તમારા માટે, તમારી સાથે, સતત…

કરિઅપ્પા, નચિકેતા, સૌરભ અને અભિનંદન

નિયમ મુજબ જોઈએ તો પાકિસ્તાનના કબજામાં આવ્યા બાદ અભિનંદન સાથે દુર્વ્યવહારનો વીડિયો વાયરલ થયો તે પણ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ હતો. 

0 298
  • સંદર્ભ – નરેશ મકવાણા

૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધની વાત છે. ભારતીય હવાઈદળના સ્ક્વૉડ્રન લીડર કે.સી. કરિયપ્પા પાકિસ્તાનના કેટલાક સંવેદનશીલ વિસ્તારો પર બોમ્બમારો કરી રહ્યા હતા ત્યારે તેમનું વિમાન તોડી પાડવામાં આવ્યું. એ પછી તેમને યુદ્ધ કેદી તરીકે પકડી લેવામાં આવ્યા. આ બાહોશ અધિકારીના પિતા ભારતીય લશ્કરના ફિલ્ડમાર્શલ અને આઝાદ ભારતની પહેલી આર્મીના પ્રથમ સેનાધ્યક્ષ રહ્યા હતા. એ વખતના પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ અયૂબ ખાં જનરલ કરિયપ્પાના સહાધ્યાયી રહી ચૂક્યા હતા. આથી અયૂબ ખાંએ જનરલ કરિઅપ્પાને(એ વખતે નિવૃત્ત) પ્રસ્તાવ મૂક્યો કે તેઓ સદ્દભાવના અને જૂના સંબંધોને ધ્યાનમાં રાખીને કે. સી. કરિઅપ્પાને મુક્ત કરી દેવા તૈયાર છે. ત્યારે ફિલ્ડમાર્શલ કરિઅપ્પાએ જવાબ આપ્યો હતો કે, ‘બધા ભારતીય યુદ્ધકેદીઓ મારા દીકરા સમાન છે. મારો એટલો જ આગ્રહ છે કે એ બધાંનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે અને તેમની સાથે અમાનવીય વર્તન ન કરાય.’ પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયા બાદ કે.સી. કરિયપ્પાએ હાસીમારા વિમાન સ્થળ પર એક હેલિકૉપ્ટર યુનિટની કામગીરી સંભાળી અને એ જ પદ પર ૧૯૭૧ના યુદ્ધમાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. બાદમાં તેઓ ઍરમાર્શલના પદ સુધી પહોંચ્યા હતા.

આજે પણ તેઓ માડીકેરીમાં પિતા ફિલ્ડમાર્શલ કે.એમ. કરિયપ્પાના ઘરમાં જ રહે છે અને જંગલોના સંવર્ધનનું કામ કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૭માં તેમણે પિતા ફિલ્ડમાર્શલ કરિયપ્પાની આત્મકથા લખી હતી, જેની ચર્ચા આજે પણ થઈ રહી છે. ૧૯૬૫ના યુદ્ધમાં કે. સી. કરિયપ્પાનું વિમાન ક્રેશ થઈને પાકિસ્તાનમાં પડ્યું હતું. ચાર મહિના સુધી તેઓ પાકિસ્તાની જેલમાં કેદ રહ્યા. ભારત પરત ફર્યા બાદ તેમણે કહ્યું કે, એ વખતે તેમને એક અજાણ્યો ભય સતત લાગ્યા કરતો હતો. તેમને કશી જાણ કરવામાં આવતી નહોતી.તેમનું વિમાન પણ યુદ્ધના છેલ્લા દિવસે પરત કરવામાં આવેલું. ઍરમાર્શલ કરિયપ્પા વિંગ કમાન્ડર અભિનંદન આ મામલે કહે છે, ‘તેમાં સોશિયલ મીડિયાએ બહુ ખરાબ ભૂમિકા ભજવી છે. વિંગ કમાન્ડરે પાકિસ્તાની સૈન્ય સમક્ષ કશું પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો, પણ સોશિયલ મીડિયા પર એ બધી જાણકારી લીક કરાતી રહી. સારું થયું કે, અમારા સમયમાં સોશિયલ મીડિયા નહોતું, કેમ કે તેની અસર જવાનો અને તેના પરિવાર માટે ખતરનાક હોય છે.’

વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિના જ સંદર્ભમાં કારગિલ યુદ્ધ દરમિયાન પકડાયેલા હવાઈ દળના અધિકારી નચિકેતાનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. ૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન મિગ-૨૭ વિમાન ક્રેશ થવાથી નચિકેતા પીઓકેમાં પડ્યા હતા, પણ સેનાના એક વરિષ્ઠ અધિકારીએ દરમિયાનગીરી કરીને તેમનો જીવ બચાવ્યો હતો. બાદમાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાના જવાનોએ તેમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જેલમાં તેમને ભારે ટોર્ચર કરવામાં આવ્યા હતા, પણ તેમણે કશું પણ જણાવ્યું નહોતું. વિંગ કમાન્ડર અભિનંદન બાબતે તેમણે જણાવ્યું કે, પાઇલટનું દિલ હંમેશાં કૉકપિટમાં હોય છે અને મને વિશ્વાસ છે કે વિંગ કમાન્ડર જલદી જ કૉકપિટમાં પરત ફરશે.

Related Posts
1 of 319

આ જ સંદર્ભમાં કેપ્ટન સૌરભ કાલિયાની પણ યાદ આવે છે. તેમણે તેમના પાંચ સાથીદારો નરેશ સિંહ, ભીખા સિંહ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામે યુદ્ધ પહેલાં જ શહીદી વહોરી લીધી હતી. પાકિસ્તાને તેમને પકડીને સતત ૨૨ દિવસ સુધી ટોર્ચર કર્યા હતા. ત્રણ અઠવાડિયાં પછી તેમના ક્ષતવિક્ષત મૃતદેહો ભારતીય સૈન્યને મળ્યા હતા. દુઃખની વાત એ હતી કે કેપ્ટન સૌરભ કાલિયા પોતાનો પહેલો પગાર પણ મેળવ્યા વિના શહીદીને વર્યા. પાકિસ્તાને તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓના લીરા ઉડાડીને સૌરભ કાલિયાના કાનમાં ગરમ સળિયો ઘુસાડી દીધો હતો. તેમની આંખો કાઢી નાખેલી અને હાડકાં પણ ભાંગી નાખેલાં. એટલું જ નહીં, તેમના પ્રાઇવેટ પાર્ટને પણ કાપી નાખ્યો હતો. આજે ૨૨ વર્ષનો જુવાનજોધ દીકરો દેશ માટે કુરબાન કરી દેનાર તેમનાં માતાપિતા ન્યાયની આશામાં જીવન વિતાવી રહ્યાં છે.

કારગિલ યુદ્ધ દરમિયાન પણ કંઈક આવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી. ૨૬ વર્ષના ફ્લાઈટ લૅફ્ટનન્ટ કમ્બમપતિ નચિકેતા પાકિસ્તાનના કબજામાં હતા. તેઓ પોતાના મિગ-૨૧ વિમાનમાં લાઇન ઓફ કન્ટ્રોલ નજીક હતા એ જ વખતે એક પાકિસ્તાની રોકેટ તેમના વિમાન સાથે અથડાયું. પરિણામે ક્રેશ થતાં વિમાનમાંથી નચિકેતાએ છેલ્લા વિકલ્પરૃપે પૅરાશૂટ લઈને કૂદી જવું પડેલું અને તે તેમને પાકિસ્તાનની હદમાં લઈ ગયેલું. બાદમાં તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફે તેમને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. એ વખતે પાકિસ્તાનમાં હાઈ કમિશનર તરીકે જી. પાર્થસારથિ હતા. તેઓ જ નચિકેતાને ગાડીમાં બેસાડીને વાઘા બોર્ડરેથી ભારત લાવ્યા હતા.

આ જ રીતે ઈ.સ. ૧૯૭૧ના યુદ્ધમાં પકડાયેલા કેપ્ટન(નિવૃત્ત) વિજેન્દ્રસિંહ ગુરંગ પાકિસ્તાની સેના દ્વારા અપાયેલી યાતનાઓથી ભાંગી પડ્યા નહોતા. ભારતીય સૈન્યના રહસ્યો જાણવા માટે દુશ્મનો સતત એક વરસ સુધી તેમને જાતભાતની યાતનાઓ આપતાં રહ્યા. આખરે ૧૩ મહિના પછી તેઓ મુક્ત થયા ત્યારે  દેશ આખાએ તેમનું સ્વાગત કરેલું. ૧૯૭૧ના યુદ્ધમાં કેપ્ટન વિજેન્દ્રસિંહના કાકાના દીકરા કેપ્ટન(નિવૃત્ત) સતેન્દ્ર ગુરંગ પણ સામેલ થયેલા. બંને ભાઈઓએ અનેક વખત સાથે મળીને દુશ્મનોનો સામનો કર્યો હતો. કેપ્ટન વિજેન્દ્રના કહેવા પ્રમાણે યુદ્ધ દરમિયાન પાકિસ્તાને અંદાજિત ૬૧૭ ભારતીય જવાનોને પકડી લીધા હતા. જેલવાસ દરમિયાન તેમણે પોતાની ગાયિકીથી દુશ્મનોનું દિલ પણ જીતી લીધું હતું. ૧૫મી ઑગસ્ટે તેમણે દેશભક્તિનાં ગીતો ગાયેલાં. એટલું જ નહીં, પાકિસ્તાની અધિકારીઓની માગ પર ફિલ્મી ગીતો પણ સંભળાવેલાં.

નિયમ મુજબ જોઈએ તો પાકિસ્તાનના કબજામાં આવ્યા બાદ અભિનંદન સાથે દુર્વ્યવહારનો વીડિયો વાયરલ થયો તે પણ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ હતો.  વીડિયોમાં તેમના હાથ બાંધેલા હતા અને માર મારવામાં આવી રહ્યો હતો. આ રીતે વીડિયો જાહેર કરવો પણ યુદ્ધના નિયમોની વિરુદ્ધ છે. યુદ્ધકેદીઓ પર જિનિવા સંધિ લાગુ પડે છે અને એ મુજબ પાકિસ્તાને તેમની સાથે માનવીય વ્યવહાર કરવો જરૃરી હોય છે. યુદ્ધકેદીઓ યા વિંગ કમાન્ડર અભિનંદન જેવા કેસોમાં આપણુ વર્તન કાયમ માનવીય રહ્યું છે. ૧૯૭૧ના યુદ્ધમાં આપણે જે સભ્ય રીતે ૯૦ હજાર યુદ્ધકેદીઓને સાચવ્યા હતા તેની મિસાલ વિશ્વના સૈન્ય ઇતિહાસમાં બીજી મળે તેમ નથી. સમસ્યા એ છે કે પાકિસ્તાની સેના આ પ્રકારના મામલાઓમાં માનવીય સંવેદનાઓ અને સ્થાપિત સૈન્ય પરંપરાઓનો ભંગ કરવાથી ખચકાતું નથી.

યુદ્ધકેદીઓ સાથે ભારતનું વર્તન કાયમ માનવીય રહ્યું છે. ખાસ તો ૧૯૭૧ના યુદ્ધમાં આપણે જે સભ્ય રીતે ૯૦ હજાર યુદ્ધકેદીઓને સાચવ્યા હતા તેની મિસાલ વિશ્વના સૈન્ય ઇતિહાસમાં બીજી મળે તેમ નથી. સમસ્યા એ છે કે પાકિસ્તાન આવા મુદ્દે માનવીય સંવેદનાઓ અને સ્થાપિત સૈન્ય પરંપરાઓનો ભંગ કરવામાં ખચકાતું નથી.
————-

Leave A Reply

Your email address will not be published.

Translate »