તમારા માટે, તમારી સાથે, સતત…

ભારતઃ ક્રિકેટમાં કિંગ, પણ ફૂટબોલમાં?

આગામી ૧૪ જૂન, ૨૦૧૮ના રોજ રશિયા ખાતે ફૂટબોલના મહાકુંભનો આરંભ થઈ રહ્યો છે.

0 324

સ્પોર્ટ્સ – નરેશ મકવાણા

આગામી ૧૪ જૂન, ૨૦૧૮ના રોજ રશિયા ખાતે ફૂટબોલના મહાકુંભનો આરંભ થઈ રહ્યો છે. દુનિયા આખી ફૂટબોલ વિશ્વકપને લઈને ઉત્સાહી છે ત્યારે સરેરાશ ભારતીય ફૂટબોલપ્રેમી આપણી ટીમના ખસ્તાહાલ જોઈને દુઃખી છે. દર વખતે ફૂટબોલ વિશ્વકપનું આગમન થતાં જ તેના મનમાં એ સવાલ જાગે છે કે એવું તે ક્યું કારણ જવાબદાર છે કે સવા અબજની વસ્તીમાંથી આપણને આ રમતના અગિયાર શ્રેષ્ઠ ખેલાડી પણ નથી મળી શકતાં…

ફીફા વર્લ્ડ કપ ૨૦૧૮ બસ હવે શરૃ થવાની તૈયારીમાં છે. ૧૪મી જૂનના રોજ ફૂટબોલનો આ મહાકુંભ રશિયામાં શરૃ થઈ જશે. આ વખતે ટૂર્નામેન્ટમાં ૩૨ ટીમો ભાગ લઈ રહી છે. જેમને અલગ-અલગ ૮ ગ્રુપોમાં વહેંચી દેવામાં આવી છે. કુલ ૬૪ મેચો રમાશે અને દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. અહીં ઉલ્લેખનીય છે કે પહેલો ફૂટબોલ વિશ્વ કપ વર્ષ ૧૯૩૦માં ઉરુગ્વેમાં રમાયો હતો અને હવે રશિયામાં ૨૧મો ફૂટબોલ વિશ્વકપ રમાવા જઈ રહ્યો છે. ઉરુગ્વેની યજમાનીમાં રમાયેલા એ પ્રથમ ફીફા વર્લ્ડ કપમાં યજમાન ટીમે આર્જેન્ટિનાને ૪-૨થી હરાવીને કપ પર કબજો જમાવ્યો હતો. તો છેલ્લે ૨૦૧૪માં બ્રાઝિલમાં રમાયેલા વર્લ્ડ કપમાં જર્મની આર્જેન્ટિનાને ૧-૦થી હરાવી ચેમ્પિયન બન્યું હતું.

આ વખતે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મોસ્કોમાં યોજાવાની છે. આ સિવાય સેન્ટ પિટ્સબર્ગ, સોચ્ચિ, કજાન, સરાંસ્ક, કૈલિનિંગ્રાડ, વૉલ્ગોગ્રેડ, રોસ્તોવ-ઓન-ડોન, નિજ્ની નોવગ્રેડ, યેકાતેરિનબર્ગ અને સમારામાં પણ મેચો યોજાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રશિયા અને સાઉદી અરબ વચ્ચે ૧૪મી જૂનના રોજ ભારતીય સમય પ્રમાણે રાતના ૮ઃ૩૦ વાગ્યે રમાશે. એ સાથે જ ફૂટબોલમાં વિશ્વવિજેતા બનવા માટેની રોમાંચક સફરનો આરંભ થશે. ફૂટબોલ વર્લ્ડકપના વિજેતાઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં વિશ્વ ચેમ્પિયનનો તાજ સૌથી વધુ પાંચ વખત બ્રાઝિલના શિરે ગયો છે. તો વર્તમાન ચેમ્પિયન જર્મનીએ ચાર વખત આ ખિતાબ પોતાને નામે કર્યો છે. આ સિવાય ઇટાલી પણ ચાર વખત આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યું છે.

આટલી ઔપચારિકતા પછી ભારતીય ફૂટબોલ જગતની મૂળ વાત પર આવીએ. ક્રિકેટની સરખામણીએ સ્વાભાવિક રીતે આપણે ત્યાં ફૂટબોલની સ્થિતિ વર્ષોથી કથળેલી રહી છે. ખાસ કરીને સ્થાનિક લેવલે સ્થિતિ વર્ષોથી ખસ્તાહાલ છે. છતાં જોકે આપણે ત્યાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ અને લા લીગા ચેમ્પિયનશિપના પ્રશંસકો મોટી સંખ્યામાં છે, પણ દેશમાં ફૂટબોલની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આ લોકો ગમે તેટલી ઇચ્છા વ્યક્ત કરે તો પણ આગામી પાંચ વર્ષમાં પણ ભારતીય ટીમ ફીફા વર્લ્ડ કપમાં પસંદગી પામે તેવી કોઈ શક્યતા દૂર-દૂર સુધી નજરે ચડતી નથી. હાલ ફૂટબોલમાં ભારત દુનિયાની પ્રથમ સો ટીમોમાં પણ સામેલ થઈ શક્યું નથી. ક્રિકેટ સાથે તો તેની સરખામણી પણ થઈ શકે તેમ નથી. નિષ્ણાતોના મતે આ પરિસ્થિતિ માટે દેશમાં ફૂટબોલની સંસ્કૃતિનો અભાવ કારણભૂત છે. દેશભરમાં ક્રિકેટની રમત ગામ શહેરના સીમાડા તોડીને ગલીએ-ગલીએ પહોંચી ગઈ છે, જ્યારે ફૂટબોલનાં મેદાનો તો મોટાં શહેરોમાં પણ ખાલીખમ જોવા મળે છે. ગ્રામ્ય સ્તરે તો ફૂટબોલનું મેદાન હોય એવું આપણી કલ્પનામાં પણ નથી આવતું. ભારતમાં તેનો વિકાસ ન થવાનું બહુ મોટું કારણ ગામડાંઓમાં તેને લગતી સુવિધાઓનો અભાવ પણ છે. સ્પોટ્ર્સને ચાહતા લોકોમાં પણ ફૂટબોલમાં કંઈક સારું કરવાનો અભાવ સતત જોવા મળે છે.

Related Posts
1 of 319

આજની તારીખે પણ આપણા દેશમાં લોકોને ફૂટબોલની રમતના નિયમો અને ટૅક્નિકની માહિતી નથી. અગાઉ વડાપ્રધાન મોદીએ પણ પોતાના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં ફૂટબોલને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને તેને ગામ-શેરીની રમત બનાવવા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાનની વાત સાચી છે. જો ભારતમાં ફૂટબોલની રમતને ક્રિકેટના સ્તરે પહોંચાડવી હશે તો તેને ગામ-શેરી અને શાળાઓ, સ્કૂલોથી લઈને કૉલેજો સુધી પહોંચાડવી પડશે.

ભારતીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ સ્ટીફન કોન્સટેનટાઇનનું માનવું છે કે, ભારતમાં ફૂટબોલ સંસ્કૃતિના અભાવના કારણે મોટા ભાગના ભારતીય ફૂટબોલરોની રમતના સામાન્ય નિયમો પર પકડ ઢીલી છે. આ વર્ષની શરૃઆતમાં જ બીજી વખત ભારતીય ફૂટબોલ ટીમના કોચ તરીકેનો પદભાર સંભાળનાર કોન્સટેનટાઈનનું કહેવું છે કે, વર્ષો સુધી જમીની સ્તર પર ધ્યાન નહીં આપવાને કારણે ખિલાડીઓ ઘણા સમય બાદ તેના બેઝિક્સ શીખે છે. વૈશ્વિક સ્તરે આપણે જોઈએ તો અત્યાર સુધીમાં આઠ દેશોએ ફીફા વિશ્વ કપ જિત્યો છે અને આપણે તેમની ફૂટબોલ સંસ્કૃતિ જોઈ શકીએ છીએ. આ દેશોમાં બાળકો ચાર કે પાંચ વર્ષની વયથી જ ફૂટબોલના બેઝિક્સ શીખવાનું શરૃ કરી દે છે. આપણે ત્યાં આવું નથી. ભારતમાં ખેલાડી નાની ઉંમરમાં રમતના બેઝિક્સ શીખતાં નથી જેના કારણે મોટા થઈને તેમણે રમતના સામાન્ય પાસાંને લઈને સંઘર્ષ કરવો પડે છે.

ઇન્ડિયન સુપર લીગ (આઈએસએલ) જેવી હાઈ-પ્રોફાઇલ ટૂર્નામેન્ટ દેશમાં ફૂટબોલને લઈને આશાનું કિરણ બનીને આવી છે. જોકે હજુ સુધી તેને આઈપીએલની જેમ ગ્રામ્ય સ્તર સુધી સફળતા મળી નથી. હજુ માત્ર મોટા શહેરોના ગણ્યાગાંઠ્યા લોકોમાં જ ફૂટબોલને લઈને રુચિ વધી છે. આઈસીએલ સામે સૌથી મોટો પડકાર ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતા અને સ્થિતિ બંનેને સારી સ્થિતિમાં જાળવી રાખવાની છે. એક બાજુ તે યુવા ખેલાડીઓ માટે એક શ્રેષ્ઠ મંચ સાબિત થઈ રહી છે તો બીજી તરફ તેના ટીવી પ્રસારણના કારણે અંતરિયાળ વિસ્તારોમાં પણ ફૂટબોલ વિશે જિજ્ઞાસા વધી છે. જોકે હજુ તેણે આ મામલે ઘણુ કરવાનું બાકી છે. ખાસ તો તેને છેક ગ્રામીણ સ્તર સુધી એક સ્પર્ધાના સ્વરૃપે લઈ જવી પડશે. સાથે જ બાળકોમાં તેના પ્રત્યે રુચિ જગાડવી પડશે.

હાલમાં જ અમદાવાદમાં ૫થી ૧૬ વર્ષના બાળકો માટેની પોતાની ફૂટબોલ એકેડમીના ઉદ્ઘાટન પ્રસંગે ભારતના પૂર્વ સ્ટ્રાઇકર ભાઈચુંગ ભુટિયાએ પણ કંઈક આવો જ મત વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ફીફામાં ક્વોલિફાઇ થવા માટે રાત-દિવસ મહેનત કરવી પડે અને ત્યાં સુધી આપણે હજુ પહોંચી શક્યા નથી. આઈસીએલ ટૂર્નામેન્ટના કારણે દેશમાંથી સારા ફૂટબોલરો બહાર આવી રહ્યાં છે છતાં હજુ વધુ મહેનતની જરૃર છે. આપણે ત્યાં સમસ્યા એ છે કે બાળકોને ફૂટબોલની પૂરતી ટ્રેનિંગ મળતી નથી. હું જ્યારે બાર વર્ષનો હતો ત્યારે મારા કોચ મને બાર રાઉન્ડ દોડાવતા. જેના કારણે કેટલાક સાથીમિત્રો ટ્રેનિંગ છોડીને ભાગી જતાં. તેમને ખબર નહોતી કે મેદાન પર એક ફૂટબોલર માટે દોડની પ્રેક્ટિસ કેટલી મહત્ત્વની હોય છે. આ બેઝિક્સ તમે જેટલા પાકા રાખો તેટલી મેદાન પર તમારી રમત વધુ મજબૂત બને. પણ ઘણાને તે ટાઇમપાસ લાગતી હોય છે.

વધુ વિગતો વાંચવા માટે ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો…..

Leave A Reply

Your email address will not be published.

Translate »