બેલુર મઠમાં યોજાયું પૂર્વ વિદ્યાર્થીઓનું અધ્યાત્મિક સંમેલન!
શ્રી રામકૃષ્ણ મઠ અને મિશનના ઇતિહાસમાં પહેલીવાર આખા દેશના પૂર્વ વિદ્યાર્થીઓ બેલુર મઠમાં એક છત્ર નીચે ભેગા થયા,
- કોલકાતા કૉલિંગ – મુકેશ ઠક્કર
શાળા છોડ્યા બાદ વર્ષો વીતી જાય, પણ અંદરનો વિદ્યાર્થી શાળાના દિવસો ભૂલતો નથી, દરેકનાં પોતાનાં સંસ્મરણો હોય છે, ફરી તે ઘટના ક્રમમાં ડોકિયું કરવાની ઇચ્છા થાય છે. જોકે શ્રી રામકૃષ્ણ મિશનના પૂર્વ વિદ્યાર્થીઓના પુનઃમિલનનો અનોખો અંદાજ હતો અને અપૂર્વ ઉદ્દેશ્ય!
૨૮ અને ૨૯ ડિસેમ્બરના બે દિવસીય પૂર્વ વિદ્યાર્થીઓના શ્રી રામકૃષ્ણ મઠ અને મિશનના ઇતિહાસમાં પહેલીવાર આખા દેશના પૂર્વ વિદ્યાર્થીઓ બેલુર મઠમાં એક છત્ર નીચે ભેગા થયા, શિક્ષિત અને દીક્ષિત વર્ગનું આ સંમેલન અનેક રીતે યાદગાર બન્યું.
આ સંમેલન સ્વામી વિવેકાનંદના શિકાગો ધર્મ સંમેલનમાં આપેલ વ્યાખ્યાનના સવા સો વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ઉપલક્ષે યોજાયું હતું. આ સંમેલનમાં મિશનની ૫૪ શિક્ષણ સંસ્થાઓના ૩૦૦૦ પૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
શ્રી રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી સ્મરણાનંદજી ઉપસ્થિત હતા. વિશેષ અતિથિ પદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર કાઉન્સિલના ચૅરમેન બિબેક દેબરોય હતા. આ ઉપરાંત ટીસીએસ ફાઉન્ડેશનના બીરેન્દ્ર સન્યાલ, આઇઆઇસીએસના પ્રોફેસર જગદીશ ગોપાલન, ગુવાહાતિ હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ શૈલેષ સિન્હા, ઉદ્યોગપતિ નલ્લી કે. ચેટી, પશ્ચિમ બંગાળ પોલીસના પૂર્વ ડીજી સુજીતકુમાર સરકાર, ડૉ. હરવિનોદ જિંદલ અને ૯૯ વર્ષના વરિષ્ઠ પૂર્વ વિદ્યાર્થી માયલાપુર ચેન્નાઈના સી.એલ. સુંદરરાજન સહિત અનેક મોભાનું સ્થાન ધરાવતા પૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
શ્રી રામકૃષ્ણ મિશનમાં જ્ઞાન-વિજ્ઞાનના પાઠ તો શીખવાડવામાં આવે છે તેની સાથે પોતાના માટે મોક્ષ અને જગત માટે કલ્યાણ એવા ભાવ આંદોલનના પાઠ પણ સામેલ છે. પૂર્વ વિદ્યાર્થીઓ મળ્યા, પોતાના વિદ્યાર્થીકાળના દિવસો, સહપાઠીઓને યાદ કર્યા. શ્રી રામકૃષ્ણ પરમહંસ, મા શારદા, સ્વામી વિવેકાનંદના અધ્યાત્મિક ઉપદેશનું સ્મરણ કર્યું. અનેક પૂર્વ વિદ્યાર્થીઓ મિશન સાથે જોડાઈ રહ્યા, તેમણે ભગવો અપનાવી કર્તવ્યનું પાલન કર્યું.
દક્ષિણેશ્વર અને બેલુર મઠમાં યજ્ઞ/હોમ હવન થતાં નથી. દોરા-ધાગા કે તાવીજ/માદળિયા બાંધવામાં આવતાં નથી. અહીં ભારતીય સંસ્કૃતિ, પુરાણ, વેદ, દેવભાષા સંસ્કૃત, નીતિશાસ્ત્ર, ધર્મની મૂલ્યવાન પરંપરાનું શિક્ષણ મળે છે. જાતિ-ધર્મના ભેદભાવ વગર શિક્ષણ અને સ્વાસ્થ સેવાનો સંકલ્પ છે. વિદ્યાર્થીઓ શીખે છે કે સાચું શું છે અને સારું શું છે!
નચિકેતા અને યમરાજની કથા સંભળાવી નચિકેતા બનવાની ઇચ્છાશક્તિ પૂરવામાં આવે છે. રાષ્ટ્રની અખંડિતતા અને સર્વોપરિતા મુખ્ય છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મની નૌકામાં નાસ્તિકોને પણ સમાવી લેવા એવી પ્રબળ શક્યતા જ્ઞાનના ઊંડાણમાં હોવી જોઈએ!
એક દ્રષ્ટિ શ્રી રામકૃષ્ણ મિશનના સાધુ જીવન પર નાખવી જોઈએ. અહીંના સાધુઓ રાજકારણથી સહસ્ત્ર જોજન દૂર રહે છે. પક્ષાપક્ષીમાં માનતા નથી એટલે વોટ પણ આપતાં નથી, કોઈના મત પ્રચારમાં જતાં નથી. કોઈ રાજકારણીને ટેકો આપતાં નથી. વિરોધ પણ કરતા નથી. કોઈ રાજકારણી સાથે મંચ પર દેખાતા પણ નથી. પૂર્વ વિદ્યાર્થીઓ પોતાની શિક્ષા થકી અનેક જાહેર એકમોમાં ફરજ પર છે. ન્યાયાલયથી ઇસરો સુધી ફેલાયેલા છે, પણ મૂળ સિદ્ધાંતોને વરેલા છે.
વિચાર અને વિનિમય વચ્ચે એક ઉદ્દેશ્ય પણ આ ફરી મળવાના સંમેલનમાં લેવાયો.પૂર્વ વિદ્યાર્થીઓ એકમેકને મળતા હશે તે કોઈ ધ્યેયપૂર્ણ મિલન હોતું નથી, કારણ કે એવું કોઈ સંગઠન નથી. આ બે દિવસના મિલન પછી એક હેતુ પાર પાડવાનો નિશ્ચય થયો કે સંગઠિત થઈ હજી મિશનનું કાર્ય આગળ વધારવું. ગામડાંઓની મુલાકાત લેવી, સમાજ અને મિશન વચ્ચે એક સેતુનું નિર્માણ કરવું જેથી જે નાગરિકો મૂળ સગવડ કે સાધનોથી વંચિત રહી ગયા છે તેમના માટે શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડ ઊભી કરી શકાય. જે લોકો દૂર થઈ ગયા છે જ્યાં સેવાની જરૃરત છે ત્યાં વધુ સક્રિય થઈ તેમના માટે કાર્ય કરવાનું છે.
વિચાર મંથનના આ મહાસંમેલનમાંથી ફરી જાગૃત થઈ પરમાર્થ માટે પુરુષાર્થનો મંત્ર ફૂંકાયો છે.
આ દેશ હજારો વર્ષ પહેલાં થયેલ શંખનાદ પર હજી મક્કમ છે. વેદ અને પુરાણોની વ્યાખ્યા કરી શકે છે. ફરી મળે ત્યારે સંગઠિત થઈ મિશન પર આગળ ધપી શકે છે, એમાં કોઈને શંકા ન થવી જોઈએ..!
——————-