તમારા માટે, તમારી સાથે, સતત…

કુમળી કાયા કૂખનું રુદન

મજબૂરીથી સરોગસી માટે તૈયાર થઈ

0 137

– હેતલ રાવ
hetalrao.abhiyaan@gmail.com

મહિલા દિવસ, વર્ષનો એક આખો દિવસ સ્ત્રીઓના નામે. આ..ખો દિવસ.. કેટલા ગર્વની વાત છે, કે મહિલાઓ માટે એક દિવસ ફાળવવામાં આવ્યો છે. ગર્વની વાત..? જોકે આ બધી પળોજણમાં ન પડીએ તો પ્રશ્ન એ થાય કે, શું મહિલાઓ માટે દિવસની જરૃર છે..? શું બધા દિવસ તેમના ન હોઈ શકે..? પરંતુ આવી વાતો કરતાં એ વાત જરૃર કરવા જેવી છે કે મહિલાઓને સૌથી વધુ તકલીફ કોણ આપે છે..? અને એ તકલીફ ભોગવવા માટે મજબૂર કોણ કરે છે..? એક સ્ત્રીને જેટલી કનડગત પુરુષ નથી કરતો તેટલી મુશ્કેલીઓ એક સ્ત્રી જ આપે છે અને અગણિત ઉદાહરણો છે, આવી જ કંઈક વાત આજે અહીં આલેખવામાં આવી છે….

‘સત્તર વરસની કુંદન ફાઇવસ્ટાર હોટલ જેવી એક હૉસ્પિટલમાં બેસીને રડી રહી હતી. તેની આજુબાજુ પસાર થતી નર્સ તેને કહેતી કે હવે રડવાનું બંધ કર અને અહીં રહેવાની આદી બન. અહીં રહેવાની.. એટલંુ સાંભળતા જ તેનો ગળામાં જ ભરાઈ રહેલો ડૂમો મોટા અવાજ સાથે બહાર આવી ગયો. પાસેના રૃમમાંથી નિમીષા બહાર આવી અને કહેવા લાગી કે, પહેલી વખતનું છે. કુંદને હામાં માથંુ ધૂણાવ્યું. નિમીષા નજીક જઈ તેને માથે હાથ ફેરવતાં કહેવા લાગી, ચિંતા ન કર, અહીં ઘણા બધા આપણા જેવા છે. સમય સાથે બધું બરાબર થઈ જશે. ત્યાં જ કંુદન કહે, પણ મારે ઘરે જવંુ છે. મને મા યાદ આવી છે. નિમીષા કહે, હવે તો નવ મહિના પછી જ જવા મળશે. કુંદન આંસુ સારતી નિમીષાને વળગી રહી.’ આ આખો સંવાદ બે સરોેગેટ માતા વચ્ચેનો હતો. આ બંનેમાંથી એક પણ દીકરી મરજીથી નહીં, પરંતુ મજબૂરીથી સરોગસી માટે તૈયાર થઈ હતી અને તેમાં પણ કુંદન તો હજુ નાની હતી. તેને તો માતા-પિતા અહીં મુકીને અમે થોડા દિવસોમાં આવીશું કહી ચાલ્યાં ગયાં હતાં. આવી એક બે નહીં, પરંતુ કેટલીય કુંદન હૉસ્પિટલોમાં સરોગસી માતાના નામે શોષણનો ભોગ બને છે અને આપણો ભદ્ર સમાજ આઠમી માર્ચે મહિલા દિવસનો ગર્વ કરે છે.

સરોેગેટ માતા આ વિષય પર ઘણુ લખાઈ ગયંુ છે, ઘણા બધા એવા કિસ્સા પણ બહાર આવ્યા છે જે સમાજ માટે કલંક સમાન છે. છતાં પણ સરોેગેટના નામ પર નાની બાળકીઓ અને મજબૂર મહિલાઓનું શોષણ હજુ પણ બંધ નથી થયું. આ વિશે કાયદો શું કહે છે તે વાતમાં તો આપણે પડવંુ જ નથી, કારણ કે કાયદામાંથી કેવી રીતે છટકવું તે લગભગ બધાને આવડતું જ હોય છે. ગુજરાતમાં દારૃબંધીનો કાયદો છે, પરંતુ ખરેખર ગુજરાતમાં દારૃબંધી છે. ઘણીવાર તો નજર સામે પણ દારૃની પોટલીઓ જોવા મળતી હોય છે. પીનારા વેચનારા અને જોનારા બધાને ખબર છે કે ક્યાં શું કરવું, પણ કોઈ કશું જ નથી કરતંુ. આવા તો અનેક કાયદા છે જે માત્ર બાહ્યરૃપે અમલમાં મુકાય છે અને અંદરખાને તેની એસી કી તેસી થાય છે.

૨૦૦૧માં સલમાનખાન, રાની મુખર્જી અને પ્રિટી ઝીંટાની ફિલ્મ ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ આવી હતી. જેમાં પ્રિટીએ રાનીના બાળકને જન્મ આપ્યો અને ફિલ્મના અંતમાં તેને સાંેપીને કાયમ માટે ચાલી ગઈ. ફિલ્મ થોડી અલગ રીતે દર્શાવવામાં આવી હતી, પરંતુ વાત માતા ન બનનારી મહિલાને મદદ કરવાની હતી. સરોગેટથી થોડી વાત અલગ હતી. પૈસા માટે ત્યાં પણ નવ મહિના કૂખ ભાડે લેવામાં આવી હતી. અંતમાં ભાડે કૂખ આપનાર માતાની મમતા જાગે છે. પછી તેને અહેસાસ કરાવવામાં આવે છે કે આ બાળક પર તેનો હક નથી વગેરે.. વગેરે અને અંતે ફિલ્મનો હેપી એન્ડ આવે છે, પરંતુ શંુ ખરેખર આ એન્ડ હેપી છે!
દેશની વાત કરીએ તો સરોગસીનું માર્કેટ એક અંદાજ પ્રમાણે ૬૩થી ૭૦ અબજ રૃપિયા જેટલું છે. ગર્ભ ધારણના સમય દરમિયાન સરોગેટ માતાઓ માટે સમૂહમાં આરામકક્ષ એટલે કે ડોમેટ્રીની વ્યવસ્થા કરવામાં આવે છે. જે બેબી ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. નિઃસંતાન દંપતીને આ રીતે સંતાન પ્રાપ્તિ થાય છે, પરંતુ એ મહિલાઓની પરિસ્થિતિ ખરેખર દયનીય છે જે પૈસા માટે પોતાની કૂખ ભાડે આપે છે. બીજાના ભ્રૂણને વહન કરે છે.

આ રીતે નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ કરાવવા માટે આખા દેશમાં આણંદ શહેર મશહૂર છે. ત્યાં ઘણી એવી હૉસ્પિટલો છે જેના નામ નહીં આપીએ તો પણ બધાને ખબર જ હશે કે આ જ બેબી ફેક્ટરી છે, કારણ કે આવી જાણીતી હોટલો જેવી હૉસ્પિટલમાં કોઈ પણ ક્ષોભ શરમ વિના બિનધાસ્તપણે સરોગેટના નામે કરોડોની કમાણી ચાલે છે. અને જો કંઈ પૂછીએ તો એમ કહીને ટાળી દે છે કે આ તો સેવાનું કામ છે. લાખો રૃપિયા લઈ, કોઈના જીવને જોખમમાં નાખી, સમજ વગરની બાળકીઓને માતા બનાવવાનું કામ તે સેવા છે. જો સેવા આને જ કહેવાતી હોય તો આવી સેવા સમાજ માટે ન થાય તે વધુ ઉત્તમ કહેવાશે. આણંદમાં ચાલતાં આ કાર્ય માટે ડૉક્ટરો પાસે એજન્ટ હોય છે. જે ૧૭ વર્ષની બાળકીઓથી લઈ ૨૪ વર્ષની યુવતીઓને આ કાર્ય માટે શોધે છે. એટલંુ જ નહીં, આ માટે તેમનાં માતા-પિતાને પણ તૈયાર કરે છે. જ્યારે આ કામ માટે એવી મહિલાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેનાં લગ્ન પછી ડિવોર્સ થઈ ગયા હોય, અથવા તો મોટી ઉંમર થવા છતાં લગ્ન ન થતાં હોય, કમાણીનો અન્ય વિકલ્પ ન હોય.

Related Posts
1 of 260

એજન્ટ મોહિત પટેલના શબ્દોમાં, (નામ બદલ્યું છે) ‘માત્ર ગુજરાત જ નહીં, પરંતુ ઘણી વાર બિહાર અને નેપાળ જેવા અનેક સ્ટેટમાંથી યુવતીઓને લાવીએ છીએ. જોકે નિઃસંતાન દંપતી સૌથી વધુ ગુજરાતની યુવતીઓ પર પસંદ ઉતારે છે. જ્યારે વિદેશી દંપતીઓને તો ગુજરાતની છોકરીઓ જ સરોગેટ માતા બની પોતાના બાળકને જન્મ આપે તેવો આગ્રહ હોય છે. આ માટે જરૃરિયાતવાળા પરિવારને શોધવામાં આવે છે. તે પોતાની દીકરી આ કામ કરવા માટે તૈયાર છે તેમ કહે ત્યારે ટોકન ૭૦ હજાર રૃપિયા અપાય છે. બેથી ત્રણ દિવસમાં યુવતી હૉસ્પિટલ પર આવે છે અને તેના તમામ રિપોર્ટ થાય છે. પછી આગળની પ્રક્રિયા શરૃ થાય છે. જો યુવતીને એક બાળક હોય તો પરિવારને ચાર લાખ રૃપિયા અને ટ્વિન્સ એટલે કે જુડવા બાળક રહે તો છ લાખ રૃપિયા આપવામાં આવે છે. જ્યારે નિઃસંતાન દંપતી એક બાળકના ૧૨થી ૧૫ લાખ અને ટ્વિન્સ બાળકના ૨૫ લાખ સુધી ચૂકવતાં હોય છે. એક વખત યુવતી પ્રેગ્નન્ટ રહે પછી બાળકને જન્મ ન આપે ત્યાં સુધી તે હૉસ્પિટલની બહાર જઈ શકતી નથી. એટલું જ નહીં, માતા-પિતા કે પરિવારના અન્ય સભ્યને પણ મળી શકતી નથી.

આ બધંુ થવા છતાં પણ પ્રેગ્નન્સી દરમિયાન કે પછી બાળકના જન્મ સમયે સરોગેટ માતાને કશું પણ થાય તો હૉસ્પિટલ, ડૉક્ટર કે પછી સંતાન પ્રાપ્તિ માટે પૈસી ખર્ચ કરતાં દંપતીની કોઈ જવાબદારી રહેતી નથી. આમ તો સરોગેટ માતાની ભૂમિકા સંબંધીની હોય છે, પરંતુ અહીં કોઈ ને કોઈ સંબંધ ઊભો કરવામાં આવે છે. સરોગેટ માતા બનતી માત્ર એક ટકા મહિલા જ સંબંધી હોય છે. બાકી દરેક સ્ત્રીની કૂખ ભાડે હોય છે.’

ત્રીજી વખત સરોગેટ માતા બનતી મનિષા કહે છે, ‘મારા પતિ આણંદની એક નાનકડી ફેક્ટરીમાં કામ કરે છે. તેમનો પગાર ઘણો ઓછો છે. ઘર ચલાવવું ઘણુ મુશ્કેલ બની ગયું છે. ઉપરથી ત્રણ દીકરીઓનો ખર્ચ તેમને અભ્યાસ કરાવવાના પૈસા નથી. હું પણ બધાના ઘરે કામ કરતી હતી, પરંતુ આવક પૂરી ન થતાં મેં મારી કૂખ ભાડે આપવાનો નિર્ધાર કર્યો. એક વખત તો બાળકને જન્મ આપ્યો. ત્યારે મને ચાર લાખ રૃપિયા મળ્યા જ્યારે બીજી વાર બે દીકરાઓ હતા જે વિદેશી દંપતીના હતા. તેમાં છ લાખ રૃપિયા ડૉક્ટરબહેને આપ્યા અને એક લાખ વધારાના વિદેશી દંપતીએ આપ્યા. ધીમે-ધીમે મારી તકલીફ દૂર થઈ છે માટે ત્રીજી વાર પણ મેં સરોગેટ મધર બનવાનું નક્કી કર્યું છે. માટે હું હાલ અહીં છું, પરંતુ સાચું કહું, મારી દીકરીઓ પરિવાર બહુ યાદ આવે છે. આ સુવિધા વાળી જેલ છે. જેમાં આવ્યા પછી નવ મહિના સજા કાપવી પડે છે. સરોગેટ હોવા છતાં પણ બાળક સાથે નવ મહિના લાગણીથી જોડાઈ જાય છે અને અંતે પૈસા લઈ તેને વેચવાનું કામ છે. મારી નજરે આ એક પાપ છે, જેની સજા મને મળશે, પરંતુ પરિવાર માટે આ પાપ કરવું પડે છે. જોકે મારી સાથે અહીં ઘણી નાની ઉંમરની દીકરીઓ છે જેમના હજુ રમવાના દિવસો છે અને તેમના પરિવારના લોકો માત્ર પૈસા માટે તેમને અહીં મોકલી આપે છે. અમારાથી તેમની તકલીફ જોવાતી નથી બસ તેમને શાંત્વના આપી શકીએ.’

૧૭ વર્ષની હેમા કહે છે, ‘મને અહીં રહેવું ગમતું નથી, પણ મારા કાકા મને અહીં મુકી ગયા છે. માતા-પિતા મરી ગયા છે અને કાકા-કાકી સાથે રહું છું. મેં ના કહી તો પણ મને અહીં રાખવામાં આવી છે. ગામડે તો બધાને એમ છે કે મને શહેરમાં ભણવા મુકી છે. મને પણ એમ કહીને જ અહીં લાવવામાં આવી હતી. કેવી-કેવી દવા અને ના ભાવતી વસ્તુ પણ મને ખવડાવે છે. મારી સાથે ઘણી બધી બીજી છોકરીઓ પણ છે.’

ડૉક્ટર માનસી કહે છે, ‘સરોગેસી મધર તે નિઃસંતાન માટે અંતિમ રસ્તો છે. જ્યારે અત્યારે તો બાળક ન થાય તો ધનિક લોકો આ જ રસ્તો અપનાવે છે. તો વળી ઘણા એવા કેસ પણ છે જેમાં સ્ત્રી માતા બનવા નથી માગતી. માટે લાખોના ખર્ચે આ રસ્તે પસંદગી ઉતારે છે અને દુઃખ એ વાતનું છે કે ડૉક્ટર પણ કમાણીના ભાગરૃપે માસૂમ બાળકીઓનો ભોગ લે છે. મરજી અને મજબૂરી વચ્ચે ઘણુ અંતર હોય છે અને તેના સ્પષ્ટીકરણ પછી જ સરોગસી માટે નિર્ણય લેવો જોઈએ.’

ઈશ્વરનું બીજું સ્વરૃપ ડૉક્ટર છે, પરંતુ આ રીતે મહિલાઓનું શોષણ કરતા ડૉક્ટરને શું ઉપનામ આપવું. મહિલા ડૉક્ટર મહિલાઓનું અને નાની બાળકીઓનું ખુલ્લેઆમ શોષણ કરે છે અને કહે છે કે આ તો નિઃસંતાન દંપતી માટે વરદાન છે. કોઈનું વરદાન બીજા માટે અભિશાપ બની જાય છે તે જોવાનું કામ ડૉક્ટરોનું નથી? આ વિશે ઘણી બધી વાતો થઈ છે, પરંતુ ખરેખર આવા ડૉક્ટરોને સજા મળે તે જરૃરી છે. મરજીથી સરોગેટ માતા બનવા તૈયાર થતી મહિલાઓની વાત અલગ છે, પરંતુ નાની બાળકીઓ જેમની રમવાની ભણવાની ઉંમરમાં તેમને માત્ર પૈસા માટે માતા બનાવવાનો કારસો ચાલે છે તે બંધ થવું જ જોઈએ. મહિલાઓને દિવસની ઉજવણીની જરૃર નથી. બસ, તેમને યોગ્ય સન્માન મળે તે જ સાચો મહિલા દિવસ છે.
————-.
સરોગેટ માતા માટે સમાજમાં રહેવું મુશ્કેલ
મજબૂરીનો ભોગ બનેલી મહિલા જ્યારે સરોગેટ માતા બનવાનો રસ્તો અપનાવે છે ત્યારે તેમના સમાજના લોકો ઘૃણાની નજરે જુએ છે. આ વિશે કોકિલા કહે છે, ‘મારા બાળકના ઓપરેશન માટે પૈસાની ગોઠવણ કરવા માટે થઈને હું આ રસ્તા પર ચાલી નીકળી, પણ જ્યારે નવ મહિના પછી પરત ફરી તો ખબર પડી કે પૈસા પણ મારા બાળકને ન બચાવી શક્યા. બીજી બાજુ મહોલ્લામાં રહેવું મુશ્કેલ બની ગયું. બધાની નજર મને અપરાધીની ભાવનાથી જોતી. અંતે મારા પતિ સાથે હું આણંદ શહેર છોડી અને કાયમ માટે અમદાવાદ રહેવા ચાલી ગઈ. મારા દીકરાને તો બચાવી ન શકી, પરંતુ નિર્ધાર કર્યો છે કે કોઈ માસૂમ દીકરીને મજબૂરીના નામે સરોગસીમાં નહીં જવા દઉં.’
——————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »