તમારા માટે, તમારી સાથે, સતત…

નારાજ કૌશલને મનાવવાના કશિશના પ્રયાસ પર પાણી ફરી વળ્યું

કશિશ એને જતા જોઈ રહી. એના દિલમાં તો જાણે ચીરો પડી ગયો.

0 305

નવલકથા ‘રાઇટ એન્ગલ’ પ્રકરણ – ૦૭
લે.- કામિની સંઘવી

નારાજ કૌશલને મનાવવાના કશિશના પ્રયાસ પર પાણી ફરી વળ્યું

કશિશ પોતાના નારાજ થઈ ગયેલા પતિ કૌશલને મનાવવાના આઇડિયા શોધવા લાગી. કશિશને લાગતું હતું કે કૌશલ બહુ લાંબો સમય સુધી તેનાથી નારાજ નહીં રહે. તે ઇચ્છતી હતી કે કૌશલ ભલે લડાઈમાં બીજી કોઈ રીતે સાથ આપે કે ન આપે, પણ મેન્ટલ સપોર્ટ કરે. કશિશને તેના અને કૌશલનાં લગ્ન પહેલાંના અને પછીના દિવસો યાદ આવી ગયા. કશિશ સાથેની સગાઈ પહેલાં જ કૌશલને ખ્યાલ આવી ગયો હતો કે કશિશ તેની સાથે લગ્ન કરવા નથી માગતી. કૌશલે આ અંગે કશિશ સાથે વાત કરી હતી. જોકે, એ સમયે કશિશે કૌશલની ઊંચાઈનું બહાનું આપીને વાત ટાળી દીધી હતી. કૌશલે કશિશને વાયદો કર્યો હતો કે જ્યાં સુધી કશિશ સામે ચાલીને તેના પ્રેમનો એકરાર ન કરે કે તેની પત્ની તરીકેનો દરજ્જો ન સ્વીકારે ત્યાં સુધી તે કશિશ સાથે પતિ તરીકેનો કોઈ વ્યવહાર નહીં કરે. પરિણામ એ આવ્યું કે કશિશને કૌશલ સાથે પ્રેમ થઈ ગયો અને બંને જણા આત્માથી એકબીજા સાથે જોડાઈ ગયાં. કશિશ ભૂતકાળને વાગોળતી હતી ત્યાં જ વર્તમાન તેની નજર સામે તરવરવા લાગ્યો. વળી પાછું તેનું મન કૌશલને મનાવવાની તરકીબો અંગે વિચારવા લાગ્યું. કશિશને યાદ આવ્યું કે કૌશલને રસગુલ્લાં બહુ ભાવે છે. તેણે બજારમાંથી પનીર લીધું અને પોતાના હાથે કૌશલ માટે રસગુલ્લાં બનાવ્યાં. કૌશલનો મૂડ જોઈને કશિશે કેસની ચર્ચા છેડી, પણ કૌશલ કોઈ પણ પ્રકારનો રસ દાખવ્યા વિના ડાઇનિંગ ટેબલ પરથી જતો રહ્યો. ઘરનું વાતાવરણ સાહજિક ન રહેતું બોઝિલ બની ગયું. કૌશલના વર્તન અને વ્યવહારમાં આવેલા ફેરફારને કારણે કશિશ આકુળવ્યાકુળ થઈ ગઈ હતી. એક દિવસ કશિશ અને કૌશલ જમવા બેઠાં હતાં, એ જ સમયે વૉચમેને માહિતી આપી કે ઉદયભાઈ કશિશને મળવા આવ્યા છે. આ સાંભળીને કશિશના હૃદયના ધબકારા વધી ગયા……
હવે આગળ વાંચો…

‘ઉદયભાઈ આવ્યો છે!’ કૌશલે કદાચ સાંભળ્યું નથી તેમ માનીને કશિશે ફરી કહ્યું.

કૌશલ એકાદ પળ એને જોઈ રહ્યો. પછી જાણે કશું સાંભળ્યું જ ન હોય એમ ચુપચાપ જમવા લાગ્યો. કૌશલની આ અવગણનાથી કશિશને બહુ ગુસ્સો આવ્યો, પણ એ ગમ ખાઈ ગઈ. ત્યાં ઉદયભાઈ ડાઇનિંગ રૃમમાં આવ્યા અને કશિશ તરફ જોરથી એમણે એક ઇન્વેલપનો ઘા કર્યો,

‘શું છે આ બધું?’

કશિશ એમની સામે જોઈ રહી. છ ફૂટ ઊંચાઈ, કસાયેલું બદન અને ગૌરવર્ણ પર ચમકતી ભાવવાહી આંખો. એક હાથમાં સોનાનું કડું, બીજા હાથમાં બ્રાન્ડેડ રિસ્ટવૉચ અને ગળામાં રુદ્રાક્ષના પારાવાળી ચેઇનમાં શ્રીનાથજી ભગવાનની ડાયમન્ડમાં મઢેલી છબી. બંને હાથમાં રુબી અને સેફાયર મઢેલી વીંટીઓ. લેટેસ્ટ ડિઝાઇનના બ્રાન્ડેડ પેન્ટ-શર્ટ. કશિશ પોતાની જગ્યા પર શાંતિથી બેસી રહી, પછી એકદમ શાંતિથી બોલી,

‘ભાઈ તું, શાંતિથી બેસ. બે મિનિટ, અમે જમી લઈએ પછી વાત કરીએ.’ ઉદયભાઈ કરતાં કશિશ પાંચ વર્ષ નાની છે, પણ પહેલેથી તું કહેવાની જ ટેવ પડી છે. આજે પણ કશિશે પહેલાંની જેમ તું જ કહ્યું.

જંગલમાં છૂટથી વિહરવા ટેવાયેલો સિંહ પાંજરામાં પૂરાયો હોય તેવી અકળામણ અને રોષ ઉદયભાઈના ચહેરા પર હતા. બંને જમી લે તેટલીવાર રાહ જોવી એમના માટે અઘરી હોય તેમ એ ચૅર પર માંડ-માંડ પોતાની જાત પર કન્ટ્રોલ કરીને બેઠા હતા, પણ બેઠા-બેઠા ય એમના પગ હલતા હતા.

કૌશલ જાણે ઉદયભાઈની હાજરી જ ન હોય એમ જમતો રહ્યો. જમીને ઊભો થયો અને ઉદયભાઈ સામે જોઈને બોલ્યો,

‘મને લાગે છે કે તમે ભાઈ-બહેન આ વિશે વાત કરો તે જ યોગ્ય છે. મારી કોઈ જરૃર નથી. એક્સક્યુઝ મી!’

બંનેમાંથી કોઈ રિસ્પોન્સ આપે તે પહેલાં તો કૌશલ રૃમની બહાર જતો રહ્યો. કશિશ એને જતા જોઈ રહી. એના દિલમાં તો જાણે ચીરો પડી ગયો. એણે ત્યાંથી નજર ફેરવીને ઉદયભાઈ તરફ જોયંુ અને જાણે કશિશ એમની સામે જ જુએ તેની રાહ જોતાં હોય એમ ઉદયભાઈ તરત બોલ્યા,

‘જોયું? કૌશલ પણ તારાથી નારાજ છે, અને આ શું માંડ્યું છે? તને કાંઈ ભાન-બાન પડે છે તું શું કરી રહી છે?’

ઉદયભાઈ વગર કહ્યે આ આખી બાબત પર કૌશલનું શું સ્ટેન્ડ છે તે જાણી ગયા એટલે કશિશનો ઇગો ઘવાયો. કૌશલે કમસે કમ અત્યારે તો આ પળ સાચવી લેવી જોઈએ ને! પતિ-પત્ની વચ્ચે કોઈ વાતે અનબન થઈ છે તે બીજાને શું કામ જાણ થવા દેવી? અને આ ગુસ્સો એણે ઉદયભાઈ પર કાઢ્યો,

‘મારે જે કહેવું હશે તે હું કોર્ટમાં કહીશ. અને મારી અને કૌશલની અંગત બાબતમાં દખલ નહીં કરવી. મેં એવો હક્ક કોઈને નથી આપ્યો. તું જઈ શકે છે.’

Related Posts
1 of 279

કશિશના જડબાતોડ જવાબથી એકાદ ક્ષણ તો ઉદય સ્તબ્ધ થઈ ગયો. માણસ પોતાને સાચો સાબિત કરવા માટે ઘણીવાર મોટા અવાજનો સહારો લે છે જેથી સામેવાળી વ્યક્તિને ડરાવી શકાય. એથી એમણે શાબ્દિક એટેક કર્યો,

‘હવે તું છેલ્લે પાટલે બેસી જવા માગે છે એમ? તને ભાન પડે છે તું જે કરે છે તેથી શું થશે? અને મેં જે કર્યું તે તારા ભલા માટે કર્યું હતું સમજી!’

‘તે મને ડૉક્ટર ન બનવા દીધી. એ તેં મારા ભલા માટે કર્યું હતું તેમ તું કહેવા માગે છે?’ કશિશના ચહેરા પર રોષ હતો. એ બરાબર ફાઇટ આપવાના મૂડમાં હતી. એક તો વગર કહ્યે ઉદય આમ ટપકી પડ્યો હતો અને તેમાં પાછું કૌશલનું આવું નિર્લેપ વલણ બળતામાં જાણે ઘી હોમાય અને જેમ આગ પ્રજ્વળે તેમ કશિશનું દિલ બળી રહ્યું હતું.

‘ડૉક્ટર ન બની તો શું થયું? શું ખોટ છે તારી લાઇફમાં, તે આમ બાપ પર કેસ ઠોકવા નીકળી છે!’ ઉદયભાઈએ જાણીજોઈને વાતમાં મહેન્દ્રભાઈને ઘસડ્યા. પપ્પા પર કશિશને બહુ પ્રેમ છે અને એથી જ એની વીકનેસ પપ્પા છે તે ઉદયભાઈ જાણે છે. એમણે કશિશની દુઃખતી નસ દબાવવાનો પ્રયત્ન કર્યો. કદાચ એ માની જાય અને કેસ પાછો ખેંચી લે.

‘અન્યાય કરવો તે પાપ છે, તેમ અન્યાય સહન કરવો તે પણ પાપ છે અને અન્યાય કરવામાં સાથ આપવો તે તો મહા પાપ છે.’

કશિશ માત્ર આટલું જ બોલી અને તીર નજરથી એમને તાકી રહી એ ઉદયને કઠ્યું.  એને કશિશ પર ગુસ્સો તો ખૂબ આવતો હતો, પણ સમજી ગયો કે હવે બળથી કે કળથી કામ નીકળે તેમ નથી. એટલે હવે બીજું હથિયાર વાપરવું પડશે.

‘કિશુ, માણસે અમુક સમયે તે સમય-સંજોગો મુજબ વર્તન કર્યું હોય છે એટલે એને તારે આવી રીતે કોર્ટે ચડીને કાંઈ જવાબ માગવાનો હોય? આપણે આપસમાં વાતચીત કરીને પણ હલ કાઢી શકીએ ને?’

કશિશે જવાબમાં નિસાસો નાંખ્યો,

‘ભાઈ! શું હલ કાઢીશ? હું અત્યારે ભણીને ડૉક્ટર બની શકું?’ આટલું બોલતાં બોલતાં કશિશની આંખમાં આંસુ આવી ગયા. ઉદયભાઈ આ વાતનો જવાબ ન આપી શક્યા.

‘બહેન માટે તો ભાઈ આપણા સમાજમાં કેવાં-કેવાં બલિદાન આપતાં અચકાતો નથી. અને તેં શું કર્યું? બહેનને જ બરબાદ કરી નાંખી.’ કશિશ બોલી એટલે ઉદયમાં પડેલો જૂનવાણી પુરુષ ફરી સપાટી પર આવી ગયો. કશિશની આંખમાં આંસુ જોઈને ક્ષણવાર માટે એમને કશિશ પ્રત્યે હમદર્દી થઈ હતી, પણ એની જુનવાણી માન્યતા એના પર હાવી થઈ ગઈ.

‘પણ તું કેટલી સુખી છે કશિશ, બોલ ભણીને ડૉક્ટર થઈ ગઈ હોત તો ય આટલી સાહેબી ભોગવી શકી હોત? તારા માટે કૌશલ જેવો વર મેં શોધ્યો હતો તે કેમ ભૂલી જાય છે!’

‘ભાઈ મારે લગ્ન જ નહોતાં કરવાં..અને તેં મને પરાણે પરણાવી અને બાય ધ વે હું સુખી છું તે માટે માત્ર કૌશલ જ નહીં, હું પણ જવાબદાર છું. સમજ્યો!’

ઉદય જેવા ઓર્થોડોક્સ પુરુષ માટે આ વાત સમજવી અઘરી હતી. વળી, અત્યારે કશિશની એક પણ વાત એ સમજવા ઇચ્છતા ન હતા. એ માત્ર એટલું જ સમજતા હતા કે કશિશ કોઈક રીતે એને હેરાન કરવા ઇચ્છે છે અને એટલે જ એમની ખિલાફ આમ કોર્ટે ચડી છે.

‘અત્યારે આપણે જે વાત પતી ગઈ તે વિશે નથી વિચારવાનું. વાત એ છે કે સાવ આવી સામાન્ય બાબત માટે તું કોર્ટે ચડે તે વાજબી કહેવાય? ને સ્ત્રી તરીકે જન્મી છે તો સ્ત્રીની જેમ રહે ને! પુરુષ થવાની જરૃર નથી સમજી!’

કામિની સંઘવીની કલમે લખાયેલી ‘રાઇટ એન્ગલ’ નવલકથાની આગળની કડી વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »