- વુમન્સ ડે સ્પેશિયલ – સુચિતા બોઘાણી કનર
દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કચ્છના નાનકડા ગામ કુકમાનાં મહિલા સરપંચે નવતર પહેલરૃપે ગામના રસ્તાઓને વિદ્યાર્થિનીઓનાં નામ આપ્યાં.
સરકાર ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના કાર્યક્રમો કરે છે, પરંતુ પરિણામ બહુ ઉત્સાહજનક હોતું નથી. તેવામાં કચ્છના એક નાનકડા ગામ, કુકમાનાં મહિલા સરપંચે ભણેલી દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે નવતર પહેલ કરી છે. તેમણે ગામના રસ્તા, શેરીઓને સૌથી વધુ ભણેલી દીકરીઓનાં નામ આપ્યાં છે. આનાથી દીકરીઓને વધુ ભણવાનું પ્રોત્સાહન તો મળે જ છે, સાથે સાથે વાલીઓ પણ પોતાની દીકરીઓને આગળ ભણાવવા હોંશથી તૈયાર થાય છે.
ગામનાં ૪૨ વર્ષીય સરપંચ કંકુબહેન અમૃતભાઈ વણકર આ પહેલ અંગે જણાવે છે કે, ‘દોઢેક વર્ષ પહેલાં એક વખત યોજાયેલી ગ્રામસભામાં દીકરીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની હોશિયારી જોઈને મને તેમને ભણવામાં પ્રોત્સાહન મળે તે માટે કંઈ કરવાનો વિચાર આવ્યો. મેં નવા બનનારા સી.સી. કે પેવર બ્લોકના રસ્તાઓને, તે શેરીમાં રહેનારી દીકરીઓમાં સૌથી વધુ ભણેલી અને જેનું ભણતર ચાલુ હોય તેવી દીકરીનું નામ આપવાનું નક્કી કર્યું. ગ્રામસભામાં આ માટે ઠરાવ પસાર કરાયો અને આજે ગામના નવા બનેલા ૧૬ રસ્તાઓને દીકરીઓનાં નામ આપ્યાં છે.’
અનુસૂચિત જાતિની વધુ વસતીવાળા આ ગામમાં દીકરીઓ વધુ ભણતી નથી. કોઈ-કોઈ ધો. ૮ કે ૧૦ સુધી ભણેલી હોય છે. જોકે ગામની એક દીકરી ડૉક્ટર અને એક સી.એ. પણ થઈ છે. આવી તેજસ્વી દીકરીઓના નામના રસ્તાથી તેના વાલીઓ ગર્વ અનુભવે છે તો બીજી દીકરીઓને પણ વધુ ભણવા માટે પ્રોત્સાહન મળે છે. જો એક જ શેરીમાં સૌથી વધુ ભણેલી એક કરતાં વધુ દીકરીઓ હોય તો તેમના માર્ક અને ટકાના આધારે રસ્તાને નામ અપાય છે. કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ ફેબ્રુઆરી ૨૦૨૦માં શેરીઓને તેજસ્વી દીકરીઓનાં નામ રાખવા અંગેનું સૂચન કરતો પરિપત્ર બહાર પાડ્યો છે, પરંતુ કુકમામાં તો ૨૦૧૮ના સપ્ટેમ્બર માસમાં યોજાયેલી ગ્રામ સભામાં આ અંગે નિર્ણય લેવાયો હતો.
ધો. સાત સુધી જ ભણેલાં કંકુબહેન વધુમાં કહે છે, ‘મને વધુ ભણવા મળ્યું નથી. આથી જ મને ભણતરની કિંમતની ખબર છે. દીકરીઓ ભણશે તો તેમને તો ફાયદો છે જ ઉપરાંત ભાવિ પેઢીમાં પણ ભણતરના સંસ્કાર આવશે. હું અત્યારે ત્રણ બાળકોની માતા હોવા છતાં આગળ ભણવા પ્રયત્ન કરું છું. મેં ધો. ૧૦ની પરીક્ષા પણ આપી છે. બે વિષયમાં રહી ગઈ હતી. તે વિષયની પરીક્ષા ફરી આપીશ.’
કુકમા ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક ચોકને દેશના પહેલા મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલેનું નામ અપાયું છે. આ વિશાળ જગ્યા પહેલાં જાજરૃવાડા તરીકે વપરાતી હતી. ઘરે ઘરે શૌચાલયો બન્યાં પછી તે ગામનો કચરો નાખવાની જગ્યા બની હતી. આ જગ્યાની સફાઈ કરાવી, તેને ફરતે ભીંત ચણાવી દીધી. ત્યાં વૃક્ષારોપણ કરીને તેને સુંદર જગ્યા બનાવી. હવે અહીં બાળકો રમે છે, મહિલાઓ બેસે છે.
આ ગ્રામ પંચાયતે ગામના તળાવમાં સફાઈ રહે તે માટે ખાસ નિયમો બનાવ્યા છે, તો તળાવમાં લોકો પૂજાપાની વસ્તુઓ ન પધરાવે તે માટે તળાવ પાસે ખાસ એક ઘાટ બનાવ્યો છે, જેની પણ સમયાંતરે સફાઈ થતી રહે છે. આ ઉપરાંત દર અમાસે સરપંચના પ્રોત્સાહનથી ગ્રામજનો, પંચાયતના સભ્યો, કર્મચારીઓ સાથે મળીને તળાવની સફાઈ કરે છે. નવરાત્રિ પછી ગરબા પાણીમાં પધરાવવાના બદલે તેના ચકલી ઘર બનાવ્યા છે. આમ ધાર્મિક કાર્ય સાથે જીવદયા અને પર્યાવરણનું કામ થાય છે.
સાડીના વણાટકામ માટે રાષ્ટ્રીય ઍવૉર્ડ મેળવનારાં સરપંચ કંકુબહેન કહે છે, ‘અમે મે મહિનામાં યોજાનારી ગ્રામસભામાં ગામના બેસ્ટ સ્ટુડન્ટ્સનું સન્માન કરીએ છીએ. ગામના ઍવૉર્ડ મેળવનારાં મહિલા કારીગરોને પણ સન્માનીએ છીએ. વિધવા બહેનોને સરકારી સહાયનો લાભ મળે તે માટે પ્રયત્નો કર્યા છે. તેમને સ્વરોજગારીની તાલીમ પણ અપાવી છે. ગામની દીકરીઓને પંચાયત દ્વારા સેનિટરી પૅડ અપાયા છે. ગામના દૂરના વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીઓ માટે ગ્રામ પંચાયત દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ અપાઈ છે. જેથી વિદ્યાર્થિનીઓ સમયસર શાળામાં પહોંચી શકે.’
કુકમા ગ્રામ પંચાયતે કન્યા કેળવણી માટે નવતર પહેલ કરીને અન્ય પંચાયતો માટે પણ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
——————————–