તમારા માટે, તમારી સાથે, સતત…

પ્રણયાદ્વૈતનો જયજયકાર

પ્રકૃતિ - માનવજગતના આ રીતે તાણાવાણા ગૂંથાયેલા છે.

0 377

વનસ્થલીમાં વસંત ઋતુ પ્રકટી, કુસુમો ખીલ્યાં, નવપલ્લવો ફૂટ્યાં, ભમરાઓનું ગુંજન શરૃ થયું, કોકિલોનું કૂજન આરંભાયું, પ્રણયનો સંદેશ હવામાં લહેરાયો. પ્રેયસીઓએ કર્ણમાં કૂંપળો પહેરી, વિલાસીઓ પ્રમત્ત બન્યા.

વસંત એ પ્રેમી નાયક અને વનશ્રી એ પ્રેમિકા નાયિકા. વસંતે પ્રેમિકાના ચહેરા પર પત્રલેખા ચિતરી ભમરાઓ રૃપે. કુરબકનાં વૃક્ષો પર મધુકરોનો ગુંજારવ મચી રહ્યો છે. બકુલવૃક્ષોને ખીલવવા માટે તેના મૂળમાં સુંદરીઓ મદિરાના કોગળા કરે છે, તો બકુલવૃક્ષો ખીલે એવી તો પ્રકૃતિ – માનવજગતની એકાત્મતા છે. આવો કવિસમય સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત છે અને પ્રકૃતિ – માનવજગતના આ રીતે તાણાવાણા ગૂંથાયેલા છે.

વસંત ઋતુના આગમનની સૌ પ્રથમ છડી પોકારનાર કેસૂડાનાં પુષ્પો હોય છે. કાલિદાસે વસંત ઋતુને મનભરીને ગાઈ છે. કેસૂડાંનાં પુષ્પો રાતા હોય છે. એટલે કાલિદાસ કલ્પે છે કે, પ્રેમમાં ઉન્મત્ત બનેલી પ્રેમિકાનાં અંગો પર તેના પ્રિયતમે કરેલા નખક્ષત જેવાં આ કેસૂડાં છે! વસંત ઋતુ એટલે જ પ્રણયનો વૈતાલિક. વસંત એટલે જ પ્રણયનો ઉદ્ઘોષ અને પર્યાય. કેસૂડાંનાં પુષ્પો કંઈક વક્ર છે, લાલ છે એટલે એ ઊગતા બાલચંદ્ર સમા છે. આરંભમાં કેસૂડાં અર્ધખિલ્યાં છે. એટલે, વસંતરૃપી પ્રેમીએ પોતાની પ્રિયતમાનાં અંગો પર કરેલા નખક્ષતો એ કેસૂડાં છે.

સૃષ્ટિતંતુ આગળ ચલાવવા દેવોના દેવ મહાદેવ શિવ સમાધિમાંથી જાગૃત થઈ, પાર્વતીને પ્રેમ કરે તે આવશ્યક છે. તો, આવું કઠિન કાર્ય તો વસંત ઋતુની સહાયથી જ પ્રેમના દેવ કામદેવ પાર પાડી શકે ને! એટલે વાતાવરણમાં વસંત પ્રકટી ઊઠી છે. દક્ષિણ દિશામાંથી મલયાનિલ વાવા લાગ્યા છે. અશોક વૃક્ષો પર મંજરીઓ મહેંકવા લાગી છે. નવમંજરી તો કુસુમાયુધનાં બાણો છે. બાણાવળીઓનાં બાણો પર તેમનાં નામ લખેલાં હોય છે. તો નવમંજરીના માદક પરિમલથી ખેંચાઈ આવી તેના પર બેઠેલા ભ્રમરો એ કામદેવનાં નામાક્ષરો છે. તિલકવૃક્ષનાં પુષ્પો પર ભમરાઓ બેસે છે તો, વસંતશ્રી રૃપી યુવતીએ પોતાના મુખ પર જે ચિત્રણ કર્યું છે તેમાંની કાજલરેખા છે.

Related Posts
1 of 262

આમ્રવૃક્ષનાં નવપલ્લવો રાતાં છે. તો વનશ્રીરૃપી યૌવનાના રાતા અધરોષ્ઠ છે. યૌવનાએ આમ્રમંજરીઓનું પ્રાશન કર્યું છે અને તેનો કંઠ ખૂલી ગયો છે અને કોકિલો દ્વારા મધુર કૂજન કરી રહી છે. કોકિલોનું કૂજન તે જાણે કામદેવનો આદેશ છે અને તેનું પાલન માનુનીઓ કરી રહી છે અને પોતાનાં રીસામણાં ત્યજી રહી છે. પ્રિયાને અનુસરતો ભ્રમર કુસુમના એક જ પાત્રમાંથી પ્રિયાએ પીતાં શેષ મધુનું પાન કરવા લાગે છે. કાળિયાર મૃગ પોતાની મૃગલીને પોતાના શિંગડાની અણીથી ખણવા લાગે છે. તો મૃગલી પોતાની આંખો મીંચીને સ્પર્શસુખને માણી રહી છે. હસ્તિની પોતાના મુખમાં પંકજપરાગથી સુગંધિત જળ ભરીને પોતાના પ્રિયતમ ગજરાજને અર્પી રહી છે. ચક્રવાક અર્ધા ખાધેલા વાંસના ટુકડાને પોતાની પ્રિયા ચક્રવાહીને આપી રહ્યો છે. તરુઓ પ્રેમી બની ગયા છે. પુષ્પસ્તબકો રૃપી સ્તનપ્રદેશ ધરાવતી, ખીલેલા નવપલ્લવોરૃપી ઓષ્ઠથી સુંદર લાગતી લતાસુંદરીઓને આલિંગન આપી રહ્યાં છે, પોતાની શાખાઓરૃપી હાથોથી.

પણ યોગીરાજ તો સમાધિમાં નિશ્ચલ-લીન છે, પણ યોગીરાજ શિવને પતિરૃપે મેળવવાની કામના કરતી પાર્વતી તે વેળાએ જ શિવના અર્ચન માટે આવી પહોંચી. વસંતનો વૈભવ સોળે કળાએ ખીલેલો છે. સમગ્ર સૃષ્ટિ પ્રેમમય બની ગઈ છે. પાર્વતી શિવ પાસે પહોંચે છે અને કામદેવ પોતાનું અમોઘ બાણ પણછ ચઢાવે છે અને અરે… અરે… યોગસમાધિમાં ધ્યાનસ્થ, યોગીઓના પણ યોગી શિવ એકાએક વિહ્વળ થઈ જાય છે. તેમનું ધૈર્ય લુપ્ત થઈ જાય છે. ચંદ્રોદય થતાં જેમ સમુદ્રનો જળરાશિ ઊછળવા માંડે તેમ તેમનામાં વિકાર જાગવા લાગે છે, અંદરથી શિવ ખળભળી ઊઠ્યા છે. સામે પોતાનું અર્ચન કરવા મત્તયૌવના પાર્વતી ઊભી છે અને તેના અધરોષ્ઠને શિવ નિહાળે છે. સાધારણ મનુષ્યને બે નેત્ર હોય છે અને તે બે નેત્રોથી નિહાળે છે. દેવાધિદેવ શિવને તો બે નેત્રો ઓછા પડે એટલે પાર્વતીના અધરોષ્ઠ પર પોતાનાં ત્રણે વિલોચનો (વિલોચનાનિ) વ્યાપારિત કરે છે. આ વસંત ઋતુનો પ્રભાવ છે, પ્રણયની ઉદ્ઘોષણા છે, સૃષ્ટિના મૂળમાં રહેલી સિસૃક્ષા (સર્જનની ઇચ્છા)નો જય છે!

સંસ્કૃતનો કવિ, પેલા અંગ્રેજી કવિની જેમ પ્રકૃતિ અને સ્ત્રી બંનેને ચાહે છે. સંસ્કૃતનો કવિ પ્રકૃતિને સ્ત્રીરૃપે ચાહે છે અને સ્ત્રીને પ્રકૃતિરૃપે ચાહે છે. આમ પ્રકૃતિ અને માનવજગતનું સામંજસ્ય-સાયુજ્ય સંસ્કૃત કવિ સાધે છે. કાલિદાસ આ સર્વ સંસ્કૃત કવિઓનો પ્રતિનિધિ છે. પ્રકૃતિ અને માનવ વચ્ચે સંસ્કૃત કવિતામાં સંવાદિતા છે. ઉપનિષદના ઋષિએ ‘સર્વમ્ ખલું ઇદં બ્રહ્મ- આ સમસ્ત જગત ચૈતન્યરૃપ છે’ એમ ઉદ્ઘોષ કર્યો. તો સંસ્કૃત કવિએ એ મહાસત્યને પોતાની કવિતામાં ગાયું અને પ્રણયાદ્વૈતનો જયજયકાર સાધ્યો.

——————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »