તમારા માટે, તમારી સાથે, સતત…

દેશપ્રેમ સાબિતી નહીં, શરૃઆત ઝંખે છે

સવારે નવના ટકોરે રાષ્ટ્રગીત...

0 420

પહેલ – હેતલ રાવ
hetalrao.abhiyaan@gmail.com

દેશ પ્રત્યે લાગણી, પ્રેમ અને ગર્વ દરેક દેશવાસીઓને હોય છે, પરંતુ આ દેશભક્તિ માત્ર પંદરમી ઑગસ્ટ કે પછી છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જ જોવા મળે છે. આ બે દિવસ એવા હોય છે જ્યારે રાષ્ટ્રગીત વાગે અને બધામાં દેશભક્તિનું ઝનૂન જાગે છે, પરંતુ દેશનું એક હિલ સ્ટેશન એવું પણ છે જ્યાં રોજ દિવસમાં બે વાર રાષ્ટ્રગીતનું ગાન થાય છે અને લોકો ઉત્સાહભેર તેમાં જોડાય છે.

માઉન્ટ આબુ ગુજરાતીઓ માટે સૌથી પ્રિય અને નજીક ગણાતું હિલ સ્ટેશન છે. થોડા સમય પહેલાં ત્યાં જવાનું થયું. બરોબર સવારે આઠના ટકોરે હોટલના રૃમમાં પ્રવેશ કર્યો. ફ્રેશ થઈને નકીલૅક પર લટાર મારવા નીકળી, ત્યાં તો ઘડિયાળે સાડા નવના ટકોરા સંભળાવ્યા, આ ટકોરાની સાથે જ આપણું રાષ્ટ્રગીત જન,ગન,મન પણ શરૃ થઈ ગયું. ત્યાં હાજર દરેક વ્યક્તિ સાવધાન બની ઊભા રહી ગયા. જેવું રાષ્ટ્રગીત પૂર્ણ થયંુ તરત જ સુંદર દેશભક્તિનાં ગીત શરૃ થયાં અને બધાં પોતપોતાનાં કામમાં જોતરાયા. મને વિચાર આવ્યો કે આમ અચાનક રાષ્ટ્રગીત શરૃ થવાનું કારણ શંુ હોઈ શકે? તપાસ કરતાં ખબર પડી કે આ માત્ર આજે જ નહીં, પણ રોજ વાગે છે અને તે પણ માત્ર એક વખત નહીં, પરંતુ દિવસમાં બે વખત. ત્યારે ખરેખર ખુશી થઈ કે દેશમાં કોઈ એક સ્થળ તો એવું છે જ્યાં વર્ષમાં બે વખત નહીં, પણ દિવસમાં બે વખત લોકો દેશભક્તિનો અહેસાસ કરે છે.

થોડા સમય પહેલાં કોર્ટે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ શરૃ થતાં પહેલાં રાષ્ટ્રગીત વાગે ત્યારે હાજર દરેક વ્યક્તિને ઊભા થઈને રાષ્ટ્રગીતને સન્માન આપવાની ફરજ પાડી હતી ત્યારે લોકોમાં રોષ ફેલાયો કે આ શું અમારે ફરજિયાત ઊભા થવાનું..? અમે ઊભા ન થઈએ તો અમને દેશ પ્રત્યે પ્રેમ નથી તેવંુ સાબિત થાય? આ યોગ્ય નથી જેવા અનેક પ્રશ્નોને લઈને લોકો પોતાનો અભિપ્રાય આપી રહ્યા હતા. પાછળથી કોર્ટ દ્ધારા એવો નિર્ણય પણ લેવાયો કે રાષ્ટ્રગીત વાગશે, પરંતુ તેના સન્માનમાં ઊભા થવું કે નહીં તે લોકો જાતે નક્કી કરે. જોકે ફિલ્મ જોવા જનારા મોટા ભાગના લોકો રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા થાય છે, પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, કહેવામાં આવે તે કોઈને ગમતંુ નથી. મહિને કે છ મહિને એકવાર ફિલ્મ જોવા જનારા લોકો પણ રાષ્ટ્રગીત વાગે અને ઊભા થવું પડે તો એમ કહે છે કે, યાર, આ તો જબરૃ કહેવાય અને બીજી બાજુ તે જ લોકો બોર્ડર પર શહીદ થનારા સૈનિકોના ફોટા સોશિયલ સાઇટ પર મુકી દેશભક્ત હોવ તો કોમેન્ટમાં જયહિન્દ લખો તેવું કહેતા હોય છે. હવે આવા બેમુખી લોકોને કોણ સમજાવે કે દેશભક્તિ બતાવવાની નહીં, પરંતુ મહેસૂસ કરવાની વાત છે અને જો રોજ તેવી તક મળે તો આપણે પોતાની જાતને નસીબદાર સમજવી જોઈએ. કદાચ આવા જ વિચારો સાથે માઉન્ટ આબુ જેવા હિલ સ્ટેશન પર રાષ્ટ્રગીત વગાડવાની પહેલ કરવામાં આવી છે.

ગુજરાતીઓ માટે ફેવરિટ ગણાતા માઉન્ટ આબુમાં દેશમાં પ્રથમ કહેવાય તેવી પહેલ થઈ છે. આ હિલ સ્ટેશન એવું છે જ્યાં બારેમાસ લોકો રિલેક્સ થવા અને કુદરતના સાંનિધ્યની મજા માણવા જતાં હોય છે. એટલે એવંુ કહી શકાય કે આબુમાં બારેમાસ પ્રવાસનની સિઝન હોય છે. રાષ્ટ્રગીતની શરૃઆત બધા માટે આવકારદાયક બની રહી છે.

Related Posts
1 of 319

આ વિશે વાત કરતાં માઉન્ટ આબુ નગરપાલિકાના પ્રમુખ સુરેશ થિંગર કહે છે, ‘જ્યારે ૨૬ જાન્યુઆરી હોય, ૧૫ ઑગસ્ટ હોય કે પછી કોઈ કાર્યક્રમ હોય ત્યારે જ આપણે રાષ્ટ્રગીતને સન્માન આપીએ છીએ. આપણે ભારતના નાગરિક છીએ અને રાષ્ટ્રગીત આપણા માટે ગર્વનો વિષય છે ત્યારે તેને આદત બનાવીએ તે જરૃરી છે. જ્યારે પણ રાષ્ટ્રગીત વાગે તો તેનું સન્માન કરવા સૌ કોઈ કટિબદ્ધ બને તેવા આશયથી ૨૬ જાન્યુઆરી, ૨૦૧૮એ માઉન્ટ આબુમાં રાષ્ટ્રગીત વગાડવાની શરૃઆત કરવામાં આવી છે. સવારે ૯.૩૦ કલાકે અને સાંજે ૫.૩૦ કલાકે નિયમિત રીતે રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને દરેક જ્ગ્યાએ તે સંભળાય તેવી ફ્રિક્વન્સી રાખવામાં આવી છે. રાષ્ટ્રગીત પછી પંદર મિનિટ દેશભક્તિનાં ગીત પણ વાગે છે. આ માટે સમગ્ર માઉન્ટ આબુમાં બોર્ડ પણ લગાવવામાં આવ્યાં છે. લોકોને ફરજ નહીં, પણ આહ્વાન કરવામાં આવ્યંુ છે કે આપણા રાષ્ટ્રગીતને સન્માન આપો. માઉન્ટ આબુના લોકોએ ખૂબ જ સન્માન સાથે આ વાતનો સ્વીકાર કર્યો છે. પોતાના રાષ્ટ્રગીતના સન્માનમાં આટલું તો કરવંુ જ જોઈએ. આ દેશ માટે થઈને અમારી નાનકડી પહેલ છે.’

૩૫થી ૪૦ હજારની વસ્તી ધરાવતા માઉન્ટ આબુમાં બારેમાસ બિઝનેસ ધમધમતો હોય છે, પરંતુ જેવી રાષ્ટ્રગીતની શરૃઆત થાય કે દરેક વ્યક્તિ પોતાનું કામકાજ છોડી ગીતના સન્માનમાં ઊભા રહી જાય છે. કોઈ સાઇકલ પર જતું હોય તો તે નીચે ઊતરી જાય છે અને કોઈ કાર લઈને જતંુ હોય તો તે કાર ઊભી રાખી બહાર નીકળી જાય છે. માઉન્ટ આબુમાં રહેતા અને એલઆઇસીમાં કામ કરતા જગદીશ પરમારે કહ્યું કે, ‘આ એક ટૂરિસ્ટ સ્પોટ છે. અહીં રોજ અનેક સહેલાણીઓ આવે છે. જેમાં વિદેશી લોકો પણ હોય છે. જ્યારે ૨૬ જાન્યુઆરીએ રાષ્ટ્રગીતની શરૃઆત કરવામાં આવી તો અમને સૌને ઘણો આનંદ થયો. આ એક સારી શરૃઆત છે. અમારા ત્યાં દરેક વ્યક્તિ આ વાતનું સન્માન કરે છે. આજે ઘરે-ઘરે લોકો રાષ્ટ્રગીતના માનમાં ઊભા થઈ જાય છે. અમારી સોસાયટીનાં બાળકો તો સવારે અને સાંજે રાષ્ટ્રગીત વાગે તેની રાહ જુએ છે. ખાસ દિવસ સિવાય રાષ્ટ્રગીત જવલ્લે જ સાંભળવા મળતું હોય છે, પરંતુ આ શરૃઆતના કારણે અમે રોજ રાષ્ટ્રગીત સાંભળીએ છીએ અને તેનો ગર્વ પણ લઈએ છીએ.’

દેશભક્ત હોવાનું ક્યારેય સાબિત કરવંુ નથી પડતંુ છતાં પણ જ્યારે તક મળે ત્યારે આપણી અંદર પણ દેશદાઝ રહેલી છે તે આપણી જાતને બતાવવું જરૃરી બની જાય છે. તેમ કહેતા આબુમાં ટેક્સી ચલાવતા નટવરભાઈ રાજસ્થાની કહે છે, ‘આપણા દેશમાં માત્ર દેશ ભક્તિની વાતો વર્ષમાં બે વાર જ કરવામાં આવે છે અને બાકીના દિવસોમાં કોઈ આપણા તિરંગા, રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીતને યાદ નથી કરતું તે એક કડવી પણ નક્કર હકીકત છે. ત્યારે માઉન્ટ આબુમાં શરૃ કરવામાં આવેલી આ શરૃઆત કાબિલે તારીફ છે. અમે સૌ કોઈ આ પહેલને વધાવી રહ્યા છીએ.’

માઉન્ટ આબુ તો મારું બીજું ઘર છે તેમ કહેતા વડોદરાના કૈલાસભાઈ ધોળકિયા કહે છે, ‘વર્ષમાં ત્રણથી ચાર વખત આબુ આવવાનું થાય છે, થોડું રિલેક્સ થવાનું મન થાય તો અમે આબુ જ આવીએ છીએ. ફેમિલી સાથે સમય પસાર કરવાનું આ બેસ્ટ નજીક અને બધાને પોસાય તેવંુ સ્થળ છે. અમે પણ જ્યારે રાષ્ટ્રગીતનો હિસ્સો બન્યા ત્યારે લાગ્યંુ કે આ શરૃઆત દરેક જગ્યાએ થવી જોઈએ. મારો છ વર્ષનો પૌત્ર તો એટલો બધો ખુશ થઈ ગયો અને મને પણ એવું લાગ્યું કે આવી શરૃઆત આપણી આવનારી પેઢીની ગળથૂથીમાં જ દેશ ભક્તિ રેડી શકે છે. સાથે જ અહીં આવતા વિદેશી સહેલાણીઓ પણ આપણા દેશની સારી તસવીર લઈને જાય છે. હું તો પહેલ કરનાર માઉન્ટ આબુની નગરપાલિકાને અભિનંદન આપું છું અને આશા રાખું કે આવી સારી પહેલ દેશનાં દરેક શહેર અને ગામડામાં થાય.’

દેશના કોઈ પણ ખૂણે કોઈ નેગેટિવ વાત બને તો તેને આપણે શોરબકોર અને મરી-મસાલા નાંખીને બીજા સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ ત્યારે આવી સારી વાતને જરૃરથી સન્માનવી જોઈએ. ખરેખર તો દેશ ભક્તિની વાતો કરવાથી કશું જ નથી થતું અને વર્ષમાં એક બે વાર ટુવ્હીલર કે ફોર વ્હીલર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી સાબિત પણ નથી થતું કે આપણામાં પણ દેશદાઝ રહેલી છે. તો વળી, બીજી બાજુ રાષ્ટ્રગીતનું ગાન ન કરીએ કે પછી રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા ન થઈએ તો એવું પણ સાબિત નથી થતંુ કે તમે દેશભક્ત નથી, પરંતુ આપણી જાતને જરૃર મહેસૂસ કરાવવું જોઈએ કે આપણને દેશ માટે પ્રેમ છે. કોઈની માટે નહીં, પરંતુ પોતાની માટે અને આવનારી પેઢી માટે સારી અને હકારાત્મક વિચારશૈલીને અપનાવવી અને બિરદાવવી જરૃરી છે.

————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »