તમારા માટે, તમારી સાથે, સતત…

અફવા વિશ્વનો સૌથી ઝેરી વાયુ છે

મસ્તિષ્કના મિરર-ન્યુરોન્સ જેનું કામ કોપી-પેસ્ટનું છે તે અફવાના પ્રસાર દરમિયાન સક્રિય હોય છે.

0 71

ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

નહેરુના ક્લોથ્સ વૉશિંગ માટે પેરિસ જતાં ‘તા
‘ને રસ્તામાં બધાંને કેમ છો? પૂછતાં જતાં ‘તા!

બહિરાથ નામનો શબ્દ વાંચવામાં નથી આવ્યો. માહિતી છે. અથ એટલે હવે કે અત્યારે. ઇતિ એટલે એ પહેલાં જે જણાવાયું છે ત્યાં સુધી જે હોય તે મુજબ. આ કે તે ઇતિમાં જે સમાહિત છે તે માહિતી. કોઈ ચીજ કે વિષય પર સૂચના કે પ્રશિક્ષણ દ્વારા મગજમાં આકાર રચવા માટે જે મથે છે તે છે ઇન્ફોર્મેશન. માહિતીનો વિપર્યાય? કુમાહિતી, ગેરમાહિતી કે અમાહિતી? તંદુરસ્તીની વિરુદ્ધ દશા છે રોગમયતા. માહિતીની ખરી દુશ્મન છે ગપ્પાબાજી. ગોસિપ. જ્ઞાન, બુદ્ધિ, સમજ વગેરેને નુકસાન કરી અને તેમની જગ્યાએ જે ચઢી બેસવા માંગે તે માહિતીના ખરા વિપરીત શબ્દો. ફૅક ન્યૂઝ. હોક્સ. ઘૂસપૂસ. જુઠ્ઠાણું. સંસ્કૃતમાં માહિતી માટે વાર્તા શબ્દ છે, પણ આપણે ગુજરાતીમાં જાણીએ છીએ કે વાર્તા કરવી એ માહિતી આપવાની પેલે પારની ઘટના છે. ડિસ્કવરી નહીં, ઇન્વેન્શન. સમૂહ તેમજ વ્યક્તિ માટે માહિતીનું અવ્વલ નંબરનું દુશ્મન છે અફવા. અરબી શબ્દ અફવાહ. મૂળ અર્થ એકથી વધુ મોઢાં. સાદી ગુજરાતીમાં ગામગપાટો. અફવા કોઈ આધુનિક કાળની વિભાવના નથી. કિંવદન્તી, ઉપકર્ણિકા, જનશ્રુતિ, ઉપશ્રુતિ, નિર્વાદ, પ્રવાદ, જનપ્રવાહ, કુશ્રુતિ જેવા જૂના શબ્દ અફવા માટે નોંધાયેલા છે.

અફવા પૂર્વગ્રંથિનો આધાર લે છે. મસ્તિષ્કના મિરર-ન્યુરોન્સ જેનું કામ કોપી-પેસ્ટનું છે તે અફવાના પ્રસાર દરમિયાન સક્રિય હોય છે. ઈર્ષ્યા અને પરપીડનવૃત્તિ ઘણે ભાગે અફવાની આગમાં ઘાસલેટ છાંટે છે. હા, અફવા અપને આપમાં જ હિંસા છે તેવું કહી શકાય. આળસુ કે વિલાસી પ્રકારના વ્યક્તિત્વ કે અંતરાલમાં અફવાને મોજ પડે. અફવામાં કલ્પનાશક્તિનો દુરુપયોગ છે. ટ્રેન્ડ ‘ને ટ્રેડિશન બંનેને ખરાબ રીતે વાપરી શકનાર અફવાની કુકળા ઍડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગના ઘણા તજજ્ઞ સિદ્ધ કરી બેઠા હોય છે. રાજકારણી હોય કે સમાજના ખેલીઓ, અફવા નામનું શસ્ત્ર એમના ભાથામાં સદૈવ રેડી ટુ યુઝ હોય છે. ઘણી વાર સાચી કે ખોટી પણ અગાઉથી લોકોના મગજમાં સંગ્રહાયેલી માહિતીનો થોડો ઘણો ઉપયોગ અફવા કરે છે. તો ઘણી વાર અફવામાં ચાલતી, વહેતી કે ઊડતી વાત અમુક સમય-સંજોગ કે અર્થ મુજબ સાચી હોય છે અને જ્યારે અફવા તરીકે કામમાં લેવાય છે ત્યારે તે થોડી કે પૂરી અસત્ય સ્વરૃપ હોય છે. એકથી વધુ રીતે અધૂરી તેમ જ મર્યાદિત માહિતી પણ આખરે અફવા છે.

લસણથી કૅન્સર થતું અટકે છે કે કૅન્સર મટે છે એવી વાતો સાંભળ્યા પછી ‘ને કોઈને કહેતાં પહેલાં સામાન્ય રીતે બહુમતને ‘વાત ખોટી હોઈ શકે’ એવો કોઈ ખાસ વિચાર નથી આવતો. ગણિતમાં પ્રતીપ વિધાન આવતું. વરસાદ પડે એટલે રોડ ભીનો થાય તેનું પ્રતીપ વિધાન રોડ ભીના છે એટલે વરસાદ પડ્યો છે એવું ખરું કરનારા ખોટા પડતા. પણ, દુનિયા ગણિત નહીં, ગણતરીથી ચાલે છે. અહીં ધુમાડો થયો છે એટલે ચોક્કસ આગ લાગી હશે એ પ્રતિપાદિત સત્ય ગણાય છે. કેલ્ક્યુલેશન એ મેથમેટિક્સનો એક ભાગ માત્ર છે. તે છતાં સામાન્ય જનતા તો ઠીક ઘણી વાર પત્રકાર/લેખક પણ કૂથલી, ચુગલી કે ગપાષ્ટક પર શબ્દનું ઇબાદતખાનું ચણી નાંખતા હોય છે. અમેરિકા હોય કે ભારત, ક્યારેક કાનૂન પણ ખોટી સજા આપી દે છે. સારું છે ફોરેન્સિક સાયન્સ આગળ વધ્યું છે, પણ સામે ઓટલા-પરિષદો ડિજિટાઇઝડ થઈ ગઈ છે. અફવા પ્રકાશ કરતાંય વધુ વેગથી સ્થળાંતર કરે છે. એક વિચાર મનમાં જન્મે એ પહેલાં બહારથી રેડીમેડ તારણ મનાંતર કરીને મગજના સાત/બારમાં એન્ટ્રી પાડી દે છે. ભારતના પોલીસ રેકર્ડ મુજબ એક વ્યક્તિ મૃત્યુ પામે છે, કુટુંબ ‘ને સમાજ એનો અગ્નિદાહ જુએ છે ‘ને ૫ વર્ષ પછી એ બહારગામથી જીવતો પાછો આવે છે. એક માબાપ વર્ષો પોતાની લાપતા દીકરી મરેલી માનવા તૈયારી કરે છે. એક રોજ એમની પૌત્રી ઘરે આવે છે ‘ને એ બા-દાદા બની જાય છે. જાહેરમાં દેખાતું ‘ને  ગુપ્ત રહીને જોતું સત્ય આઉટ ઑફ ધ બ્લુ બદલાઈ જતું હોય છે. શું છે આ સત્ય?

Related Posts
1 of 27

કહે છે જે અફવા નથી એ સત્ય છે. પંચાત-કાવ્ય કે પંચાત-વાર્તા નામનો સાહિત્યમાં કોઈ પ્રકાર નથી. પંચાત-રાગ નથી. પંચાત-શૈલીનાં ચિત્રો નથી, પણ પંચાતનું પોતાનું એવં પોતીકું એક સત્ય હોય છે. ‘ટેલિફોન’ રમતમાં પહેલા કાને જે સાંભળ્યું હોય ત્યાંથી છેક છેલ્લી જીભ જે બોલે તેની વચ્ચે જે પ્રક્રિયા થાય છે તે આધુનિક માનવને પુરાણકથાના મરકટથી અલગ પાડે છે. જસ્ટ ઇમેજિન કોઈ ઉંદર- વૃંદ ધરતીકંપનો ખોટો ઇશારો આપે. એક હાથી ઉનાળામાં બીજા હાથીને પાણીના સ્ત્રોત અંગે મિસગાઇડ કરે. જ્યોર્જ ઓરવેલની જય સાથે વિચારીએ કે કોઈ કૂતરું બનાવટી ગંધ ફેલાવે. શું એવું શક્ય છે? આફ્ટર ઑલ, ઑલ ઇઝ ફોર ઓફ અને બાય હ્યુમન માસ. જો દિખતા હૈં વો બિકતા હૈં બોલવાની મજ્જા પડે છે. હવે હું છૂટક કોલસો શા માટે ઘસું? રખ્યાયુક્ત ડિટર્જન્ટ પ્રોફેશનલી માર્કેટ થાય તો જ જેના પર ચીકાશ ન ચોંટે એવા નોનસ્ટિક વાસણો અણીશુદ્ધ તેમજ પરિશુદ્ધ થાય. આખિરકાર અફવા ઇઝ ઓલ્વેઝ ધ ફ્રેશેસ્ટ ટ્રુથ!

અફવાની સફળતા માટે શું જોઈએ? પહેલું તો બિનકાર્યક્ષમ ચેતાતંત્રયુક્ત ઘરાકો. બીજું, કોઈને કશું નુકસાન થવાનો ચાન્સ. ના, ફાયદાવાળી વાત તો તરત જુઠ્ઠાણા ઉર્ફે ફેંક્મ ફેંકમાં ખપી જાય. કોઈ પાંચ હજાર કમાનારે પાંચ લાખનો પ્રોફિટ કર્યો એવું જો તમને એકલાને ખબર હોય ‘ને બીજા કોઈને કહેતા નહીં કહીને કહેવાનું હોય તો કાચા કાનનો મિત્ર પણ કાબેલ શ્રોતા બની જાય, પણ એણે કોઈનું દસ હજારનું કરી નાખ્યું એવું કહો તો  એ કર્ણવીરને વારંવાર કહેવું ના પડે કે કોઈને કહેતો નહીં! ત્રીજું જેના વિષે અફવા ફેલાવો એ અફવાનો ભોગ બને ત્યાં સુધી ‘ટેલિફોન’ ગેમના મેદાનની બહાર હોવો જોઈએ અથવા એ કોઈની કોઈ રીતે મર્યાદિત હોવો જોઈએ. એનો વર્તમાનકાળ કે ભૂતકાળનો કોઈ ભાગ સામાન્ય માણસ જેવો એટલે કે કોઈની કોઈ ભૂલ ભરેલો હોવો જોઈએ, પણ સૌથી ઇમ્પ. ‘ને ફરજિયાત છે ટીમ-પાવર. અફવાના વાહકોની સંખ્યા નોંધપાત્ર હોવી જોઈએ. અફવાના પ્રોડ્યુસર-ડાયરેક્ટર પાસે ખાસ ‘શક્તિ’ હોવી જોઈએ. ખેર, લિસ્ટ આગળ ચાલી શકે. ક્રમ બદલાઈ શકે ‘ને સિક્સ્થ સેન્સ જેવું કોઈ દસ નંબરી કારણ પણ આવી શકે, પરંતુ અફવાની મજા રિપ્લેસ ના થઈ શકે! હે વત્સ, આ જગતમાં તર્ક ‘ને શ્રદ્ધાના શ્રેષ્ઠ મિશ્રણથી સર્જાયેલી અફવાથી અસરકારક બીજું શું હોઈ શકે? ટોળાટપ્પાંમાં હું અફવા છું ‘ને અફવામાં હું સમાચાર છું!

યસ, રામાયણના ધોબીજીને વિશેષ યાદ કરવા પડે. રાજાને થયું હશે કે આ એક મુખમાંથી જે સળી સરી છે તે બહુમુખી થશે તો રાજ્ય ‘ને રાજવંશ બધું કચરો થઈ જશે. બહુમુખી અર્થાત્ સાવરણી. કાન કુ ચરી જાય ત્યારે જીભ સુ સફાઈ કરે તો પણ ગળા નીચે ઊતરી ગયેલો ચારો સવાલ બનીને ગમે ત્યારે માથું ઊંચકે જ. નરોવા કુંજરોવા નામના વિકૃત સત્ય યાને કે અફવાને કારણે યુધિષ્ઠિર પર કાયમનો કાળો ટીકો લાગ્યો ‘ને દ્રોણાચાર્યએ પ્રાણ ખોયા. અલબત્ત, એ સિવાય પણ ઘણું નુકસાન ગયું જ. સત્ય કે અસત્યને ખોટી રીતે જોવું કે રજૂ કરવું એ પણ અફવાના શિકાર બનવા બરાબર જ છે. અફવા વિશ્વનો સૌથી ઝેરી વાયુ છે. જે જે નથી તેને છે માનવું, જે છે તેને નથી માનવું તે પોતાની જાતે પોતાને કહેલી અને સાંભળેલી અફવા છે. દુર્યોધન જળ ‘ને સ્થળનું ભાન ભૂલે છે અને દ્રૌપદી તેને આંધળો કહે છે વત્તા એ ઘટના ખડખડાટ હસવા જેવી છે તેવું જાહેર કરે છે. અફવા એક જુગાર છે જેમાં અંતે ગમે તેટલી વાર બમણું રમો, પણ મહાભારત જ થાય. સંદેશો આમથી તેમ પહોંચાડવામાં વાર થતી એ જમાનામાં કાનભંભેરણી વડે ચોપાટ રમનારા રમી જતાં. ઇતિહાસમાં પ્રેમ, હત્યા કે સત્તા પલટો માત્ર અફવાના જોર પર થતાં.

‘એ કલરફુલ હિસ્ટ્રી ઓફ પોપ્યુલર ડિલ્યૂઝન્સ’ નામક પુસ્તકમાં લેખક રોબર્ટ ‘ને પીટર અફવાઓને લઈને ઘણી કૌતુકવત ઇન્ફો. આપે છે. તેમણે નોંધ્યું છે કે ‘સમાજવિદ્ શિબુતાની અફવાને ‘તૈયારી વિના તત્ક્ષણ બનાવી કાઢેલા સમાચાર’ ગણે છે, જે માહિતીના સપ્લાય કરતાં ડિમાન્ડ વધુ હોય ત્યારે પ્રસરણ પામે છે. પુસ્તકમાં ઘણાં ઉદાહરણ આપ્યાં છે. ૧૭૫૦માં પેરિસમાંથી બાળકો ગુમ થવા લાગેલાં. માબાપ રાજા સામે રસ્તા પર ઊતરી પડેલા, ત્યારે અફવા ફેલાયેલી કે રાજા લૂઈ ૧૫માને રક્તપિત્ત થયો છે ‘ને એ બાળકો ઉઠાવીને તેમના લોહીથી ન્હાય છે જેથી રોગ મટે. ૧૭૬૧માં લંડન બે ભૂમિકમ્પ ભોગવે છે. એ પછી અફવાએ બજાર ધ્રુજાવ્યું કે ૧૫ એપ્રિલ, ૧૭૬૧ના રોજ એવો મહીકમ્પ આવશે જેમાં સંપૂર્ણ લંડનનો ધ્વંસ થશે અને લંડનકરો શહેર છોડીને નાસે છે. ૧૪મી સદીમાં એવી અફવા તરતી થયેલી કે યહૂદીઓ ખ્રિસ્તી બાળકોને કૂવામાં નાખી દે છે એટલે શેતાન એમને પ્લેગ સામે રક્ષણ આપે છે. અંતે હજારો યહૂદીઓની હત્યા થાય છે. ૧૩૨૧માં એકલા ગિએન્ન, ફ્રાંસમાં અંદાજે ૫૦૦૦ યહૂદીઓને એ અફવાના કારણે જીવતા સળગાવી દેવામાં આવે છે. આપણે ત્યાં કોમી તોફાનો વખતે ‘એ લોકો’ આજે હુમલો કરવાના છે, સાબદા રહેજો કરીને ‘આ બાજુના લોકો’ રાત-દિન ‘સાબદા’ રહે છે તેમ ફ્રાંસની ક્રાંતિ વખતે રાજા તરફી ઉમરાવોએ લૂંટારાની ટોળીઓ બનાવી છે, જે ખેડૂતોને લૂંટશે ‘ને રંજાડશે એવી અફવા ફાટી નીકળેલી અને આમ જનતાએ એ ‘આક્રમણ’ સામે કેટકેટલી પ્રયુક્તિઓ રચીને પરિશ્રમ સાથે પોતાનું રક્ષણ કરેલું! ૧૯૧૪ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અફવાએ હુમલો કર્યો કે જર્મન-અમેરિકન સૈનિકો કેનેડા પર હલ્લો બોલશે. હકીકતમાં એવું કશું નહોતું, પણ કેનેડાની ઊંઘ હરામ થઈ ગયેલી. ‘૩૭માં ઇન્ડોનેશિયામાં એવી અફવા ચણાયેલી કે સરકાર માથા કાપીને નવી બનતી ઇમારતના પાયામાં દાટે છે જેથી ઇમારત મજબૂત બને ‘ને સાબૂત રહે. ‘૯૬માં ઇજિપ્ત ‘ને અમુક બીજા સ્થળે એવી અફવા લોકો ચાવતાં હતાં કે, ઇઝરાયેલ દ્વારા યુવાનોને બરબાદ કરવા એવી સ્પેશિયલ ચ્યુઇંગમ ફરતી કરાઈ છે જે ચાવવાથી યુવાન નશામાં આવીને કામોન્મત્ત થઈ જાય. એપ્રિલ ૨૩, ૨૦૧૩ના રોજ એસોસિએટેડ પ્રેસના હૅક કરેલા એક એકાઉન્ટમાંથી ટ્વિટ થાય છે કે વ્હાઇટ હાઉસમાં કોઈ ધડાકો થયો ‘ને ઓબામા ઘાયલ છે. અંતે એ અફવાના બળે શૅરબજારમાં ટૂંકા સમયમાં ૧૨૦ બિલ્યન ડૉલર્સની ઊંચનીચ થઈ ગઈ.

હવે મુખની જવાબદારી મોબાઇલે ઉપાડી લીધી છે. અમુક બિઅરમાં પેશાબ મિક્સ થાય છે અને ફોટા ફરતા થાય છે. અફવાના જનક સામેની કંપની હોય. અમુક પીણાંમાં ઝેરી રસાયણ છે. અમુક પેટ બોટલ્સ આ રીતે ભયાનક છે. અમુક કેળા ખાવાથી સાર્સ રોગ થાય છે એ અફવાએ ચીનમાં કેળાનો ધંધો ખલાસ કરી નાખેલો, ખેડૂતો દેવાદાર થઈ ગયેલા. ૧૯૩૫માં એવી અફવા ફરતી થયેલી કે એક ગોરાએ એક નિર્દોષ પ્યોર્ટોરિકન બાળકને મારી મારીને મારી નાખ્યો. અંતે રાયોટ્સ. અંતે હજ્જારોથી વધુ મોત ‘ને કરોડો કરોડોનું નુકસાન. આપણે ત્યાં દિલ્હીમાં કોઈ મહાકાય બંદરની અફવા કૂદેલી. વર્ષો પહેલાં અમદાવાદમાં કોઈ માથા વગરની વ્યક્તિ મૂવી જોવા ટોકિઝમાં આવે છે એવી અફવાએ આસન જમાવેલું. તારીખ ‘ને સ્થળ મુજબ અફવાનું વિકીપીડિઆ પેજ બનાવીએ તો હવે એ મેન્ટેન કરવું અઘરું પડે એમ છે. કારણ? વૉટસઍપ ઝિંદાબાદ! શું આપણે સોશિયલ મીડિયાના યુઝર છીએ કે આપણને કોઈ અસત્ય વાપરે છે? શું આપણે કોઈનું સ્પીકર છીએ તે કોઈ આપણા કાનમાં કહે એ ચોમેર રેલાવીએ? યારાઝ, એવા ઓળખીતા, મિત્રો કે સગાનો ભરોસો ના કરવો જે કાનના કાચા હોય. એવા યુઝરને દૂરથી નમસ્કાર કરવા જે વેરિફાઇ કર્યા વગરની વાત લાઇક કરે કે લવ કરે. બે ઘડી હસવા મળે એટલે સાંભળેલી કે બસ એમ જ બોલી કાઢેલી વાત ક્યારે કેવું પરિણામ આપે એનું ગેસ્ટિમેશન કોઈને ના હોય. એવું શું કાયમ ગંભીર રહેવાનું? એવા પ્રમાદ કરનારની તબિયત પૂછવી કે એવું શું થોડી વાર માટે પણ ચક્રમ બનવું? કોઈ પણ એંશી વીસ લાગે એવી વાત અફવામાં રૃપાંતર પામે એ પહેલાં જ ડામો. બોર નથી વેચવાના, પણ ચૂપ મરીને નવ ગુણ લઈને સ્વર્ગ પણ નથી પામવાના. સ્પષ્ટતા મેળવો, માંગો ‘ને કરો. છેવટે રૃમરને આપણે જ હુંકારથી કહેવું પડશે કે તું મર.

બુઝારો
હું અફવાને ચાહું છું! હકીકત ગેરમાર્ગે દોરનારી હોઈ શકે, જ્યારે અફવાઓ સાચી હોય કે ખોટી પણ અનેક દાખલાઓમાં રહસ્ય ભેદન કરનારી હોય છે. -કર્નલ હાન્સ, ઇનગ્લોરિયસ બાસ્ટર્ડસ (૨૦૦૯)નું એક દુષ્ટ પાત્ર.
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »