તમારા માટે, તમારી સાથે, સતત…

સાવચેતી અને સતર્કતા આપે તંદુરસ્ત સ્વાસ્થ્ય

ગંભીર અને મોટી બીમારીઓ અચાનક ભાગ્યે જ દસ્તક આપે છે

0 167

હેલ્થ સ્પેશિયલ

બહુ જાણીતું વાક્ય છે – પહેલું સુખ તે જાતે નર્યા એટલે કે તંદુરસ્ત સ્વાસ્થ્ય એ માનવીય પ્રકૃતિનું સૌથી પહેલું સુખ છે. જોકે, બદલાઈ રહેલી જીવનશૈલી અને ખાનપાનની બદલાઈ રહેલી આદતોને કારણે લોકોમાં વિવિધ બીમારીઓ ઘર કરી રહી છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કૅન્સર, ટીબી, મેદસ્વિતા, સ્કિન ડિસિઝ, વાઇરલ ઇન્ફેક્શન જેવા રોગો હવે જાણે સામાન્ય બની ગયા હોય એવું લાગવા લાગ્યું છે ત્યારે રોગો લાગુ પડતાં પહેલાં શરીર કેટલાક સંકેતો આપવાના શરૃ કરી દે છે. આ સંકેતો અને લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે તો બીમારીનો સત્વરે ઇલાજ શરૃ કરી તેને ઊગતો ડામી શકાય છે અથવા સ્થિતિ વધુ વણસતી રોકી શકાય છે.
————–.

સાવચેતી અને સતર્કતા આપે તંદુરસ્ત સ્વાસ્થ્ય
ગંભીર અને મોટી બીમારીઓ અચાનક ભાગ્યે જ દસ્તક આપે છે. શરીર કેટલાક સંકેતો અગાઉથી જ આપવાના શરૃ કરે છે, પણ વ્યક્તિ તેના પર ભાગ્યે જ ધ્યાન આપે છે. આપણે સામાન્ય લાગ્ટ્ઠાતાં લક્ષણોને નજરઅંદાજ કરતા રહીએ છીએ. જો થોડી કાળજી લેવાય અને તકેદારી દાખવાય તો બીમારીને શરૃઆતના તબક્કામાં જ ઓળખી તેનો ઇલાજ શરૃ કરી શકાય છે.

જ્યારે આપણા શરીરનું કોઇ અવયવ કે તંત્ર તેના નિર્ધારિત સામાન્ય કાર્યો યોગ્ય રીતે નથી કરી શકતા ત્યારે શરીર વિભિન્ન લક્ષણોના રુપમાં સંકેતો આપવાના શરુ કરી દે છે. જો તેને યોગ્ય સમયે ગંભીરતાથી ન લેવામાં આવે તો શરીર કમજોર પડીને બીમાર પડવા લાગે છે. અસ્વસ્થ જીવનશૈલી, ખાનપાનની આદતોમાં બદલાવ, વધુ પડતો તણાવ અને અનિદ્રાની સમસ્યાએ સ્વાસ્થ્ય માટે જોખમ ઊભુ કરે છે. હવે આ જોખમોની સંભાવના એ હદે વધી ગઇ છે કે કોણ ક્યારે કઇ બીમારીની ઝપેટમાં આવી જાયને કહી નથી શકાતું.

જો તમને અચાનક કોઇ સમસ્યા સતાવવા લાગે અથવા સમયાંતરે આ સમસ્યાઓ સતાવે તો સતર્ક થઇ જવું જરુરી છે. કેટલીકવાર પરેશાનીઓ અથવા શારીરિક સમસ્યાઓ આપમેળે ઠીક થઇ જતી હોય છે. પણ જો એવું ન બને અને બીમારી લાંબો સમયથી ચાલી આવતી હોય, લક્ષણો લાંબા સમયથી જોવા મળી રહ્યા હોય તો સતર્ક થઇને ડોક્ટરનો સંપર્ક સાધવો જરુરી બની જાય છે.

લક્ષણો જેને જોઈને સાવધ થઈ જવું

*           પગથિયાં ચઢતી વેળાએ શ્વાસ ચઢવો કે થાક લાગવો.

*           થોડા થોડા સમયે માથામાં દુખાવો થવો.

*           લાંબા સમયથી ખાંસી હોય અને તે ઠીક ન થઈ રહી હોય.

*           કોઈ પ્રત્યક્ષ કારણ વિના વારંવાર ઉલટી થવી.

*           અકારણ થાક લાગવો, ઊર્જાહીન અનુભવવું.

*           થોડા જ સમયની અંદર ઝડપથી વજન ઊતરવું.

*           વારાફરતી જો આ બધી સમસ્યાઓ જોવા મળે તો તેને નજરઅંદાજ કર્યા વિના તુરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.

Related Posts
1 of 319

માથામાં દુખાવો
માથામાં દુખાવો થવાનાં ઘણા કારણો છે – અનિદ્રા, ભાવનાત્મક સમસ્યાઓ, તાણ, હાઈ બ્લડપ્રેશર, માઇગ્રેન, ડિહાઇડ્રેશન, મેનિન્જાઇટિસ, બ્રેેઇન ટ્યૂમર, મગજ અથવા તેની આસપાસ રક્તસ્ત્રાવ અથવા બ્લડ ક્લોટ વગેરે. કેટલાક લોકો વધુ પડતી દવાઓનું સેવન કરે તો પણ તેમને માથામાં દુખાવો થવા લાગે છે. કેટલીક વાર લાંબો સમય સુધી તાપમાં રહેવાને કારણે અને પાણી ઓછું પીવાને કારણે પણ માથામાં દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. જો માથાનો દુખાવો અચાનક વકરે તો તે એન્યુરિઝ્મ અથવા રક્તવાહિનીમાં કોઈ તકલીફ કે સમસ્યાનો સંંકેત હોઈ શકે છે. મગજ પર કોઈ પણ પ્રકારની અસર ઘાતક બની શકે છે. આ એક મેડિકલ ઇમરજન્સી છે અને તેથી તેની સારવાર કરાવવામાં મોડું ન કરવું જોઈએ.

શું કરશો ઃ જો વારંવાર માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો જીવનશૈલી અને ખાનપાનમાં બદલાવ લાવો. સંતુલિત અને પોષણક્ષમ ભોજન લો. લાંબો સમય સુધી ભૂખ્યા ન રહો. નિયમિત સમયે ભોજન લેવાનું રાખો, જેથી શરીરમાં શર્કરાનું પ્રમાણ (સુગર લેવલ) જળવાઈ રહે. પૂરતી ઊંઘ લો. તણાવથી બચો. માનસિક શાંતિ માટે ધ્યાન ધરો. વધુ પડતી-બિનજરૃરી દવાઓનું સેવન ટાળો. આટલું કર્યા પછી પણ જો માથાના દુખાવામાં રાહત ન મળે તો સમય વેડફ્યા વિના ડૉક્ટરની મુલાકાત લો.

ડૉક્ટર તમારા માથાના દુખાવાનો પ્રકાર અને તેની પેટર્નની તપાસ કરશે. સામાન્ય રીતે માથાનો દુખાવો કયા સમયે થાય છે તેની માહિતી તેઓ મેળવતા હોય છે. બીજા બધાં લક્ષણોના આધારે બ્લડ ટેસ્ટ, એક્સ-રૅ, બ્રેઇન સ્કેન જેમ કે સીટી સ્કેન અને એમઆરઆઇ વગેરે કરાવવાની સલાહ ડૉક્ટર આપતાં હોય છે. રિપોર્ટ આવી જાય ત્યાર બાદ તેઓ આગળ શું સારવાર કરવી તેનો નિર્ણય લેતા હોય છે.

સતત ખાંસી આવવી
શરદી અને તાવને કારણે ખાંસી થઈ શકે છે, પણ આ ખાંસી થોડા દિવસોમાં ઠીક થઈ જતી હોય છે. જો બાળકોમાં ચાર અઠવાડિયા સુધી અને વયસ્કોમાં આઠ અઠવાડિયા એટલે કે બે મહિના સુધી ખાંસી ઠીક ન થાય કે ન મટે તો તે ગંભીર સમસ્યા હોઈ શકે છે. આ ખાંસીને ગંભીરતાથી લેવી જરૃરી છે. સતત ખાંસી રહેવાના એકથી વધુ કારણો હોઈ શકે છે. દમ, એસિડ રિફલ્ક્સ, છાતીમાં સંક્રમણ, જીઇઆરડી ટીબી, સીઓપીડી(ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીઝ) ફેફસાં ક્ષતિગ્રસ્ત થવા વગેરે જેવા કારણોને કારણે સતત ખાંસી રહે એમ બની શકે છે. જો બલગમમાં લોહી જોવા મળે તો તે ફેફસાંના કૅન્સરનો સંકેત હોઈ શકે છે.

શું કરશો ઃ વધુ પડતાં તીખા-તળેલા અને મસાલેદાર ભોજન આરોગવાનું ટાળો, જેથી એસિડ રિફ્લ્ક્સની સમસ્યા ન ઉદ્ભવે. દમની બીમારી હોય તો નિયમિત રીતે દવા લેવાની રાખો. વાસી ભોજન ન કરો. દિવસની શરૃઆત હૂંફાળું પાણી પીને કરો. આદુનો રસ અને મધ જેવા ઘરગથ્થુ ઉપચાર અજમાવો.

જો લાંબો સમયથી ખાંસી રહેતી હોય તો ડૉક્ટરને સત્વરે મળો. ડૉક્ટર આ ખાંસી કેટલો સમય જૂની અને ગંભીર છે તેની તપાસ કરશે. જો દમની સમસ્યાને કારણે ખાંસી રહેતી હોય તો ડૉક્ટર તેની દવા આપશે. અસ્થમાના એટેકથી બચવાના ઉપાયો અંગે સૂચન કરશે. એસિડ રિફ્લ્ક્સને રોકવા માટે પણ એન્ટાસિડની દવા આપવામાં આવે છે. ટીબી અને ફેફસાં સાથે જોડાયેલી સમસ્યાઓનું નિદાન કરવા માટે લંગ ફંક્શનિંગ, ટ્યુબરક્યુલિનસ્કિન ટેસ્ટ, ફેફસાંનો એક્સ-રૅ અને સીટી સ્કેન વગેરે કરાવવામાં આવે છે.

સતત થાક લાગવો
વધુ પડતો શ્રમ કરવાને કારણે અથવા ઊંઘ પૂરી ન થવાને કારણે વ્યક્તિ કેટલીક વાર સતત થાકનો અનુભવ કરે છે અને એ કોઈ ગંભીર સમસ્યા નથી. ખાનપાન વ્યવસ્થિત અને સાચું હોય તેમજ દિનચર્યા પણ બરાબર હોય છતાં પણ જો થાકની સમસ્યા રહેતી હોય તો તે લિવરમાં કોઈ ગરબડી હોવાનો, એનિમિયા, થાઇરોઇડ, કૅન્સર, ક્રોનિક સંક્રમણ, ડાયાબિટીસ, સ્લીપ એપનિયા વગેરેના સંકેતો હોઈ શકે છે. જોકે, મોટી બીમારીઓમાં અન્ય લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તાણ, હતાશા, મેદસ્વીપણુ, નહીંવત શારીરિક સક્રિયતા અને બેઠાડું જીવન, લોહીની ઊણપ અને ખાનપાનની ખોટી આદતોને કારણે પણ થાક લાગવાની સમસ્યા ઉદ્ભવે છે.

શું કરશો ઃ થાક ન લાગે અને ઊર્જાનો સંચાર અનુભવાય તે માટે નિયત સમય પર સંતુલિત અને પોષણક્ષમ આહાર લેવાનો રાખો. નિયમિત રીતે રોજ અડધો કલાક કસરત કરવાની રાખો. રોજ છથી આઠ કલાકની ઊંઘ લો. ચા અને કૉફીનું વધુ પડતું સેવન ટાળો. કેફિન વધુ માત્રામાં લેવામાં આવે તો પણ થાકનો અનુભવ થાય છે. વધુ પડતી માત્રામાં ખાંડ ન આરોગો. ખાંડ ખાવાથી શરીરમાં તુરત જ સ્ફૂર્તિ અનુભવાય છે, પણ થોડા સમય બાદ ઊર્જાનું સ્તર ઘટવા લાગે છે. રોજ ઓછામાં ઓછા સાતથી આઠ ગ્લાસ પાણી પીવો, કારણ કે કેટલીકવાર ડિહાઇડ્રેશનને કારણે પણ થાકનો અનુભવ થાય છે. તમારા વજનને માપમાં રાખો. વધુ પડતું કે ઓછું વજન પણ થાક લાગવાનું કારણ હોઈ શકે છે. જો વજન વધી ગયું હોય તો તેને ઘટાડો અને યોગ્ય વજન જાળવી રાખો.

સતત થાકનો અનુભવ થતો હોય તો ડૉક્ટરને મળો. જો પૂરતી ઊંઘ નહીં મળવાને કારણે થાકની સમસ્યા રહેતી હશે તો તે આરામ કરશો અને ઊંઘ પૂરી કરશો એટલે દૂર થઈ જશે પણ આમ કરવા છતાં પણ થાકની સમસ્યાનું નિરાકરણ ન આવતું હોય તો ડૉક્ટરને મળો. ડૉક્ટર બ્લડ ટેસ્ટ કરાવશે. બીજા લક્ષણોને આધારે થાઇરોઇડ અને સુગર ટેસ્ટની સલાહ આપવામાં આવે છે. લાંબા સમયથી થાકની સમસ્યા સતાવતી હોય તો તેને નજરઅંંદાજ ન કરો. એ કોઈ ગંભીર સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે.

શ્વાસ ચઢવો
જો અચાનક જ બે-ચાર પગથિયાં ચઢવા પર પણ હાંફ ચઢવા લાગે અથવા પગપાળા ચાલવાને કારણે પણ શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થાય તો આ સમસ્યાને નજરઅંદાજ ન કરો. આ સમસ્યા ફેફસાં અથવા હૃદય સાથે જોડાયેલી હોઈ શકે છે. હૃદય અને ફેફસાં શરીરમાં રક્તસંચારનું અને ઓક્સિજનનું લેવલ જાળવી રાખવાનું કામ કરે છે. જો આ બે અવયવોમાં થોડી પણ ગરબડ થાય તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો અચાનક શ્વાસ ચઢવા લાગે તો તે અસ્થમા, લો બ્લડપ્રેશર, અથવા પલ્મોનરી એમ્બોલિઝમ(ફેફસાંમાં બ્લડ ક્લોટ)નાં લક્ષણો હોઈ શકે છે. સમસ્યા લાંબા સમયથી ચાલી આવતી હોય તો તે સીઓપીડી (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટ્વિ પલ્મોનરી ડિસીઝ)નું સ્વરૃપ ધારણ કરી શકે છે. પલ્મોનરી ઇડેમા(ફેફસાંમાં પ્રવાહી ભરાવવું) એનિમિયા, ફેફસાંનું કૅન્સર, હૃદયના ધબકારા અનિયમિત હોવા- વગેરે જેવી સમસ્યાઓને કારણે પણ શ્વાસ ચઢતો હોય એવું બની શકે. મેદસ્વિતા, એન્ગ્ઝાઇટી અને એલર્જી જેવી બીમારીઓમાં પણ શ્વાસ ચઢવાની સમસ્યા સતાવે છે.

શું કરશો ઃ સૌથી પહેલાં તો વજનને નિયંત્રણમાં રાખો. વધુ પડતું વજન અને ઓછંુ વજન પણ શ્વાસ ચઢવાનું કારણ હોઈ શકે છે. ધૂમ્રપાન ન કરો, તેને કારણે સીઓપીડી થઈ શકે છે. ફેફસાં સારી રીતે કામ કરે તે માટે પ્રદૂષણ અને રસાયણોના સંપર્કમાં આવવાનું ટાળો. નિયમિત રીતે શ્વાસ સંબંધિત વ્યાયામ કરો. જો પહેલાથી જ સમસ્યા સતાવતી હોય અને ડૉક્ટરે દવા લખી આપી હોય તો નિયમિત રીતે નિયત સમયે દવા લેવાની રાખો.

જો ડૉક્ટરનો સંપર્ક ન સાધ્યો હોય તો તુરત સંપર્ક સાધો. લોહીના રિપોર્ટમાં લોહીની ઊણપની તપાસ કરી શકાય છે. હિમોગ્લોબિનની માત્રા ઓછી હોય તો તેને ખાનપાન અને દવા દ્વારા ઊંચું લાવી શકાય છે. આ ઉપરાંત છાતીનો એક્સ રૅ, ઇકોકાર્ડિયોગ્રામ, એન્જિયોગ્રામ, એમઆરઆઇ, હૃદયનો સીટી સ્કેન, સ્ટ્રેસ ટેસ્ટ, લંગ્સ ફંક્શનિંગ ટેસ્ટ વગેરે કરાવી શકાય છે અને બીમારીનું નિદાન કરી તેનો ઇલાજ આરંભી શકાય છે.
———.

ટાળી શકાય છે ખતરો
નિયમિત રીતે જુદી-જુદી તપાસ કરાવતા રહેવાથી મોટી અને ગંભીર બીમારીઓની માહિતી મેળવી શકાય છે. તેનું નિદાન કરીને સારવાર શરૃ કરી શકાય છે. શરીરમાં કોઈ પણ પ્રકારની ગરબડી કે સમસ્યા જોવા મળે તો તુરત જ ડૉક્ટરને મળો. પહેલાં તબક્કામાં જ જો બીમારીનું નિદાન થઈ જાય તો કેટલીક બીમારીઓ તો સંપૂર્ણ રીતે મટી જાય છે અથવા નિયંત્રણમાં રહે છે. પરિણામે સ્વસ્થ અને સામાન્ય જીવન જીવી શકાય છે. અમેરિકન કૅન્સર સોસાયટીના કહેવા પ્રમાણે જો પ્રાથમિક તબક્કામાં જ કૅન્સરનું નિદાન થઈ જાય અને યોગ્ય સમયે તેનો ઇલાજ શરૃ કરી દેવામાં આવે તો લગભગ મોટા ભાગના કૅન્સરના દર્દીઓ સાજા થઈ જાય છે. મોટા ભાગના કૅન્સર મટી જાય છે.

કેટલાક રોગોનાં લક્ષણો સામાન્ય હોય છે. તેમ જ અન્ય રોગોનાં લક્ષણોને મળતાં આવે છે. આ જ કારણે આ લક્ષણોને કેટલીક વાર નજરઅંદાજ કરવામાં આવે છે. કેટલાક લોકો ડૉક્ટરે જણાવેલા ટેસ્ટ પણ નથી કરાવતા. કેટલાક સંજોગોમાં મેડિકલ ટેસ્ટ કરાવવા જરૃરી છે એ વાત સમજવી જોઈએ. ટેસ્ટને કારણે રોગનું નિદાન થાય તો સાચો ઉપચાર કરી શકાય છે અને તે પણ યોગ્ય સમયે. પ્રાથમિક તબક્કાના રોગ તો ખાનપાન અને જીવનશૈલીમાં યોગ્ય બદલાવ લાવવાથી, વ્યાયામ કરવાથી મટી જતા હોય છે. મોટા ભાગની તપાસ સરળ હોય છે. તેમાં બહુ દરદ નથી થતું અને તેમાં ટાઇમ પણ નથી લાગતો.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »