવાર વાઢિયા જોઈને કહે, આવી ગરમીમાં વાઢિયા ન પડે તો શું વરસાદ પડે?’ લાવો દોઢસો રૂપિયા…’
‘તેં આપી દીધા?’
‘મેેં ધડ દઈને આપી દીધા. મને આશા હતી કે ચોમાસામાં મટી જશે.’
‘મટ્યા?’
‘ના મટ્યા?’
‘ચોમાસામાં પણ એવા ને એવા..’ દામોદર ઉવાચ.
‘પછી… ત્રીજીવાર આવ્યો કે શું?’
‘હા. હું ચોમાસામાં ત્રીજીવાર ડૉક્ટર દવે પાસે દોઢસો રૃપિયામાં દાઢી કરાવવા આવ્યો..’ દામોદરે ગુસ્સો ઠાલવ્યો.. જે સાંભળી ડૉ.દવે વચ્ચે કૂદી પડ્યા જે અત્યાર સુધી સાવ મૌન હતા.
‘એય દામોદર…તું જોઈ વિચારીને બોલજે. તું અહીં દવા કરાવવા આવે છે, દાઢી કરાવવા નહીં.’ ડૉક્ટર દવેએ આંગળી ચીંધીને ગુસ્સો ઠાલવ્યો.
‘તમે દવા કરતા નથી, પણ દાઢી કરો છો, દાઢી પણ કરતા નથી, તમે દરદીનો ટકો કરો છો.’ દામોદર સામો થયો.
‘એય ડફોળ… તું તારી જબાન સંભાળ.. હું ડૉક્ટર છું. હજામ નથી.’
‘તમારા કરતાં તો હજામ સારા, એ જેટલા રૃપિયા લે એનું પૂરેપૂરું વળતર આપે છે. તમે તો વળતર બદલે કળતર આપો છો.’ દામોદરે રોકડું પરખાવ્યું.
‘તમારા કરતાં તો હજામ સારા’ એ વાક્ય સાંભળીને દાક્તર દવેનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો. એમણે દામોદરનો કાંડલો પકડી લીધો. મારી સાથે બીજા લોકો પણ દાક્તર-દર્દીની સંધિ છૂટી પાડવાના સત્કર્મમાં જોડાયા. અમારા પાંચેક લોકોના સંનિષ્ઠ પ્રયાસથી અમે દવે-દામોદરને વિમુક્ત કરવામાં સફળ થયા. બંને અલગ પડીને હાંફવા લાગ્યા. આમ તો અમે પણ હાંફતા જ હતા.
અમારા સૌની સમૂહ હાંફણપ્રવૃત્તિ પુરી થતાં વળી દામોદર બોલ્યોઃ ‘હું વરસતાં વરસાદમાં ત્રીજીવાર આ કસાઈ પાસે આવ્યો.’
‘મોઢું સંભાળજે માદર…’ ડૉક્ટરના મોઢામાંથી ગંદી ગાળ નીકળી ગઈ. મેં દવે સાહેબને શાંત પાડ્યા. થોડું પાણી પાયું.. વળી દામોદર પુરાણ આગળ ચાલ્યંુ.
‘ત્રીજી વખતે પણ એ જ જૂનો બિલોરી કાચ, એ જ આંખ્યું અને એ જ વાઢિયા..’
‘એ વખતે શું કહ્યંુ?’ મેં પૂછ્યું.
‘ચોમાસામાં પાણીમાં ચાલો એટલે વાઢિયા ન પડે તો શું વટ પડે? લાવ દોઢસો રૃપિયા. દામોદર રડવા જેવો થઈ ગયો.’
‘તેં આપી પણ દીધા?’
‘ધડ દઈને આપ્યા… મેં ત્રણ ટુકડે સાડા ચારસો રૂપિયા સળગાવ્યા. ત્રણ એટેક આવે એમ મને વાઢિયાના ત્રણ એટેક આવ્યા.. છતાં હું કંઈ ન બોલ્યો.. મેં દોઢ વરસ સુધી રાહ જોઈ..’
‘દોઢ વરસ સુધી રાહ જોઈ?’ મારું આશ્ચર્ય વધ્યું.
‘હા..મેં સાડા ચારસો રૃપિયા આ દાક્તરને સળગાવ્યા છતાં દોઢ વરસ રાહ જોઈ.’ દામોદર ઉવાચ.
‘તેં દોઢ વરસ સુધી કોની રાહ જોઈ?’
‘પુરુષોત્તમ માસની… અધિક માસની રાહ જોઈ.’ દામોદર બોલ્યો.
‘કેમ?’
‘દાક્તરે શિયાળામાં કહ્યું કે ઠંડીના વાઢિયા છે એટલે મને થયું કે ઉનાળામાં મટી જશે, ઉનાળામાં દાક્તર બોલ્યો કે ગરમીના વાઢિયા છે એટલે મને થયું કે ચોમાસામાં મટી જશે, ચોમાસામાં મને કહે કે વરસાદના વાઢિયા છે એટલે મને છેલ્લી આશા હતી કે હવે પુરુષોત્તમ માસમાં તો મટવા જ જોઈએ. હવે આ પુરુષોત્તમ મહિનો આવ્યો છતાં વાઢિયા મટ્યા નથી. એટલે હું આજે આ દાક્તર પાસે આવ્યો છું. મેં દાક્તરને કહ્યું કે કાં મારા વાઢિયા મટાડો કાં મારા સાડા ચારસો રૃપિયા મને પાછા આપો.’ દામોદરે ખુલાસો કર્યો.
‘જો દામોદર, તારી વાત વિચારવા જેવી તો છે.’ મેં આશ્વાસન આપ્યું.
‘તારી દાક્તર પાસેથી રૃપિયા પાછા લેવાની અપેક્ષા થોડી વધુ પડતી ગણાય.’ બીજા એક ભાઈ મારી માફક જ તમાશો જોવા આવી ચડ્યા હતા. એ બોલ્યા.
‘કેમ?’ દામોદરે આગંતુકને પૂછ્યું
‘મસાણે ગયેલા મડદા પાછા આવે તો દવેના ખિસ્સામાંથી રૂપિયા પાછા આવે.’ પેલા ભાઈએ સ્વાનુભવ ઉપરથી પ્રમાણપત્ર આપ્યું.
હવે મને ડૉ.દવેના દવાખાનાની ભીડનું રહસ્ય સમજાઈ ગયું. દવે અને દામોદર ઝઘડતા હતા અને આ તમાશો જોવા માટે રોડ ઉપરથી એક પછી એક એમ લોકો આવી રહ્યા હતા.
‘આ સમસ્યાનો કોઈ વચગાળાનો માર્ગ નથી?’ મેં ડૉક્ટરને પૂછ્યું.
‘છે. મેં એને કહ્યું કે મેં તને ત્રણ વાર તપાસ્યો છે. ત્રણ વાર મારો બિલોરી કાચ અને મારી આંખો વાપરી છે. ત્રણેય વખત મેં મારા દવાખાનામાં દવાના સેલ્સમેન જે કોમ્પલીમેન્ટરી દવા આપી જાય એમાંથી દવા પણ આપી છે.’ દાક્તરે હકીકત વર્ણવી.
‘દરેક વખતે મને ‘Not for sale’ લખેલી દવા બટકાવી છે.’ દામોદરે રહસ્ય ખોલ્યું.
‘ભલે નોટ ફોર સેલ હતી, પણ દવા તો હતી ને? મેં એને કહ્યું કે અડધા રૃપિયા પાછા આપી દઉં છું, પણ એ પૂરા માગે છે. પૂરા તો હું પૂરો થઈ જાઉં તો પણ આપવાનો નથી.’ દાક્તરે પેટની વાત બહાર પધરાવી.
અમારી આ રકઝક ચાલતી હતી ત્યાં દામોદરના પિતા દયાળજીભાઈ આવી ચડ્યા. એમણે આવીને મને જ પૂછ્યુંઃ ‘શું વાત છે? મને કોઈકે કહ્યું કે તમારા દામોદરને દવાખાને લઈ ગયા છે. દામોદરને એટેક આવ્યો છે કે એક્સિડન્ટ થયો છે?’
‘અરે કાકા, એટેક આવ્યો છે, પરંતુ હૃદયનો નહીં, ક્રોધનો હુમલો આવ્યો છે અને અકસ્માત થયો નથી, પણ વાઢિયા થયા છે.’ મેં ખુલાસો કર્યો.
‘વાઢિયા તો અમારો વંશપરંપરાગત રોગ છે. અમારા ઘરમાં પેઢી દર પેઢીથી ચાલ્યો આવે છે. અમારા વડવા અમને વારસામાં વાઢિયા સિવાય કશું આપીને ગયા નથી. મેં પણ દામોદરને વારસામાં વાઢિયા જ આપ્યા છે.’ દયાળજીએ કહ્યું.
‘દામોદરને વાઢિયા થયા એનું કારણ શિયાળો, ઉનાળો કે ચોમાસું નથી?’
‘ના, આ વંશપરંપરાગત રોગ છે જે શરીરની અંદરની ગરમીથી થાય છે અને મારી પાસે એની દવા પણ છે.’ દયાળજી ઉવાચ.
‘તમારી પાસે ઘરમાં દવા છે તો ડૉક્ટરની મેથી શા માટે મારો છો?’ મેં કહ્યું.
‘ભલે મારે, બધા ઘરગથ્થુ ઉપચાર કરી લે તો અમારું ઘર ક્યાંથી ચાલે?’ દવે દાક્તરે દિલ ખોલ્યું.
‘તમારી વાત પણ વિચારવા જેવી ખરી?’ મેં કહ્યું.
‘ચાલ, દામોદર… તેં મને વાઢિયાની વાત કરી હોત તો હું તને ઘરમાંથી જ દવા આપી દેત…ચાલ.’ દયાળજીએ દામોદરનો હાથ પકડ્યો.
‘ઊભા રહો.. પહેલા દાક્તર પાસેથી સવા બસો રૃપિયા લઈ લેવા દો.’
દવે સાહેબે એરંડિયું પીધું હોય એવું મોઢું કરી દામોદરને સવા બસો રૃપિયા આપ્યા. દામોદર અને દયાળજી જતા રહ્યા પછી અમે સૌ પ્રેક્ષકો પણ રવાના થયા.
———————————–.