- વુમન્સ ડે સ્પેશિયલ
‘તમે ધનવાન હોવ કે નિર્ધન, ક્યારેક ભૂખ્યા રહેવાનો અનુભવ કરજો. આ અનુભવથી તમને જીવનની કિંમત સમજાશે. ભૂખ તમને કેટલા મજબૂર બનાવે છે તેનો પણ અહેસાસ થશે. હું ૭૧ વર્ષની છું, પરંતુ આજે પણ ઘણી વાર ભૂખી રહું છું, કારણ કે હંમેશાં મને યાદ રહે કે હિન્દુસ્તાનમાં અનેક બાળકો એવાં છે જે ભૂખથી ટળવળતાં હોય છે.’ આ શબ્દો છે સિંધુતાઈના જે આજે હજારો બાળકોનાં માઈ છે.
સિંધુતાઈ અનાથ બાળકોનો સહારો છે. ઘણી બધી મુશ્કેલીઓને લડત આપીને તેમને પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળતા મળી. આજે પણ તેમના સપનાનું લિસ્ટ ઘણુ લાંબું છે. તેમના જ શબ્દમાં વાત કરીએ તો માઈ કહે છે, ઉંમરનો એક પડાવ પાર કરી ચૂકી છું, પરંતુ મારા સપનાંઓને એ વાતની ક્યાં ખબર છે. મારાં સપનાંઓ મને ક્યારેય થાકવા નથી દેતાં. હું એ દરેક બાળકની માતા બનવા ઇચ્છંુ છું જે માતૃત્વના પ્રેમ માટે તરસે છે, તડપે છે.
પોતાના અંગત જીવનમાં પ્રેમથી કોસો દૂર રહેનારા સિંધુતાઈનું જીવન ઘણુ દુઃખદ હતું. પોતાની વ્યથા વર્ણવતાં તેઓ કહે છે, દીકરીનો જન્મ થાય તો કોઈ ગુડિયા કહે છે, તો કોઈ રાજકુમારી, પરંતુ મારી માતાએ મારું નામ ચીંદી રાખ્યું હતું. તેમના જીવનમાં મારું કોઈ જ મૂલ્ય નહોતું. લગ્ન પછી પણ મને સારી જિંદગી ના મળી. સાસરિયાંએ મને પથ્થર મારીને ઘરની બહાર કાઢી મુકી હતી. ત્યારે મારી પાસે ભીખ માગવા સિવાય કોઈ જ રસ્તો નહોતો. સ્મશાનમાં જતાં પણ મહિલા વિચાર કરે છે ત્યારે હું ચિતા પર રોટલી શેકીને ખાતી હતી. મુશ્કેલીઓ વ્યક્તિને કંઈ ને કંઈ શીખવાડીને જાય છે, આ ભૂખે મને જિંદગીનો સાચો અર્થ શીખવી દીધો. ફૂટપાટ અને રેલવે પ્લેટફોર્મ પરના જીવની વાસ્તવિકતા ત્યારે જ હું સમજી શકી. આ સમય એવો હતો જ્યારે મેં નક્કી કર્યું કે હવે જીવનની છેલ્લી ક્ષણ સુધી આવા જ લોકો માટે જીવીશ.
બે, પાંચ નહીં પરંતુ વર્તમાન સમયમાં સિંધુતાઈ લાખો લોકોનો સહારો બન્યાં છે. તેમની દીકરી પણ માઈના આ કામમાં સહકાર આપે છે. સિંધુતાઈ કહે છે, અનાથોનો સહારો બનવા માટે મારી દીકરીને મેં બીજાના સહારે છોડી હતી. તેના ઉછેરમાં મારા કરતાં અન્યનો હાથ વધારે છે, પરંતુ જ્યારે મારી દીકરી બીજાની સેવા કરે છે ત્યારે મને ઘણુ જ સારું લાગે છે.
પતિએ જ્યારે ઘરમાંથી કાઢી મુક્યા હતા ત્યારે સ્થિતિ કેવી હતી? અને તેમને માફ કેવી રીતે કરી શક્યા? આ વાતના જવાબમાં માઈ કહે છે, માફી આપવી સહેલી નથી અને એ વ્યક્તિને જેણે તમને મરવા માટે છોડી દીધી હોય, તેને તો ક્યારેય માફ ના કરી શકો, પરંતુ પછી મને વિચાર આવ્યો કે જો તેેમણે મને ઘરમાંથી કાઢી ના મુકી હોત તો આજે મારું જીવન આટલંુ અર્થપૂર્ણ ક્યારેય ના બની શક્યું હોત.
————————-