તમારા માટે, તમારી સાથે, સતત…

‘રાઇટ એન્ગલ’ નવલકથા- લેખિકાઃ કામિની સંઘવી

'બ્લડી હેલ...વિથ યુ...ઑલ..

0 1,038

‘રાઇટ એન્ગલ’ – કામિની સંઘવી

પ્રકરણ – 1

ધડાધડ…ધડાધડ…ધડામ! એક પછી એક પંચ પંચિંગબેગ પર જોર અને જોશથી વાગે છે જાણે પંચિંગબેગને તોડી-ફોડી નાંખવી ન હોય! ગ્લોઝનાં પણ છોતરાં નીકળી જવાના હોય તેમ ધ્રુજી રહ્યાં છે, પણ પંચ મારનારનું  ઝનૂન ઓછું નથી થતું. કસકસાવીને બાંધેલી કમર સુધીના વાળની પોનીટેલમાંથી વાળ નીકળીને એના પરસેવે રેબઝેબ ચહેરા પર ચોંટી ગયા છે. નેવી બ્લુ જીમ શોટ્ર્સ અને રેડ ટી-શર્ટ પસીનાથી લથબથ થયું છે. જેમાંથી એનું પ્રપોશનલ બૉડી દેખાય છે. એની અણિયાળી આંખોમાં ગુસ્સો છલકાય છે. ચહેરો તમતમી ગયો છે. એના મોંમાંથી ગાળ નીકળતાં-નીકળતાં અટકી જાય છે, એમને ગાળ તો કેમ બોલી શકે? આફ્ટરઑલ એ એના પોતાના છે! બસ, એ ગુસ્સામાં ય સભાનતાથી ગાળ ન બોલાતાં એના મોંમાંથી શબ્દ સરી પડે છે,

‘બ્લડી હેલ…વિથ યુ…ઑલ….આઈ હેટ યુ….આઈ હેટ યુ ઑલ…! વ્હાય ડીડ યુ ડુ ધીસ ટુ મી? વ્હાય? વ્હાય?’

એક-એક વ્હાય એ બોલતી જાય છે અને તે સાથે એ જોરદાર પંચ પંચિંગબેગ પર પડે છે. પંચિંગબેગ પર વાર કરતાં અંતે તે થાકતી જાય છે એટલે એના મોંમાંથી હવે વ્હાયના બદલે અસ્પષ્ટ રડવાનો અવાજ નીકળે છે અને આંખમાંથી ગુસ્સાની જગ્યાએ આંસુ ટપકે છે. હવે એનો હાથ થાક્યો છે, તો

પગ લડખડાય છે. એ હાથમાંથી ગ્લોઝ કાઢીને ફેંકે છે અને જાણે કોઈનો સહારો શોધતી હોય તેમ પંચિંગબેગ પર ઢળી પડે છે., પંચિંગબેગ એના પસીનાવાળા હાથમાંથી લસરી જાય છે. એ ફરશ પર ફસડાઈ પડે છે અને પછી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે છે!

રડી રડીને આખરે આંસુ ય સુકાય જાય છે. ગળામાં તરસનો શોષ પડ્યો છે. કારણ શરીર નીચોવાયેલા નેપ્કિન જેવું થઈ ગયું છે, પણ દિમાગમાં શોલા ઊઠે છે. થોડીવાર એમ જ પડી રહે છે. જાણે આ ગુસ્સાના વમળમાંથી બહાર નીકળવાનો રસ્તો ન શોધતી હોય!

આખરે લડખડાતી એ ઊભી થઈને કોર્નરમાં પડેલા ફ્રીઝ સુધી પહોંચે છે. ફ્રીઝમાંથી બિયરની બે-ચાર બોટલ્સ ગટગટાવી જાય છે, પણ પ્યાસ બુઝાતી નથી, પરંતુ નશો એને દિલના બદલે દિમાગથી કામ લેવા માટે ઉશ્કેરે છે. એ જ હાલતમાં એ સેલફોન

પરથી એક નંબર લગાવે છે, સામેથી પહેલી જ રિંગ પર ફોન ઊપડે છે,

‘ધી! જાગે છે?’

‘ના,ભાઈ સૂતો છું. રાત બાર વાગે આવો સવાલ કરે છે ડોબી?’

‘તું ડોબો!’ એ ઉશ્કેરાટમાં જવાબ આપે છે!.

‘તારો વર ડોબો, તારો ભાઈ ડોબો, તારું આખું ખાનદાન ડોબું જા!’ કાયમ આ મજાક પર કશિશ હસી પડતી એને બદલે સામે છેડે મૌન છવાઈ ગયું, તેથી ધ્યેયની ઊંઘ ખરેખર ઊડી ગઈ, એને શક ગયો કે કંઈક લોચો છે.

‘હેય કિશ, આર યુ ઓ.કે.?’

સામેથી જવાબમાં સહેજ ગળું ખોંખારવાનો અવાજ આવ્યો,

‘યાહ, આઈ એમ ઓ.કે. મારે કાલે સવારે તને મળવું છે.’ કશિશના અવાજમાં ભાર છે.

‘નોઓ..ડિયર, કાલે એક ક્રુસિયલ કેસની હિયરિંગ છે. મારે કોર્ટમાં હાજર રહેવાનું છે.’  રાતે બાર વાગે કશિશ ફોન કરીને મળવાની વાત કરે છે તો પરિસ્થિતિ શું છે તેનો તાગ લેતો હોય તેમ ધ્યેય બોલ્યો.

‘નોઓઓ! મારે કાલે જ મળવું છે. ઇટ્સ અરજન્ટ.’ કશિશના અવાજમાં હવે નશાનો અને ગુસ્સાનો ઉશ્કેરાટ ભળ્યો.

‘કેમ ડિવૉર્સ લેવા છે? તારા ઘોડારમાંથી ઘોડો છૂટી ગયો છે?’ કદાચ કશિશનો મૂડ ખરાબ છે એમ સમજીને ધ્યેયએ મજાક કરી, અને આ સાંભળીને કશિશના ચહેરા પર સ્માઇલ આવ્યું,

‘હા, તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળું મારવું પડે તેવી જ વાત છે!’

‘મોટા ભાગે વકીલો પાસે આવા જ કામ આવતા હોય છે! ખાલી તબેલાને તાળા મારવા માટેના!’ પોતાના જોક પર ધ્યેય જાતે જ હસ્યો અને તેમાં કશિશનો અવાજ પણ ભળ્યો એટલે ધ્યેયને શાંતિ થઈ કે ચાલો વાત એટલી ગંભીર નથી.

‘ઓ.કે. કાલે ક્લબમાં મળીએ, પણ એક શરત, પુલ રમવું પડશે.’

‘ડન. પણ હું જીતીશ.’ કશિશ બોલી કે તરત ધ્યેયે કહ્યું.

‘લુચ્ચી! બટ શાર્પ એટ એટ એઈટ એ.એમ. મને કાલે કોર્ટમાં મોડું પહોંચવંુ

પોસાય તેમ નથી.’

‘ઓ.કે.’ ફોન મુકીને કશિશને ક્ષણેક વિચાર આવી ગયો,

‘શું તે યોગ્ય કરી રહી છે?’ એના દિમાગ પર બિયરની અસર હતી, આખી ય વાતને દિલથી વિચારી શકે તેવી એની હાલત ન હતી. કશિશ જિમમાં પડેલા સોફા પર જ લાંબી થઈ ગઈને બીજી મિનિટે ઘસઘસાટ ઊંઘી ગઈ.

* * *

પુલ ટેબલ નજીક ક્યુસ્ટિક લઈને ઊભેલો ધ્યેય એને દૂરથી આવતી જોઈ રહ્યો.  બ્લેક આલ્ફાબેટ પ્રિન્ટ સ્પોટ્ર્સ લેગિંગ્સ, પ્લેન બ્લેક ટીશર્ટ પર બ્લેક ગ્લાસીસ અને એના ટ્રેડ માર્ક જેવી લાંબા કાળાવાળની પોની ટેઈલ! અને કપાળ પર ઝૂલતી ગોલ્ડન કલરથી હાઈલાઈટ કરેલી લટ! પાંચ ફૂટ પાંચ ઇંચની એની હાઈટ સાથે ઑવરઑલ એ બ્યુટીફૂલ દેખાતી હતી! ધ્યેય એને જોઈ રહ્યો. એ નજીક આવી એટલે બોલ્યો,

‘ગુડ મોર્નિંગ ગોર્જિયસ!’ કશિશના ચહેરા પર સ્માઈલ આવ્યું.

‘મોર્નિંગ ડોબા!’

કાલે રાતે વાત કરી ત્યારે એને ડાઉટ હતો, પણ કશિશે નજીક આવીને આંખ પરથી ગ્લાસીસ હટાવ્યા એટલે એની સહેજ લાલ અને સૂજેલી આંખો જોઈને ધ્યેયને પાક્કી ખાતરી થઈ ગઈ કે કાલે મેડમ નશામાં જ બોલ્યાં હતાં. નક્કી આ કોથળામાંથી બિલાડું કાઢશે! સાલ્લા આ શ્રીમંતોને બીજા કામે ય શું સૂઝે!

‘જી, દેવી બુદ્ધિશાળી! તમારો નશો ઊતરી ગયો હોય તો ચાલ ફટાફટ એક ગેમ રમતાં રમતાં તારે જે કહેવું હોય તે કહી નાંખ પછી નીકળીએ. મારે અગિયાર વાગે કોર્ટ પહોંચવું છે. તારી જેમ મારે ઘરે વર નથી જે કમાયને હું એશ કરું સમજી!’ ધ્યેય બોલ પરથી રેક હટાવીને એક ક્યુસ્ટિક એના હાથમાં પકડાવતા બોલ્યો,

‘લે બ્રેક શોટ તારો!’

ક્યુસ્ટિકથી હિટ કરવાના બદલે કશિશ મોઢું ફૂલાવીને ઊભી રહી.

‘તારે બહુ ઉતાવળ હોય તો જા, મારે રમવું ય નથી ને વાત પણ નથી કરવી! ને બાય ધ વે મેં નહોતું કહ્યું કે મારે પૈસાદાર વર સાથે લગ્ન કરવા છે! સમજ્યો!’

કશિશના ચહેરા પર હંમેશના જેવા રમતિયાળપણાને બદલે ગંભીરતા જોઈને ધ્યેયને થયું, પોતે થોડીક વધુ ઉતાવળ કરી નાંખી. કશિશ હર્ટ થઈ ગઈ!

‘આઈ એમ સોરી કિશ!  ચાલ બસ હવે બોલ!’

કશિશે બ્રેક પોઇન્ટ લેવા માટે ટેબલ  ઉપર ઝૂકીને હાથની આંગળીઓનો બ્રિજ બનાવ્યો અને તેમાં ક્યુસ્ટિક સેટ કરીને  વ્હાઈટ બોલને હિટ કરતાં બોલી,

‘મારે પોલીસ કમ્પ્લેઇન કરવી છે.’

‘લે! મેં શું કર્યું?’ ધ્યેયે મજાક કરી.

‘આઈ એમ સિરિયસ!’

કશિશ ગંભીર હતી એટલે ધ્યેય પણ ગંભીર થયો.

‘કોની સામે?’

કશિશ એની નજીક આવીને કોઈને પણ સંભળાય નહીં તેવા ધીમા અવાજે બોલી.  અને તે સાંભળીને જાણે ધરતીકંપ આવ્યો હોય તેમ  ધ્યેયના હાથમાં રહેલી ક્યુસ્ટિક સહિત  એ આખો ધ્રુજી ગયો,

‘વ્હોટ? તું શું કહે છે?’

‘બહેરો છે?’ કશિશ મોટેથી બોલી. એ મોટેથી બોલી એટલે આજુબાજુના ટેબલવાળા એમની સામે જોઈ રહ્યા.

‘અરે યાર, આમ ચીસો ન પાડ. બટ વ્હાય? એમણે શું કર્યું છે?’

સવાલ તો પૂછી નાંખ્યો, પણ ધ્યેયના મનમાં અનેક સવાલ આવી ગયા. કશિશ સાથે શું કર્યું હશે આ લોકોએ? છેલ્લાં

પંદર વર્ષની એની સરકારી વકીલ તરીકેની પ્રેક્ટિસમાં અનેક કેસ એવા આવ્યા હતા જેમાં ઘરના લોકોએ જ પોતાના કુટુંબની સ્ત્રીનું જીવન બરબાદ કરી નાંખ્યું હોય! અનેક વિચારો એને ખળભળાવી ગયા. કશિશ કહે છે તે લોકોને તો એ નાની હતી ત્યારથી જાણે છે! ધ્યેય ક્યુસ્ટિક ટેબલ પર મૂકીને એ કશિશની નજીક ઊભો રહ્યો,

‘કિશ શું થયું હતું તારી સાથે?’

આ સવાલ પૂછતાં ધ્યેયના મનમાં અનેક ખોટા વિચાર આવી ગયા. તેનાથી મનોમન ભગવાનને પ્રાર્થના થઈ ગઈ. હે પ્રભુ, હું વિચારું છું તેવું કશું ન થયું હોય!

ધ્યેયે સવાલ કર્યો અને કશિશની આંખમાં આંસુ આવી ગયાં. ટેબલ પર ક્યુસ્ટિક મૂકીને એની સામે જોઈ રહી. સાઇડમાં પડેલી ઇઝી ચૅર પર જઈને બેઠી. ધ્યેય પણ મૂંગો-મૂંગો એની બાજુમાં બેઠો. પછી બે મિનિટ કશિશ સતત બોલતી રહી, એ એને આશ્ચર્ય અને આઘાતથી તાકી રહ્યો.

‘બસ, આઈ વોન્ના સ્યુ ધેમ. મારે તેમની સામે કેસ કરવો છે.’

‘તું શું કહે છે તેનું તને ભાન છે? આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ?’

‘ભાન તો ત્યારે પડ્યું ન હતું. ખરેખરું ભાન તો હવે આવ્યું છે. સમજ્યો!’ કશિશનો ઘવાયેલી સિંહણ જેવો ચહેરો ધ્યેય જોઈ રહ્યો.

‘ઇમ્પોસિબલ! અને સૌથી પહેલી વાત તો એ કે કોઈ પોલીસ તારી કમ્પ્લેઇન નોંધવા જ તૈયાર નહીં થાય. આ તને મારી ગેરેન્ટી છે, કારણ કે ટૅક્નિકલી આખી ય વાત ખોટી છે. વેસ્ટ ઓફ ટાઇમ એન્ડ વેસ્ટ ઓફ મની… તારા ફેમિલીની કેટલી બદનામી થશે તે તને ખબર છે? અને બાય ધ વે આ બધું તું શું કામ કરવા માંગે છે?’

‘એટલા માટે કે તેમને અહેસાસ થાય કે એમણે જે કર્યું તે ખોટું કર્યું હતું. આઈ વોઝ એલિજિબલ! પણ એમના કારણે આઈ એમ જસ્ટ બ્લડી હાઉસવાઈફ. જે મારે ક્યારેય બનવું ન હતું.’ કશિશ જુસ્સાથી બોલી.

‘બટ યાર, યુ હેવ નાઇસ ફેમિલી, લક્ઝુરિયસ લાઇફ એન્ડ અબોવ ઑલ કૅરિંગ હસબન્ડ!’

‘યસ, બટ ધેટ આઈ ડીડન્ટ વૉન્ટેડ ધેટ ઇન માય લાઇફ! મારા પર એ થોપવામાં આવ્યું છે એ મારે સ્વીકારવું પડ્યું, કારણ કે મારી પાસે કોઈ બીજો ઓપ્શન ન હતો અને સૌથી વધુ મહત્ત્વની વાત મારી સાથે જૂઠું બોલવામાં આવ્યું. ધે ચીટ્ડ મી.’

‘એટલે, તારે તેમની સાથે બદલો લેવો છે?’

‘ના, હું શું કામ આ કરી રહી છું તેનું રિઝન હમણાં નહીં કહું, પણ તું વકીલ છે તો મારો કેસ લડ.’

‘ના…, હું આ કેસ નહીં લડું. તારા ફેમિલીને હું બદનામ ન કરી શકું.’

‘તું મારો ફ્રેન્ડ નથી?’

‘હું પૂરા શાહ ફેમિલીનો ફેમિલી ફ્રેન્ડ છું.’

‘એટલે એમ કે તું એમને બચાવવા માગે છે?’ કશિશ એની સામે જોઈ રહી.

‘ના, હું તને બચાવવા ઇચ્છું છું. તને ખબર છે જો પોલીસ કમ્પ્લેઇન સ્વીકારશે તો પછી તેમનું ઇન્ટ્રોગેશન થશે અને પછી ફાઇલ કોર્ટમાં જશે. તારી જ નહીં, તારા પરિવારની બદનામી થશે. મીડિયામાં વાત આવશે. તારો પરિવાર તારો નહીં રહે. બધું વેરવિખેર થઈ જશે! ઇવન કૌશલ પણ આખી ય વાત સમજી નહીં શકે. કશિશ તું ક્યાંયની નહીં રહે.  મારી વાત સમજ. ગાડ્યા મડદાં ઉખેડવાનું છોડ ને એશ કર ને યાર! તારા જેવી રિચ લાઇફ સ્ટાઇલ ભારતમાં બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે!’

‘આઈ એમ શોક્ડ ધી! તું ય બીજા

પુરુષ જેવો જ છે! જે એવું જ વિચારે છે કે રોટી, કપડાં ઓર મકાન સ્ત્રીની એ જ સૌથી મોટી જરૃરિયાત હોય છે. આઈ પીટી ઓન યુ! મને તારી દયા આવે છે.’

કશિશ આવું બોલી એટલે ધ્યેયને ખ્યાલ આવ્યો કે ગાડી ખોટા પાટે ચડી રહી છે.

‘ઓહ કમોન કિશ…ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, હું ફક્ત તારા ભલા માટે કહું છું.’

‘મારું ભલું કરવું હોય તો મારી સાથે

Related Posts
1 of 279

પોલીસ સ્ટેશન આવ!’

ધ્યેયે નિઃસાસો નાંખ્યો.

‘ડિયર! ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ…હું તને એવી કોઈ મદદ નહીં કરી શકું!’

‘ હું છેલ્લીવાર પૂછું છું, તું મને એમાં મદદ નહીં કરે?’

ધ્યેયએ ઊંડો શ્વાસ લીધો,

‘ના!’

‘તું મારો કેસ નહીં લડે?’

‘મારે લડવાની જરૃર નથી. તારી ફરિયાદ પોલીસ સ્વીકારશે તો તને પબ્લિક પ્રોસિક્યુટર મળી જશે.’

‘તો હું માની લઉં કે તું મારું ભલું નથી ઇચ્છતો?’

આ સવાલથી ધ્યેય જબરો મૂંઝાયો, પણ એની પંદર વર્ષની લોયર તરીકેની પ્રેક્ટિસ એને મદદે આવી,

‘યાર તું ગજબ છે! તું વકીલને ય ગોથા ખવડાવે તેવી છે. હું ફિઝિકલ કોઈ મદદ નહીંં કરું. બસ, ટિપ્સ આપી શકું!’

કશિશ એની સામે જોઈ રહી.

‘એટલે?’

‘એટલે એમ કે જ્યાં તારી ગાડી અટકે ત્યાં હેલ્પ કરી શકું, ટ્રસ્ટ મી! આઈ કૅર ફોર યુ!’ ધ્યેય એને સ્નેહાળ નજરે તાકી રહ્યો.

‘ખરેખર એમ હોત તો મારો વકીલ બનવાની ના ન પાડી હોત!’

ધ્યેયે ફરી એકવાર એને સમજાવવાની કોશિશ કરી,

‘કિશ, પ્લીઝ! મારું માન, આ બધું છોડી દે. કોર્ટ કચેરીએ સારા માણસ નથી જતાં! યાર સમજ…બહુ ખોટું થશે.’

આ સાંભળીને કશિશના ચહેરા પર એકાદ બે ક્ષણ અસમંજસના ભાવ આવી ગયા. બીજી જ પળે એ મક્કમ થઈ ગઈ.

‘નો…વૅ….આવું કહેનારો આજે તું પહેલો છે, પણ કાલે આખી દુનિયા કહેશે ને તો ય મને જે સાચું લાગે છે તે જ કરીશ.’ કશિશ બોલી.

‘કશિશ, છેલ્લીવાર કહું છું. છોડી દે યાર… હજુ તું ત્રીસ જ વર્ષની છે. તું ધારે તે કરી શકે છે. જે થઈ ગયું તે થઈ ગયું. યુ કેન ડુ વ્હોટએવર યુ વૉન્ટ ટુ ડુ નાવ!’

‘ક્યારનો એ લોકોનો પક્ષ લઈને તેમનો બચાવ કરે છે, પણ જે મારી સાથે થયું તે તારી સાથે થયું હોય તો? તું એમને માફ કરી શકે?’ કશિશ ધારદાર નજરે એને તાકી રહી.

ધ્યેય પાસે આ સવાલનો જવાબ ન હતો. કશિશ આ બાબતમાં એકદમ સાચી હતી. કશિશ સાથે જે થયું તે પોતાની સાથે થયું  હોત તો પોતે પણ કદાચ આવું જ કર્યું હોત! છતાં ય એ ઇચ્છતો હતો કે કશિશ પોલીસ કમ્પ્લેઇન ન કરે! આખરે પોતાના જ સગાં-વહાલાં સામે બાથ ભીડવી એ સહેલું કામ નથી. આવેશમાં આવીને કશિશ કેસ તો કરી નાંખશે, પણ પછી ચોક્કસ પસ્તાશે. એટલે એને રોકવી જોઈએ. એ સાથે જ ધ્યેયના મનમાં એક નામ ઝબક્યું કે કોણ કશિશને આ પગલું લેતાં અટકાવી શકે. એટલે પછી એણે કોઈ દલીલ કરવાનું ટાળ્યું.

થોડીવાર બંનેમાંથી કોઈ બોલ્યું નહીં. ધ્યેય હવે એના નિર્ણયમાં મક્કમ છે તેની ખાતરી થઈ ગઈ એટલે કશિશ ઊભી થઈ ગઈ.

‘હું આજે જ પોલીસ સ્ટેશન જઈશ.’ એ મક્કમતાથી બોલી.

‘ઓલ ધ બેસ્ટ!’

ધ્યેય બોલ્યો એટલે કશિશ ચાલવા લાગી. એને જતી જોઈને ધ્યેયે પોતાના સેલફોનમાંથી એક નંબર ડાયલ કર્યો. હજુ તો સામે રિંગ જાય તે પહેલાં તો ધ્યેયના હાથમાંથી ચીલઝડપે મોબાઇલ કોઈએ ઝૂંટવી લીધો. એ કશિશ હતી. જેને ફોન થયો હતો એ કટ કરીને એ ધ્યેય સામે ગુસ્સાથી જોઈ રહી.

‘મને હતું જ કે તું કૌશલને ફોન કરીને મને અટકાવવાની કોશિશ કરીશ. એક વાત ક્લિયર કટ સાંભળી લે ધી! તું મને મદદ ન કરે તો કાંઈ નહીં, પણ કૌશલને આ બાબતમાં વચ્ચે નહીં લાવતો.’

‘ડોન્ટુ યુ થિન્ક કે તારે એને જાણ કરવી જોઈએ? હી ઈઝ યોર હસબન્ડ  યાર!’ ધ્યેય પોતાનો બચાવ કરતા બોલ્યો.

‘એને જાણ હું કરીશ… પણ હું એને કહું તે પહેલાં તું બધી વાત એને કહીને મને અટકાવવાની કોશિશ ન કર. નહીં તો તારી સામે ય વિશ્વાસભંગ કરવાનો કેસ ઠપકારી દઈશ સમજ્યો! ધીસ ઇઝ ફાઇનલ વૉર્નિંગ!’

કશિશનું આ મહાકાલી રૃપ ધ્યેય આશ્ચર્યથી જોઈ રહ્યો. કશિશ એના તરફ ધ્યાન આપ્યા વિના જેમ આવી હતી તેમ જ સડસડાટ જતી રહી.

કશિશ ગઈ એટલે બે-ચાર મિનિટ ધ્યેય એના વિશે વિચારતો રહ્યો. પછી એને  સમાધાન મળી ગયું. ધ્યેયની નજર સામે અનેક કેસ એવા તરવરી ગયા જેમાં પોતાના સગાં-વહાલાં સામે હિંમતથી કેસ કરનાર સ્ત્રી એકાદ બે વાર કોર્ટ કચેરીના ચક્કર કાપીને

પછી ઇમોશનલ થઈને પોતાને થયેલો અન્યાય ભૂલીને માફ કરી દેતી હોય છે અથવા કોર્ટ બહાર સમાધાન કરી લેતી હોય છે. એટલે કશિશ ભલે અત્યારે મક્કમ દેખાતી હોય, પણ પોલીસ સ્ટેશનમાં જશે એટલે આરોપીના નામ લખાવતાં જ અચકાઈ જશે. આખરે એ બધાં એના પોતાના છે!

બસ, આ વિચારથી ધ્યેયને શાંતિ થઈ. એણે રિસ્ટવૉચમાં જોયું તો સાડાનવ થઈ ગયા હતા. એ ફટાફટ ઊભો થયો. હવે મોડું કરવું પાલવે તેમ નથી. આજે સિનિયર જજ ભાવેશ ઠક્કરની કોર્ટમાં એણે સાક્ષીઓની જુબાની લેવાની છે અને ભાવેશ સાહેબ બહુ એક્ટિવ છે. અગિયાર વાગે એમની કોર્ટમાં કોલ આઉટ થાય ત્યારે એનો કેસ નંબર ભલે ગમે તે હોય, પણ બીજા વકીલ પોતાના કેસની તૈયારી કરે ત્યાં સુધીમાં પોતે સમયસર સાક્ષી સાથે અને પૂરી તૈયારી સાથે પહોંચી જશે તો આજે જુબાની પૂરી થઈ જાય એટલે

પછી જલદી ચુકાદો આવી શકે. ધ્યેયે પોતાના અસીલને રિમાઇન્ડ કરાવવા ફોન કર્યો,

‘સાડા દસે બધાંને લઈને કોર્ટમાં હાજર થઈ જજો અને જેમ સમજાવ્યું છે તેમ જ બોલજો. એક અક્ષર ય વધુ ન બોલાય તેનું ધ્યાન રાખજો!’

‘જી સાહેબ…અમે આવી જશું.’ સામેથી જવાબ આવ્યો અને ધ્યેય હાલ પૂરતો કશિશની વાત ભૂલીને પોતાના કામમાં બિઝી થઈ ગયો.

* * *

આધુનિક રીતે ડિઝાઇન થયેલા બંગલાના મેઈનગેટમાંથી અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં કશિશની કાર પહોંચી ત્યાં જ એણે કૌશલની કાર પાર્ક થયેલી જોઈ. પાર્કિંગ લિફ્ટમાંથી જ એવી સગવડ હતી કે બંગલાના વિવિધ વિભાગમાં જ્યાં પહાંેચવું હોય ત્યાં

પહોંચી શકાય. ગ્રાઉન્ડફલોર પર ડ્રોઇંગરૃમ, ફેમિલીરૃમ, કિચન અને ડાઇનિંગ હૉલ અને બે ગેસ્ટરૃમ હતા. ફર્સ્ટ ફ્લોર પર કશિશ અને કૌશલનો માસ્ટર બેડરૃમ અને બંનેેના પર્સનલ રૃમ હતા. સેકન્ડ ફ્લોર પર જિમ, સ્પોટ્ર્સ રૃમ અને નાનકડું થિયેટર હતું. થર્ડફલોર પર સ્વિમિંગ પુલ સાથે ટેરેસ ગાર્ડન હતું.  પાર્કિંગના પાછળના ભાગે સર્વન્ટ ક્વાર્ટર્સ હતાં. કશિશ સીધી જ ફર્સ્ટફ્લોર પર ગઈ. લાંબી લોબીમાં લિફ્ટનો દરવાજો ખૂલતો હતો. એ લોબીમાં થઈને સીધી માસ્ટર બેડરૃમ તરફ વળી કે તરત પાછળથી કોઈએ એને જકડી લીધી.

કસાયેલા બાજુ એની કમર પર વીંટળાયા અને કશિશે પાછળ ફરવાની તસ્દી લીધા વિના ધીરેથી એ હાથ પર પોતાના હાથ વીંટાળી દીધા. આ સ્પર્શને એ સાત વર્ષથી ઓળખે છે. કસાયેલો છતાં કોમળ સ્પર્શ!

પાછળથી જ કશિશને ભેટી પડતાં કૌશલે એના ગળા પર ચુંબન કર્યું. કશિશ થોડીવાર પહેલાં ક્લબમાં ધ્યેય સાથે જે વાતચીત થઈ હતી તે બધું આ વહાલભર્યા સ્પર્શમાં ભૂલીને એની તરફ ફરીને એને વળગી પડી.

કૌશલે લિપ ટુ લિપ લોંગ કિસ કરી. કશિશે એટલા જ જોશથી એને રિસ્પોન્સ આપ્યો. થોડીવાર બંને એકબીજાને પ્રેમ કરતાં રહ્યાં અને કૌશલે ધીમેથી એની લટ કાન

પાછળ ગોઠવતાં પૂછયું,

‘મને એમ કે તું તારા બેડરૃમ હોઈશ, પણ મેડમ તો હતાં જ નહીં! સવાર સવારમાં ક્યાં ગઈ હતી કિશુ?’

બસ, આ સાથે જ કશિશના મનમાં જસ્ટ અડધી કલાક પહેલાં ક્લબમાં ધ્યેય સાથે થયેલી વાતચીતે મન પર કબજો જમાવ્યો અને એને તે સાથે જ એનો રિસ્પોન્સ ઓછો થઈ ગયો. એણે હળવેથી કૌશલની પોતાના કમર પરની પકડ છોડાવી અને થોડી દૂર ખસી. કૌશલ આશ્ચર્યથી એનો આ ફેરફાર જોઈ રહ્યો, પણ એ વધુ વિચારવાનો સમય આપ્યા વિના કશિશ બોલી પડી,

‘તું તો સાંજે આવવાનો હતો ને?’

કૌશલે ફરી એને નજીક ખેંચવાની કોશિશ કરી,

‘કામ તો સાંજે જ પતી ગયું હતું એટલે જો રાત એકલો હોટેલમાં રહું એના કરતાં  મારી બેટરહાફ હાથની સવારની ચા પીવા મળે તો પ્રોફિટનો ધંધો કર્યો કહેવાય ને એટલે રાતે જ નીકળી ગયો!’ કૌશલે ફરી એને કિસ કરવાની કોશિશ કરી તો કશિશે એને સહેજ લાડથી ધક્કો માર્યો,

‘તો હવે ચા જ પી……!’ કશિશે

ઝડપથી ઇન્ટરકોમ નજીક પહોંચી અને નોકરને ચા લઈને આવવાની સૂચના આપી.

‘તેં મને જવાબ ન આપ્યો તું ક્યાં ગઈ હતી?’ કશિશે કીટલીમાંથી ચા કાઢીને કૌશલના હાથમાં પકડાવી.

‘ક્લબમાં ગઈ હતી, ધ્યેય સાથે પુલ રમવા!’

કશિશ સાચું કારણ કહી ન શકી. અત્યારે કૌશલ રોમેન્ટિક મૂડમાં છે એટલે એનો મૂડ ખરાબ નથી કરવો. પછી નિરાંતે કહેવું સારું.

‘તારો શું પ્લાન છે આજે?’ કશિશે ચાની ચૂસકી લેતાં પૂછયું.

‘બાર વાગે એક મિટિંગ છે, બસ ત્યાં સુધી તારી સેવામાં!’ કૌશલે એની સામે આંખ મિચકારી. કશિશ એનો ઇશારો સમજી, પણ એના દિમાગમાં પોલીસ સ્ટેશન જવાની વાત ચાલતી હતી. બાર વાગ્યા સુધી કૌશલ ઘરે હશે તો તે નીકળે પછી જ એ પોલીસ સ્ટેશન જઈ શકાય.

‘ક્યાં વિચારમાં પડી ગઈ? ગિવ મી વન મોર કપ!’ કૌશલે ચાનો કપ એના તરફ લંબાવ્યો.

‘કશું નહીં જસ્ટ એમ જ!’ કશિશે પોતાના વિચાર ખંખેરી નાંખ્યા.

‘બ્રેક ફાસ્ટમાં શું ખાઈશ?’ કશિશ ઇન્ટરકોમ હાથમાં લઈને ઊભી રહી અને કૌશલ પોતાની જગ્યા પરથી ઊભો થયો અને એને ભીંસતા બોલ્યો,

‘તને!’

‘એક મિનિટ! મને લંચ માટે કહી દેવા દે!’ કશિશ બે મિનિટ વિચારવા ઇચ્છતી હતી. કૌશલે ભીંસ સહેજ હળવી કરી. એણે એમ જ ઇન્ટરકોમ પર કૂકને લંચ મેનુ કહી દીધું, પણ એ કહેતાં-કહેતાં એના મનમાં વિચાર ચાલતા હતા.

ધ્યેય ભલે ગમે તે કહે, પણ કૌશલ એને સમજશે. કૌશલ જેવો સમજદાર પતિ એની

પત્નીની વાત ન સમજે તે શક્ય નથી! આખરે એમનાં લગ્નને સાત વર્ષ થઈ ગયાં છે! અને આટલાં વર્ષોમાં એણે હંમેશાં કશિશની મરજીને માન આપ્યું છે. એને લગ્ન પછીના દિવસો યાદ આવી ગયા. ત્યારે પોતાની

પરિસ્થિતિ કેવી હતી? તોપણ કૌશલે જરા પણ ઉતાવળ કર્યા વિના એને સ્ટેબલ થવા માટે કેટલો સમય આપ્યો હતો! ક્યો પુરુષ જે પતિ પણ હોય એટલી ધીરજ રાખે? ધ્યેય ભલે ગમે તે કહે, એનો કૌશલ એની વાત સાંભળીને ચોક્કસ એને સપોર્ટ કરે જ. બસ, આ વિચારે ફરી પાછી કશિશ મૂડમાં આવી ગઈ. એણે કૌશલની ટાઈની નોટ છોડવા માંડી અને એના રિસ્પોન્સથી કૌશલ એક્શનમાં આવ્યો,

‘લેટ્સ ગો ટુ સ્વિમિંગ પુલ!’ કૌશલે એને ઊંચકી લીધી અને લિફટમાં ઘૂસ્યો.

* * *

કૌશલ બારવાગે ઘરેથી નીકળ્યો એટલે કશિશ તૈયાર થઈ. પછી સેલફોનમાં ગૂગલ પર સર્ચ કરીને નજીકનું પોલીસ સ્ટેશન શોધી કાઢ્યું. ત્યાં જવાનો રસ્તો મનોમન નોંધી લીધો અને એ પોલીસ સ્ટેશન જવા પોતાની કારમાં નીકળી ત્યારે એના મનમાં અજીબ ઉશ્કેરાટ હતો. જે પોલીસ સ્ટેશન સુધી

પહોંચતા પહોંચતા ઉચાટમાં ફેરવાઈ ગયો હતો. રહી રહીને એના મનમાં સવાલ થતો હતો એ જે કરી રહી છે તે યોગ્ય છે કે નહીં? આખરે એના કારણે એનું ફેમિલી બદનામ થશે તો પોતે પોતાને માફ કરી શકશે? અને એના મનમાં પપ્પા રોજ સવારે બોલતા હતા તે ભગવદ્ગીતાનો શ્લોક ગુંજવા લાગ્યો,

‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન! મા કર્મફલહેતુર્ભૂઃ । મા તે સંડગોસ્તવકર્મણિ ।

અર્જુનને યુદ્ધમેદાનમાં પોતાને જેની સામે લડવાનું છે તે સૌ પોતાના ગુરુભાઈઓ-ભત્રીજા, કાકા-મામા છે તે જોઈને શોક થઈ આવ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણએ આ જ

ઉપદેશ આપ્યો હતો ને! ‘ભલે તારી સામે લડવા માટે તારા સગાં-વહાલાં, ભાઈ-ભાંડુ હોય, પણ તારે તારું કર્મ કરવાનું છે. અત્યારે તારો ધર્મ એ જ છે કે તારે ભાગે આવેલું કામ કર. તેમની સામે તું લડ! ફળનો વિચાર ન કર!’

બસ અદ્દલ અર્જુન જેવી જ એની સ્થિતિ છે. પોતે પણ પોતાનાં સગાં-વહાલાં સાથે લડવાનું છે તે કર્મ એની નિયતિમાં લખાયું છે તો કરવાનું. બસ પછી જે થાય તે તેનું નસીબ હશે. આ સાથે જ કશિશના દિલ દિમાગ પરથી ભાર ઊતરી ગયો. હવે સંપૂર્ણ સ્વસ્થતા આવી ગઈ કે તે જે કરી રહી છે તે યોગ્ય જ છે અને એની કાર પોલીસ સ્ટેશનના ચોગાનમાં પ્રવેશી!

(ક્રમશઃ)

—————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »