પ્રદેશ વિશેષ:
ભગવી પ્રતિમાઓ બાદ હવે ભગવી પરબ !
આમ તો સેવાનો કોઈ રંગ કે ધર્મ નથી હોતો. છતાં હવે એમાં પણ જુદા જુદા ભાગલા પડવા માંડ્યાં છે. એક સમયે સાવ અંતરિયાળ ગામના પાદરે પણ પાણીની પરબ કોઈ પણ પ્રકારના ધાર્મિક વાડાઓ વિના જોવા મળતી. તરસ્યો માણસ ત્યાં વિના કોઈ ભેદભાવે તૃષ્ણા છિપાવી શકતો. આજે પણ અનેક મંદિર, મઠ, મસ્જિદ, ગુરુદ્વારાઓની બહાર પાણીની પરબો તેમના ધાર્મિક ચિહ્નો વિના જોવા મળે છે. લોકોને તેમાં ક્યાંય ધાર્મિક પ્રચારની તક નહોતી જોવા મળતી, પણ હવે સમય બદલાયો છે અને તેનું ઉદાહરણ અહીં આપેલી તસવીરમાં જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે વિવિધ ઇમારતોને ભગવા રંગે રંગવાની જાહેરાત કરી હતી. તેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓથી લઈને શૌચાલયો સુદ્ધાંને વણી લેવામાં આવ્યાં હતાં. આખા મામલે વિરોધ થતાં આખરે યુપી સરકારે જાહેરાત પાછી ખેંચી લેવી પડેલી. જોકે આ અટકચાળું હવે અમદાવાદમાં શરૃ થયું હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વસ્ત્રાપુર તળાવ પાસે એકાદ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલી એક પાણીની પરબની બાજુમાં કોઈએ ગેરકાયદે હનુમાન મંદિર બનાવીને તેની પર કબજો જમાવી દીધા બાદ ભગવા રંગે રંગી નાંખ્યું છે. જેના કારણે લોકો હવે આ પુણ્યના કામને પણ શંકાની નજરે જોવા માંડ્યાં છે.
————————-.—.
વેરાન જંગલમાં પક્ષીઓની અનોખી સેવા
લખપત તાલુકાના ધારેશી ગામથી ૬-૭ કિ.મી.ના અંતરે આવેલા વનવગડામાં અલગ-અલગ પક્ષીઓની મોટી વસાહતો છે. સામાન્ય ઋતુમાં અહીં થોડું ઘણુ પાણી મળી રહે છે, પરંતુ ઉનાળાના દિવસોમાં કોઈ ખાડાઓમાં ભરાયેલું કે નાના નાળામાં વહેતું પાણી તદ્દન સુકાઈ જાય છે. આથી પક્ષીઓને પાણી મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે. દસેક વર્ષ પહેલાં આ વિસ્તારમાંથી રોજ રોજ પસાર થતી એસ.ટી. બસના ડ્રાઇવર- કંડક્ટરોનું ધ્યાન આ તકલીફ તરફ દોરાયું અને તરત જ શરૃ થઈ સેવાની સરવાણી. રાજકોટ- નારાયણ સરોવર રૃટની બસમાં ૧૮ વર્ષથી ફરજ બજાવતા કંડક્ટર ઉપેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, ‘ધારેશીથી થોડે દૂર આવેલા વગડા વિસ્તારમાં બાવળની પુષ્કળ ઝાડી છે. તેમાં મોર, પારેવા, ચકલા, કાબર જેવા અનેક પક્ષીઓ રહે છે. અહીં આસપાસના વિસ્તારમાં ઉનાળામાં ક્યાંય પાણી નથી હોતું અને પક્ષીઓને દાણા પણ મળતાં નથી. આથી માંડવી કે ભુજ રૃટની અહીંથી પસાર થનારી એસ.ટી. બસોના કંડક્ટર, ડ્રાઇવરો પોતાની સાથે પાણી ભરેલા કેરબા અને દાણા લઈને આવે છે. બસનું હોર્ન વાગતાં, બસ ઊભી રહેતાં જ રાહ જોઈ રહેલાં પક્ષીઓ ટોળે વળે છે. પાણી અને દાણા આપનારા સાથે ગેલ કરે છે. અમારી બસની જેમ જ પક્ષીઓ મુન્દ્રા- નારાયણ સરોવર કે રાપર- નારાયણ સરોવર બસની પણ રાહ જુએ છે. અમારી આ પ્રવૃત્તિ જોઈને અમુક ખાનગી બસવાળા પણ આ જગ્યાએ કૂૂંડામાં પાણી ભરે છે. અમારી નાનકડી સેવાથી આ અસંખ્ય જીવોનું જીવન બચી જાય છે તેનો અમને ખૂબ સંતોષ થાય છે.’
————————-.—.
આવી દીકરીઓ ક્યારે ભણી શક્શે ?
‘દીકરી પઢાવો અને દીકરી બચાવો’નું અભિયાન સમગ્ર દેશમાં ચાલે છે, પરંતુ દરેક દીકરીના નસીબમાં ભણવાનું લખેલું નથી હોતું. રસ્તા પર વાંસ ઊભા કરી સામસામે દોરડા બાંધીને તેના પર ચાલી અવનવા કરતબ દેખાડતી નાની-નાની દીકરીઓ આપણે અવાર-નવાર જોતાં હોઈએ છીએ. ઘણા લોકો તો તેની સાથે માતા હોય કે પિતા, તેમને સલાહ પણ આપે છે કે અરે, આટલી નાની દીકરીને આમ રસ્તા વચ્ચે નચાવ્યા વિના ભણવા મુકો. જોકે, ઘણીવાર માતાનો જવાબ સાંભળીને તે સજજન નીચી મૂંડી કરીને જતા રહેતા હોય છે. માતા કહેતી હોય છે, ખાવાના પૈસા નથી, ભણાવું કઈ રીતે. હમણાં થોડા દિવસ પહેલાં આબુ જવાનું થયું ત્યારે આવી જ એક દીકરીને દોરડા પર કરતબ બતાવતી જોઈ. તે દીકરી જ્યાં પોતાની કલા બતાવી રહી હતી તેની બિલકુલ પાછળ એક શાળાનું બોર્ડ હતું. જેની પર લખેલું હતું ‘રાજકીય બાલિકા ઉચ્ચ માધ્યામિક વિદ્યાલય, આબુ પર્વત.’ આવું માત્ર આબુમાં જ થાય છે તેવું નથી, આખા દેશમાં એવી ઘણી દીકરીઓ છે જે ભણવા ઇચ્છે છે, પણ ભણી નથી શકતી. મૂંગા મોઢે આવાં કામ કરતી દીકરીઓ અને સરકારી શાળાના આવાં બોર્ડ પર નજર કરીએ તો સમજાય કે સમાજ ક્યાં જઈ રહ્યો છે.
————————-.—.