તમારા માટે, તમારી સાથે, સતત…

ખોટું કરનારાઓને સહાનુભૂતિ નહીં

અચાનક 'કોરોના' વાઇરસના ફેલાવાના કારણે અમેરિકામાંથી ઇન્ડિયા આવવાની વિમાની સેવાઓ બંધ થઈ ગઈ

0 339
  • વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ

ન્યૂ જર્સીમાંથી એક બહેનનો હમણા જ ફોન આવ્યો. એમણે આ કટારના લેખકની સલાહ માગી.

જાન્યુઆરી, ૨૦૧૯માં મુંબઈમાં આવેલ અમેરિકન કૉન્સ્યુલેટમાં અમેરિકા જવા માટે એમણે વિઝિટર વિઝાની અરજી કરી હતી. એમને દસ વર્ષના મલ્ટિ-એન્ટ્રી ‘બી-૧/બી-૨’ વિઝા આપવામાં આવ્યા હતા. માર્ચ, ૨૦૧૯માં તેઓ અમેરિકા ગયાં. ત્યાં પ્રવેશતાં એમને ત્યાં રહેવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો. એે સપ્ટેમ્બર, ૨૦૧૯માં પૂરો થતો હતો. એમણે મે, ૨૦૧૯માં જ અરજી કરીને એ સમય છ મહિના વધારવાની માગણી કરી હતી. એ મંજૂર થઈ હતી. તેેઓ કુલ એક વર્ષ કાયદેસર અમેરિકામાં રહેવાને લાયક હતાં. માર્ચ, ૨૦૨૦માં એમણે અમેરિકા છોડીને ઇન્ડિયા પાછાં આવી જવાનું હતું. અચાનક ‘કોરોના’ વાઇરસના ફેલાવાના કારણે અમેરિકામાંથી ઇન્ડિયા આવવાની વિમાની સેવાઓ બંધ થઈ ગઈ હતી. તેઓએ એ જાણવા ચાહ્યું કે હવે જ્યારે ‘કોરોના વાઇરસ’ના કારણે જે લૉકઆઉટ છે એ બંધ થતાં અને આંતરદેશીય વિમાની સેવાઓ શરૃ થતાં તેઓ ઇન્ડિયા આવે પછી જો પાછાં અમેરિકા જવા ઇચ્છે તો એમને આપવામાં આવેલ દસ વર્ષ મલ્ટિ-એન્ટ્રી ‘બી-૧/બી-૨’ વિઝા ઉપર જઈ શકે? એમનો અમેરિકામાં જે ઓવરસ્ટે થયો હતો એ ‘કોરોના’ વાઇરસના કારણે થયો હતો આથી અમેરિકાનું ઇમિગ્રેશન ખાતું એમનો ઓવરસ્ટે માફ કરશે? એમને અમેરિકામાં પાછા એમના વિઝા ઉપર જવા દેશે?

પ્રશ્ન સાંભળીને આ કટારના લેખકે પહેલાં તો હકારમાં જવાબ આપ્યો. ઓવરસ્ટે કુદરતી સર્જેલી પરિસ્થિતિને કારણે થયો હતો એટલે એમના દસ વર્ષના મલ્ટિ-એન્ટ્રી ‘બી-૧/બી-૨’ વિઝા કેન્સલ કરવામાં નહીં આવે અને એમને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવશે.

Related Posts
1 of 319

આવી સલાહ આપ્યા બાદ, થોડો વિચાર કરતાં, આ કટારના લેખકે એ મહિલાથી થોડી ઊલટતપાસ કરી એમને જાણવા મળ્યું કે, એ સ્ત્રીએ જ્યારે વિઝાની અરજી કરી હતી ત્યારે ફૉર્મ ડીએસ-૧૬૦માં એમણે જણાવ્યું હતું કે એ અમેરિકામાં ફક્ત ત્રણ અઠવાડિયાં જ રહેવા ઇચ્છે છે. ત્રણ અઠવાડિયાંમાં પાછી આવવાની છે એવું અમેરિકાના ઇમિગ્રેશન ઓફિસરને ખાતરી કરાવી શકે એ માટે એમણે ત્રણ અઠવાડિયાંની રિટર્ન ટિકિટ પણ લીધી હતી. અમેરિકામાં એમની બહેન વર્ષોથી રહે છે. ગ્રીનકાર્ડધારક છે, એ વાત એમણે ફૉર્મ ડીએસ-૧૬૦માં જણાવી નહોતી.  ન્યૂ જર્સીમાં તેઓ એક હોટેલમાં રહેવાના છે એવું એમણે ફૉર્મમાં જણાવ્યું હતું, અમેરિકા જઈને એમણે તરત જ એમની રિટર્ન ટિકિટ કેન્સલ કરાવી નાખી હતી. રહેવા બહેનના ઘરે જ ગયાં હતાં. એમની બહેનનો અમેરિકામાં સ્ટોર છે. એ ચલાવવામાં તેઓ એમની બહેનને મદદ કરતાં હતાં. મારી તબિયત બગડી ગઈ છે. હું અમેરિકાથી ઇન્ડિયાનો પ્રવાસ કરી શકું એમ નથી એવું એક ઇન્ડિયન ડૉક્ટરનું સર્ટિફિકેટ આપીને એમણે અમેરિકામાં એમનો રહેવાનો સમય વધારવાની અરજી કરી હતી. અમેરિકાના એક વર્ષથી વધુના વસવાટ દરમિયાન તેઓ કશે પણ ફરવા ગયાં નહોતાં. ઊલટાનું એનાં બહેન અને બનેવી એ દરમિયાન સેન ફ્રાન્સિસ્કોમાં એમના બનેવીનો ભાઈ રહેતો હતો એને મળવા એક મહિનો ત્યાં ગયાં હતાં. એ દરમિયાન બહેનનો સ્ટોર એમણે જ એકલાએ ચલાવ્યો હતો. દર મહિને એમની બહેન એમને ચારસો ડૉલર આપતી હતી એ પૈસા એમણે બૅન્ક ટ્રાન્સફર દ્વારા ઇન્ડિયા એમની માને મોકલ્યા હતા.

દેખાતી હતું કે એ બહેને ઇરાદો જૂઠું બોલીને ‘મારે અમેરિકા ત્રણ અઠવાડિયાં જ રહેવું છે.’ એવું ખોટું બોલીને એની બહેન અમેરિકામાં રહે છે અને ગ્રીનકાર્ડધારક છે ને એ એના ઘરે જ રહેવાની છે એ એમણે સાચી વાત છુપાવીને વિઝા મેળવ્યા હતા. એમનો ઇરાદો પહેલેથી જ અમેરિકામાં એક વર્ષ રહેવાનો હતો. એટલે જ એમણે ત્રણ અઠવાડિયાંની જે રિટર્ન ટિકિટ લીધી હતી એ તુરંત જ કેન્સલ કરાવી હતી. અમેરિકામાં રહેવાનો સમય લંબાવવા માટે જે અરજી કરી હતી એ પણ જૂઠાણા ભરેલી હતી. ડૉક્ટરનું સર્ટિફિકેટ પણ ખોટું હતું. હા, ‘કોરોના’ વાઇરસના કારણે એ વર્ષ પૂરું થતાં ઇન્ડિયા આવી ન શકી, પણ એનો આગલો ઇતિહાસ દેખાડી આપતો હતો કે એણે અમેરિકામાં લાંબો સમય રહેવા માટે અને વિઝા મેળવવા માટે જૂઠાણાનો આશરો લીધો હતો.

‘બહેન, તમારી આ બધી ચાલાકી અને જૂઠાણાં જોતાં એવું લાગે છે કે અમેરિકાનું ઇમિગ્રેશન ખાતું તમારા પ્રત્યે દયા નહીં દાખવે. તમારે ‘કોરોના’ વાઇરસના કારણે અમેરિકામાં વધુ રહેવું પડ્યું એ કારણ તેઓ ભલે સ્વીકારે, પણ તમે ‘બી-૧/બી-૨’ વિઝા મેળવતા અને એ પછી જે ખોટું કર્યું. અમેરિકામાં કામ કર્યું. આ બધાં કારણોને લઈને તેઓ તમારા વેલિડ દસ વર્ષના મલ્ટિ-એન્ટ્રી બી-૧/બી-૨ વિઝા ઉપર તમને અમેરિકામાં પ્રવેશવા નહીં દે. તેઓ કદાચ તમને અમેરિકામાં પાંચ યા દસ વર્ષ માટે પ્રવેશ ન આપવો એવો પ્રતિબંધ પણ મૂકશે.’

‘કોરોના’ વાઇરસના કારણે અનેક ભારતીયો, જેઓ અમેરિકામાં હશે, તેઓ મુશ્કેલીમાં મુકાયા હશે તેઓ જો સાચા હશે, એમણે વિઝા મેળવવા માટે કંઈ ખોટું નહીં કર્યું હોય તો અમેરિકાની સરકાર એમના પ્રત્યે જરૃરથી સહાનુભૂતિ દર્શાવશે, પણ જો એમણે કંઈ ખોટું કર્યું હશે વિઝા મળ્યા બાદ કંઈ ખોટું કર્યું હશે તો જરૃરથી તેઓ દયાને પાત્ર નહીં રહે. ખોટું કરનારાઓને કોઈ પણ દેશ, અમેરિકા તો સહાનુભૂતિ નહીં જ  દાખવે.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »