તમારા માટે, તમારી સાથે, સતત…

સાત્ત્વિક ખેતીઃ નજીવો ખર્ચ, શુદ્ધ ધાન

ગાયનાં છાણ અને ગૌમૂત્ર ખેતી માટે સજીવ ખાતર અને ઝેરી રસાયણોથી મુક્ત જંતુનાશકની ગરજ સારે છે

0 237
  • પ્રયોગ – હેતલ રાવ

ખેતી કરવાનો ખર્ચ આજે દરેક ખેડૂતને પરવડતો નથી. ખેતીનું ખાતર, જીવજંતુથી ખેતીને બચાવવા માટે દવાનો છંટકાવ કરવો. આ દરેક વસ્તુના વધતા ભાવ ખેડૂતને મુશ્કેલીમાં મુકી રહ્યા છે, પરંતુ ઘણા ખેડૂત એવા પણ છે જે સાત્ત્વિક ખેતી કરી અનાજને તો રસાયણયુક્ત દવાથી બચાવે જ છે, સાથે સાથે ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. ઉપરાંત સાત્ત્વિક ખેતી કરી પવિત્ર ધાન લાખો સુધી પહોંચાડે છે.

તાજેતરમાં જ (૭ ઑક્ટોબર) પ્રથમવાર વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ કોઈ જાણે છે કે કપાસની ખેતી દિન-પ્રતિદિન મોંઘી બની રહી છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વપરાશના કારણે ખેતી કરવી ખેડૂતોને પરવડતી નથી તો બીજી બાજુ જમીનની ગુણવત્તા નબળી પડી રહી છે ત્યારે એક ખેડૂત પુત્ર એવા છે જેમણે સાત્ત્વિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે નવો માર્ગ મોકળો કર્યો છે. તેમણે કપાસની દેશી જાત અને બિટી, બંને પ્રકારના બિયારણોનો ઉપયોગ કરી કપાસની સાત્ત્વિક ખેતીનો નવતર પ્રયોગ હાથ ધર્યો. એટલું જ નહીં, આ પ્રયોગને સફળતા પણ મળી છે. વળતર પણ પહેલાં કરતાં વધુ મળ્યું છે. આ સફળતા પછી તેમણે પોતાની સાત્ત્વિક ખેતીના પ્રયોગને રોકડિયા પાક એટલે કે શાકભાજી પર અજમાયો, જ્યાં તેમણે સારી આવક કરી. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળિયા ગામના ખેડૂત વનરાજસિંહ દિલીપસિંહ ચૌહાણે સાત્ત્વિક ખેતીનો પ્રયોગ કર્યો. સૌ પ્રથમ તો પ્રશ્ન થાય કે આ સાત્ત્વિક ખેતી છે શું.. તો જે ખેતીમાં જંતુનાશક તરીકે ઝેરી રસાયણોનો ઉપયોગ ન કરવો પડે અને જે છંટકાવનો ઉપયોગ થાય તે બિલકુલ સજીવ હોય.

ગાયનાં છાણ અને ગૌમૂત્ર ખેતી માટે સજીવ ખાતર અને ઝેરી રસાયણોથી મુક્ત જંતુનાશકની ગરજ સારે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો પણ ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક ગણાય છે, ત્યારે ગૌમૂત્ર અને ગાયના ગોબરનો ઉપયોગ કરી ખેતીને સજીવ કરવાનો વિચાર જ ઉમદા છે. સાત્ત્વિક કહો કે સજીવ અંતે સાદી ખેતી કરી ખર્ચ ઘટાડવાનો આ ઉત્તમ ઉપાય છે. ગાયના ગોબરમાંથી છાણિયું ખાતર બનાવવામાં આવે છે જે તૈયાર કરવા દસ બેરલ જીવામૂત્ર, વીસ લિટર અગ્નિશસ્ત્ર જ્યારે ગૌમૂત્રમાં શેઢા પાળાનો ધતૂરો, આકડો, લીમડા જેવી વનસ્પતિઓ ભેગી કરી સાત્ત્વિક અને સરળ પ્રવાહી બનાવાય છે, જે જંતુનાશક દવાની ગરજ સારે છે. કપાસ ઉપરાંત દરેક ખેતીમાં આ પ્રવાહીને જંતુનાશક દવા તરીકે છાંટી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાસાયણિક ખાતર-જંતુનાશકના ઉપયોગથી જમીન નિર્જીવ બને છે. જેના કારણે ધરામાં રહેલા ઉપયોગી સજીવોનો પણ નાશ થાય છે. સમય જતા તેની સીધી અસર પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર પડે છે અને અંતે નુકસાન તો ખેડૂતોને જ ભોગવવંુ પડે છે. જોકે હવે આના વિકલ્પમાં સજીવ ખેતી, સાત્ત્વિક ખેતી ઉત્તમ વિકલ્પ બની રહ્યો છે.

આ વિશે વાત કરતા વનરાજસિંહ ચૌહાણ કહે છે, ‘કપાસની સાત્ત્વિક ખેતીમાં સફળતા સાંપડ્યા પછી હવે મેં રોકડિયા પાક એટલે શાકભાજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વીસ વીઘા જમીનમાં ટામેટાં, રીંગણ, ભીંડા, ચોળી, મેથી, ધાણા, પાલખ, ફુલાવર, કોબીજ, મૂળા, ગાજર અને તમામ પ્રકારનાં શાકભાજીનું વાવેતર કરું છું. સિઝનેબલ શાકભાજીનો પાક પણ સારો ઊતરે છે. સાચંુ કહું તો મારી સંપૂર્ણ ખેતીને તમે ગાય આધારિત ખેતી પણ કહી શકો છો. ઓર્ગેનિક પદ્ધતિથી ગાયનાં મળમૂત્ર તેમજ અન્ય વસ્તુઓનું મિશ્રણ કરી નજીવી કિંમતનું ખાતર તૈયાર કરું છું. ખેતીમાં ખર્ચ ઓછો થવાના કારણે માર્કેટમાં પણ મારા શાકભાજી ઓછી કિંમતમાં વેચીને વધુ વળતર સહેલાઈથી મેળવી લેવાય છે. ઉપર જણાવેલી તમામ વસ્તુ એકત્રિત કરી મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. જે દસ દિવસ કરતાં પણ વધુ સમય સુધી સંગ્રહ કરી શકાય છે. સમયઅંતરાલે તેનો છંટકાવ કરતા રહેવાનું હોય છે. મારા મત પ્રમાણે જો ખેડૂતોએ દેવાને દૂર કરી ખેતીની સારી ઉપજ કરવી હશે તો કૃષિ જગતે કુદરતી અને સાત્ત્વિક ખેતીને જ પ્રાધાન્ય આપવંુ જોઈએ.’

Related Posts
1 of 319

સાત્ત્વિક ખેતીથી ઉત્પન્ન થતાં ધાન અને શાકભાજી સાચી રીતે સજીવ કહી શકાય, કારણ કે આ ખેતીમાં કોઈ પણ પ્રકારનાં ઝેરી  રસાયણોનો ઉપયોગ કરવામાં નથી આવતો. પોતાની ગાયો પોતાનું ઘાસ ખાય અને તેના ગૌમૂત્રથી બનતા પ્રવાહી દ્વારા ખાતર તૈયાર થાય જે કોઈ પણ પ્રકારની ભેળસેળ વગરનું હોય છે. માટે ધાન પણ એવું જ હશે.

સાત્ત્વિક અને સજીવ ખેતીને મહત્ત્વ આપતા ખેડૂતો દ્વારા એક મંડળ પણ બનાવવામાં આવ્યું છે. કપાસના દેશી બિયારણો, વેરાયટીઓ નામશેષ થઈ જશે તેવો ભય પણ આ ખેડૂતોએ જતાવ્યો હતો. સાથે મંડળમાં જોડાયેલા ખેડૂતોનું માનવું છે કે હાલમાં ઘણી સંસ્થાઓ ખેડૂતોની વ્હારે આવી છે. સુધારેલાં દેશી બિયારણો માર્કેટમાં ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે, જે ખેડૂતો માટે આશાસ્પદ છે. આ મંડળના ખેડૂતો અન્ય ખેડૂતો સાથે પોતાના આચાર-વિચાર અને અનુભવ શેઅર કરે છે. જેના કારણે ધીમે-ધીમે આજુબાજુના ગામના ખેડૂતો પણ સાત્ત્વિક ખેતીનું અનુકરણ કરવાનું વિચારી રહ્યા છે.

દેશી બિયારણો અને સાત્ત્વિક ખેતી કપાસની અને અન્ય ખેતીની પણ શકલ બદલી શકવાની શક્તિ ધરાવે છે. આત્માનો શ્રેષ્ઠ ખેડૂતનો ઍવૉર્ડ મેળવનાર વનરાજસિંહની સાત્ત્વિક ખેતીની પહેલ અને ઉત્તમ પ્રયોગ સમગ્ર ખેડૂત જગત માટે સર્વોત્તમ ઉદાહરણ બની રહ્યંુ છે.
—-.

ઉલ્લેખનીય છે કે…
વર્તમાન ખરીફ મોસમમાં જિલ્લામાં કુલ ૨,૪૭,૫૬૩ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે જે પૈકી ૭૯,૬૦૮ હેક્ટરમાં કપાસનું વાવેતર છે. વડોદરા જિલ્લાના લગભગ દરેક તાલુકામાં વધતા ઓછા પ્રમાણમાં કપાસની ખેતી કરવામાં આવે છે. કપાસની શિયાળુ ખેતી પણ ઘણી પ્રચલિત છે. એક સમયે કપાસના જિનિંગ-પ્રેસિંગનો ઉદ્યોગ વડોદરા જિલ્લાના દરેક તાલુકામાં ધમધમતો હતો. જેના કારણે ગાયકવાડ સરકારે પ્રથમ રેલવે પણ શરૃ કરી હતી. એમ પણ કહી શકાય કે, ગાયકવાડ સરકારનો રેલવે શરૃ કરવા પાછળનો હેતુ કપાસને બજાર સુધી પહોંચાડવાનું હતું, કારણ કે તે સમયે માર્કેટમાં ઉત્પાદન પહોંચાડવું સરળ નહોતું. કપાસ જેવી જણસોનું બજાર સુધી પરિવહન સહેલાઈથી થાય તે ઉદ્દેશ હતો. માટે કપાસનો પાક પહેલેથી જ સામાજિક ખુશહાલીનું માધ્યમ ગણાતો હતો. હાલના સમયમાં જ્યારે પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધની વાત છે ત્યારે પ્લાસ્ટિક મુક્ત ભારત માટે કપાસમાંથી બનતી કાપડની થેલીઓ ઉપયોગી બની રહે તેમ છે. સાથે જ સાત્ત્વિક કપાસની ખેતી ઓછા ખર્ચે વધુ આવક કરાવવાનું માધ્યમ બની રહેશે.
—.

સરકાર ખેડૂતની પડખે છે, પરંતુ…
બિટી વેરાયટીમાં શરૃના સમયમાં સારું ઉત્પાદન મળી રહે છે, પરંતુ પછીથી તેમાં ઘટાડો થાય છે. સાત્ત્વિક ખેતી આ ઘટાડાને રોકી શકે છે. ગુજરાત સરકારે સજીવ ખેતીને લગતી પૉલિસી બનાવવાની પહેલ કરી તે સારી છે, પરંતુ સજીવ ખેતીમાં સૌથી મોટી સમસ્યા ઉત્પાદન માટેના બજાર વ્યવસ્થાની છે. માર્કેટની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતો સજીવ ખેતી તરફ આગળ વધવાનું ટાળે છે. જો સરકાર દ્વારા સજીવ ખેતીના ઉત્પાદનોના સરળ વેચાણ માટે નિયમિત ધોરણે અઠવાડિક હાટ બજારની સગવડ ઊભી કરવામાં આવે તો ખેડૂતોને ઘણો લાભ મળી રહે. જોકે બાવળિયા ગામના ખેડૂતો સાત્ત્વિક ખેતી દ્વારા કપાસ સહિત જે પણ ઉત્પાદન કરે છે તે ઘરે બેઠા જ સારા વળતરથી વેચાય છે, પરંતુ અહીં માત્ર એક ગામ નહીં, સમગ્ર રાજ્યને સાત્ત્વિક ખેતી તરફ વાળવાની વાત છે. ત્યારે સરકારે સજીવ, સાત્ત્વિક ખેતીના ઉત્પાદન માટે પણ થોડી સવલત ઊભી કરવી અનિવાર્ય છે.
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »