તમારા માટે, તમારી સાથે, સતત…

સાવરકરનો છલોછલ પ્રેમ  દેશ, ભાભી અને સમુદ્ર!

ફિલ્મ 'સાવરકર' માટે અમદાવાદ આવ્યા હતા

0 419

ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ… – વિષ્ણુ પંડ્યા

સુધીર ફડકેને તમે સાંભળ્યા હતા ક્યારેય?

આ ગીતકારનો કંઠ ભાવવાહી સમુદ્ર જેવો હતો; અને તેમાં પણ તેમના પ્રાણપ્રિય વીર સાવરકરનાં રચેલાં ગીતો ગાતા તો વાતાવરણ સા-વ અલગ થઈ જતું. જાણે સાવરકરને જ તમે સાંભળી રહ્યા છો…

મને સુધીર-સ્વરને માણવાની તક મળી હતી. અમદાવાદ તેઓ પોતાના મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘સાવરકર’ માટેની સામગ્રી એકત્રિત કરવા આવ્યા હતા. દેશ-વિદેશે આને માટે ફર્યા. લંડન ગયા, ‘ઇન્ડિયા હાઉસ’નાં દર્શન કર્યાં, શ્યામજી કૃષ્ણવર્માનું નિવાસ-સ્થાન નિહાળ્યું, જ્યાં મદનલાલ ધીંગરાએ કર્ઝન વાયલીને ઉડાવી દીધો તે રોયલ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી. ધીંગરાને જ્યાં ફાંસી મળી તે પેન્ટોનવિલા જેલ સુધી પહોંચ્યા. લંડનનું એ ખ્યાત વિક્ટોરિયા રેલવે સ્ટેશન જોયું, જ્યાં સાવરકર દાદાભાઈ નવરોજીની પૌત્રી કેપ્ટન પેરીન સાથે હતા અને પોલીસે નાશિક ષડ્યંત્ર માટે પકડવાનું વૉરંટ કાઢ્યું હતું, ત્યાં ટ્રેનમાંથી ઉતરતા પકડાયા. ટેમ્સ નદી સુધી દોરાયા જ્યાં સાવરકરે ‘સાગરાસ’ કવિતા રચી અને ગાઈ હતી.

ફડકે એક પછી એક ઘટના અવિરત વાક્-પ્રવાહ સાથે કહી રહ્યા હતા, અચાનક બોલતા થોભી ગયા. મને કહે ઃ સાવરકરનો અગાધ સાગર જેવો પ્રેમ તેમનાં કાવ્યોમાં છલકાયો છે તેની ખબર છે?

સાવરકર અને પ્રેમ?

પોતાના ગૃહસ્થી સંસારને પણ બાજુ પર રાખીને જેણે ચોવીસે કલાક દિવસ-રાત દેશપ્રેમની મશાલ જલતી રાખવામાં શક્તિ ખરચી હતી, તેની પ્રેમ-કહાણી?

ફડકે હસ્યા. અને કહ્યુંઃ ‘હા, તેમનો પ્રથમ પ્રેમ માતૃભૂમિ પ્રત્યે તેમનો સાંસારિક સ્નેહાદર તેમની વત્સલ-પૂજનીય ભાભી સાથે અને તેમનો છલોછલ પ્રેમ સાગર પ્રત્યે!’ પછી તેમણે ગાયું ઃ

‘જિસકો તુમને સુત સા પાલા
મા કા અભાવ ભી ભર ડાલા,

હે ભાભી, વત્સલ, સુમંગલા,
યહ ભાઈ વન્દન કરતા હૈં.’

યહ દેશ હમારા દિવ્ય, ધન્ય,
ઈશ્વર કે હી, હમ અંશ માન્ય,

યા રામ-શક્તિ કા પલ અનન્ય,
માનવી કા રૃપ ઘર આતા હૈ.’

ઉપવનમેં ફૂલ કંઈ ખિલતે,
ખિલકર મિટ્ટી મેં મિલતે.

ઉન કા મહત્ત્વ ક્યા, મૂરઝાતે,
ક્યા કોઈ ગણના કરતા હૈં?

Related Posts
1 of 319

પર જિસકો તોડા ગજેન્દ્રને,

શ્રીહરિપદ પર અર્પણ કરને,

વહ કમલ પુષ્પ પ્રેરણા બને

ચિરકાલ અમરપદ પાતા હંૈ.

ઐસે હી ખિલકર સભી સુમન,
શ્રીરામ-ચરણમેં હો અર્પણ.

કુછ સાર્થક હો યહ નશ્વર તન,
મન યહી કામના કરતા હૈં.

જો સ્વદેશ કો પ્રાણાર્પણ કર,
નિર્વંશ હુઆ, વહ વંશ અમર.

જન સેવા કા સૌરભ સુંદર
વહ દિગ્-દિગંતમેં ભરતા હૈં!

ભાભી યસુ વહિની. મોટાભાઈ બાબારાવ સાવરકરનાં પત્ની. અમદાવાદમાં બોમ્બ-વિસ્ફોટ સહિતની, નાશિક-ષડ્યંત્ર સુધીની જ્વાલાન્વિત કહાણીના નાયક. સરકારે તેમને આજીવન જનમટીપની સજા ફટકારી અને સાવરકર તેમને ક્યાં મળ્યા? આંદામાન જેલમાં સખત મજૂરી કરતા, કેદીનાં કપડાંમાં! થોડીક મિનિટો માટે જ.

એટલે તો લંડનથી સાવરકરે ‘સાંત્વના’ શીર્ષકે આ ગીત (મૂળ મરાઠીમાં રચ્યું; ભાભીને મોકલ્યું. તેના અનુવાદની યે એક કહાણી છે. કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી વસંત સાઠે (જે સાર્વજનિક રીતે હિન્દુ રાષ્ટ્રની તરફેણ કરતા હતા!)નાં બહેન કુસુમ તાંબે. અનુવાદક અને ગાયિકા- બંને. મૂળ મરાઠી કવિતાના તેમણે અનુવાદો કર્યાં અને દિલ્હીમાં ‘સાવરકર ગીત સંધ્યા’ કાર્યક્રમ થયો તેમાં કુસુમ તાંબેએ આ ગીત પ્રસ્તુત કર્યું ત્યારે શ્રોતાઓની આંખમાં આંસુ છલકાતાં હતાં.

સુધીર ફડકે અને લતા મંગેશકરે પણ સાવરકરનાં આ ગીતો (મૂળ મરાઠી અને હિન્દીમાં) ગાયાં છે. સાવરકરના પ્રચંડ અભ્યાસી હરિન્દ્ર શ્રીવાસ્તવ જ્યારે સાવરકર વિશે બોલવા ઊભા થાય ત્યારે સમય થંભી જાય છે. અમદાવાદમાં એક પત્રકાર કર્ણિક હતા તેમણે ગુજરાતીમાં સાવરકર-ચરિત્ર (મૂળજીભાઈ ખુમાણની સાથે) લખ્યું હતું. ગોપાળરાવ વિદ્વાંસે વર્ષો પૂર્વે આર.આર. શેઠ પ્રકાશન તરફથી ‘મારી જન્મટીપ’ અને ‘૧૮પ૭નો પ્રથમ સ્વાતંત્ર્ય સમર’ અનુવાદો આપ્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસનો પ્રારંભ કરનારા મહાનુભાવોમાંના એક પંચમહાલના વામનરાવ મુકાદમ હતા. તેમણે પણ આધારભૂત સાવરકર-ચરિત્ર લખ્યું હતું.

પણ જે કંઠ સુધીર ફડકેનો, એ કાયમ માટે સ્મૃતિપટ પર અંકિત થઈ ગયો છે. દિવસ હતો ૧૯૭૭ના ગ્રીષ્મનો. અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનથી પોસ્ટ ઑફિસ તરફ જતો રસ્તો ‘સલાપોસ માર્ગ’ તરીકે ઓળખાતો. (હવે તેને નવું નામ રેડક્રોસ રોડ આપવામાં આવ્યું છે. મેં અધ્યાપક મિત્ર કુરેશીને સલાપોસનો અર્થ પૂછ્યો તો તેમણે કહ્યું કે અમદાવાદ સુલતાનોના શાસન હેઠળ હતું ત્યારે શાહે-મેદાન ભદ્ર દરવાજાથી ત્રણ દરવાજા સુધી વિસ્તરેલું હતું, ત્યાં ઘોડા પર પોલોની રમત રમાતી. ભદ્રના કિલ્લે મહેલના ઝરૃખેથી, પાન ચાવતી બેગમો તે નિહાળતી. તેમાં એક સુલતાનને તેના જ સગાંવહાલાં દરબારીઓએ કાવતરું કરીને, પોલોની રમતમાં ઘોડા પરથી નીચે પછાડીને કત્લ કરી નાખી હતી. શ્રીરંજની આખી ગલીમાં અશ્વશાળા હતી એટલે તેને માટે ફારસી ‘સલાપોસ’ શબ્દ પ્રયોજાતો હતો.) આ ભીડભાડવાળા રસ્તે પુરાણું મનસુરી બિલ્ડિંગ, તેમાં પારસી, એંગ્લો ઇન્ડિયન, મુસ્લિમ, મોલેસલામ વગેરે રહેતા, એ બિલ્ડિંગના એક ભાગમાં પહેલા માળે ‘સાધના’નું કાર્યાલય હતું, સુધીર ફડકે ત્યાં આવીને આ વાતચીતો કરી રહ્યા હતા. એક અંધારો ઓરડો, બે ટેબલ, એક જરી પુરાણી બેંચ અને બહારની ભીડ દર્શાવતી લોબી. આવા અંધારિયા વૈભવમાં સુધી ફડકેએ પહેલાં પોતાની ભાવિ ફિલ્મ ‘સાવરકર’ વિશે વાત કરી. કેટલાક પ્રશ્નો પૂછ્યા. લેખો વાંચ્યા. પછી સાવરકરના અ-જાણ વ્યક્તિત્વની વાત કરવા માંડ્યા. તેમાં વિષય આવ્યો- સાવરકરના પ્રેમનો.

સુધીરનું હૃદય ખળભળતું હતું, તેમણે આસપાસના માહોલને ભૂલીને સાવરકરના ગીતોને કંઠ આપ્યો. અદ્ભુત દૃશ્ય હતું તે. બંધ આંખો, સ્વરાવલિ, ટેબલ પર હાથથી થાપ.

એમણે બીજા બે-ત્રણ પ્રેમકાવ્યો પણ વહેતાં કર્યાં, તેમાંનું એક બ્રાઇટન સાગર-કિનારે પ્રસ્ફૂટ થયેલું ‘સાગરાસ’ સમુદ્રને પણ હતું.
(ક્રમશઃ)
————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »