તમારા માટે, તમારી સાથે, સતત…

ભગવતીભાઈ, ચંદ્રશેખર ‘ભઈયા’, ભગતસિંહ અને દુર્ગાભાભી…

તેમનાં મૃત્યુથી ભગતસિંહ-યુગનો છેલ્લો સિતારો પણ અસ્ત પામ્યો.

0 474

બસ, એક જ વાર મળવાનું થયું હતું. આપણાં તેજસ્વિની ક્રાંતિકારિણી દુર્ગાભાભીને.

ગાઝિયાબાદની રાજનગર કોલોનીમાં તેમના અંતિમ દિવસો વીત્યા. એક શાળા ચલાવી. ૧૯૮૩ સુધી લખનૌ હતા, પછી ૭પ વર્ષની જૈફ વયે ગાઝિયાબાદ આવ્યાં. પુત્ર શચીન્દ્રનાથે તેમને સાચવ્યા અને થોડાંક વર્ષો પછી અવસાન પામ્યાં.

તેમનાં મૃત્યુથી ભગતસિંહ-યુગનો છેલ્લો સિતારો પણ અસ્ત પામ્યો. એ પૂર્વે બટુકેશ્વર દત્તે વિદાય લીધી તે દિલ્હીની એક હૉસ્પિટલમાં. કૅન્સર થયું હતું, પણ તેમના ચિંતનને કોઈ રોગગ્રસ્ત કરી શક્યું નહોતું. હૉસ્પિટલના કમરામાં, સામાન્ય સારવારથી ઘેરાયેલા બટુકેશ્વરે ક્રાંતિ અને ક્રાંતિકારની આદ્યાત્મિક ચરમસીમા વિશે જે વાત કરી તે મારા હૃદયપટ પર આજેય એવી ને એવી જ અ-ક્ષત જળવાયેલી છે.

બટુકેશ્વર દત્ત પછી દુર્ગાભાભી.

અને દુર્ગાભાભી તો ગુજરાતી ભગવતીચરણનાં જીવનસંગિની. ઘરની ચાર દીવાલની વચ્ચે જ નહીં, તેમનાં ક્રાંતિવિશ્વ સાથે સંપૂર્ણ પ્રતિબદ્ધ! ઘરની બહાર નેમ-પ્લેટ હતી ઃ શચીન્દ્રનાથ બોહરા. આજે તો તેઓ પણ વિદાય લઈ ચૂક્યા છે.

દુર્ગાભાભી; દૂર્બળ દેહી. ખાદીની સાડી. ચશ્મામાંથી ધીર-ગંભીર નજર. મેં કહ્યું કે, મારે તમારા યુગને તમારા જ શબ્દોમાં સાંભળવો છે, તો તેમના મનના ખૂણે જળવાયેલાં સંસ્મરણો સળવળી ઊઠ્યાં.

‘એ (ભગવતીચરણ) લાહોરમાં ભણતા હતા. ઇન્ટરને વર્ષ પૂરું થયા પછી લાલા લાજપતરાયની નેશનલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૯ર૩માં બી.એ. થયા. મેં ‘પ્રભાકર’ પદવી મેળવી. નેશનલ કૉલેજમાં તો ભાઈ પરમાનંદ જેવા ક્રાંતિકાર ભણાવતા હતા, તેમનો સંગ થયો. જાણે કે સંજીવનીનો સ્પર્શ! પિતા બ્રિટિશ સામ્રાજ્યના વફાદાર રાયબહાદુર, સમાજમાં મોટી પ્રતિષ્ઠા, ઘરે નોકર-ચાકરની ફોજ, એક મોટો સિગરામ (શણગારેલી ગાડી) ગાઝિયાબાદના ઉદયવીર શાસ્ત્રી પણ અધ્યાપક હતા. બધા સાંગોપાંગ દેશભક્તો. ભગતસિંહ સહિત સૌના ગુરુજનો! ૧૯ર૧માં કોંગ્રેસે ચળવળ શરૃ કરી હતી. સ્વદેશભક્તિને વ્યક્ત કરવાનું એ મોટું નિમિત્ત બન્યું. એ જ સમયે ભગતસિંહ અને સુખદેવ તેમજ ભગવતીચરણ એકબીજાના સંપર્કમાં આવ્યા. અસહકાર આંદોલન તો વિંટાળી લેવાયું, પણ કંઈક વધુ પ્રચંડ બનવાની એષણા ક્યા અસ્ત થવાની? આ બધા યુવકોએ એક સંસ્થાની સ્થાપના કરી. નામ રાખ્યું ‘નૌજવાન ભારત સભા’. નેશનલ કૉલેજનું મેદાન, લાહોરનો ખાદી ભંડાર અને ‘પરી મહેલ’ એ યુવકોનાં મિલન સ્થાનો બની ગયાં. ર૪ કલાક બસ, એક જ ઇચ્છા- ભારત માટે સંઘર્ષ કરવો.

‘તમારો ભગતસિંહ સાથેનો પરિચય ક્યારે થયો?’ મેં પૂછ્યું.

દુર્ગાભાભીએ સ્મૃતિ ખંખોળી ઃ ‘પહેલીવાર ભગતસિંહને જોયો ત્યારે લબરમૂછિયો યુવક હતો તે. માથા પર મેલી ખાદીની પઘડી. પંજાબી વસ્ત્રો. મને કહેવામાં આવ્યું કે નૌજવાન ભારત સભાનો આ સૌથી જુસ્સાદાર યુવક સભ્ય છે. એ વખતે તો ક્યાંથી કલ્પના આવે કે આ છોકરડા જેવો યુવક દેશ આખાને હચમચાવી મૂકશે! દુનિયા આખીમાં, ‘શહીદે આઝમ’ તરીકેની તસવીરો લાગશે!

‘…અને ચંદ્રશેખર આઝાદ?’

દુર્ગાભાભીની આંખોમાં ભીનાશ હતી. કહેતાં હતાં. ‘૧૯ર૯માં ભૈયા આઝાદને પહેલીવાર મળવાનું બન્યું. એ સમયે દિલ્હી મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. ભગવતીચરણે મને લાહોરથી દિલ્હી બોલાવી. વૈશમ્પાયન પણ સાથે હતા. એક અગોચર, ગુપ્ત સ્થાને અમે મળ્યાં. તેજસ્વી અને સ્વસ્થ દેહી યુવાન. એ જ સમયે મેં અનુભવ્યું કે કોઈ અલૌકિક દિવ્યાત્માની સમક્ષ હું ઊભી છું! નિર્ભિક ચહેરો, આંખોમાં સરળતા ખરી, પણ કોઈક અનોખું તેજ. તેમનું વ્યક્તિત્વ ઊંચેરા શિખર સરખું હતું. કોઈ પ્રપંચ નહીં. બુલંદ અને મસ્તમૌલા! અ-પાર સમસ્યાઓની વચ્ચેય સહન-સરળ અને અ-ગંભીર રહે.’

એક સુશીલાદીદી હતાં, અમારી ક્રાંતિમંડળીના સભ્ય. અમે બંને ક્રાંતિકારોને સાચવતા. બંને આઝાદ ભઈયાને મળવા જતાં. આઝાદ એવા મતના કે સ્ત્રી સ્વભાવે કોમળ અને સુંદર હોય છે. ક્રાંતિના ધખધખતા રસ્તે આ બંને બાબતો અવરોધક બને છે. અમે કહેતાં, ભઈયા, અમારી કસોટી કરો. અગ્નિપરીક્ષા માટે તૈયાર છીએ; પછી નક્કી થયું કે બોમ્બ પ્રવૃત્તિ શરૃ કરી દેવી. દિલ્હીના એક નાનકડા મકાનમાં અમે તો બોમ્બની ફેક્ટરી બનાવી. તેમાંથી જ ભગવતીચરણ વિસ્ફોટક સામગ્રી લઈને લાહોરની રાવી નદીના કિનારે પરીક્ષણ માટે ગયા. (ત્યારે ભગતસિંહ લાહોર જેલમાં હતા અને તેમને છોડાવવા માટે આ પ્રયોગ થવાનો હતો) પણ ર૮ મે, ૧૯૩૦ એ રાતે રાવી કિનારે વિસ્ફોટ અચાનક થતાં એ (ભગવતીચરણ) ઘવાયા, શરીર ક્ષત-વિક્ષત થઈ ગયું. તેમનું મોત થયું હતું, અમે તો લાહોરના મકાનમાં તેમની રાહ જોઈ રહ્યાં હતાં. આઝાદ પણ હતા. હું તો શૂન્યમનસ્ક થઈ ગઈ. આઝાદને પહેલીવાર એક બાળકની જેમ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડતા જોયા. કોણ કોને આશ્વાસન આપે? અને આ રુદન બહાર સંભળાય તો તુરત આશંકિત પોલીસ દોડી આવે.

ભગવતી તેમના પરમ મિત્ર હતા. તેની વિદાય પછી મારા ત્રણ વર્ષના પુત્ર શચિને છાતી પર લગાવીને રાતભર જાગતા રહ્યા. તેને જલેબી ખવડાવી. પીઠ થપથપાવીને સૂવડાવ્યો. ક્યારેક કહેતા ઃ ‘તું અમારા ક્રાંતિદળનો અમૂલ્ય ખજાનો છે બેટા!’

‘અને… ર૮ ફેબ્રુઆરી, ૧૯૩૧મીએ આઝાદને અલ્હાબાદના બાગમાં ઘેરી લેવાયા. છેલ્લી પળ સુધી તે પિસ્તોલથી ગોળીબાર કરીને પોલીસને હંફાવતા રહ્યા. અલ્હાબાદ પાર્કમાં તેમની શહીદી પછી અમે સૌ ગુપ્ત સ્થાને અંજલિ આપવા એકત્રિત થયાં ત્યારે મેં કહ્યું હતું ઃ આઝાદ પોતાનાં જ સપનાંઓમાં ડૂબેલા કલાકાર હતા. તેમની અંદર-બહાર બધું જ પવિત્ર હતું. અત્યંત કોમળ હૃદય અને કઠોર કર્તવ્યનો સંગમ હતા…’

Related Posts
1 of 142

દુર્ગાભાભીની આંખમાં અશ્રુધારા છે. પચાસ વર્ષ પૂર્વેની સ્મૃતિ પણ કેવી દિવ્ય-ભવ્ય અને પ્રગાઢ હતી?

સંસ્મરણોની યાત્રા થોડા વિરામ પછી આગળ વધી.

‘૧૮ એપ્રિલ, ૧૯ર૮. લાલા લાજપતરાયના નેતૃત્વમાં જૂલૂસ નીકળ્યું. લાઠીમાર થયો. લાલાજી ઘવાયા અને પછી દેહાવસાન થયું. તેના બરાબર એક મહિના પછી આઝાદ ભઈયા અને ભગતસિંહ, રાજગુરુએ ભરબજારમાં લાલાજીના હત્યારા સોન્ડર્સને વિંધી નાખ્યો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચનનસિંહ ગોળી ચલાવતા ભગતસિંહની પાછળ દોડ્યો. આઝાદ ભઈયાએ તેને ઠાર કર્યો. સોન્ડર્સની હત્યાથી લાહોરમાં ભારે ખળભળાટ મચી ગયો. ચારે તરફ બ્રિટિશ પોલીસ અને જાસૂસોની જાળ બિછાવવામાં આવી. નૌજવાન ભારત સભાએ તો દીવાલો પર પોસ્ટર્સ લગાવીને સત્તાને પડકારી હતી. હા, અમે લાલાજીના મોતનો બદલો લીધો છે…

અને પછી?

એ ઘટના અદ્દભુત અધ્યાયની જેમ જળવાયેલી છે.

‘એક દિવસે હું લાહોરની ગલીના એક નાનકડા મકાનમાં બેઠી હતી. અચાનક બારણાની સાંકળ ખખડી. જરીક આશંકા થઈ. બારણું ખોલ્યું તો સામે સુખદેવ હતો.

‘શું થયું?’ મેં પૂછ્યું.

તેણે કહ્યું, ભાભી, આજે જીવને મુઠ્ઠીમાં રાખીને તમારે એક કામ કરવું પડશે.

‘શું’ મેં પૂછ્યું.

સુખદેવ ઃ આપણે ભગતસિંહને લાહોરની બહાર લઈ જવો છે. બહુ અઘરું છે. પોલીસ બધે પાછળ પડેલી છે.

મેં કહ્યું કે, ચિંતા ના કરો. બધું થઈ રહેશે. બે કલાક પછી અંગ્રેજી કેપ, ઓવરકોટ પેન્ટ, શર્ટ પહેરેલો યુવક આવ્યો. અરે, આ તો ભગતસિંહ! મારે આ ‘સાહેબ બહાદુર’ની પત્ની તરીકેની ભૂમિકા ભજવવાની હતી. સાથે મારો શચીન્દ્ર પણ રહેશે. ‘પત્ની’ અને ‘બાળક’ સાથે તેને જોતાં પોલીસ ભરમાઈ જશે.

એવું જ થયું.

લાહોર રેલવે સ્ટેશને અમે પહોંચ્યાં. મેલાઘેલાં કપડાંવાળો એક નોકર સાથે રહ્યો! અમે રેલના ડબ્બામાં ટિકિટ લઈને ચડ્યા. ભગવતીચરણ મેરઠ-કેસને લીધે ભૂગર્ભમાં હતા, પોલીસ તેને પકડી શકી નહોતી. એ જ સમયે કોલકાતામાં કોંગ્રેસનું અધિવેશન થવાનું હતું. સુખદેવ પણ સાથે હતો. સવારે પાંચ વાગે ટ્રેન હતી.

(ક્રમશઃ)

—————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »