તમારા માટે, તમારી સાથે, સતત…

કશિશના એક્શન સામે ઉદયનું રિએક્શન

બંને એક જ બેડરૃમમાં, એક જ બેડમાં સૂતા હતા છતાં અજાણની જેમ...

0 299

નવલકથા-પ્રકરણ – ૦૮ – કામિની સંઘવી

કશિશે કરેલા કેસ અંગે સમન્સ મેળવીને ઉદય ખૂબ ગુસ્સામાં હતો. ઉદયભાઈ મળવા આવ્યા છે એ વાત સાંભળીને કશિશના હૃદયના ધબકારા પણ વધી ગયા. કશિશે કૌશલને ઉદયભાઈ આવ્યા અંગેની માહિતી આપી, પણ કૌશલે તેની વાત સાંભળી-અણસાંભળી કરી દીધી. ઉદય ડાઇનિંગ રૃમમાં ધસી આવ્યો અને કશિશની સામે સમન્સનું પરબીડિયું ફેંક્યું.

કશિશ અને ઉદયભાઈ શાંતિથી વાત કરી શકે તે હેતુથી કૌશલ ડાઇનિંગ રૃમમાંથી ચાલી નીકળ્યો. ઉદયે કશિશ પર ગુસ્સો ઠાલવ્યો, ખૂબ ખરીખોટી સંભળાવી. કશિશને પપ્પાની સંપત્તિમાં રસ હોવાને કારણે તેણે આવો કેસ કર્યો છે એવો આરોપ ઉદયભાઈએ કશિશ પર લગાવ્યો.

કશિશ પોતાના ભાઈનું આ રૃપ જોતી જ રહી ગઈ. તેને ખૂબ ગુસ્સો આવ્યો, પણ કોર્ટમાં જવાબ આપવાનું કહીને તેણે વાત પડતી મૂકી. ઉદય પણ ત્યાંથી ચાલી નીકળ્યો. કશિશના મનમાં અનેક વિચારોનું ઘોડાપૂર ઊમટી આવ્યું. માત્ર સ્ત્રી હોવાને કારણે તેની સાથે અન્યાય થયો હતો.

એક એવી સ્ત્રી જેણે પોતાના પિતા અને ભાઈને અપાર પ્રેમ કર્યો હતો તેમણે કશિશની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ વિચારોને કારણે કશિશનું મન ખિન્ન થઈ ગયું. તે બહાર વરંડામાં હીંચકા પર આવીને બેઠી. કૌશલ પણ હીંચકા પર બેઠો હતો. તેણે કૌશલ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ કૌશલ હીંચકા પરથી ઊઠીને બેડરૃમમાં ચાલ્યો ગયો. આખરે તેણે પોતાનું હૃદય હળવું કરવા ધ્યેયને ફોન લગાવ્યો. ધ્યેય સાથે વાત કરીને કશિશની અકળામણ દૂર થઈ.
હવે આગળ વાંચો…

‘આજે કોર્ટમાં શું થશે? પપ્પા કેવું વર્તન કરશે? કૌશલને કોર્ટમાં આવવા કહું?’

પચીસ તારીખે સવારે કશિશ ઊઠી ત્યારે એના મનમાં અનેક સવાલ હતા. આમ તો ધ્યેયના જુનિયર રાહુલ સાથે બધા મુદ્દાની વિગતવાર ચર્ચા થઈ ચૂકી હતી. છતાં માણસ દરેક સવાલના જવાબ પોતે ઇચ્છતો હોય તેવી આશા રાખતો હોય છે એટલે સવાલના જવાબ ભાવિ પર છોડવા પડતા હોય છે.

આટલા દિવસમાં કૌશલના વર્તનમાં સુધારો નહોતો થયો. બંને એક જ બેડરૃમમાં, એક જ બેડમાં સૂતા હતા છતાં અજાણની જેમ રહેતા. સમય અને સંજોગોએ એકબીજા પર શ્રદ્ધા કરતાં પતિ-પત્નીને એકબીજા પ્રત્યે આશંક બનાવી દીધા હતા.

કશિશને થયું એક વાર છેલ્લો પ્રયત્ન કરી લેવો. આજે કૌશલને પૂછી લેવું. એ કોર્ટ આવે છે કે નહીં? આખરે સાત વર્ષનો સંબંધ છે, આવી રીતે અધવચ્ચે એ વિખરાઈ જાય તેવું તો ન જ થવું જોઈએ. ભલે એ ના પાડે પણ એ બહાને વાતચીત થાય અને જે સંબંધ સ્થગિત થઈ ગયા છે તે થોડા પ્રવાહી બને તો ઘણુ. એ પોતાના રૃમમાંથી બહાર લોબીમાં આવી તો એણે કૌશલને જિમમાંથી નીચે આવતો જોયો, એથી ઊભી રહી.

‘એક મિનિટ તને મોડું ન થતું હોય તો મારે વાત કરવી છે!’ કશિશ બોલી. કૌશલ એની સામે સહેજ તાજુબીથી જોઈ રહ્યો. આજે કેટલા દિવસ પછી બંને વચ્ચે કોઈ વાતચીતની શરૃઆત થઈ હતી તો પોતે પોઝિટિવ રિસ્પોન્સ આપવો જોઈએ તેવું કૌશલ વિચારીને બોલ્યો,

‘હા, બોલ ને!’ કૌશલ બહુ સ્વાભાવિક ટોનમાં બોલ્યો એટલે કશિશને આશા બંધાઈ,

‘આજે કોર્ટમાં પપ્પા અને ભાઈને હાજર રહેવાનું છે. મને તારી જરૃર છે, તું મારી સાથે આવીશ?’ કશિશ એના હાવભાવ ધ્યાનથી જોઈ રહી. કૌશલને એમ હતું કે આટલા દિવસ પછી કશિશ વાત કરે છે તો બંને વચ્ચેની વાત થશે જેથી સંબંધોમાં જે જડતા આવી ગઈ છે તે સંબંધમાં ઉષ્મા આવશે, પણ એના બદલે ફરી કશિશે કોર્ટની વાત ઉચ્ચારી અને કૌશલે પોતાનું મગજ ગુમાવ્યું.

‘તને કોર્ટ સિવાય બીજું કંઈ યાદ છે? તારો વર, તારું ઘર, એ બધું મુકીને પાગલની માફક એક જ વાત પર અટકી ગઈ છે. શું કામ સુખી સંસારમાં આગ લગાવે છે?’

કશિશને આંચકો લાગ્યો. એને એમ હતું કે કૌશલ બહુ બહુ તો ના પાડશે કે પછી બીજી વાત કરશે એના બદલે એને જ આરોપીના પીંજરામાં મૂકી દીધી. આ સાત વર્ષના લગ્નજીવનમાં કદી કૌશલ ગુસ્સે થયો ન હતો અને આવી રીતે તો કદી બોલ્યો જ નહોતો. એક બાબતથી એ આટલો બધો આકરો કેમ બની જાય છે? જ્યારથી એ વિષય બંને વચ્ચે આવ્યો હતો ત્યારથી આજ સુધીનું કૌશલનું નિર્લેપ વલણ એને ખૂંચ્યું જરૃર હતું, પણ આજના એના બોલે એના દિલમાં શારડી ફેરવી દીધી હોય એવી વેદના થઈ. જેના પર વિશ્વાસ કરીને એ આ ઘરમાં આવી હતી એણે જ એના પર આરોપ લગાવ્યો.

Related Posts
1 of 279

‘બધાં મને જ દોષ દે છે, પણ કોઈ મને સમજવાની કોશિશ તો કરતું જ નથી. અન્યાય મને થયો છે અને છતાં હું બીજાને અન્યાય કરતી હોઉ તેવું બધાનું મારા પ્રત્યે વર્તન છે.’ કશિશના મનના વિચારો એના વર્તનમાં વ્યક્ત થયા, આજ સુધી રાખેલા સંયમ અને ધીરજે દગો દઈ દીધો.

‘મને હતું કે તું મને સાથ આપીશ એટલે મેં પૂછયું. મારી ભૂલ થઈ ગઈ કે મેં તને પૂછયું. આજ પછી હું તને આ વિશે કશું કહીશ કે પૂછીશ નહીં અને બાય ધ વે કોઈ પણ રિલેશન તૂટે તે માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી હોતી. જો તારો અને મારો સંસાર સળગી રહ્યો છે તેવું તને લાગતું હોય તો તે માટે હું એકલી રિસ્પોન્સિબલ નથી. તું પણ છે.’ કશિશ રીસમાં બોલી.

કૌશલ જવાબ આપે તે પહેલાં તો દોડીને પોતાના રૃમમાં જતી રહી. રૃમમાં આવીને કશિશ સોફા પર ફસડાઈ પડી. આપોઆપ આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. દિલમાં પારાવાર દુઃખ થતું હતું. આજ સુધી એ કૌશલ સાથે આવી રીતે ગુસ્સામાં આવીને  બોલી ન હતી. કૌશલને આજે એણે હર્ટ કર્યો હતો, પણ કૌશલ પોતાને પણ હર્ટ કરી રહ્યો છે તેનું શું? કોઈ પણ વાતની હદ હોય. કોઈ માણસ કેટલું નીચે નમી શકે? અને પતિ-પત્નીના સંબંધમાં પ્રેમ હોય તો ઇગો ન આવવો જોઈએ, પણ માણસને સેલ્ફ રિસ્પેક્ટ તો હોય ને!

થોડીવાર એ એમ જ બેઠી રહી. ઘડિયાળ સાથે સમય ટીક ટીક કરતો આગળ વધી રહ્યો હતો, પણ કોર્ટ જવાનું મન થતું ન હતું. ત્યાં એને થોડા દિવસ પહેલાં ધ્યેય સાથે થયેલી વાતચીત યાદ આવી. ધ્યેયએ કહ્યું હતું, ‘બહુ સહન કરવાનું આવશે એટલે રડવું નહીં. ન્યાય મેળવવો અઘરો છે.’ કશિશે મન મજબૂત કર્યું. પછી એણે જાતે જ પોતાની આંખનાં આંસુ લૂછ્યાં અને પોતાની જાતને કહ્યું, કૌશલનું સ્ટેન્ડ ગમે તે હશે, પણ પોતે કોર્ટમાં લડશે તે વાત ફાઇનલ છે. બસ, હવે તો સમંદરમાં કૂદી પડી છે તો એ ડૂબાડશે કે તારશે એ તો ડેસ્ટિની કહેશે, પણ પોતે તરવાનો પ્રયત્ન કરવો.

બસ, આ વિચારથી એનું મન શાંત થયું. મનમાં ધીરજ બંધાઈ. એણે જોયું તો દસ વાગવા આવ્યા હતા. કોર્ટમાં સાડા દશ વાગે પહોંચી જવાનું રાહુલે કહ્યું છે અને હજુ તો પોતે ન્હાઈ પણ નથી. એટલે એ ફટાફટ તૈયાર થઈ. ઘરેથી નીકળતાં પહેલાં બે-ચાર દિવસ પહેલાં ક્વોરા પર એણે આ પ્રશ્ન પૂછ્યો હતો તેના જવાબમાં નોટિફિકેશન્સ હતાં. એણે ઉત્સુકતાથી ક્વોરામાં જવાબ વાંચ્યા. એક પણ પોઝિટિવ રિસ્પોન્સ ન હતો. એને નિરાશા થઈ આવી. બધા જવાબ એવા હતા કે આવા કેસમાં કશું થઈ ન શકે. હવે શું થશે? કોર્ટમાં એ હારી જશે? એવું પણ બની શકે કે પોતે ક્વેશ્ચનમાં પોતાની વાત બરાબર સમજાવી ન શકી હોય. બસ આ વિચાર સાથે એણે કોર્ટ તરફ ગાડી મારી મૂકી.

એ ધ્યેયની ઑફિસમાં દાખલ થઈ તો રાહુલ ફાઇલ સાથે તૈયાર હતો.

‘ધ્યેય ક્યાં છે?’ કશિશે સૌથી પહેલાં ધ્યેય વિશે પૂછ્યું.

‘એ નીકળી ગયા. એમણે તમને કહ્યું હતુંને આજે એમને સેશન્સ કોર્ટમાં કામ છે.’ કશિશને થયું કે કાશ એ થોડી વહેલી આવી હોત તો મળી શકતે.

‘મેમ રેડી છો ને? કોઈ ક્વેરી છે?’ રાહુલે પૂછ્યું.

‘ના.’ કશિશે કહ્યું એટલે બંને કોર્ટ તરફ ચાલ્યાં. કોર્ટમાં એન્ટર થયાં કે કશિશની નજર ઉદયભાઈ અને પપ્પા પર પડી. એમણે પણ કશિશ સામે જોયું. ઉદયભાઈ જાણે એને ઓળખતા જ ન હોય તેમ તરત નજર ફેરવી લીધી, પણ મહેન્દ્રભાઈ કશિશ તરફ જોઈ રહ્યા હતા. કશિશે એમની સાથે નજર મેળવી. એણે માપવાની કોશિશ કરી કે એ નજરમાં શું છે? રોષ, ગુસ્સો, અપમાન કે પછી માફી? કશિશ પપ્પા સામે જોતી રહી અને તે પણ એની સામે જોતા રહ્યા. આપોઆપ કશિશના પગ એમના તરફ વળ્યા, એમની નજીક આવી પગે લાગીને બોલી,

‘જય શ્રી કૃષ્ણ પપ્પા!’ મહેન્દ્રભાઈએ એના માથા પર હાથ મુક્યો,

‘જય શ્રી કૃષ્ણ બેટા!’ કશિશ એ સાંભળીને લાગણીશીલ થઈ ગઈ. આટલા દિવસ એણે એ જ વિચાર્યું હતું કે પપ્પાનું રિએક્શન કેવું હશે? ઉદયભાઈ જેવું? પણ મહેન્દ્રભાઈએ જે રીતે વર્તન કર્યું, કશિશના દિલમાં નિરાંત થઈ. ત્યાં કાને અવાજ સંભળાયો,

‘નાટક પતી ગયું? કે હજુ બાકી છે? બહુ બાપની પડી હોત તો આવું પગલું લીધું ના હોત! એક નંબરની જૂઠાડી!’ ઉદયભાઈ એની તરફ જોતાં ખીજથી બોલ્યા,……
———-.

અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફર – કામિની સંઘવીની કલમે લખાયેલી ‘રાઇટ એન્ગલ’ નિયમિત વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

 

 

Leave A Reply

Your email address will not be published.

Translate »