તમારા માટે, તમારી સાથે, સતત…

તલગાજરડાનો પિતૃપ્રેમ  જ્યારે બે ગણિકા-પુત્રીઓ નવવધૂ બની..!

મોરારિબાપુએ અયોધ્યાની માનસ ગણિકાની કથા વખતે આપેલું વચન પાળી બતાવ્યું હતું.

0 191
  • પ્રસંગ – દેવેન્દ્ર જાની

નગરવધૂની દીકરીને પિતાનો પ્રેમ આપવો. એટલું જ નહીં, પોતાના આંગણે માંડવો રોપી કન્યા વિદાય આપવી એ કોઈ સામાન્ય વાત નથી, પણ આવું વિરલ દ્રશ્ય જ્યારે તલગાજરડામાં જોવા મળ્યું ત્યારે ઘડીભર માની ન શકાય પણ આ હકીકત હતી. મોરારિબાપુએ અયોધ્યાની માનસ ગણિકાની કથા વખતે આપેલું વચન પાળી બતાવ્યું હતું. બાપુએ તલગાજરડામાં બે ગણિકાની પુત્રીઓને પિતાતુલ્ય વાત્સલ્ય સાથે વિદાય આપી ત્યારે આંસુઓનો જાણે દરિયો વહ્યો હતો.

Related Posts
1 of 319

‘ક્યા કભી સોચા થા કી મેરી ભી શાદી હોગી? લગતા થા કી ઉસ અંધેરી નગરીમેં ઘૂંટ ઘૂંટ કર રહ જાઉંગી…’ મુંબઈની ગણિકાઓના ઉત્થાન માટે કાર્ય કરતી એક સામાજિક સંસ્થાની બે આશ્રિત ગણિકાની કન્યાઓના શુભ વિવાહની કંકોત્રીમાં લખાયેલા આ શબ્દો કોઈ પણ માનવીની સંવેદનાને ઝંઝોળી નાખે છે. મોરારિબાપુએ ડિસેમ્બર ર૦૧૮માં અયોધ્યામાં યોજાયેલી માનસ ગણિકા કથામાં ગણિકાઓને પિતાતુલ્ય પ્રેમ આપીને કહ્યું હતું કે તલગાજરડા તમારું પિયર છે અને હું તમારો બાપ છું. તમારી દીકરીઓનાં લગ્ન કરવા હશે તો તલગાજરડાનું મારું આંગણુ સદાય ખુલ્લું છે. બાપુએ બોલ્યું પાળી બતાવતાં આ શુભ પ્રસંગ આવ્યો હતો. મોરારિબાપુ દર વર્ષે કારતક વદ બીજના દિવસે પોતાના વતન તલગાજરડામાં સર્વજ્ઞાતીય સમૂહલગ્નનું આયોજન કરે છે. આ વર્ષે પણ હનુમાનજીની સાક્ષીએ તા. ૧૪મીએ ર૦ દીકરીઓનાં સમૂહલગ્ન યોજાયાં હતાં, પણ આ વખતે આ સમૂહલગ્નની એક મહત્ત્વની વાત એ હતી કે બે ગણિકાની દીકરીનાં લગ્ન પણ લખાયા હતાં. એક સાધુ જ્યારે આ દીકરીઓના પિતા બનીને કન્યા વિદાય આપે તેવંુ કદાચ પહેલીવાર તલગાજરડામાં બન્યું હતંુ. મહિલા ઉત્થાનની મંચ પરથી વાતો કરવી એ અને ખરા અર્થમાં કાર્ય કરવું એ અલગ બાબત છે. ગણિકાની દીકરીઓ પણ દેહવ્યાપારના નર્કમાં ન જાય તે માટે તેને પિતૃપ્રેમ આપીને તેના જીવનમાં એક સોનેરી સપનાનો સૂરજ ઉગાડવો એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે ત્યારે તેને હકીકતમાં પરિવર્તિત કરી બતાવી બાપુએ એક હિંમતભર્યું અને સમાજને પ્રેરણા આપતું કામ કર્યું હતંુ.

સમાજની તિરસ્કૃત મહિલાઓને એક પિતાનો પ્રેમ આપવો એ નાની વાત નથી. જાહેર જીવનમાં અનેક આગેવાનો, અરે સાધુઓ પણ જ્યારે આવી દીકરીઓ સાથે વાત કરવા પણ હિચકિચાટ અનુભવતા હોય છે ત્યારે આવી દીકરીઓને પોતાની માનસ પુત્રી માનવી એ આસાન વાત નથી. ગણિકાઓની પુત્રીઓને પરણાવીને મોરારિબાપુએ સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. તા. ૧૪મીએ તલગાજરડામાં રાત્રે સંતવાણી ઍવૉર્ડનો સમારોહ યોજાવાનો હતો એ પૂર્વે સવારે સમૂહલગ્નનંુ આયોજન કરાયું હતું. છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓે થતી હતી. આખું તલગાજરડા ગામ કન્યા પક્ષે યજમાન બનવા માટે હરખથી ઊમટી પડ્યું હતું. ગામની દીકરીઓની સાથે વિદાય લઈને એક નવી જિંદગીની શરૃઆત કરવા જઈ રહી હોય ગામના આંગણે આસોપાલવના તોરણિયા બંધાયા હતા. સમૂહલગ્નના માંડવે વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે જ્યારે હસ્ત મેળાપનો સમય થયો ત્યારે મોરારિબાપુ આ ગણિકાની દીકરીઓના મંડપ સુધી ગયા હતા અને માથે મુકીને આશીર્વાદ આપ્યા અને વરરાજાને એમ કહ્યું કે આ તલગાજરડાની દીકરી છે. હું તેનો બાપ છું. આ દીકરીને સાચવજો..ત્યારે હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

મુંબઈની રેસ્ક્યુ ફાઉન્ડેશન સંસ્થા જે ગણિકાઓના સામાજિક ઉત્થાન માટે કામ કરે છે એ સંસ્થાની આશ્રિત ગણિકાઓની આ દીકરીઓ હતી. ત્રિવેણીબહેન આચાર્ય આ સંસ્થાનંુ સંચાલન સંભાળે છે. કોઈ ઔચિત્યનો કે કાનૂનનો ભંગ ન થાય તે માટે અમે આ દીકરીઓનાં નામ કે ઓળખ આપવા માગતા નથી. તલગાજરડામાં યોજાયેલાં સમૂહલગ્નમાં આ બે દીકરીઓનાં લગ્ન માટે એક ભૂદેવ પરિવાર જામનગર અને એક પટેલ પરિવાર ઉપલેટાથી જાન લઈને આવ્યો હતો. આજે જ્યારે દીકરાનાં લગ્ન માટે કુટુંબ – સમાજની કેટલીય જાતની તપાસ કરવામાં આવે છે ત્યારે એક નગરવધૂની દીકરીઓને પુત્રવધૂ તરીકે સ્વીકારીને ઘરે લાવનાર આ બંને પરિવારોને લાખ લાખ સલામ..!
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »