તમારા માટે, તમારી સાથે, સતત…

બોરસદના વિખ્યાત તળાવની દુર્દશા

આ તળાવ બિનઉપયોગી બની ગયું છે.

0 334

બેદરકારી -હેતલ રાવ

ગુજરાતમાં જ્યારે છપ્પનિયો દુકાળ પડ્યો હતો ત્યારની વિકટ સ્થિતિથી આજે કદાચ કોઈ વાકેફ નહીં હોય. તે સમયે પાણી માટે લોકોએ વલખાં માર્યા હતા, તેવી સ્થિતિ ભવિષ્યમાં જોવા ન મળે તેવા આશયથી ચરોતરના બોરસદમાં તળાવનું નિર્માણ કરાયું હતું. આજે એ તળાવની હાલત એટલી ખરાબ છે કે તે પાણીનો ઉપયોગ માણસ તો ઠીક જાનવર પણ નથી કરી શકતા.

ચરોતર પ્રદેશને સુખી-સંપન્ન માનવામાં આવે છે. ત્યાંના વડીલોએ એવાં આયોજનો કર્યા છે કે આવનારી પેઢીને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે, પરંતુ તેમણે કરેલાં આયોજનોની જાળવણી કરવામાં આવે તો. ૧૯૫૬માં ગુજરાત રાજ્યમાં દુકાળ પડ્યો હતો, જેને છપ્પનિયો દુકાળ કહેવામાં આવે છે. તે સમયે ગુજરાતમાં પાણીની ભયંકર અછત સર્જાઈ હતી. રાજ્યનાં દરેક શહેર, ગામ આ મુશ્કેલી સામે ઝઝૂમી રહ્યાં હતાં. આવો સમય જોવા ન મળે તે માટે ચરોતરમાં બોરસદ તાલુકાના ભોભાફળી વિસ્તારમાં ૯૯ વીઘા જમીનમાં ભોભા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતંુ. આ તળાવ બનાવતાં અંદાજે ત્રણેક વર્ષ જેટલો સમય થયો હતો. બોરસદમાં અન્ય તળાવો પણ છે, પરંતુ ચરોતર પ્રદેશમાં જરૃર પડ્યે પાણીનો ઉપયોગ કરી શકાય તેવા આશયથી આ તળાવ બનાવાયું હતંુ.

Related Posts
1 of 142

આ વિશે વાત કરતા બોરસદના વયોવૃદ્ધ રહીશ ઇસ્માઇલ શેખ કહે છે, ‘એક સમય એવો હતો કે આ તળાવની રોનક હતી. અમે બધા આ તળાવમાં નાહીને મોટા થયા છીએ, પરંતુ હવે તો તળાવ આગળ જવાતું પણ નથી. આ તળાવમાં શહેરની તમામ ગટરોના પાણી છોડવામાં આવે છે. જેના કારણે તળાવમાંથી સતત દુર્ગંધ આવતી રહે છે.’ જેબનબીબી પોતાની જૂની યાદોને તાજી કરતાં કહે છે, ‘આ ગામમાં પરણીને આવી ત્યારે અમે બધી વહુઓ તળાવ પર કપડાં ધોવા જતી હતી. ત્યારે તળાવની રોનક જ અલગ હતી. ઘરના વડીલો પણ તળાવના ઓટલા પર બેસતા, બાળકો રમતાં, તળાવમાં નહાતાં હતાં, પરંતુ હવે આ બધંુ બંધ થઈ ગયું છે. શહેરમાં અન્ય તળાવો છે, પરંતુ આ તળાવ જેવી વાત બીજે ક્યાંય નથી. ચરોતર પ્રદેશનું આ મોટું તળાવ છે. જો એની જાળવણી કરવામાં આવે તો ઘણુ ઉપયોગી બને તેમ છે.’

બોરસદ શહેરની તમામ ગટરોનું ગંદું પાણી વર્ષો પહેલાં તારાપુર રોડ પર આવેલા બાર વીઘા તળાવમાં છોડવામાં આવતું. તે સમયે અમદાવાદના કાંકરિયા તળાવ જેવી ભોભા તળાવની શાન હતી, પણ હવે તળાવમાં ગંદા પાણીની સાથે કચરો પણ ઠાલવવામાં આવે છે. તળાવ ઉપર જંગલી છોડવાની લીલી ચાદર પથરાઈ ગઈ છે. માટે આ તળાવ બિનઉપયોગી બની ગયું છે.

જ્યારે આ વિશે પાલિકાના એન્જિનિયર અતુલ પટેલ કે જેઓ ડ્રેનેજ લાઇનનું કામકાજ સંભાળતા હતા તેમને આ અંગે પૂછતા જવાબ મળ્યો કે, ‘આ વિશે હું કશું જાણતો નથી. બોર્ડ મિટિંગમાં જે નક્કી કરવામાં આવે તે પ્રમાણે કામ થાય છે. તળાવની સફાઈ માટે ગ્રાન્ટ આવે છે કે નહીં તે વિશે પણ મને ખબર નથી.’ વર્ષોથી નગરપાલિકામાં કામ કરનાર અને આ વિષયના તજજ્ઞ એન્જિનિયર જો આવો જવાબ આપે તો તળાવની સફાઈની તો વાત જ શું કરવી. નગરપાલિકાના ચીફ ઓફિસર એમ.પી. બારોટ કહે છે, ‘આ તળાવ સરકાર હસ્તક છે. માટે અમે કશું જ ના કરી શકીએ, મામલતદાર સાથે વાત કરવી પડે.’ એન્જિનિયર બોર્ડ મિટિંગની વાત કરે છે અને ચીફ ઓફિસર સરકારની વાત કરે છે. નગરપાલિકાના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આ તળાવની સફાઈ માટે ગ્રાન્ટ સરકાર તરફથી મળી હતી પરંતુ તેનું શું થયું ખબર નથી. ૬૪ હજારની વસ્તી ધરાવતા બોરસદ ગામના આ તળાવમાં આજે જંગલી વનસ્પતિ જોવા મળે છે. આ માત્ર બોરસદના તળાવની જ વાત નથી. ગામે ગામ એવાં તળાવો – નદીઓ છે જ્યાં ગટરોનાં પાણી કે ફેક્ટરીનું કેમિકલ છોડવામાં આવે છે. જેની સામે ગ્રામજનો કેટલીય લડત ચલાવે છે. ક્યારેક સરકાર સામે તો ક્યારેક પાલિકા કે માથાભારે તત્ત્વો સામે બાથ ભીડે છે, પરંતુ આ સમસ્યાનું સમાધાન નથી થતંુ. પીવાના પાણીની સમસ્યા જટિલ બનતી જાય છે ત્યારે પાણીના સ્ત્રોત એવાં તળાવો ગંદકીથી ખદબદતા હોય છે. સરકારે આ માટે કોઈ ઠોસ પગલાં લેવાની જરૃર છે.
————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »