તમારા માટે, તમારી સાથે, સતત…

દેશ દર્પણ- સાંપ્રત ઘટનાઓ

રમૂજી દુર્ઘટના, પોલીસ વિભાગમાં ટ્રાન્સજેન્ડરોની ભરતી, મેગી પછી હવે બ્રિટાનિયાનો વારો પડ્યો

0 105

દેશ દર્પણ
abhiyaan@sambhaav.com

રમૂજી દુર્ઘટના
હિમાચલ પ્રદેશના સરકા ઘાટ વિસ્તારમાં એક રમૂજભરી દુર્ઘટના ઘટી. સ્વાભાવિક રીતે રમૂજ અને દુર્ઘટના શબ્દ ક્યારેય સાથે ન સેટ થાય, કારણ કે રમૂજ ક્યારેય ગંભીર ન હોય અને દુર્ઘટના ક્યારેય રમૂજી ન હોય. જોકે, હિમાચલ પ્રદેશમાં જે ઘટના ઘટી તે જોઈને પહેલાં તો કોઈને પણ પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. બન્યું એવું કે નેશનલ હાઈવે નંબર-૭૦ પરથી પસાર થઈ રહેલી એક બલેનો કાર રસ્તા પરથી ઊછળીને ૧૨ ફીટ ઊંચી ઘરની છત પર જઈને પડી. આમ તો આવી ઘટના આપણે ફિલ્મોમાં જોતાં આવ્યા છીએ કે કાર આટલી ઊંચી ઊછળે અને ઇમારત પર જઈને પડે. બાકી મહદ્અંશે કાર કાં તો ખીણમાં ખાબકે, ઊછળીને થોડે દૂર સુધી ઢસડાય, સ્લીપ થાય કે સામેના વાહન સાથે અથડાય. કાર બાર ફૂટ ઊંચે ઊછળીને ઘરની છત પર જઈ પડે એ વાત સ્વાભાવિક રીતે માન્યામાં આવે તેમ નથી, પણ આ દુર્ઘટનાએ આકાર લીધો અને કમાલની વાત તો એ છે કે કાર આટલી ઊંચે ઊછળી અને છત પર જઈને પડી તો પણ ન તો તેને કંઈ ખાસ નુકસાન થયું કે ન તો તેના ડ્રાઇવરને કોઈ ઈજા થઈ. બંને એકદમ સહીસલામત રહ્યા.

છત પર મૂકવામાં આવેલી ટાંકી તૂટી ગઈ, પણ કારને કશું નુકસાન ન થયું. આસપાસના લોકોએ જ્યારે આ નજારો જોયો ત્યારે તેમને થોડી ક્ષણો માટે તો પોતાની આંખો પર વિશ્વાસ નહોતો બેઠો. જોકે, કારમાં બેઠેલા સૌ કોઈ હેમખેમ બહાર નીકળ્યા એ જોઈને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

—-.

Related Posts
1 of 230

પોલીસ વિભાગમાં ટ્રાન્સજેન્ડરોની ભરતી
ટ્રાન્સજેન્ડર સમુદાય માટે આનંદના સમાચાર છે. છત્તીસગઢ પોલીસે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે એક વિશેષ વ્યવસ્થા ઊભી કરી છે. આ વ્યવસ્થા અંતર્ગત હવે પોલીસ વિભાગમાં ટ્રાન્સજેન્ડર લોકોની પણ ભરતી કરવામાં આવશે. આ ટ્રાન્સજેન્ડરોને તેમની યોગ્યતા અને સમાનતાના આધાર પર નિયુક્ત કરવામાં આવશે. એક સરવે અનુસાર છત્તીતસગઢમાં હાલમાં લગભગ ત્રણ હજારથી પણ વધુ ટ્રાન્સજેન્ડર લોકો વસે છે. પોલીસ વિભાગ ટ્રાન્સજેન્ડરોને ભરતી કરીને તેમને પણ રોજગારી રળવાનું માધ્યમ પૂરું પાડી રહ્યો છે. સાથે જ સમાજમાં સ્વમાનભેર જીવવાની તક આપી રહ્યો છે.

એક સમય હતો જ્યારે ટ્રાન્સજેન્ડર સમુદાયને સમાજમાં પોતાના અસ્તિત્વના સ્વીકાર માટે થઈને લડાઈ લડવી પડતી હતી. જોકે હવે સમાજમાં પણ જાગૃતિ આવી છે. તેઓ પણ હવે ટ્રાન્સજેન્ડરને સમાજના જ એક અંગ તરીકે જુએ છે અને તેને પરિણામે હવે ટ્રાન્સજેન્ડરોને મુખ્યધારામાં સામેલ કરવું સરળ બની રહ્યું છે. છત્તીસગઢ સરકારે તાજેતરમાં જ આ ભરતીને લઈને જાહેરાત કરી છે. પોલીસ વિભાગમાં ૨૨૫૪ કોન્સ્ટેબલોની જગ્યા ખાલી પડી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ટ્રાન્સજેન્ડરોને આહ્વાન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા તેમના માટે એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ટ્રાન્સજેન્ડરોને અરજી ભરવામાં સરળતા રહે.

—–.

મેગી પછી હવે બ્રિટાનિયાનો વારો પડ્યો
ફૂડ પેકેટ આજે લોકો માટે પેટ ભરવા માટેની મહત્ત્વની વસ્તુ બની ગયાં છે. મોટા ભાગના લોકો એમ માને છે કે ખુલ્લામાં પડી રહેતી વસ્તુઓ ખાવા કરતાં બંધ પેકેટમાં રહેલી વસ્તુ ખાવી સારી છે. જોકે, ફૂડ પેકેટ તૈયાર કરનારી કંપનીઓ પણ આપણને છેતરવામાં પાછી નથી પડતી. ઉદાહરણ તરીકે આપણે બટાકાની વેફર લઈએ છીએ ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે તેમાં વસ્તુ ઓછી અને હવા વધારે હોય છે. ઘણા લોકો મજાકમાં પણ બોલતા હોય છે કે આપણે વેફર ખરીદવાના નહીં, પણ હવા ખરીદવાના રૃપિયા આપીએ છીએ. ખેર, માત્ર વેફર જ નહીં, આવી ઘણી બધી પ્રોડક્ટ છે, જેમાં વસ્તુનું વજન પેકેટ પર લખવામાં આવેલાં વજન કરતાં ઓછું હોય છે. થોડા દિવસ પહેલાં બ્રિટાનિયા કંપનીનો જ આવો એક કિસ્સો સામે આવ્યો છે. બ્રિટાનિયા કંપની બેકરી પ્રોડક્ટ અને તેમાં પણ ખાસ કરીને બિસ્કિટ બનાવવા માટે જાણીતી છે. એક આરટીઆઈ દ્વારા માહિતી સામે આવી છે કે બ્રિટાનિયા કંપની બિસ્કિટના પેકેટમાં બિસ્કિટનું જે વજન હોવું જોઈએ તેના કરતાં ઘણુ ઓછું વજન આપે છે. કોર્ટમાં આ અંગે કેસ પણ ચાલ્યો અને કોર્ટે બ્રિટાનિયા કંપનીને દંડ પણ ફટકાર્યો, પણ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ વસ્તુ ખરીદતાં પહેલાં પૂરતી તકેદારી રાખો. નહીંતર એક દિવસ એવો આવશે કે વસ્તુનું મોલ ચૂકવ્યા બાદ પણ પેકેટમાંથી વસ્તુના બદલે ખાલી હવા જ મળશે.

—————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »