તમારા માટે, તમારી સાથે, સતત…

હસતાં રહેજો રાજ – ન ન્હાવામાં નવ ગુણ

'છતાં જોઈએ તો ખરા કે આજ કોણે-કોણે નહાવામાં રજા પાડી છે

0 254
  •  રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

ઊગે છે સુરખી ભરી હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી, ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો, ઉત્સાહભરી શુક ઊડી, ગાતાં મીઠાં ગીતડાં. લાડીના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ જે કલાપી તરીકે વિશ્વવિખ્યાત છે તેમની લખેલી કવિતા ‘ગ્રામ્યમાતા’ની શરૃઆત ઉપરની પંક્તિઓથી થાય છે. આ પંક્તિઓમાં કવિએ શિયાળાની હેમંત ઋતુની સવારનું વર્ણન કર્યું છે. હેમંત, શિશિર, ગ્રીષ્મ, વસંત, વર્ષા અને શરદ એમ બબ્બે મહિનાની છ ઋતુઓનું એક વર્ષ બને છે, તે અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને કેવી રીતે સમજાવવું એ પણ એક સવાલ છે. અત્યારે ગુજરાતી માધ્યમમાં ભણતાં વિદ્યાર્થીઓ પણ કદાચ આ છ નામથી અજાણ હોય એવું બની શકે છે.

ઉત્તરાયણની આગલી રાત્રે અમે મિત્રોએ બાજરીના રોટલા, રીંગણાનો ઓળો, લીલા ચણાના શાકની પાર્ટી રાખી હતી. લવલી પાન સેન્ટરના રણીધણી એવા પથુભાની વાડીએ એક નાનકડું ફાર્મ હાઉસ છે, ત્યાં એક પરિવાર રહે છે, એ પથુભાની વાડીમાં વાવેતર કરે છે. જે આવક થાય એમાં પથુભાના પચાસ ટકા અને પગીના પચાસ ટકા એવો ભાગ પડે છે. આ પગીનો પરિવાર અમારા છએ મિત્રોના પરિવાર માટે શિયાળાનું સ્પેશિયલ મેનુ બનાવી આપવાનો હતો. પથુભાએ વાડીએ ત્રણ-ચાર ગાય રાખી છે એટલે ઘરની ગાયના ચોખ્ખા ઘી-દૂધ, ઘરની વાડીના રીંગણા, દેશી બાજરો અને પોતાની વાડીના ચણા એટલે આજે જે સ્વાદ આવવાનો હતો એ અદ્ભુત હતો. અમારા માટે ઉત્તરાયણથી વધુ તો ઉત્તરાયણની પૂર્વસંધ્યાએ યોજેલી આ પાર્ટી હતી.

‘આજ સવારે નાહ્યા ન હોય એવા આંગળી ઊંચી કરે’ મેં તાપણુ તાપતાં તાપતાં કહ્યું.

‘રહેવા દો લેખક… મોટા ભાગના આંગળી ઊંચી કરશે, કારણ આજકાલ ઠંડી એવી પડે છે કે સારા-સારાની નહાવાની હિંમત ચાલે એમ નથી.’ પથુભાએ મને વાર્યો.

‘છતાં જોઈએ તો ખરા કે આજ કોણે-કોણે નહાવામાં રજા પાડી છે.’ મેં આગ્રહ રાખ્યો. કોઈ આંગળી ઊંચી કરવાની હિંમત કરતું નહોતું. થોડીવાર પછી અંબાલાલે શાલમાંથી હાથ બહાર કાઢીને ધીમે ધીમે આંગળી ઊંચી કરી.

‘આ જ અંબાલાલ નાહ્યો નથી.’ મેં ચુકાદો જાહેર કર્યો.

‘હું ન્હાવા જતો જ હતો ત્યાં ટી.વી.માં સમાચાર જોઈ ગયો કે ઠંડીના લીધે છ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. એ જોઈને મને ઠંડીનું લખલખું આવી ગયું. મને થયું કે જો જીવતા રહીશું તો ઉનાળામાં નાહી શકાશે, બાકી અત્યારે હું એક નહાવાની હિંમત કરીશ તો તમારા જેવા ઘણા સ્વજનોને મારા નામનું ન્હાવું પડશે.’ અંબાલાલે જુદંુ જ કારણ રજૂ કર્યું.

‘આપણે આવી કડકડતી ઠંડીમાં ન્હાવું ન પડે એટલા માટે એ ન્હાયો નથી બાકી એને ન્હાવામાં જરાય પણ વાંધો નહોતો.’ ભોગીલાલે કહ્યું.

‘જો અંબાલાલ, તારે અમારી ચિંતા ન કરવી. અમને જો તારા નામનું ન્હાવા મળતું હોય તો માઇનસ ટેમ્પરેચરમાં પણ ન્હાવાની તૈયારી છે.’ ચુનીલાલે અંબાલાલને ગુસ્સે કરવા પથરો મુક્યો.

‘તારા જેવા ઘણા મારા નામનું નહાવા માટે ડોલ ભરીને બેઠા હતા. એમાંથી ઘણા ગુજરી ગયા. મને એ બધાના નામનું ન્હાવાનો મોકો મળ્યો, પણ મારો હજુ મરવાનો મેળ પડતો નથી.’

‘તારે મેળ પાડવો છે?’ ચંદુભાએ તીખો સવાલ કર્યો.

‘ના… મારું મરવા ઉપરથી મન ઊઠી ગયું છે. મારે સારી રીતે જીવવાનો મેળ પાડવો છે, પરંતુ મરવાનો મેળ પાડવો નથી.’ અંબાલાલે કહ્યું.

‘એને હજુ એની મરજી મુજબ જીવવું છે જે બાકી છે.’ ભોગીલાલે કહ્યું.

‘જો ભોગીલાલ.. ઓશોએ કહ્યું છે કે માણસનો જન્મ એની મરજી મુજબ થતો નથી, એવી જ રીતે મૃત્યુ પણ એની મરજી મુજબ થતું નથી. જો જન્મ અને મૃત્યુ માણસની મરજી મુજબ ન થતાં હોય તો એ બે વચ્ચેની જિંદગી એની મરજી મુજબની હોય તે સાવ જ અશક્ય છે.’  મેં ચિંતન રજૂ કર્યું.

‘ન્હાવાની બાબતમાં લખાયેલી એક હાસ્યરસિક કવિતા આજે મને વૉટ્સઍપમાં મળી છે. જો તમે હા પાડો તો રજૂ કરું.’ ચુનીલાલે રજા માગી.

‘એમાં પૂછવાનું શું હોય, હાસ્યકવિતા હોય તો હસીને હળવા થઈશું.’

‘આ કવિતા માત્ર હસીને ભૂલી જવા માટે છે. કોઈ ખોટું ન લગાડો તો કહું, કારણ લેખક અને પથુભાને તો પહેલા જ વાક્યમાં વાંધો પડે એવું છે, કારણ એ બંને દરરોજ ન્હાય છે.’ ચુનીલાલે પાણી પહેલાં પાળ બાંધી.

‘જા… અમને ખોટું નહીં લાગે, બસ…?’ પથુભાએ પરમિશન આપી.

‘નિત્ય ન્હાય એ નર્કે જાય…’ ચુનીલાલે ચાલુ કર્યું.

‘વાહ… વાહ.. બહુ સાચી વાત કરી છે.’ અંબાલાલે અમને બળાવવા માટે વિનોદને વાસ્તવિકતાનું રૃપ આપી દીધું.

‘નિત્ય ન્હાય એ નર્કે જાય, મહિને ન્હાય એ મહાપદ પાય.’

જે વર્ષે નાહ્યા એ વૈકુંઠ જાય અને કદી ન ન્હાય એને ઘર જમ ન જાય.’

‘જમ ક્યાંથી જાય? જે ક્યારેય ન્હાતો ન હોય એ કેટલો ગંધાતો હોય? એવા ગંધાતાના ઘરે તો જમને પણ જવું ન ગમે તે સ્વાભાવિક છે.’

‘લોકો માણસને એપ્રિલફુલ બનાવે, પરંતુ આજે સવારે મેં પાણીને એપ્રિલફુલ બનાવ્યું.’ ભોગીલાલે નવી વાત છેડી.

Related Posts
1 of 277

‘પાણીને કેવી રીતે એપ્રિલફુલ બનાવ્યું?’ ચંદુભાને અચરજ થયું.

‘હું બાથરૃમમાં ન્હાવા ગયો. ડોલમાં પાણી ભર્યું, પણ ટાઢ એવી હતી કે ન્હાયા વગર જ ઊભો થઈ ગયો.’ ભોગીલાલે ચોખવટ કરી.

‘એક ખાનગી વાત કહી દઉં?’ ચુનીલાલ બોલ્યો.

‘હા…’

‘આજે મેં પણ સેમિસ્નાન જ કર્યું છે.’

‘સેમિસ્નાન એટલે શું?’

‘માત્ર હાથ-પગ અને મોઢું પાંચ વસ્તુ ધોઈને નીકળી જઈએ એને સેમિસ્નાન એટલે કે મિનીસ્નાન કહેવાય.’

‘હું નાનો હતો ત્યારે લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાં ભણતો હતો. ત્યાં સ્નાન અને સંધ્યા બંનેનો મહિમા હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ અમારે ફરજિયાત સ્નાન કરવું પડતું હતું.’

‘પછી?’

‘મને પહેલેથી જ જેટલો ખાવામાં રસ પડે એટલો ન્હાવામાં ક્યારેય ન પડે. અમારા ગૃહપતિ બહુ કડક હતા. એ પોતે નહોતા ન્હાતા પણ વિદ્યાર્થીઓ ફરજિયાત નાહ્ય એવો આગ્રહ રાખતા હતા. એ ઝીણી નજરે ચેકિંગ કરતા.’

‘ન્હાવાનું વળી ચેકિંગ થાય?’

‘હા… અમારા ગૃહપતિ બાથરૃમમાંથી બહાર નીકળનાર દરેક વિદ્યાર્થીના માથામાં હાથ ફેરવતા હતા. માથંુ ભીનું હોવું જોઈએ.’

‘એનો મતલબ કે દરરોજ માથે પણ ન્હાવાનું?’

‘હા… ત્યાર બાદ બીજી આઇટમમાં અમારી ચડ્ડી અને ટુવાલ ચેક કરતા હતા. એ બંને ભીના હોય એટલે સાબિત થઈ જતું કે વિદ્યાર્થી ન્હાયો છે.

‘આ આઇડિયા સારો લ્યો.’

‘અમે એનાથી ઊંચો આઇડિયા લગાવતા હતા.’

‘શું?’

‘અમે શિયાળામાં માત્ર માથંુ, ચડ્ડી અને ટુવાલ જ ભીના કરતા, બાકી આખું શરીર કોરું રાખીને નીકળી જતા હતા.’ મેં ખુલાસો કર્યો.

‘વાહ લેખક વાહ.. જોરદાર આઇડિયા…’

‘જમવાનું તૈયાર છે.. બધા જમવા પધારો…’ પગીએ દૂરથી અવાજ કર્યો અને અમે તાપણા ઉપરથી ઊભા થયા અને પથુભાના ફાર્મ હાઉસની ઓસરીમાં પંગત પાડીને ગોઠવાયા. અમારા પરિવારજનોએ પહેલાં જમી લીધું હતંુ એટલે એ મહિલા મંડળ તાપણા ફરતે જમા થયું અને અમે આજે પત્નીવ્રતા પતિદેવો હતા એટલે પત્નીઓને જમાડીને પછી જમવા બેઠા.

અમારી થાળીઓમાં થાળી જેવડા વળી ગોળ દડાની માફક ફૂલેલા રોટલા આવવા લાગ્યા. પગીનાં પત્ની ચૂલા ઉપર માટીની તાવડી મુકીને દેશી બાજરીના રોટલા પોતાના હાથથી ઘડતી હતી. અત્યારે શહેરમાં બહેનો પાટલી ઉપર લોટનો ગુંડલો મુકીને થાબડી-થાબડીને જે થાબડિયા રોટલા બનાવે છે એ હાથથી બનેલા રોટલાની માફક ફૂલે નહીં.

‘એકવાર એક યુરોપિયન તરણેતરના મેળામાં આવ્યો હતો. એ ભરવાડને રોટલા ખાતા જોઈ ગયો એટલે તરત જ પૂછ્યું ઃ ‘ઉરટ્ઠં ૈજ ંરૈજ?’ ચંદુભાએ વાત માંડી.

‘પછી?’

‘ભરવાડ ગામડાનો હતો, વળી અભણ હતો એટલે એને અંગ્રેજી આવડે નહીં છતાં એણે જવાબ આપ્યો કે, ્રૈજ ૈજ ઇર્ંઙ્મટ્ઠ.’

‘વાહ… માલધારી વાહ…’

‘રોટલામાં યુરોપિયન સમજ્યો નહીં એટલે મને પૂછ્યું કે, ઉરટ્ઠં ૈજ સ્ીટ્ઠહૈહખ્ત ર્ક ઇર્ંઙ્મટ્ઠ?’ મને પણ અંગ્રેજી આવડે નહીં છતાં મેં મારી રીતે વાત સમજાવી કે, ઇર્ંઙ્મટ્ઠ ૈજ ય્ટ્ઠિહઙ્ઘકટ્ઠંરીિ ર્ક મ્િીટ્ઠઙ્ઘ. આ તારી બ્રેડના દાદા થાય. આ એક દાદા ખાઈશ તો ત્રણ દિવસ સુધી બીજું કાંઈ ખાવું પડશે નહીં.’ ચંદુભાએ વાત પુરી કરી. ત્યાં તો વાડીના દેશી રીંગણાને ભઠ્ઠામાં શેકીને બનાવેલો ઓળો અને લીલા ચણાનું શાક વરાળ નીકળે એવું ગરમાગરમ આવ્યું. એની સાથે રાઈતા મરચાં આવ્યાં. દેશી ગોળ-માખણ અને છાશ આવ્યાં. પછી તો રણમેદાનમાં યોદ્ધાઓ શત્રુઓ ઉપર તૂટી પડે એમ અમે રોટલા ઉપર તૂટી પડ્યા. કોઈને વાત કરવાનો પણ વિચાર ન આવ્યો. મને થયું કે અંબાલાલની વાત સાવ સાચી છે. આ કડકડતી ઠંડીથી શોભતા શિયાળામાં જે મઝા ખાવામાં છે તે ન્હાવામાં નથી.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »