પ્રદેશ વિશેષ
abhiyaan@sambhaav.com
એેસ.ટી બસમાં સવારી કરવી છે તો ધક્કા મારવા જ પડશે
ગુજરાત એસ.ટી નિગમ સારી અને સુરક્ષિત સેવાનો દાવો કરે છે, પરંતુ નિગમની મોટા ભાગની બસોને ધક્કો મારવાથી જ ચાલતી પકડે છે. મળતી માહિતી પ્રમાણે એસ.ટીની ૨,૮૩૯ બસો એવી છે જે બેટરી અને સ્ટાર્ટર વિનાની છે. આ બસોને જ્યારે પણ શરૃ કરવાની હોય ત્યારે મુસાફરોએ ધક્કા મારવા પડે છે. ફેબ્રુઆરી માસ દરમિયાન એસ.ટી વર્કશોપમાં આવેલી બસોના અંાકડા જોતા માહિતી મળે છે કે નિગમની ૭,૨૬૬ બસોમાંથી અડધાથી વધુ બસો તો રિપેરિંગમાં છે. ૨,૫૭૪ બસોની બ્રેક ફેલ થઈ છે, જ્યારે ૩,૯૨૭ બસોમાંથી ૯૦૦ બસો તો બંધ હાલતમાં છે. રાજ્યમાં એસ.ટીના ૧૬ ઝોન છે. જેમાં ૭,૨૬૬ બસો છે જેનું સંચાલન ગુજરાત રાજ્ય પરિવહન નિગમના હાથમાં છે. ૭,૨૬૬ બસોમાંથી એક હજારથી વધુ બસો સ્પેરપાર્ટ્સ ટાયર અને ટ્યૂબના કારણે બંધ હાલતમાં છે, જ્યારે બેટરી અને સ્ટાર્ટરના કારણે ૨,૮૦૦ બસોથી વધુ બસો ધક્કા મારીને ચલાવવી પડે છે. જેમાં સૌથી વધુ બસો રાજકોટમાં ૮૪૮, હિંમતનગરની ૫૯૦, ગોધરાની ૩૦૮ છે. આ ઉપરાંત અમદાવાદની ૪૯૫, પાલનપુરની ૪૪૮ છે. રાજકોટ, વલસાડ ડિવિઝનમાં સૌથી વધુ બસો એવી છે જે રિપેરિંગ માટે વર્કશોપમાં મોકલાઈ હોય. માટે જો ગુજરાતની એસ.ટીમાં સવારી કરો છો તો બધી બસો સારી છે તેવી ભાવના સાથે નહીં, પરંતુ ગમે ત્યારે નીચે ઊતરીનેધક્કા મારવાની તૈયારી સાથે મુસાફરી કરવાની.
————.
જો વિદ્યાર્થિની ‘ફોર્સિસ’માં જોડાશે તો ૫૧ હજારનું પુરસ્કાર
સૈન્યમાં જોડાવા માટે ગુજરાતી યુવાનો બહુ ઓછા તૈયાર થાય છે. યુવતીઓ તો આ બાબતનું સપનું પણ જોતી નથી, ત્યારે યુવતીઓને સૈન્ય સહિતના સંરક્ષણ દળમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાની પહેલ કચ્છના એક ગામ બિદડાની શાળાના વ્યવસ્થાપકોએ કરી છે.
થોડા સમય પહેલાં શહીદ થયેલા કચ્છના તલવાણાના યુવાન હરદિપસિંહ ઝાલાને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બિદડાની કચ્છ યુવક સંઘ સંચાલિત બી.બી.એમ. હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ અંગેની જાહેરાત કરાઈ હતી. હરદિપસિંહ આ શાળાના માજી વિદ્યાર્થી હતા. તેમના ઉપરાંત બીજા ૧૦ જેટલા વિદ્યાર્થીઓ પણ આર્મી, બી.એસ.એફ., એરફોર્સ જેવા સંરક્ષણ દળોમાં ફરજ બજાવી રહ્યા છે, પરંતુ આ શાળાની એક પણ વિદ્યાર્થિની હજુ સુધી સંરક્ષણ દળમાં જોડાઈ નથી.
આ અંગે વાત કરતા શાળાના વ્યવસ્થાપક દિલીપભાઈ દેશમુખ જણાવે છે, ‘શહીદ વીર અમારી શાળાનો માજી વિદ્યાર્થી હતો. તેને સ્મરણાંજલિ અર્પવા યોજાયેલા કાર્યક્રમમાં તેના માતા-પિતાનું શાળા પરિવાર વતી રૃ. એક લાખ આપીને સન્માન કરાયું હતું.’
આ વિચારના અનુસંધાને જ જે વિદ્યાર્થિની આર્મી, નેવી, એરફોર્સ, બી.એસ.એફ., રેપિડ એક્શન ફોર્સ કે સી.આર.પી.એફ.માં જોડાશે તો તેને શાળા તરફથી રૃ. ૫૧,૦૦૦ અને જો કોઈ વિદ્યાર્થી જોડાય તો તેને રૃ. ૫૧૦૦ પ્રોત્સાહન રૃપે આપવાનું નક્કી કરાયું છે.
————.
ભારતીય સર્વેક્ષણ વિભાગ ૨૫૧ વર્ષનો થયો!
કોઈ સરકારી વિભાગ જો ૫ચાસ વર્ષ પણ પૂર્ણ કરે તો તેની જોરશોરથી ઉજવણી કે ચર્ચા થતી હોય છે, પણ વાત જ્યારે ભારતીય સર્વેક્ષણ વિભાગની આવે ત્યારે તે બહુ ચર્ચામાં પડતો નથી. આમ પણ બહુમતી લોકો તેની કામગીરીથી પણ અજાણ હોય છે. જોકે એમાં એમનો વાંક નથી. આ વિભાગનું કામ જ એવું છે કે સામાન્ય માણસને તેમાં સૂઝ ન પડે. વાત જાણે એમ છે કે, કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતો સરવે વિભાગ આપણી સેનાની ત્રણેય પાંખો માટે નકશા તૈયાર કરે છે. આ નકશા એટલા તો સંપૂર્ણ હોય છે કે સુરક્ષા એજન્સીઓ તેના પર આંખ મુકીને વિશ્વાસ કરે છે. એટલે જ સુરક્ષાનાં કારણોસર આપણે આ વિભાગની કામગીરીથી બહુ વાકેફ નથી. એનો મતલબ એવો નથી કે તે માત્ર સુરક્ષા એજન્સીઓ માટે જ કામ કરે છે. ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ માટે પણ તેણે અનેક પ્રોજેક્ટમાં કામ કર્યું છે. ગુજરાતની જીવાદોરી સમો સરદાર સરોવર પ્રોજેક્ટ, કલ્પસર યોજના અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ માટે સૌ પ્રથમ સરવે કરીને નકશા આ વિભાગે તૈયાર કરી આપ્યા હતા. આટલા મહત્ત્વના આ વિભાગે હાલમાં જ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે ૨૫૧ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આપણે તેમની કામગીરીને બિરદાવવી રહી.
———————————.