કલાકારો પ્રત્યેનું ઉત્તરદાયિત્વ સમાજ નિભાવતો નથી
કચ્છી લોકસંગીત, ગાયકી અને વાદ્યોને દેશ-વિદેશમાં જાણીતું છે
- કવર સ્ટોરી – સુચિતા બોઘાણી કનર
કચ્છના લોકસંગીતના કલાકારોને માત્ર સંગીત આજીવિકા રળી આપતું નથી. સામાન્ય રીતે કચ્છના છૂટાછવાયા ગામડાંમાં કે રણ વિસ્તારમાં વસતા કલાકારોને રોજીરોટી મેળવવા માટે અન્ય કામો કરવા પડે છે. તેઓ વધુ ભણેલા ન હોવાથી તેમને મજૂરી, ખેતીકામ, પશુપાલન, બાવળિયા કોલસા બનાવવા જેવા શ્રમપ્રધાન કામો કરવા પડે છે. આ માટે તેમને ઘર છોડીને દૂર દૂર ભટકવું પડે છે. તેવી સ્થિતિમાં તેઓ અને તેમનાં સંતાનો સંગીતથી વિમુખ થાય તે સ્વાભાવિક છે.
પોતાની કલામાં ખૂબ પ્રવીણ એવા આ કલાકારોને તેમના સમાજના બહારની દુનિયા સુધી પહોંચવા માટે પૂરતું પ્લેટફોર્મ મળતું નથી. તેઓ મુખ્યત્વે પોતાના ઘર, સમાજના ધાર્મિક કે સામાજિક કાર્યક્રમોમાં જ પોતાની કલા પીરસે છે. તેમની ખૂબીઓ તેઓ અલગ અલગ હોવાના કારણે કોઈના ધ્યાને જલદી આવતી નથી. જો તેઓ ભેગા થઈને એક મંચ પર કાર્યક્રમ આપે તો જ તેમની સિદ્ધિઓ દુનિયાની નજરમાં આવે. વિવિધ સંસ્થાઓ દ્વારા, સમાજના મહાજનો દ્વારા સ્થાનિક કલાકારોને સારું પ્લેટફોર્મ મળે તે માટે પ્રયત્ન કરવા જોઈએ.
કચ્છી કલાકારોએ આગળ આવવા માટે પોતાની ખામીઓ તરફ ધ્યાન દઈને તે નિવારવાની જરૃર છે. કલાકારો પરંપરા મુજબ ગાય અને વગાડે છે, પરંતુ તેમને સૂરનું શાસ્ત્રીય જ્ઞાન હોતું નથી. સાઝ મેળવવાની આવડત કે સાથી ગાયકના સૂરની જાણકારી હોતી નથી. તેઓ સ્ટેજ પર કે માઇક પર સારી રીતે પોતાની કલા પીરસી શકતા નથી. આ તમામ ખામીઓ પણ દૂર કરાવવી જરૃરી છે.
‘આકાશવાણી પર જ્યારે જ્યારે કોઈ ફિલ્મી ગીત વાગે ત્યારે ત્યારે તેની રોયલ્ટી કલાકારો અને સંબંધિતોને મળે છે, પરંતુ સ્થાનિક કે લોકસંગીતના કલાકારોને માત્ર એક જ વખત, જ્યારે તેઓ પહેલી વખત આકાશવાણી પર ગાય કે વગાડે ત્યારે જ પૈસા મળે છે, પરંતુ ત્યાર બાદ ગમે તેટલી વખત તેમની કલા આકાશવાણી પર પીરસાય ત્યારે તેમને કોઈ જ આર્થિક ફાયદો થતો નથી. તેમને રોયલ્ટી મળવી જોઈએ,’ તેવું ભારમલ સંજોટ જણાવે છે.
આ ઉપરાંત પહેલાંના સમયમાં જ્યારે ધાર્મિક કાર્યક્રમ થતાં ત્યારે થતી ઘોર (શ્રોતાઓ દ્વારા કલાકારો પર ઓળઘોળ કરાતી રકમ) કલાકારોને મળતી, પરંતુ હવે આ ઘોરની રકમ ક્યારેક જીવદયાર્થે તો ક્યારેક કોઈ બીજા કામ માટે વપરાતી હોવાથી કલાકારોને તો તેમની નિયત કરેલી ફી જ મળે છે. આથી તેમની આવક ખૂબ ઓછી થઈ છે. અબોલ જીવો માટે લોકો દાનધરમ કરે છે, પરંતુ કલાકારોની કદર કરવાનું કોઈને સૂઝતું નથી, તેવો અસંતોષ કલાકારોમાં જોવા મળે છે.
સૌથી મોટી વાત છે સરકારી સપોર્ટની. કચ્છના કલાકારોને સરકારની કોઈ સહાય મળતી નથી. કચ્છમાં પ્રવાસન વિકસી રહ્યું છે, રણોત્સવમાં સેંકડો પ્રવાસીઓ આવે છે, અહીં સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ મળવાની પૂરતી શક્યતા હોવા છતાં તક નથી મળતી. રણોત્સવનું ખાનગીકરણ થયા પછી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક નહીં, પરંતુ બહારના કલાકારોના કાર્યક્રમો યોજાય છે. રણોત્સવની નજીક જ અન્ય ખાનગી રિસોર્ટ પણ ધમધમે છે. ત્યાં આસપાસના જ અને અમુક જ સ્થાનિક કલાકારોને તક અપાય છે. લોકસંગીતના સાધકો તો આખા કચ્છમાં છે, પરંતુ બીજા કોઈને તક મળતી નથી.
રાજસ્થાનમાં લોકસંગીતનું સ્થાન
સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહત્ત્વનું છે. ત્યાં સરકાર દ્વારા કલાકારોને પૂરતો સપોર્ટ મળે છે. દરેક કાર્યક્રમ વખતે સ્થાનિક કલાકારોને જ તક અપાય છે, ખાનગી રિસોર્ટમાં પણ સ્થાનિક કલાકારો પોતાની કલા પીરસે છે. સરકારે અહીં કલાકારો માટે હાઉસિંગ કોલોની પણ બનાવી છે, જેના કારણે તેમના જીવનધોરણ ઊંચા આવવામાં મદદ મળી છે. ગુજરાતમાં અને કચ્છમાં કલાકારોની આવી કદર અને દરકાર સરકાર ક્યારેય કરતી નથી.
અનેક સરકારી ખાતા દ્વારા વર્ષમાં અમુક વખતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. જેમ કે નશાબંધી ખાતા દ્વારા નશાબંધી પખવાડિયા દરમિયાન ગામેગામ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાય છે. ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં અમુક જ સ્થાનિક કલાકારોને વર્ષોથી આવા કાર્યક્રમમાં બોલાવાય છે. હકીકતે બધા જ કલાકારોને વારાફરતી તક આપવી જોઈએ. લોકસંગીતના કલાકારો માટે ભવિષ્યનિધિ જેવી કોઈ યોજના નથી. તેનું પણ સરકાર દ્વારા આયોજન થવું જોઈએ.
ઉપરાંત સામાન્ય લોકો દ્વારા હવે પારિવારિક પ્રસંગોમાં કે ધાર્મિક કાર્યક્રમોમાં ઇલેક્ટ્રોનિક વાદ્યોને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેને કારણે ઢોલ, શરણાઈ સિવાયનાં વાદકોની આર્થિક ઉપાર્જનની તક ઝૂંટવાઈ છે.
કચ્છી લોકસંગીત, ગાયકી અને વાદ્યોને દેશ-વિદેશમાં જાણીતું કરનારા લોકકલાકાર લાલ રાંભિયા રોષ ઠાલવતા કહે છે, ‘લોકસંગીતના કલાકારો પ્રત્યેની ફરજ નિભાવવામાં સમાજ ટૂંકો પડે છે. કોઈ પણ પ્રદેશની ઓળખ છે તેની સંસ્કૃતિ, બોલી, હસ્તકલા અને તેનું સંગીત. કચ્છનું સંગીત આજે જે તબક્કે છે, ત્યાં તેને ટકાવવા અને ત્યાંથી આગળ વધારવાની જવાબદારી સમાજની અને શ્રોતાઓની છે. સામાન્ય લોકોમાં સંગીત પ્રત્યે રસ ઓછો છે, જોઈએ તેવી જાગૃતિ નથી. મહાજનોને ઘરદીવડા જેવા કલાકારોને સાચવવામાં રસ નથી. કચ્છના કલાકારોને અવગણતા લોકો બહારના કલાકારોને માન આપે છે. રણોત્સવ વખતે કચ્છના કલાકારોને ટેન્ટસિટીની બહાર, બેસીને વગાડવાનું અને શ્રોતાઓ ખુશ થઈને આપે તે લઈ લેવાનું સૂચવાય છે. કલાકારોને ભિખારી સમજનારા લોકો સંગીતને કઈ રીતે બચાવી શકશે? હકીકતે તો કલાકારોને ઉત્તેજન આપવા વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગો અને મહાજનોએ આગળ આવવું જોઈએ. કલાકારોને આવાસીય ટ્રેનિંગ આપવા માટે ખાસ એકેડમી પણ સરકારે ઊભી કરવી જોઈએ. સંતવાણી જેવા કાર્યક્રમોમાં મુખ્ય કલાકારની પહેલાં થોડો સમય પણ સ્થાનિક કલાકારને મંચ આપવો જોઈએ. કલાકારોને પ્રોત્સાહન આપીને સમાજે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ.’
————————–