તમારા માટે, તમારી સાથે, સતત…

માર્ગ બનાવવાનો માર્ગ શોધતા ગ્રામજનો

ચોમાસામાં આવી ઘણી સગર્ભા મહિલાઓ આ રીતે મોતને ભેટે છે.

0 151

સંઘર્ષ – હેતલ રાવ

ગુજરાતમાં એવાં અનેક ગામ છે, જે આજે પણ પ્રગતિને ઝંખે છે. જ્યાં જીવવંુ લોકો માટે દુષ્કર છે. પોતાનું વતન છોડી નથી શકતા અને ગામમાં રહેવું મુશ્કેલ છે. ગુજરાતનું આવું જ એક ગામ છે ભટેરાપુરા. ત્યાંના રહેવાસીઓ તો ત્યાં સુધી કહે છે કે અમારું ગામ ગુજરાતનું સૌથી ગરીબ ગામ છે.

કમલીબહેનને પ્રસૂતિનો દુખાવો ઊપડ્યો અને તે જ સમયે વરસાદ શરૃ થયો. કમલીબહેનના પતિએ તેને લારીમાં બેસાડી. સાથે ગામની અન્ય મહિલાઓ અને પુરુષો પણ હતા. કમલી જ્યાં રહેતી હતી ત્યાં રસ્તાના નામે માટીનો ગારો હતો. આઠ મહિના તો જેમ-તેમ નીકળે, પણ ચોમાસાના ચાર મહિના આ લોકો માટે શ્રાપ સમાન બની જતા અને તેમાં પણ કમલીને પ્રસૂતિનો સમય હતો. વરસાદ બંધ થતો નહોતો. હવે કરવંુ શું? મહિલાઓએ ભેગાં મળીને કમલીને ઘરે જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો, પરંતુ ત્યાં સુધી ઘણુ મોડું થઈ ગયું. કમલી બાળકને જન્મ આપે તે પહેલાં જ તેણે શ્વાસ છોડી દીધા. કમલીનું મૃત્યુ થયું, કારણ કે સમયસર તે હૉસ્પિટલ ન પહોંચી શકી. ચોમાસામાં આવી ઘણી સગર્ભા મહિલાઓ આ રીતે મોતને ભેટે છે. ગુજરાતના સમી- રાધનપુરના હાઈવે પર બાસ્પા ગામનું એક નાનકડંુ ગામ. ભટેરાપુરા જવા આ ગામ સુધી પહોંચવામાં જ ભારે જહેમત ઉઠાવવી પડે છે. સમી- રાધનપુર હાઈવે સુધી તો સરળતાથી પહોંચી જવાય છે, કારણ કે આ રસ્તો સારો છે, પણ બાસ્પાથી અંદર જતા માત્ર ત્રણથી ચાર કિલોમીટરનું અંતર કાપતા એકાદ કલાકથી પણ વધુ સમય થાય છે. ખાડાખૈયા અને માટીના ગારા જેવા એ રસ્તા પર ચાલતા જ પહોંચવું પડે, કારણ કે પૈસા આપવા છતાં કોઈ સાધન ત્યાં સુધી જતંુ નથી. રિક્ષાવાળા ભાઈને બહુ આજીજી કરી પણ તે કહે, બહેન આવું ખરો, પણ બહાર નીકળવાનું મુશ્કેલ થઈ જાય અને મારી રિક્ષા બગડે તે અલગ. હું તો કહું છું તમે પણ ન જશો. આટલે દૂર આવ્યા પછી પરત ફરવંુ મને મંજૂર નહોતું. મેં ચાલવાનું શરૃ કર્યું. ત્યાં તો પાછળથી બાઈક પર એક ભાઈ આવતા દેખાયા. આમ તડકામાં મને એકલી જતાં જોઈ તેમને પણ નવાઈ લાગી. જોકે તેમને વિનંતી કરી તો તેઓ મને ભટેરાપુરા સુધી બેસાડવા તૈયાર થઈ ગયા. બાઈક પર બેઠી તો ખરી, પણ સતત પડવાનો ભય લાગતો. બાઈક વીસની સ્પીડે ચાલતી હતી, છતાં એટલંુ ઊછળતી હતી કે રોજ અહીંથી આવતા-જતા વાહનચાલકોનું શું થતું હશે તેવો વિચાર આવ્યા વિના ન રહ્યો. ગુજરાતના ડિજિટલ ગામડાંઓની સફર કર્યા પછી આવા તૂટેલા રસ્તાવાળા ગામની મુલાકાતે ગુજરાતની એક નવી જ તસવીર જોવા મળી.

ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તે સમયે ૪૦થી ૪૫ ઠાકોર પરિવાર બાસ્પાના ભટેરાપુરા ગામે આવીને વસ્યા હતા. શરૃઆતના સમયે તો આ ગામ રાજ્યના નકશામાં પણ નહોતું, પરંતુ સમય જતા તેને બાસ્પા ગ્રામ પંચાયત સાથે ભેળવવામાં આવ્યું. વર્ષો સુધી બાસ્પા સાથે જોડાયેલા આ ગામમાં સુવિધાના નામે કશું જ નથી. હા, ગામની વસ્તી માંડ બસ્સો જેટલી હશે, પરંતુ વસ્તી ઓછી હોય તો સુવિધા નહીં આપવાની એવી વાત આપણા બંધારણમાં ક્યાંય લખેલી નથી. લોકોએ રહેવા માટે જાતે બનાવેલી કાચી ઝૂંપડીઓ જોઈ જે દરેક ચોમાસામાં ધોવાઈ જતી. પાણીનો જટિલ પ્રશ્ન છે. અગાઉ પીવાના પાણી માટે ગાઉ દૂર ચાલીને જવું પડતંુ હતું. પાલિકાએ પાણીનું ટેન્કર મોકલવાનું શરૃ તો કર્યું, પરંતુ આંતરે દિવસે. પાઇપ- લાઇન પણ નાંખવામાં આવી છે, પરંતુ તે લાઇનમાં આજદિન સુધી પાણી આવ્યું નથી.

આ વિશે વાત કરતા ગામના રહેવાસી ધર્મુભાઈ નિરાશી કહે છે, ‘અમે ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવીએ છીએ. એક- બે નહીં, પણ અનેક મુસીબતોનો સામનો રોજ કરીએ છીએ. પાણીની સમસ્યા હમણાં નથી. બે-ત્રણ દિવસે ટેન્કર આવે છે તો ચલાવી લઈએ છીએ, પરંતુ જેવું ચોમાસું બેસશે કે પાણીના ટેન્કર આવતાં બંધ થશે, કારણ કે રસ્તો હોય તો ટેન્કર આવે ને. હાલમાં જે આ માટીનો રસ્તો છે તેમાં અડધા પગ ખૂંપી જાય તેવી સ્થિતિ સર્જાય છે. ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. ચોમાસાના ચાર મહિના અમારી ઉપર કુદરત કેર વર્તાવતી હોય તેવંુ લાગે છે. બાસ્પા ગામમાંથી અમારું ગામ મહમદપુરા ગામમાં ભેળવવામાં આવ્યું. ત્યાં પણ અમે વર્ષોથી રજૂઆતો કરીએ છીએ કે અમને રસ્તો બનાવી આપો, પણ રસ્તો બનતો જ નથી. ઘણી વાર તો એમ પણ થાય છે કે અમારા વડવા ભાગલા સમયે અહીં આવ્યા જ ના હોત તો સારું થાત.’

અહીંના રહીશ રમીલાબહેન ઠાકોર કહે છે, ‘મારી પુત્રવધૂ સગર્ભા છે અને તેની પ્રસૂતિનો સમય ચોમાસામાં જ આવશે. હવે ક્યાં રહેવા ચાલ્યા જઈએ તે સમજાતું નથી. ઘરે પ્રસૂતિ કરવી હવે શક્ય નથી. કેવી રીતે વહુને હૉસ્પિટલ પહોંચાડીશું. આડા દિવસે તો એમ્બ્યુલન્સ પણ આવે, પરંતુ ચોમાસામાં તો ના બહાર જવાય ના અંદર અવાય તેવી પરિસ્થિતિ થઈ જાય છે. છાપરાનાં મકાનો, પાણીની સમસ્યા, લાઈટો છે, પણ કહેવા પૂરતી. વારંવાર વીજળી ગુલ થઈ જાય છે. છતાં આ પ્રશ્નો સામે વર્ષોથી ઝઝૂમી રહ્યાં છીએ, પરંતુ રસ્તાની સમસ્યાનું સમાધાન કરાવી આપો તો બહુ સારું.’

Related Posts
1 of 66

મને છઠ્ઠો મહિનો જાય છે તેમ કહેતાં અમૂલીબહેન નિરાશી કહે છે, ‘ચોમાસામાં જ ડિલિવરી થશે. હવે ખુશ થવું કે દુઃખી, ખબર નથી પડતી. અમારા ત્યાં પિયરમાં જતાં નથી, માટે અહીં રહીને જ બાળકને જન્મ આપવો પડશે. રોજ પ્રાર્થના કરું છું કે ચોમાસા પહેલાં રસ્તો બની જાય. પીવાના પાણી માટે તો અમે ખોદકામ કરીને પાણીવારો બનાવી પાણી કાઢીએ છીએ. ઘણીવાર એ પાણીથી બાળકો બીમાર પણ પડે છે, પરંતુ શું કરીએ, સમસ્યાનું સમાધાન તો કરવું જ પડે ને. બસ, રસ્તો બની જાય તો રાહત થાય.’

જશવંત ઠાકોર ૨૬ વર્ષનો થવા આવ્યો પણ લગ્ન નથી થતાં. ‘અમારામાં તો નાનપણમાં જ લગ્ન થઈ જાય છે, પણ હવે માતા-પિતા પોતાની દીકરીને આવા ગામમાં મોકલતા પહેલાં વિચારે છે. દીકરીને મળવાનું મન થાય તો કયા રસ્તે જવું. દીકરીને બહાર જવું હોય તો કેવી રીતે જાય. આવા અનેક સવાલોના કારણે કોઈ પોતાની દીકરી મને આપવા તૈયાર નથી. ગામ છોડીને જઈએ તો પણ કયાં જઈએ. ખેતી અહીં છે. માતા-પિતા પરિવાર બધાને લઈને બીજે જવું કેવી રીતે શક્ય બને.’

આ ગામનાં બાળકો બાજુના મહમદપુરા ગામે રોજ પાંચથી છ કિલોમીટર ચાલીને ભણવા જાય છે, પરંતુ ચોમાસામાં તેઓ પણ શાળાએ જઈ શકતાં નથી. જ્યારે ગામની દીકરીઓને બીજા ગામે મોકલતાં વડીલો ખચકાય છે. માટે આ ગામની દીકરીઓ ભણવા નથી જતી. ‘દીકરી પઢાવો’ જેવા સૂત્રોની ગામમાં કોઈને જાણ  નથી.

ભટેરાપુરા ગામ હાલ મહમદપુરા ગ્રામ પંચાયતમાં સમાવવામાં આવ્યું છે. માટે આ ગામના રહીશો પોતાની સમસ્યા લઈને મહમદપુરાના સરપંચ પાસે જાય છે. મહમદપુરાના સરપંચ મેલાભાઈ ઠાકોરે આ વિશે વાત કરતાં જણાવ્યું કે, ‘જો રસ્તો બને તો બધાને લાભ થાય. ભટેરાપુરાથી મહમદપુરા અને આગળ પણ અનેક ગામ છે, જ્યાં રસ્તો નથી. આ માટે અમે રજૂઆતો તો કરીએ છીએ, પણ કોઈ પગલાં ભરાતાં નથી. સરકાર તરફથી ઇ- ગ્રામ યોજના હેઠળ દરેક ગામના રસ્તાને હાઈવે સાથે જોડવાના છે, પરંતુ અમારા ગામોમાં તો રસ્તા જ નથી. બસ, જેમ-તેમ માર્ગ બનાવ્યો છે. આ માટે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.’

સમી તાલુકાના ટીડીઓ આર.જે. ઠાકુર સાથે વાત કરતાં તેમણે જણાવ્યંુ કે, ‘ભટેરાપુરા ગામની તો કોઈ જાણકારી જ નથી કે આવું ગામ છે. તેમને મહમદપુરાની વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હા, મહમદપુરા અમારા તાલુકામાં આવે, પણ ભટેરાપુરાની ખબર નથી. થોડો સમય આપો તો તપાસ કરીને તમને જણાવીશું.’ થોડા સમય પછી ટીડીઓનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે, ‘હા, ભટેરાપુરા મહમદપુરા ગામમાં સમાવેલું છે. ત્યાં કાચો રસ્તો છે જે માટીકામ કરીને બનાવેલો છે. અમારી પાસે તાલુકા કક્ષાએ એવા અધિકાર નથી કે બે- પાંચ કિલોમીટરનો ડામરનો પાકો રસ્તો અમે બનાવી શકીએ, પરંતુ બાંધકામ શાખાને અમારે લેખિતમાં મોકલી આપવંુ પડે. તે માટે મેં તલાટીને જાણ કરી છે. તે ઠરાવ કરીને મોકલી આપશે એટલે હું ભલામણ કરીને લેટર મોકલી આપીશ. અમારા એવા પ્રયત્ન રહેશે કે ચોમાસા પહેલાં રસ્તો બની જાય.’

તાલુકા વિકાસ અધિકારીને તો ભટેરાપુરા ગામની જ જાણકારી ન હતી. તો પછી ત્યાં વસતા ગામવાસીઓની મુશ્કેલીઓની તો વાત જ ક્યાં કરવી. મહમદપુરાની પંચાયતમાં સમાવેશ થતાં દરેક ગામની જવાબદારી સમી તાલુકા વિકાસ અધિકારીની હોય, પરંતુ અધિકારીને એ તો ખબર હોવી જોઈએ કે ભટેરાપુરા ગામ દાયકાઓ પહેલાંનું છે. અધિકારીઓ જ આવા નાનાં ગામોને નજર અંદાજ કરતા હોય ત્યાં વિકાસની વાત શું કરવાની. આવાં ગામડાંઓને  હવે સુવિધાપૂર્ણ બનાવવાનો સમય આવી ગયો છે.
————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »