આજથી એક વર્ષ પહેલાં જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જંગી બહુમતી સાથે ભાજપની તરફેણમાં આવ્યાં, ત્યારે કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના તેજતર્રાર યુવા નેતા ઉમર અબ્દુલ્લાએ કોંગ્રેસનો ઉલ્લેખ કર્યા વગર તેને જ સંબોધીને જ ટ્વિટ કર્યું હતું કે, લોકસભાની ચૂંટણી જીતવી હોય તો ૨૦૨૪ માટે તૈયારી કરો, કારણ કે ૨૦૧૯માં કોઈ ચાન્સ નથી! અલબત્ત, રાજકારણમાં જે રીતે ઘટનાક્રમો અને જાહેરજીવનની ગતિવિધિઓ અનિશ્ચિત સ્વરૃપે આકાર લેતાં હોય છે, તે જોતા રાજકીય વાતાવરણમાં ક્યારે પલટો આવે તે અંગે કશું કહી શકાતું નથી. આ અઠવાડિયે નવી દિલ્હીમાં યોજાયેલા ૮૪મા કોંગ્રેસ અધિવેશનમાં તેના નવા વરાયેલા અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષને ચેતનવંતો બનાવવા જે મિજાજ અને સ્પિરિટ દાખવ્યા, તે દેશના નાગરિકો સહિત સ્વયં કોંગ્રેસ માટે માત્ર ઉત્સાહવર્ધક નહીં, પરંતુ આશ્ચર્યજનક પણ હતું. ત્રણ દિવસના અધિવેશનની મહત્ત્વની ફળશ્રુતિ જોઈએ તો દેશભરમાંથી આવેલા ડેલિગેટ્સ અને મહત્ત્વના નેતાઓ સુદ્ધાં જોશમાં આવી ગયા હતા. આર્થિક અને રાજકીય ઠરાવોમાં પણ અતિ મહત્ત્વના મુદ્દાઓને રેખાંકિત કરી પક્ષને ફરી મહાત્મા ગાંધીની કોંગ્રેસ અને દેશને પ્રેમ, અહિંસા અને ભાઈચારાના માર્ગે પ્રગતિનો પથ કંડારવાના સંકલ્પ સાથે કોંગ્રેસ પક્ષના ગામડે-ગામડે ફેલાયેલા કાર્યકર્તાઓને સક્રિય બની જવા હાકલ કરી હતી.
આમ તો રાજકીય પક્ષોના આ પ્રકારનાં અધિવેશનોમાં મોટા ભાગે એકના એક મુદ્દાઓ કે વાતો જરા જુદી રીતે કહેવાતી હોય છે, પરંતુ રાહુલ ગાંધીએ તેના પ્રવચનમાં જે મુદ્દાઓ પર ભાર આપ્યો, તે દેશના નાગરિકોને કોંગ્રેસ અને ભાજપમાં મૂળભૂત તફાવત શું છે, તે વિચારવા મજબૂર કરી દે તેટલો પ્રબળ અને આધારભૂત હતો. કોંગ્રેસની વિચારધારા અને ટ્રેકરેકોર્ડ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની વિચારધારા અને ટ્રેકરેકોર્ડને લોકો સમક્ષ મુકીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવા માટે મન બનાવી પોતે જોરદાર તૈયારી કરીને આવ્યા હતા, તેવું તેમની સ્પીચ દરમિયાન સમજાતું હતું. ધર્મની લડાઈમાં કોંગ્રેસ પાંડવો અને ભાજપ કૌરવો, કોંગ્રેસ સત્ય માટે અને ભાજપ સત્તા માટે, કોંગ્રેસ સેવા અને સદ્દભાવનાના માર્ગે તો ભાજપ જુઠ્ઠાણા અને નફરત ફેલાવવાના માર્ગે, આઝાદીના આંદોલનમાં એકલા પંજાબમાં કોંગ્રેસના ૬૦,૦૦૦ કાર્યકર્તાઓ માર્યા ગયા હતા, જ્યારે ભાજપ પાસે એક નામ નથી જેણે દેશ માટેની લડાઈમાં જીવ ગુમાવ્યો હોય કે બલિદાન આપ્યું હોય, ઉલટાનું સાવરકર જેવા સંઘના નેતાઓ ચિઠ્ઠીઓ લખીને અંગ્રેજોની સામે માફીની ભીખ માંગતા હતા, જેવા કેટલાંય આક્રમક શાબ્દિક પ્રહારો કરીને રાહુલ ગાંધીએ કોંગ્રેસના ડેલિગેટ્સમાં એકરીતે આત્મવિશ્વાસ જગાવવા તથા કોંગ્રેસના ભવ્ય વારસાના તેઓ કેટલા શક્તિશાળી વારસો છે, તેની પ્રતીતિ કરાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
સ્વાભાવિક છે કે પક્ષપ્રમુખ તરીકે તેમના પ્રથમ અધિવેશનમાં તેમની પ્રાથમિકતા એક તરફ કાર્યકર્તાઓને તેમના નેતૃત્વની કાબેલિયતનો અહેસાસ કરાવવાની હતી તો બીજી તરફ આગામી લોકસભાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા માટે કાર્યકર્તાઓ પૂરા આત્મવિશ્વાસ સાથે સક્રિય બની જાય તે માટેની હતી. આ માટે સ્પષ્ટ દિશા દર્શાવતા રોડમેપની રૃપરેખાનો પણ તેમણે જે અંદાજ આપ્યો, તે કોંગ્રેસ પક્ષની જૂની-પુરાણી રીતરસમોને બદલે નવા પ્રકારનો જણાય તે રીતે આશા જગાવનાર હતો. અધિવેશન દરમિયાન સાંકેતિક સ્વરૃપે સ્ટેજ ખાલી રાખીને દેશભરના યુવાનોને સ્ટેજ પર બેસવા માટેની જવાબદારી સંભાળવા આગળ આવવા આહ્વાન કર્યું, પરંતુ સાથે-સાથે જ અનુભવી અને ઉંમરલાયક નેતાઓનું સન્માન ક્યાંય ન ઘવાય તેની તકેદારી રાખવાની પણ વાત કરી. રાહુલ ગાંધીના પ્રવચન દરમિયાન અવાર-નવાર તાળીઓના ગડગડાટથી સ્વયં સોનિયા ગાંધી પણ ખુશખુશાલ રહ્યા હતા. ગુજરાતની ચૂંટણી વખતે પોતે જ્યારે મંદિરોની મુલાકાત લીધેલી અને ભાજપે તેની સામે અપપ્રચાર કરેલો તે બાબતે પોતે વર્ષોથી મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે અન્ય ધર્મસ્થાનો પર જાય છે, તેવી સ્પષ્ટતા કરીને કોંગ્રેસની સર્વધર્મસમભાવની નીતિનું જાહેરમાં પુનરોચ્ચારણ પણ કર્યું અને ચૂંટણીલક્ષી સોફ્ટ હિન્દુત્વની વાતનો પણ છેદ ઉડાડ્યો. ધર્મના નામે મતબેંકનું રાજકારણ ખેલવાની માનસિકતા ધરાવતા લોકોની પીછેહઠ થાય તેવો તેમનો આ નિર્ભિક સંદેશ દેશભરમાં સકારાત્મક અસર ઉપજાવી ગયો હશે, તેમાં શંકા નથી.
ભારતની આર્થિકક્ષેત્રે શું વાસ્તવિકતાઓ છે તેનું ચિત્ર આ અધિવેશનમાં અસરકારક રીતે ચર્ચાયું હતું. આજના ભારતમાં ચારે તરફ ‘મેઇડ ઇન ચાઇના’, નાણાકીય ગોટાળાઓ સામે નાણામંત્રીનું મૌન, અચ્છે દિન, સ્વચ્છ ભારત, બે કરોડ યુવાનોને રોજગારી અને ગરીબોના ખાતામાં ૧૫ લાખ આપવાના જુમલાઓ ઉપરાંત નોટબંધી, ગબ્બરસિંહ ટેક્ષ (ય્જી્) અને ખેડૂતોની આત્મહત્યા વિષે મુદ્દાસર વાત કરીને રાહુલ ગાંધીએ આગામી ચૂંટણીમાં દેશને ભાજપથી મુક્ત કરવાની જરૃરિયાત પર ભાર મૂક્યો હતો. લોકોની સમસ્યાઓ કંઈક ઔર છે અને મોદીજી યોગ કરાવે છે તેવી બાબતોની ઠેકડી ઉડાડવામાં રાહુલે કશું બાકી રાખ્યું નહોતું. અમેરિકા અને ચીનના વિઝનની દુનિયામાં ચર્ચા થાય છે, પણ હવે આપણે ભારતની ચર્ચા થાય તેવું કરવું જોઈએ, તેવું કહીને દેશમાં આવડત ધરાવતા લોકોને તક, પૈસા અને ટૅક્નોલોજી પૂરી પાડવાની વાત કરી હતી. ખોટા લોકો કરોડોની લોન લઈને વિદેશ પલાયન થઈ જાય છે, ત્યારે દેશનો યુવાન વ્યાપાર કે ઉદ્યોગ સાહસ માટે બેંક પાસેથી નાની લોન પણ મેળવી શકતો નથી, તેવી વાસ્તવિકતાઓના તેમના ચિત્રણ પછી અધિવેશનમાં ઉપસ્થિત લગભગ તમામ ડેલિગેટ્સને ગંભીરતાપૂર્વક ચિંતન કરવા માટે પ્રેર્યા હતા.
દેશમાં ગુસ્સા અને ભયનું વાતાવરણ પ્રસરાવવા માટે તેમણે ભાજપ અને સંઘને આડેહાથ લીધા તેમાં ન્યાયપાલિકા અને મીડિયાની સ્વતંત્રતા અંગે કોંગ્રેસના શાસનમાં શું પરિસ્થિતિ હતી અને આજે શું છે તે માટેની તર્કબદ્ધ દલીલો સાથે પરિસ્થિતિની ગંભીરતા સમજાવી હતી. પત્રકારોને તો સીધંુ કહ્યું હતું કે તમે અમારા માટે જે લખવું હોય, કહેવું હોય તે કરો, પરંતુ અમે તમારી સામે જરા પણ દુર્ભાવના નહીં રાખીએ. એટલું જ નહીં, અમે તમારું રક્ષણ કરીશું.
કોંગ્રેસ પક્ષના રાજકીય ઠરાવ પર નજર કરીએ તો તેની શરૃઆતમાં જ આઝાદી પછી નવેમ્બર-૧૯૪૭માં કોંગ્રેસનું જે પ્રથમ અધિવેશન મળેલું અને મહાત્મા ગાંધીએ જે કહેલું તેનો ઉલ્લેખ છે. ગાંધીજીએ કહેલું કે ‘કોંગ્રેસ એ તમામ ભારતીયોની છે, જેઓ આ ધરતીનાં સંતાનો છે, પછી ભલે તેઓ હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, શીખ હોય કે પારસી હોય.’ કોંગ્રેસે તેના ઠરાવમાં તેણે આપેલા તમામ વડાપ્રધાનોની મહત્ત્વની કાર્યસિદ્ધિઓના કારણે દેશ કેટલો આગળ વધ્યો છે તેની ઝલક રજૂ કરી છે.
સામાન્ય રીતે ઠરાવોમાં જે વિષયો હોય છે તે પ્રકારે મહિલા સશક્તિકરણ, યુવા ઉત્કર્ષ, સામાજિક ન્યાય, દલિત-આદિવાસી-લઘુમતી પર દમન, આરએસએસ, ભાજપ, ભ્રષ્ટાચાર, સલામતી જેવા વિષયો પર તો કોંગ્રેસની આગામી રણનીતિનો ઉલ્લેખ છે જ, પરંતુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જા ઉપરાંત ન્યાયતંત્રની સમસ્યાઓ, એકસાથે ચૂંટણી યોજવાના મુદ્દે પોતાનું વલણ, ઇવીએમ મશીનના બદલે બેલેટ પેપરથી ચૂંટણી જેવા વિષયો પર પણ આવરી લેવાયા છે. લોકશાહીના હિતમાં મીડિયાને નિષ્પક્ષ અને નિર્ભિકપણે પોતાની ફરજ બજાવવા આગ્રહ કર્યો છે, તે ઘણુ સૂચવી જાય છે. કોંગ્રેસે તેના ઠરાવમાં એક ઘણી મહત્ત્વની બાબત ઉઠાવી છે તે એ છે કે વિધાનસભાઓમાં સ્પીકર પોતે જે પક્ષમાંથી આવતા હોય તેમના લાભમાં કે વિપક્ષના ગેરલાભમાં ભેદભાવ રાખીને અવાર-નવાર પોતાના હોદ્દાનો દુરુપયોગ કરે છે, જેના કારણે બંધારણની ૧૦મી સૂચિમાં પક્ષપલ્ટા કે રાજકીય ભેદભાવની વિરુદ્ધની જે ભાવના પ્રગટ થયેલી છે તે હેતુ સિદ્ધ થતો નથી. ગુજરાતમાં પણ નવા સ્પીકરની સામે ખૂબ ઓછા સમયમાં જ આવા આક્ષેપો થવા લાગ્યા છે.
ભારતનાં બીજા રાજ્યોમાં પણ આવા બનાવો બનતા રહે છે. ઠરાવમાં વ્યક્ત થયેલી બધી બાબતો, ચિંતાઓ કે વિષયો પર કોંગ્રેસ જ્યારે નક્કર કાર્ય કરશે ત્યારે પ્રજાકીય હેતુ સિદ્ધ થશે, પરંતુ શરૃઆત સારી છે તેનો સંતોષ જરૃર થવો જોઈએ.
આર્થિક ઠરાવ પર નજર કરીએ તો નોટબંધી અને જીએસટીના અણઘડ અમલની ટીકા સાથે કથળેલું અર્થતંત્ર, ચીંથરેહાલ વ્યાપાર ઉદ્યોગ, પબ્લિક સેક્ટર, કૃષિ ક્ષેત્ર, બેંકિંગ, બેરોજગારી અને અમીર-ગરીબની વધતી ખાઈ જેવી સમસ્યાઓ માટે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિઓની આકરી ટીકા કરી છે. કેન્દ્રના વાયદાઓ સામે અમલના સ્તરે તેની નિષ્ફળતા ઉજાગર કરવામાં કોંગ્રેસે ખાસ્સી મહેનત કરી છે તેવું દેખાય છે.
આમ, રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલું પ્રથમ અધિવેશન કોંગ્રેસ પક્ષ માટે ઘણુ મહત્ત્વનું સાબિત થયું છે. એવું કહી શકાય કે કોંગ્રેસને બેઠી કરવા પ્રથમ રાહુલ પોતે સજ્જ બન્યા અને હવે તેઓએ કોંગ્રેસને સજ્જ કરવાનો આરંભ કર્યો છે. આની સામે દેશભરમાં પથરાયેલા તેના કાર્યકર્તાઓમાં પણ નેતૃત્વના શૂન્યાવકાશના ટોણા સામેનો જવાબ મળી ગયાની એક હલકીફૂલકી ખુશીની લહેર પ્રસરી ગઈ હશે, તેવું આ તબક્કે કહી શકાય તેમ છે.
————–.