અપરાધ
ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યાના આરોપીઓ અદાલતમાં ભલે નિર્દોષ છૂટી ગયા હોય, પરંતુ આ હત્યાકાંડના અસલી અપરાધીઓને શોધી કાઢવાની જરૂરત ગુજરાતીઓ સતત અનુભવી રહ્યા છે. ગૃહપ્રધાન તરીકે હરેન પંડ્યાએ લોકોના દિલમાં એવું આદરયુક્ત સ્થાન મેળવ્યું હતું. મુંબઈ અને દુબઈમાં તાજેતરમાં પકડાયેલા ત્રાસવાદીઓને પગલે હરેન પંડ્યા હત્યાકાંડની તપાસ પણ નવેસરથી કરવામાં આવે એવા સંજોગો આકાર લઈ રહ્યા છે. વાત એવી છે કે ગત દિવસોમાં મહારાષ્ટ્રના એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ) દ્વારા મિર્ઝા ફૈઝલ ખાનની મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ફૈઝલ ખાનનો હેન્ડલર આઈએસઆઈનો ખાસમખાસ ગણાતો ફારૃખ દેવડીવાલા હતો. તેને પણ દુબઈમાં ઝડપી લેવામાં આવ્યો હોવાનું જણાવાય છે. વાત તો એવી છે કે ફારૃખની ધરપકડ પછી જ મુંબઈમાંથી ફૈઝલ મિર્ઝાની ધરપકડ થઈ. મિર્ઝા પાકિસ્તાનમાં ફિદાયીન હુમલાની તાલીમ લઈ આવ્યો હોવાનું કહેવાય છે. આ તાલીમ પૂરી કરીને તે ગત ૧૮ એપ્રિલે જ મુંબઈ આવ્યો હતો.
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ખાસ માણસોની યાદીમાં મહત્ત્વનું સ્થાન ધરાવતો ફારૃખ દેવડીવાલા મુંબઈમાં મકાન ધરાવે છે. તેના એ મકાનમાં એક પાકિસ્તાની ઘણા દિવસો રહ્યો હતો. એ જ પાકિસ્તાનીએ પંદર વર્ષ પહેલાં કેટલાક અન્ય સાગરીતો સાથે મળીને હરેન પંડ્યાની હત્યા કરી હતી. એથી એવી શંકા દૃઢ બને છે કે આઈએસઆઈના ઇશારે ફારૂખ દેવડીવાલાએ જ હરેન પંડ્યાની હત્યાને પાકિસ્તાની શખસ દ્વારા અંજામ આપ્યો હોય. આ ફારૂખ દેવડીવાલાનો અત્યાર સુધી તપાસ સંસ્થાઓને કોઈ સુરાગ મળતો ન હતો, પરંતુ દિલ્હી પોલીસે થોડાં પખવાડિયાં પહેલાં કેટલાક ત્રાસવાદીઓને પકડ્યા હતા. તેમની પૂછપરછમાં ફારૂખ દેવડીવાલાનું નામ બહાર આવ્યંુ. એ સાથે જ ઇન્ટરપોલને એલર્ટ કરવામાં આવી. થોડા દિવસો પહેલાં ફારૃખને પકડી લેવામાં આવ્યો એટલે તેણે ફિદાયીન હુમલાની તાલીમ માટે પાકિસ્તાન મોકલવામાં આવેલાં યુવકોનાં નામ આપ્યાં. તેમાં મુંબઈના ફૈઝલ મિર્ઝાનું નામ પણ હતું. મુંબઈ પોલીસે તેને બહેરામબાગ ખાતેના ઘરમાંથી ઝડપી લીધો. માહિતી તો એવી છે કે જો ફારૃખ દેવડીવાલાને દુબઈમાંથી ઝડપી લેવામાં આવ્યો ન હોત અને તેને પગલે પાકિસ્તાનમાં ફિદાયીન તાલીમ પામેલાઓને ઝડપી લેવામાં આવ્યા ન હોત તો કદાચ આ શખસોએ ગુજરાત, મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં ફિદાયીન હુમલાઓને અંજામ આપ્યો હોત. ફારૃખની ધરપકડને કારણે આ કહેવાતા ફિદાયીન યુવકો સુધી શસ્ત્રો પહોંચાડવાનું આઈએસઆઈ માટે શક્ય બન્યું નહીં. પોલીસ તપાસ એવું કહે છે કે ફારૃખ દેવડીવાલા ડી કંપનીનો જૂનો સાગરીત છે. તેને છોટા શકીલની નજીકનો માણસ માનવામાં આવે છે.
હરેન પંડ્યા હત્યાકાંડને સંબંધ છે ત્યાં સુધી ર૦૦૩ની સાલમાં આઈએસઆઈના કહેવાથી ડી કંપનીએ ગુજરાતમાં હરેન પંડ્યાની હત્યાની જવાબદારી તેના કેટલાક સાગરીતોને સોંપી હતી. એ સંબંધમાં એક પાકિસ્તાનીને પણ ભારત મોકલવામાં આવ્યો હતો. છોટા શકીલે આ પાકિસ્તાનીને મુંબઈમાં ફારૃખ દેવડીવાલાને મળવા જણાવ્યું હતું. એ ફારૂખના ઘરે ગયો અને ત્યાં થોડા દિવસ રોકાયો. પછી બંને સુરત આવ્યા. સુરતથી આ પાકિસ્તાની વ્યક્તિ સાથે ફારૂખ અમદાવાદ આવ્યો હતો કે કેમ એ અંગે માહિતીની ચકાસણી થઈ રહી છે. ખાસ સંસ્થાઓની બાતમી અનુસાર જે પાકિસ્તાનીએ હરેન પંડ્યાની હત્યા કરી હતી એ પોતાની સાથે આરડીએક્સ લઈને આવ્યો હતો. હરેન પંડ્યાની હત્યામાં આરડીએક્સનો ઉપયોગ થયો ન હતો. તો પછી તેનો ઉપયોગ બીજા ક્યા વિસ્ફોટોમાં થયો એ અંગે તપાસ સંસ્થાઓએ રહસ્યનો પર્દાફાશ કર્યો નથી. પ્રાપ્ત વિગતો અનુસાર હરેન પંડ્યાની હત્યા પછી ફારૃખ દેવડીવાલા અને તેનો પાકિસ્તાની મિત્ર પશ્ચિમ બંગાળ ગયા હતા. ત્યાં થોડા દિવસો રહ્યા બાદ તેઓ સરહદ પાર કરીને બાંગલાદેશ ચાલ્યા ગયા. ત્યાંથી નેપાળ થઈને તેઓ પાકિસ્તાન પહોંચ્યા હતા. ત્યાં અનેક વર્ષો રહ્યા બાદ આઈએસઆઈએ દેવડીવાલાને દુબઈ અને શારજાહમાં નેટવર્ક જમાવવા કહ્યું હતું. દેવડીવાલાનું નામ બદલીને નવા નામે તેનો પાકિસ્તાની પાસપોર્ટ બનાવાયો અને તેને શારજાહ મોકલી દેવાયો હતો. સીબીઆઈએ ર૦૧૧માં તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ કાઢી હતી, પરંતુ ઇન્ટરપોલને તેનો પત્તો મળ્યો ન હતો. થોડાં પખવાડિયાં પહેલાં દિલ્હી પોલીસે કેટલાક ત્રાસવાદીઓની ધરપકડ કરી ત્યારે દેવડીવાલાના દુબઈના સરનામાની ખબર પડી. દેવડીવાલા પકડાયો અને ભારતમાં ગુજરાત સહિત અનેક સ્થળોએ ફિદાયીન હુમલાનો ખતરો નિવારી શકાયો. હવે હરેન પંડ્યા હત્યાકાંડ અંગે ફારૃખ દેવડીવાલાની પૂછપરછ દરમિયાન જે નવા ખુલાસા થશે તેના આધારે હાઈપ્રોફાઈલ હત્યાકાંડની નવેસરથી તપાસ કરાશે એવી શક્યતા છે.
————————–.