તમારા માટે, તમારી સાથે, સતત…

રાજકાજઃ કોપર પ્લાન્ટના પ્રદૂષણમાં રાજનીતિના પ્રદૂષણનું મિશ્રણ

દેવગૌડાના જૂના અનુભવથી કોંગ્રેસમાં દહેશત

0 56

રાજકાજ

કોપર પ્લાન્ટના પ્રદૂષણમાં રાજનીતિના પ્રદૂષણનું મિશ્રણ
તામિલનાડુના તુતીકોરિનમાં આવેલા કોપર પ્લાન્ટના વિસ્તરણ સામે વિરોધ કરી રહેલા આંદોલનકારીઓ પર ગોળીબારની ઘટનાની ન્યાયિક તપાસના આદેશ અપાયા છે, પણ એ લોકોના રોષને શાંત કરવાના ઉદ્દેશથી અપાયા હોય એવું લાગે છે. તપાસ પુરી કરવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરાઈ નથી. ૧૧ લોકોનો ભોગ લેનાર ગોળીબારની આ ઘટના બેકાબૂ બનેલાં હિંસક ટોળાંને નિયંત્રણમાં લેવા માટે અનિવાર્ય બની હોવાનું જણાવાય છે, પરંતુ જે રીતે આ ગોળીબાર થયા અને જે રીતે લોકોને નિશાન સાધીને ગોળીબાર કરાયા એ અનેક પ્રશ્નો સર્જે છે. નવા-સવા રાજકારણી બનેલા કમલ હાસને જાણવા માગ્યું છે કે ગોળીબારનો આદેશ કોણે આપ્યો હતો. તેમની આ માગણી વાજબી છે. એક વાત સ્પષ્ટ છે કે ટોળું જે રીતે હિંસક બન્યું હતું અને આગળ વધી રહ્યું હતું એ જોતાં ટોળાંને તત્કાલ નિયંત્રણમાં લેવું આવશ્યક હતું. ટોળાંએ કેટલાંક વાહનોને આગ ચાંપી હતી, પરંતુ ગોળીબારના સંજોગોમાં પણ ચેતવણી માટે હવામાં ગોળીબાર કરીને પછીથી જાનહાનિ ન થાય એ રીતે ગોળીબારમાં સાવચેતી જરૃરી મનાય છે. આંદોલનકારીઓનો વિરોધ અને માગણી ગમે તેવી વાજબી હોય તો પણ હિંસાખોરીને વાજબી ઠરાવી શકાય નહીં. સ્ટરલાઇટ કંપની દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી કે એ પ્લાન્ટ તો ગત ૨૪ માર્ચથી જ બંધ છે. જો આવી જ સ્થિતિ હોય તો પ્લાન્ટના વિસ્તરણનો વિરોધ કરનાર આંદોલનકારીઓને હિંસા માટે ઉશ્કેરણી કરનાર લોકો સામે પણ પગલાં લેવા જોઈએ. તામિલનાડુના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ કોપર પ્લાન્ટના લાઇસન્સને રિન્યૂ કરવાનો ઇન્કાર કર્યો હોવા છતાં પ્લાન્ટ ચાલુ રખાયો હોવાનો આક્ષેપ છે. કંપની હવે પ્લાન્ટને ચાલુ કરવાની મંજૂરીની રાહ જુએ છે, પણ આ પ્લાન્ટને કારણે ભારે માત્રામાં ફેલાતાં પ્રદૂષણે આસપાસના લોકોના જીવનને દુષ્કર બનાવી દીધું છે. કંપની પ્રદૂષણ નિયંત્રણના ધોરણોનું પાલન કરતી નથી. સંચાલકો ભલે એવો દાવો કરતા હોય કે તે ફેક્ટરીના દરવાજા ખોલીને બધું બતાવવા તૈયાર છે, પરંતુ કંપની પર આરોપ એવો છે કે કોપરનો લાવા નદીમાં ઠાલવવામાં આવે છે. તેને કારણે પ્લાન્ટની આસપાસના પાણીના કૂવા અને બોરનાં પાણી પ્રદૂષિત થાય છે. તે અંગેના રિપોર્ટ જાહેર કરવામાં આવતા નથી. આંદોલનકારીઓ એટલે જ કહે છે કે મામલો કંપનીની અંદરનો નહીં, બહારનો છે. પાણી અને હવાના પ્રદૂષણને કારણે લોકો શ્વસનતંત્ર સહિતના અનેક રોગોના શિકાર બની રહ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની કોઈને છૂટ આપી ન શકાય. વિકાસ માટે ઉદ્યોગો આવશ્યક છે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની ઉપેક્ષા થવી ન જોઈએ. આવું સંતુલન જાળવીને વિકાસ કાર્યોનો અમલ થવો જોઈએ. કમનસીબે ઉદ્યોગકારો આ બાબતે બહુ બેદરકાર જણાયા છે.
——————————.

માયાવતીની સ્પષ્ટતા વિપક્ષી એકતાનો ભ્રમ ભાંગે છે
બેંગલુરુમાં કુમારસ્વામીના શપથવિધિ સમારોહમાં શ્રીમતી સોનિયા ગાંધી અને માયાવતી એકબીજા પર સ્નેહવર્ષા કરતા હોય એવી અદ્ભુત તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું. સોનિયા માયાવતીના મસ્તકને પોતાના ખભા પર રાખીને ખુશખુશાલ જણાય છે તો માયાવતી પણ આ વિરલ ક્ષણને સ્મિત સાથે માણી રહ્યાં હતાં. બધાએ માન્યું કે પરંપરાને તોડીને બંને નેતાઓએ જે પોઝ આપ્યો છે બંને વચ્ચેની ભવિષ્યની નિકટતાના સંકેતરૃપ છે. જોકે આ બાબતમાં માયાવતી વિશે અનુમાન કરવામાં અતિશયોક્તિ થઈ રહી હોવાનું માયાવતીને ઓળખનારા ઘણાને લાગ્યું હતું. પછીના દિવસોમાં એ સત્ય પુરવાર થયું છે. વિપક્ષી એકતા માટે અતિ ઉત્સાહી કોંગ્રેસ એવું ઇચ્છે છે કે માયાવતીનો બહુજન સમાજ પક્ષ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સાથે સમજૂતી કરે. આ બાબતમાં માયાવતીનું વલણ એવું રહ્યું છે કે ચૂંટણી સમજૂતી કરવી હોય તો એકાદ-બે રાજ્યો પૂરતી નહીં, રાષ્ટ્રીય સ્તરની સમજૂતી કરવી જોઈએ. કર્ણાટકમાં વિપક્ષી એકતાના શક્તિ પ્રદર્શન પછી કોંગ્રેસનો મોહભંગ કરતા હોય તેમ માયાવતીએ સ્પષ્ટ કર્યું છે કે બેઠકોની વહેંચણી અને ફાળવણીમાં ન્યાય થશે તો જ તેમનો પક્ષ કોંગ્રેસ કે અન્ય વિપક્ષી ગઠબંધન સાથે જોડાશે. માયાવતી જાણે છે કે કોંગ્રેસની નજર તેમની દલિત મત બેન્ક ઉપર છે. આ મત બેન્કને વિપક્ષી એકતાના નામે કોંગ્રેસના લાભાર્થે છોડવા તેઓ તૈયાર જણાતાં નથી.
——————————.

Related Posts
1 of 129

દેવગૌડાના જૂના અનુભવથી કોંગ્રેસમાં દહેશત
એચ.ડી. કુમારસ્વામી મુખ્યપ્રધાનપદના શપથ લેતા પહેલાં દિલ્હી જઈને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળવા માટે પુષ્પગુચ્છ લઈને પહોંચી ગયા હતા ત્યારે એ જ વખતે તેમના ૮પ વર્ષના પિતા એચ.ડી. દેવગૌડા તેમના બેંગલુરુના નિવાસસ્થાને રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનર સાથે વાતચીત કરતા હોવાની તસવીર પ્રસિદ્ધ થઈ હતી. જનતા (એસ)ના નવા સાથી પક્ષ માટે એ ભારે મૂંઝવણભરી ઘટના હતી. ગઠબંધનના સાથી પક્ષ કોંગ્રેસને એ વાતની દહેશત છે કે એચ.ડી. દેવગૌડા દસ વર્ષ પહેલાંના તેમનાં વ્યવહાર-વર્તનનું પુનરાવર્તન કરશે. દસ વર્ષ પહેલાં કોંગ્રેસના ધરમસિંહ મુખ્યપ્રધાન હતા ત્યારે જનતાદળ (એસ) કોંગ્રેસના સમર્થક પક્ષ તરીકે સરકારમાં સહભાગી હતો. મુખ્યપ્રધાનપદે કોંગ્રેસના ધરમસિંહ હતા, પરંતુ પડદા પાછળ રહીને એચ.ડી. દેવગૌડા સત્તા પર નિયંત્રણના પ્રયાસ કરતા હતા. તેઓ અધિકારીઓને ફાઈલ સાથે પોતાના નિવાસસ્થાને બોલાવતા હતા. કોંગ્રેસના નેતઓને આ જૂનો અનુભવ યાદ આવી રહ્યો છે ત્યારે એચ.ડી. દેવગૌડાની આ નવી તસવીર અંગે જનતા દળ (એસ) દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે એ બંને અધિકારીઓ માત્ર દેવગૌડાની શુભેચ્છા મુલાકાતે ગયા હતા. અલબત, રાજ્યના અધિકારીઓ ખાનગીમાં એકરાર કરતા એવું કહે છે કે, એચ.ડી. દેવગૌડા ફોન કરીને કહે કે તેઓ મળવા તેમને માગે છે તો પ્રોટોકોલ પ્રમાણે તેઓને ભૂતપૂર્વ વડાપ્રધાનને મળવા જવું પડે. એચ.ડી. દેવગૌડા અને કુમારસ્વામીએ સારી-નરસી ભૂમિકા ભજવવાનું શરૃ કરી દીધું છે. કોંગ્રેસે કુમારસ્વામીના જૂના પ્રતિસ્પર્ધીઓ ડી.કે. શિવકુમાર અને એમ.બી. પાટીલને સરકારમાં સામેલ કરવાના મુદ્દે તેમજ બંને પક્ષોના ચૂંટણી ઢંઢેરાના અગ્રતાક્રમો વિશે મતભેદો સર્જાયા હોવાની ચર્ચા છે.
——————————.

મમતા બેનરજી કેજરીવાલના રાજકીય મેન્ટરની ભૂમિકામાં
તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને પોતાના સંરક્ષણમાં લઈ લીધા છે અને તેમણે પોતાની જાતને કેજરીવાલના મેન્ટર તરીકે નિયુક્ત કરી દીધા છે. તેમનો ઉદ્દેશ ર૦૧૯ની ચૂંટણીમાં મોદી-વિરોધી સંયુક્ત વિપક્ષી અભિયાનમાં કેજરીવાલને સામેલ કરવાનો છે. મમતા બેનરજીએ એચ.ડી. કુમારસ્વામી પર દબાણ કર્યું હતું કે તેઓ શપણગ્રહણ સમારોહ માટે અરવિંદ કેજરીવાલને આમંત્રિત કરે.

જોકે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ અન્ય વિપક્ષી નેતાઓ સાથે મંચ શેર ન કરવા માટે ઓળખાય છે. કુમારસ્વામી મૂંઝવણમાં હતા અને તેઓ જાણતા હતા કે કોંગ્રેસને કેજરીવાલ પ્રત્યે એલર્જી છે, પરંતુ મમતાએ કુમારસ્વામી પર દબાણ ચાલુ રાખ્યું એટલે તેઓ ઇન્કાર કરી શક્યા નહીં, પરંતુ શપથગ્રહણ સમારોહમાં કેજરીવાલને ગેરહાજર જોતાં સમારંભમાં મમતા ભડકી ઊઠ્યા હતાં. જોકે કેજરીવાલ બેંગલુુરુ તો પહોંચી ગયા હતા, પરંતુ સમારોહ સ્થળે જતા રસ્તામાં ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. કેજરીવાલે મમતાને વિલંબ માટે ફોનથી જાણ કરી દીધી. એથી મમતા કર્ણાટકના અધિકારીઓ પર ગુસ્સે ભરાયા હતાં કે તેઓએ કેજરીવાલ માટે એસ્કોર્ટ કારની વ્યવસ્થા કેમ ન કરી? મમતા બેનરજી આ બાબતે સમરોહના મંચ પર જ બધા પર વરસી રહ્યાં હતાં. તેમણે આ બાબતે એચ.ડી. દેવગૌડા અને કુમારસ્વામીને પણ ફરિયાદ કરીને કહ્યું કે આ તો દિલ્હીના મુખ્યપ્રધાનનું અપમાન છે. મમતાનો મિજાજ જોઈને બંને પિતા-પુત્ર હાથ જોડીને મમતાને શાંત કરવાના પ્રયાસ કરતા જોવાયા હતા. તમામ પ્રયાસ છતાં કેજરીવાલ વિપક્ષી દિગ્ગજ નેતાઓના ફોટો સેશનમાં પહોંચી શક્યા ન હતા.
——————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »