તમારા માટે, તમારી સાથે, સતત…

રાજકાજઃ ઇન્ટરનેટ સેવા મૂળભૂત અધિકાર બને છે ત્યારે…

હડતાલ અને બંધ હવે બિનઅસરકારક...

0 79
  • રાજકાજ – ચાણક્ય

જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ રદ કરવાની સાથે આતંકી સંગઠનો પ્રદેશમાં ઉશ્કેરણી દ્વારા અશાંતિ ન સર્જે એ માટે ઇન્ટરનેટ સેવાઓ પ્રતિબંધિત કરવામાં આવી હતી. તેની સામે સર્વોચ્ચ અદાલતમાં કરાયેલી અરજીના અનુસંધાનમાં દસમી જાન્યુઆરીએ અદાલતે ઇન્ટરનેટ સેવાઓને મૂળભૂત અધિકાર ગણાવીને દૂરગામી અસર કરતો ચુકાદો આપ્યો છે. રાષ્ટ્રીય અને આંતરિક સુરક્ષાના હેતુ માટે સરકાર થોડા સમય માટે ઇન્ટરનેટ સેવાઓ પ્રતિબંધિત કરે છે. આવું માત્ર ભારતમાં જ થાય છે એવું નથી. દુનિયાના અનેક દેશોને આવા પગલાં લેવા પડે છે. ઇન્ટરનેટ સુવિધાના ઉપયોગ સાથે તેના દુરૃપયોગના કિસ્સા પણ બને છે. આવા દુરૃપયોગને નિયંત્રિત કરવાનું સરકારના હાથમાં ન હોવાથી તે કામચલાઉ ધોરણે સમગ્ર રીતે ઇન્ટરનેટ સેવાઓ પ્રતિબંધિત કરી દે છે. પરંતુ હવે સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી સરકાર આવા પ્રતિબંધને લાંબાગાળા સુધી ચાલુ રાખી શકશે નહીં. અદાલતનો ચુકાદો જમ્મુ-કાશ્મીરના સંદર્ભમાં હોવા છતાં તેની અસર અને પ્રભાવ રાષ્ટ્રીય સ્તરે જોવા મળશે. અદાલતે ઇન્ટરનેટને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું એક અંગ ગણાવ્યું છે. અહીં એ વાતને પણ યાદ કરવી જોઇએ કે સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વના દેશોને ઇન્ટરનેટ સેવા મેળવવાના લોકોના અધિકારને મૂળભૂત અધિકારનો દરજ્જો આપવાની ભલામણ કરી હતી. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આ ભલામણ સાથે એકદમ સુસંગત છે. આ ચુકાદા પછી હવે સરકાર આડેધડ ગમે ત્યારે લાંબી મુદત માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લાદી શકશે નહીં. જમ્મુ-કાશ્મીરમાં આ સેવાઓ પર પ્રતિબંધનો સમયગાળો મહિનાઓ સુધી ચાલ્યો. તેને કારણે જનજીવન પ્રભાવિત રહે એ સ્વાભાવિક છે. ઇન્ટરનેટ સેવાઓ આજકાલ લોકોની જરૃરિયાત બની ગઇ છે. પારસ્પારિક સંપર્કથી માંડીને વ્યવસાય-ઉદ્યોગ અને શિક્ષણ, આરોગ્ય સુવિધા સહીતના ક્ષેત્રો માટે ઇન્ટરનેટ સેવાઓ અનિવાર્ય બનતી ચાલી છે. એ સ્થિતિમાં દિવસો નહીં બલ્કે મહિનાઓ સુધી તેને બાધિત કરવી કે બંધ કરી દેવી એ લોકોને પાંગળા બનાવી દેવા જેવું કૃત્ય છે. ઇન્ટરનેટ સેવાઓ વિના વર્તમાન જીવનની કલ્પના મુશ્કેલ બની છે. સરકાર હવે સંપૂર્ણપણે નિયંત્રણો ઉઠાવી લેવા સમીક્ષા કરે એ સ્વાભાવિક છે. અલગાવવાદીઓ અને વિઘાતક પરિબળો તેના દુરૃપયોગના પ્રયાસ કરે એવા પડકારનો સરકારને સામનો કરવો પડશે. એવું પણ બની શકે કે વિઘાતક પરિબળો ઇન્ટરનેટ સેવાઓના માધ્યમથી અશાંતિ સર્જવાનો પ્રયાસ કરે તો એવા લોકો સુધી પહોંચવાનું તેને ઓળખી કાઢવાનું સુરક્ષા એજન્સીઓ માટે સરળ બને.
———-.

હડતાલ અને બંધ હવે બિનઅસરકારક
દેશના દસ ટ્રેડ યુનિયનો દ્વારા ગત સપ્તાહે આઠમી જાન્યુઆરીએ હડતાલ પાડવામાં આવી હતી. આ હડતાલને કેટલાક કિસાન સંગઠનો, વિદ્યાર્થી સંગઠનો અને કેટલાક રાજકીય પક્ષોએ સમર્થન જાહેર કરીને તેને ભારત બંધનું સ્વરૃપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવા ભારત-બંધમાં બધા શ્રમિક સંગઠનો અને કિસાન-છાત્ર સંગઠનોને સામેલ કરવાથી કોઇ ક્ષેત્રની સમસ્યા કે માગણી પર સરકાર કે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આ સમગ્ર કવાયત નિષ્ફળ રહી એટલું જ નહીં તો બંધને અસરકારક બનાવવા આગ-હિંસા અને બળજબરીના પ્રયાસોએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો. આવી હરકતોથી ગમે તેવા વાજબી પ્રશ્નો અને માગણીઓ પ્રત્યે લોકોની સહાનુભૂતિ મેળવી શકાતી નથી. દેશમાં અત્યારે નાગરિકતા કાનૂનના વિરોધમાં નિરંતર દેખાવો ચાલી રહ્યા છે તો બીજી બાજુ આ કાનૂનના સમર્થનમાં પણ રેલીઓ યોજવાનો સિલસિલો ચાલે છે. એવા માહોલમાં ટ્રેડ યુનિયનોના બંધનું એલાન કંઇક અંશે અસંગત પણ લાગ્યું. આ બંધમાં સામેલ મહદઅંશે ડાબેરી સંગઠનો સરકાર વિરોધી માહોલને વધુ દૃઢ અને ગંભીર બનાવવાના હેતુથી આ સમયને પસંદ કરવામાં આવ્યો હોત તો એ ઉદ્દેશ પણ ફળીભૂત થયાનું કહી શકાય તેમ નથી. ખરી વાત એ છે કે આર્થિક ઉદારીકરણના આ સમયમાં ટ્રેડ યુનિયનો મહદઅંશે અસંગત બની રહ્યા છે અને તેમનું હડતાલનું શસ્ત્ર હવે ધાર ગુમાવી બેઠું છે ત્યારે માગણીઓ અને સમસ્યાઓના નિરાકરણ માટે નવા દૃષ્ટિકોણ અને નવા ઉપાયો વિચારવા પડે એવી સ્થિતિ છે. બૅન્કિંગ કર્મચારીઓએ આ અગાઉ પણ એક વખત હડતાલ પાડી હતી. તેમની હડતાલ હવે બહુ અસરકારક રહી નથી એ તથ્યનો તેઓએ સ્વીકાર કરવો જોઇએ. સરકાર કે મેનેજમેન્ટ સાથે સંવાદ દ્વારા જે હાંસલ થઇ શકે તેમ હોય તેને માટે હડતાલ અને બંધ જેવા ધાર વિનાના શસ્ત્રો અસરકારક બનવાના નથી.
———-.

Related Posts
1 of 269

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી સક્રિય
કોંગ્રેસના રાજકારણમાં સાપ-સીડીની રમત રમનાર રાહુલ ગાંધી ૨૦૨૦ના વર્ષમાં ફરી એક વાર કોંગ્રેસના રાજકારણમાં એક્ટિવ મોડમાં આવી ગયા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં રાહુલ ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા તૈયાર થઈ ગયા છે. દિલ્હીની ચૂંટણી માટે કોંગ્રેસની ટિકિટ વહેંચણી માટે રચાયેલી સ્ક્રિનિંગ કમિટીની લગામ રાહુલે પોતાના અત્યંત વિશ્વસનીય રાજીવ સાતવને સોંપી છે. રાજીવ સાતવને રાહુલની ‘કિચેન કેબિનેટ’ના એક મહત્ત્વના સભ્ય માનવામાં આવે છે. ટિકિટ વિતરણ માટેની આ સમિતિમાં રાહુલે પોતાના અન્ય બે માનીતા લોકોને પણ નિયુક્ત કર્યા છે. તેમાં યુવા નેતા વિરેન્દ્રસિંહ રાઠોડ અને ચલ્લા વમશીચંદ રેડ્ડીનો સમાવેશ થાય છે. આ સમિતિ દિલ્હીની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરશે. ચર્ચા એવી છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો એક મોટો વર્ગ રાહુલના આ નિર્ણયથી નારાજ છે. તેમના મતે આ સમિતિમાં કમ સે કમ એક વરિષ્ઠ નેતાનો સમાવેશ તો કરવો જ જોઈએ. દિલ્હીમાં પંદર વર્ષ શાસન કરનાર કોંગ્રેસ ગત વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક મેળવી શકી ન હતી. આ વખતે પણ પડકાર મોટો છે. કેજરીવાલ એડવાન્ટેજ મોડમાં છે અને ભાજપ જોરદાર તૈયારી કરે છે.
———-.

કોંગ્રેસી નેતાઓની નવી ‘પ્રતિભા’નો પરિચય
મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમ દ્વારા કોંગ્રેસી નેતાઓની એક વધુ ‘પ્રતિભા’નો પરિચય થયો છે. ગત દિવસોમાં મહારાષ્ટ્રના પ્રધાન મંડળના વિસ્તરણ પછી ખાતાઓની ફાળવણી અંગે મામલો અટવાયો હતો. કોંગ્રેસ દ્વારા કેટલાંક એવાં મંત્રાલયોની માગણી કરવામાં આવી રહી હતી કે જે આપવા માટે શિવસેના તૈયાર ન હતી. કોંગ્રેસના નેતાઓ દ્વારા એવો આભાસ આપવામાં આવ્યો હતો કે જાણે આ ખાતાઓની માગણી કોંગ્રેસની ટોચની નેતાગીરી દ્વારા થઈ રહી છે. તેને કારણે ઉદ્ધવ ઠાકરે મૂંઝવણમાં હતા. તેઓ દ્વિધામાં અટવાયા હતા. શું કરવું તેની ગડમથલમાં તેમને શરદ પવારનો અનુભવ કામ આવ્યો. કહે છે કે તેમણે ઉદ્ધવ ઠાકરેને સલાહ આપી રાખી છે કે કોંગ્રેસનાં પ્રદેશ નેતાઓ સાથે કોઈ સોદાબાજી કરવાને બદલે તેમણે સીધી સોનિયા ગાંધી સાથે વાત કરવી. કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓને જેવી ખબર પડી કે સોનિયા ગાંધી સાથે વાતચીત થવાની છે તો તરત જ પ્રદેશ નેતાઓએ તેમની માગણી છોડી દીધી. પછી ખબર પડી કે કોંગ્રેસના મોવડી મંડળની તેમાં કોઈ દખલગીરી જ ન હતી, માત્ર તેમના નામે ‘દબાણની રીતરસમ’નું રાજકારણ ખેલાઈ  રહ્યું હતું. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કોંગ્રેેસની ટોચની નેતાગીરી સુધી કોઈની પહોંચ સરળ નથી, એથી નીચેના સ્તરના તમામ નેતાઓ તેનો લાભ ઉઠાવે છે. બદલાયેલા સમય-સંજોગમાં પક્ષની આ સિસ્ટમનો કોઈ ઉપાય વિચારવો જોઈએ એવું ઘણાને લાગે છે, પરંતુ તત્કાલ તેમાં કોઈ પરિવર્તન થાય એ શક્ય જણાતું નથી.
———-.

ભાજપની દ્વિધા, દિલ્હીને કોની ગણવી?
દિલ્હીના મુખ્યપ્રધાન બનવા માટે ભાજપમાં ગળાકાપ સ્પર્ધા છે. અત્યાર સુધીમાં સાતથી વધુ ચહેરાઓ મુખ્યપ્રધાનપદની દોડમાં સામેલ થઈ ચૂક્યા છે. આમ આદમી પાર્ટી ભાજપના આ આંતરકલહનો લાભ ઉઠાવવા ઇચ્છે છે. એ વ્યૂહરચના અનુસાર તે ભાજપના મુખ્યપ્રધાનપદના ચહેરાનો મુદ્દો વારંવાર ઉઠાવે છે. અલબત્ત, ભાજપમાં ઉચ્ચ સ્તરે અત્યાર સુધી થયેલા વિચારવિમર્શનો સાર એ છે કે ભાજપ મુખ્યપ્રધાનપદના ચહેરા વિના જ ચૂંટણી જંગ લડશે. ગઈ ચૂંટણીમાં કિરણ બેદીનું નામ જાહેર કરવાનું નુકસાન ભાજપે સહન કર્યું છે. ભાજપમાં મુખ્યપ્રધાનપદની દાવેદારીમાં એક નવા મુદ્દે ખેંચતાણ શરૃ થઈ છે. મુદ્દો એ છે કે આખરે દિલ્હી કોની ગણવી? કેમ કે ભાજપની બહુમતી આવશે તો મુખ્યપ્રધાનની પસંદગી સંભવતઃ આ આધારે થશે. ભાજપે પોતાના સોશિયલ એન્જિનિયરિંગ અંતર્ગત ગત વર્ષોમાં હરિયાણામાં બિન જાટ મનોહરલાલ ખટ્ટર, મહારાષ્ટ્રમાં બિન મરાઠી દેવેન્દ્ર ફડણવીસ અને ઝારખંડમાં બિન આદિવાસી રઘુવરદાસને મુખ્યપ્રધાન બનાવવાના પ્રયોગ કર્યા હતા, પરંતુ આ બધાં રાજ્યોમાં ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને નુકસાન સહન કરવું પડ્યું હતું, દિલ્હીની બાબતમાં ભાજપ હવે આ ભૂલ સુધારવા માગે છે. ત્યારે દિલ્હી કોની ગણવી એ અંગે કોઈ નિર્ણય થઈ શક્યો નથી. કોઈ દિલ્હીને પંજાબી રાજ્ય ગણાવે છે તો કોઈ કહે છે કે દિલ્હી તો હવે પૂર્વાંચલીઓની થઈ ગઈ છે. એવું પણ કહેવાય છે કે ભાજપની દિલ્હીની નેતાગીરી હજુ સુધી દિલ્હીના બદલાયેલા મિજાજને સમજી શકી નથી.
—————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »