લોકસેવાના સરવૈયા પર લોકોની નજર, કર્તવ્ય અને અધિકાર
સરકાર પ્રસિદ્ધિના મોહમાં ખોટા આંકડાઓ આપીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે-કોન્ગ્રેસ
ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ
લોકશાહીમાં લોકસેવાના સરવૈયા પર નજર રાખવી એ લોકોની ફરજ પણ છે અને અધિકાર પણ છે. કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને આ અઠવાડિયે ૪ વર્ષ પૂરા થયા એટલે સરકારે પણ પોતાના તરફથી રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું અને દેશભરમાં તેના પર ચર્ચાઓ પણ થઈ. મને યાદ છે બરાબર ૪ વર્ષ પહેલાંનો એ ૨૬મી મે, ૨૦૧૪નો દિવસ, જ્યારે એક ગુજરાતી એવા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથગ્રહણ કરેલા અને મને પણ એક ગુજરાતી તરીકે તે જાજરમાન સમારોહમાં હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. તે દિવસે દેશના કરોડો લોકોનો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ, દેશમાં સકારાત્મક પરિવર્તનની ઉત્કંઠા અને લોકકલ્યાણની સેવાયાત્રામાં નવી સરકાર પ્રત્યેની આશાનું જે વાતાવરણ હતું, તે આજે પણ નજર સમક્ષ છે અને એટલે આજે હવે શું પરિસ્થિતિ છે તેના પર મૂલ્યાંકન કરવાનું એક નાગરિક તરીકે સહજભાવે મન થાય, તે સ્વાભાવિક છે.
રાજકીય રીતે મૂલ્યાંકન કરવાને બદલે તટસ્થ નાગરિક ભાવે જોઈએ તો વડાપ્રધાનને વારસામાં મળેલું ભારત આઝાદી સમયે જે હતું તેના કરતાં અનેકગણું સમૃદ્ધ, સુખી, સલામત, પ્રગતિશીલ અને સામાજિક સદ્દભાવનામય વાતાવરણ ધરાવતું ભારત હતું. સાંપ્રત સમયની સમસ્યાઓ જરૃર હતી અને સાથે-સાથે તેના ઉકેલની તકો પેદા કરવાના પડકારો પણ હતા. દેશની અંદર કે બહાર એવા કોઈ જોખમ નહોતાં જેમાં ભારતના અસ્તિત્વ પર ખતરો હાવી થયેલો હોય. ૧૨૫ કરોડની વસતિ ધરાવતા લોકજીવનમાં વિવિધ, ધર્મો, સંપ્રદાયો, ભાષાઓ, પ્રદેશો અને પરંપરાઓ હોવા છતાં એક બંધારણ હેઠળ કાયદાના શાસન તળે આપણી લોકશાહી ધબકી રહી હોવાના અનેકવિધ પ્રમાણો મોજૂદ હોવાના કારણે સાથે દેશ અને દુનિયામાં ભારતના ઉદાહરણની ગૌરવભેર નોંધ લેવાતી હતી, જે સદ્દનસીબે આજે પણ લેવાય છે. આના માટે તમામ સરકારો અને તમામ સમાજ અભિનંદનને પાત્ર છે, તેનો અસ્વીકાર થઈ શકે તેમ નથી.
મોદી સરકારના ૪ વર્ષના શાસનની વાત કરીએ ત્યારે આંકડાઓની બાબતમાં સરકાર જે આંકડાઓ રજૂ કરે છે અને વિપક્ષો જે વાસ્તવિકતાની વાત કરે છે તેમાં મતમતાંતરો છે, ત્યારે ગુણાત્મક દ્દષ્ટિએ પણ એક અવલોકન જરૃર થવું જોઈએ. સરકારના આંકડાઓ સૂચવે છે કે છેલ્લાં ૪ વર્ષમાં વિવિધ સ્તરે દેશની પ્રગતિ થઈ છે. ગરીબો તથા સમાજના વંચિત વર્ગો પ્રત્યે સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે. માળખાગત સુવિધાઓનો વિકાસ થયો છે. બેન્કિંગ, વીમા, આરોગ્ય જેવા સેવા ક્ષેત્રોમાં સરકારી નીતિઓના કારણે ગરીબ અને મધ્યમ વર્ગને લાભ થયો છે. યુવાશક્તિ ખીલે તે માટેના અવસરો પેદા કરવામાં આવ્યા છે. મહિલાની સલામતી અને પ્રગતિ માટે અનેક પગલાંઓ લેવાયાં છે. ભ્રષ્ટાચાર પર અંકુશ છે, સરહદો સલામત છે અને વિદેશોમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે અને દુનિયા એક નવા ભારતને નિહાળી રહી છે. સામે પક્ષે વિપક્ષો સરકારના દાવાઓનો ધરાર છેદ ઉડાડે છે. તેમનું કહેવું છે કે આ સરકાર પ્રસિદ્ધિના મોહમાં ખોટા આંકડાઓ આપીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે. પ્રચાર-પ્રસારમાં અબજો રૃપિયા વેડફે છે અને જનકલ્યાણની યોજનાઓ પર યોગ્ય અમલીકરણ કર્યા સિવાય જ કાર્યસિદ્ધિઓના યશોગાન ગાવામાં મશગૂલ રહે છે. ગરીબો, વંચિતો અને દલિતોની હાલત દિવસે-દિવસે ખરાબ થતી જાય છે. યુવાનો બેરોજગાર છે અને ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. મહિલાઓ અસલામત છે અને ખેડૂતો પાયમાલ છે. ધર્મના નામે ખેલાતા રાજકારણને લીધે દેશમાં સામાજિક સૌહાર્દનું વાતાવરણ ડહોળાતું જાય છે. અર્થતંત્રની હાલત દિવસે-દિવસે અત્યંત કફોડી થઈ રહી છે અને કાશ્મીર સરહદે અશાંતિ બેકાબૂ બની રહી છે. તડ-જોડના રાજકારણને લીધે સ્વચ્છ જાહેરજીવન અને બંધારણીય સંસ્થાઓની સ્વતંત્રતા પર પ્રશ્નાર્થો સર્જાયા છે.
આમ સરકાર અને વિપક્ષ બંનેના દાવાઓ વચ્ચે સત્ય શું છે તે શોધવું અઘરું છે, પરંતુ બંને પક્ષે જો અર્ધસત્ય પણ હોય તો તે સ્થિતિને ઉત્સાહવર્ધક ન ગણાવી શકાય. સામાન્ય જનતાનું જીવનધોરણ કઈ દિશામાં છે? તથા તેના રોજિંદા જીવનમાં જરૃરી સુખાકારીથી તે સંતુષ્ટ છે કે નહીં?, તેમાં કેટલો સુધારો, વધારો કે ઘટાડો થયો છે? તેવી બાબતો જ જે-તે સરકારની કામગીરીને સમજવાની વાસ્તવિક પારાશીશી છે. યુવાનો માટે દેશમાં રોજગારીની તકો ન હોય, અમીર વધારે અમીર અને ગરીબ વધારે ગરીબ થતાં જતાં હોય, કૃષિપ્રધાન ભારતમાં ખેડૂત સતત ફરિયાદ કરતો રહેતો હોય, માસૂમ બાળકીઓ પર બળાત્કાર અને હત્યાની ઘટનાઓ છાશવારે ઘટતી હોય, વેપાર-ઉદ્યોગોમાં નિરાશાનું વાતાવરણ સતત વધતું જતું હોય તેવા સંજોગોમાં જાહેરાતોમાં જોવા, જાણવા, સાંભળવા મળતાં ગુણગાનને આમ જનતા કઈ રીતે લેતી હશે તેનું પ્રમાણ આવી વર્ષગાંઠો નિમિત્તે નથી મળતું હોતું. આમ છતાં સરેરાશ વાતાવરણ એટલું બોલકું અને બળૂકું હોય છે, જેનાથી જરૃરી અંદાજ પણ લગાવી શકાય છે.
મોદી સરકારનાં સકારાત્મક પાસાંઓમાં સૌ પ્રથમ તેનું નેતૃત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કર્મઠ વ્યક્તિત્વ, કાર્યક્ષમતા, કાર્યદક્ષતા, કાબેલ વહીવટ, કાર્યસૂઝ અને નવું કરવાની ધગશભરી કાર્યશૈલી વિશેષ નોંધપાત્ર છે. સરકારમાં તેમના સાથીઓને શિસ્તમાં રાખવા, તેમની પાસેથી સમયસર કામ લેવું, કાર્યપદ્ધતિ માટેની તાલીમ આપવી અને ચોક્કસ પ્રકારની વહીવટીતંત્રમાં કાર્યસંસ્કૃતિ વિકસાવવી, તે આપણા ગુજરાતી વડાપ્રધાનની આગવી કુશળતા છે. સનદી અધિકારીઓ પરનો તેમનો અંકુશ પ્રભાવી હોય છે અને મંત્રીમંડળ સાથેનો વ્યવહાર સામાન્ય રીતે ઉષ્માભર્યો તથા વિશ્વાસપાત્ર જોવા મળે છે. સરકાર અને સંગઠન વચ્ચેનું સંતુલન પ્રમાણમાં સંતુલિત જોવા મળે છે. પરિણામે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને વિકાસનો એજન્ડા બનાવીને ચાલતી મોદી સરકારની સ્થિરતાને આંચ આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો નથી અને આ ટર્મનું હજુ એક વર્ષ બાકી છે, ત્યાં સુધીમાં તેને કોઈ આંચ આવવાની શક્યતા જણાતી નથી.
નકારાત્મક પાસાંઓ પર વિચારીએ તો ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારનો એજન્ડા ભલે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ છે, પરંતુ તેમના રાજકીય સાથીઓ, ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાને સમર્પિત કે જેમાંથી ઘણા સરકારમાં છે, સંસદમાં છે અને ઘણા સરકારની બહાર હોવા છતાં સંગઠનમાં હાવી છે, તેઓના સાંસ્કૃતિક સ્તરના એજન્ડા સરકારના વિકાસના એજન્ડા પર હાવી થઈ જાય છે, ત્યારે મુશ્કેલીઓ સર્જાય છે. ભાજપનો એજન્ડા ભલે વિકાસ કહેવાતો હોય, પરંતુ તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સાંસ્કૃતિક એજન્ડા પર અંકુશ રાખી શકે તેમ ન હોવાથી વિકાસનો એજન્ડા ખોરવાય છે. એટલું જ નહીં, ભારતના બિનસાંપ્રદાયિક માળખા પર પણ તે વિપરીત અસર કરે છે, તે ચિંતાજનક છે. વડાપ્રધાનની કસોટી અને કામયાબી તેમના આવા સાથીઓ સાથેનું સંતુલન જાળવવામાં જ છે, જે એટલું સરળ પણ નથી. છેલ્લાં ૪ વર્ષ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોને લઈને તેમજ પરંપરાઓ અને વિચારધારાની બાબતોને લઈને જેટલા પણ વિવાદો થયા છે, તેના મૂળમાં આ જ કારણ જોવા મળ્યું છે.
ભૂતકાળની સરકારોની ભૂલોને સુધારવાને બદલે સત્તાપક્ષ જ્યારે તેનું અનુસરણ કરવામાં લાગી જાય છે, ત્યારે પ્રજા સ્તબ્ધ બની નિરાશ મને તમાશાને પોતાની નજરે જોતી રહી જાય છે. લોકશાહીનાં મૂલ્યોનું ધોવાણ ન થતું રહે, તે માટે સરકારની જાગૃતિ તેની ફરજમાં આવે છે. સંસદ ચાલવાની અને ચલાવવાની બાબતમાં પોતે વિપક્ષમાં હોય ત્યારે શાસકપક્ષની જવાબદારી સમજવી અને શાસનમાં હોય ત્યારે વિપક્ષને જવાબદાર ઠરાવી લોકોની સહાનુભૂતિ મેળવવાની રણનીતિ અખત્યાર કરવી, તે જવાબદારીભર્યું વલણ નથી, તે લોકો જાણે છે. સૈન્યની કામગીરીને રાજકીય રંગ આપવો તે નાગરિક શાસનના લાંબાગાળાના હિતમાં કદાપિ નથી. શાસકો અને તમામ રાજનેતાઓએ પાકિસ્તાનનું ઉદાહરણ ચેતવણી સ્વરૃપે હંમેશાં નજર સમક્ષ રાખવું જોઈએ, જ્યાં હંમેશાં ધર્મના આધારે રાજકારણ ખેલાતું રહે છે અને સૈન્યની ભૂમિકા સરહદોની સલામતી કરતાં લોકો પરના શાસનની વધુ બનતી રહી છે. આના મૂળમાં પાકિસ્તાન જેવા દેશમાં જે પ્રકારનું આંતરિક વાતાવરણ છે, તેવું ભારતમાં કદાપિ ન થાય તે માટે સરકારની જાગૃતિ અને તત્પરતા અત્યંત અનિવાર્ય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા કેટલાક આંતરિક ક્ષુલ્લક રાજકીય વિવાદો ભારતની છબીમાં વગર કારણે દાગ પાડે છે. કેટલીક વાર સત્તાપક્ષના સાથીઓના બેજવાબદાર નિવેદનો કારણભૂત હોય ત્યારે લાગે છે કે વડાપ્રધાન દ્વારા વિદેશોમાં ભારતની પ્રતિષ્ઠા વધારવા માટે જે મહેનત થાય છે, તેના પર સાથીઓનાં બાલિશ નિવેદનો અને અપરિપક્વ પ્રવૃત્તિઓ નુકસાનકર્તા સાબિત થાય છે.
હવે જ્યારે આ ટર્મમાં મોદી સરકારને એક વર્ષ બાકી છે ત્યારે દેશની જનતા એટલી આશા જરૃર રાખે, જેમાં સરકાર પોતાના વિકાસના એજન્ડાને જ સમર્પિત રહે, તે દિશામાં જ સક્રિય રહે અને ગઈ લોકસભાની ચૂંટણી પહેલાં જે વચનો આપેલાં તેમાંથી કમ સે કમ વિકાસ, સુશાસન અને સલામતીના એજન્ડા પર સંનિષ્ઠ રહી પરિણામલક્ષી બનવા પુરુષાર્થ કરે. આજે પણ મોદી સરકાર એટલી અપ્રિય નથી બની કે લોકો તેને ફરી સમર્થન આપવાનો વિચાર જ માંડી વાળે. ચાર વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન અને પાંચમા વર્ષ માટે શુભેચ્છાઓ.
——————————.