તમારા માટે, તમારી સાથે, સતત…

‘સરદાર’નું સત્યાગ્રહ સ્થળ બારડોલી પણ હવે પર્યટન સ્થળ તરીકે ચમકશે

બારડોલીના સ્વરાજ આશ્રમની વચ્ચે આવેલા ઝંડા ચોક સાથે ગૌરવશાળી ઇતિહાસ જોડાયેલો છે.

0 670
  • બારડોલી સ્મારક – સત્યજીત પટેલ

ગુજરાતના પનોતા પુત્ર, ભારતના બિસ્માર્ક અને લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનો વિશેષ નાતો રહ્યો છે તે બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ પરિસરના કાયાકલ્પનું કામ શરૃ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતનાં ત્રણ હેરિટેજ સ્થળો ઉપરાંત ટૂરિઝમ સર્કિટની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત રાજકોટ, પોરબંદર, અમદાવાદ, બારડોલી અને દાંડી જેવાં ઐતિહાસિક સ્થળોને એક સર્કિટમાં જોડવામાં આવ્યાં છે. હમણા દાંડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીઠા સત્યાગ્રહ સ્મારક અને મ્યુઝિયમ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. હવે આ જ તર્જ પર બારડોલીમાં પણ હેરિટેજ અને ટૂરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે સરકારે ઐતિહાસિક સ્વરાજ આશ્રમ પરિસરનો કાયાકલ્પ કરવાનો નિર્ણય કર્યાે છે.

સ્વરાજ આશ્રમ પરિસરના કાયાકલ્પના પ્રથમ ચરણમાં લગભગ છ કરોડના ખર્ચે સરદાર પટેલ દ્વારા નિર્મિત ભવનનું સમારકામ ઉપરાંત નવું ઓડિટોરિયમ અને ઝંડા ચોકનું નિર્માણ કરવામાં આવશે. સરદાર પટેલ દ્વારા વિકસાવાયેલી ચીકુવાડીમાં પેવર બ્લોક લગાવવામાં આવશે. બીજા અને ત્રીજા ચરણમાં પણ આવાં અનેક કામ થવાનાં છે. બારડોલીના સ્વરાજ આશ્રમ સાથે સરદાર પટેલનાં અનેક સંસ્મરણો જોડાયેલાં છે. બારડોલીવાસીઓના મનમાં સરદારની આવી અનેક યાદો આજે પણ અકબંધ છે.

બારડોલીના સ્વરાજ આશ્રમની વચ્ચે આવેલા ઝંડા ચોક સાથે ગૌરવશાળી ઇતિહાસ જોડાયેલો છે. બારડોલીના હરિપુરામાં ૧૯૩૮માં નેતાજી સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં કોંગ્રેસનું ૫૧મું અધિવેશન યોજાયું હતું. જે માટે લાકડાનો ૯૫ ફૂટનો ધ્વજસ્તંભ તૈયાર કરવામાં આવ્યો હતો. જમીનમાં દસ ફૂટ ઊંડે મૂકી ૮૫ ફૂટ ઊંચા આ ધ્વજસ્તંભને સલામી આપી સ્વતંત્રતા સેનાનીઓએ બ્રિટિશરોને દેશમાંથી તગેડી મૂકવાના સોગંદ લીધા હતા. કોંગ્રેસનું અધિવેશન પૂરું થયા બાદ આ ધ્વજસ્તંભને સ્વરાજ આશ્રમમાં સ્થાપીને ઝંડા ચોક બનાવવામાં આવ્યો હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે ૧૫મી ઑગસ્ટે આ જ ધ્વજસ્તંભ પર સ્વતંત્રતા સેનાનીઓ, કાર્યકર્તાઓ અને રાષ્ટ્રીય નેતાઓ દ્વારા પ્રથમવાર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આવા ગૌરવશાળી અને ઐતિહાસિક ધ્વજસ્તંભનો પણ જીર્ણાેદ્ધાર થવાનો છે.

બહુ ઓછા લોકોને ખબર હશે કે બારડોલીમાં સ્વરાજ આશ્રમની સ્થાપના બાદ સરદાર પટેલે અન્ય ત્રણ ભવનોનું પણ નિર્માણ કરાવ્યું હતું. બારડોલીના ખેડૂતો અને સ્થાનિક લોકોએ આ ભવનોના નિર્માણ માટે ફાળો આપ્યો હતો. ત્રણ ભવનો પૈકી એક મોટો ડેલો બનાવાયો હતો. જેનો શિલાન્યાસ સરદાર પટેલે વિ.સં. ૧૯૭૯માં કર્યાે હતો. આઝાદીની લડાઈ સમયે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, મૌલાના અબુલ કલામ આઝાદ જેવા નેતાઓ આ ડેલામાં રોકાતા હતા અને આંદોલનની વ્યૂહરચના ઘડતા હતા. આ જ ડેલામાં બેસીને નેતાઓ લેખો લખતા હતા અને બ્રિટિશ સરકાર સામે લોકોને જાગૃત કરતા હતા.

Related Posts
1 of 319

સરદાર વલ્લભભાઈ પટેલને દેશવ્યાપી ઓળખ બારડોલીમાંથી મળી હતી. અહીંથી જ તેઓ સરદાર તરીકે ઊભરી આવ્યા હતા. લોહપુરુષ વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ બારડોલી સત્યાગ્રહ દરમિયાન બારડોલીની મહિલાઓએ આપી હતી. આની પાછળનો પણ રસપ્રદ ઇતિહાસ છે. બ્રિટિશકાળમાં ૧૯૨૫માં બારડોલી તાલુકામાં પહેલાં પૂર અને પછી પડેલા દુષ્કાળના કારણે અહીંના ખેડૂતો મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા. ખેડૂતોની આવી ખરાબ સ્થિતિ હોવા છતાં તેને નજરઅંદાજ કરીને ૧૯૨૮માં પ્રાંતીય સરકારે ખેડૂતો પર ૩૦ ટકા વેરો વધારો ઝીંક્યો હતો. વલ્લભભાઈ પટેલે આવા અમાનવીય પગલાંનો જોરદાર વિરોધ કર્યાે હતો. તેમણેે ખેડૂતોને સંગઠિત કરી સત્યાગ્રહના મંડાણ કર્યા. બ્રિટિશરોએ આ આંદોલનને કચડી નાંખવા માટે અનેક પ્રયાસો કર્યા. છેવટે તેને ખેડૂતોની માગણીઓ સામે ઝૂકવું પડ્યું હતું. અંગ્રેજ હકૂમતે વેરો ૩૦ ટકાથી ઘટાડી છ ટકા કરવો પડ્યો હતો. આ આંદોલનની સફળતા બાદ બારડોલીની મહિલાઓએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું.

ભારતમાં ચાલી રહેલા સ્વાધીનતા સંગ્રામ દરમિયાન સરદાર પટેલે બારડોલીમાં લગભગ ૨૨ વીઘા જમીન ખરીદીને આ આશ્રમ બનાવ્યો હતો. અહીંયાં કન્યા વિદ્યાલય, છાત્રાલય, બગીચો અને મ્યુઝિયમ પણ આવેલું છે. સરદાર પટેલ પ્રથમવાર ૧૯૨૩માં બારડોલી આવ્યા હતા અને ખેડૂત આંદોલન સાથે જોડાયા હતા. સરદાર પટેલના નિવાસસ્થાન આગળ એક બગીચો છે, જ્યાં સરદાર પટેલે પોતાના હાથે રોપેલાં કેરી, ચીકુનાં ઝાડ આજે પણ મોજૂદ છે. સરદાર રહેતા હતા તે નિવાસસ્થાનના પ્રથમ મજલામાં ત્રણ રૃમો છે. જેમાં એક સમયે ગાંધીજી આવીને રોકાતા હતા. સરદારના નિવાસસ્થાનથી થોડે દૂર એક ભવન આવેલું છે, જેમાં બેસીને ગાંધીજી, સરદાર, નહેરુ આઝાદીની લડત સમયે મિટિંગો કરતા હતા. સરદાર પટેલની યાદમાં બનાવવામાં આવેલા  મ્યુઝિયમમાં ૧૮ જેટલા રૃમો છે. જેમાં સરદારની કેટલીક દુર્લભ તસવીરો પણ સામેલ છે. દેશના આ મહાન સપૂતની તસવીરો નિહાળવાની ફી માત્ર એક રૃપિયો છે. છતાં મ્યુઝિયમ જોવા આવનારાઓની સંખ્યા ઘણી જ ઓછી હોય છે તે આપણી મોટી કમનસીબી છે. સાબરમતી આશ્રમને મળી તેવી ઓળખ સ્વરાજ આશ્રમને ન મળતાં બારડોલીવાસીઓ પણ નારાજ હતા. એક રીતે સરકારે તેમની નારાજગી તો દૂર કરી જ છે સાથોસાથ સરદારનાં સંસ્મરણો જીવંત રાખવાનું સ્તુત્ય પગલું પણ ભર્યું છે.

અહીંના નેશનલ મ્યુઝિયમમાં ઐતિહાસિક સત્યાગ્રહના કેટલાક દુર્લભ દસ્તાવેજ, ઓઇલ પેઇન્ટિંગ્સ તેમજ તસવીરોને સાચવવામાં આવી છે. આઝાદી મળ્યા બાદ વર્ષાે સુધી ઉપેક્ષિત આ દુર્લભ વારસો યોગ્ય માવજત અને જતનના અભાવે નષ્ટ થઈ રહ્યો હતો. સરકારને છેક ૨૦૦૧માં સરદારની ઐતિહાસિક ચીજ-વસ્તુઓની કાળજી લેવાનું સૂઝ્યું હતું. જે ઇમારતમાં આ મ્યુઝિયમ છે તેને વર્ષ ૧૮૮૯માં બનાવવામાં આવી હતી. તે સમયે આનું નામ વિન્ચેસ્ટર મ્યુઝિયમ હતું. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યાર બાદ તેનું સરદાર પટેલ નેશનલ મ્યુઝિયમ નામકરણ કરવામાં આવ્યું હતું. તત્કાલીન સરકારે બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતો, મજૂરોએ આપેલા યોગદાનને સન્માન આપવાનો નિર્ણય કરી સત્યાગ્રહ સાથે જોડાયેલી તમામ પ્રકારની ચીજવસ્તુઓના જતનનું કામ શરૃ કર્યું હતું. સરકારનું પણ માનવું હતું કે, ૧૯૩૦માં ગાંધીજીની દાંડીયાત્રાની પૃષ્ઠભૂમિ બારડોલી સત્યાગ્રહ દ્વારા તૈયાર થઈ હતી. ત્યાર બાદ જ દેશમાંથી બ્રિટિશરાજનો અંત લાવવાનો નારો બુલંદ બન્યો હતો. નેશનલ મ્યુઝિયમમાં સચવાયેલા દસ્તાવેજો પરથી ૧૯૨૮ના સત્યાગ્રહ વિશે ઘણીબધી જાણકારીઓ મળે છે. આ દસ્તાવેજો મુજબ, ૧૨ ફેબ્રુઆરી, ૧૯૨૮ના દિવસે સરદાર પટેલ સાથે ખેડૂતોની યોજાયેલી બેઠકમાં બ્રિટિશ હકૂમતને કર નહીં ચૂકવવાનો અને સત્યાગ્રહ છેડવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક બેઠકમાં ખેડૂતોએ રામાયણ અને કુરાનના કેટલાક પાઠનું પઠન પણ કર્યું હતું. ત્યાર બાદ ઈશ્વર અને અલ્લાહના નામે શપથ લઈને બધાંએ કબીરનાં ભજન ગાતાં ગાતાં સત્યાગ્રહની શરૃઆત કરી હતી. સરદાર પટેલ રોજ સવારે પાંચ વાગ્યાથી લઈને અડધી રાત સુધી ગામડાં ખૂંદતા હતા અને લોકોને કર ન ચૂકવવા સમજાવતા હતા. ઇતિહાસમાં કદાચ આ વાતની બહુ નોંધ નથી લેવાઈ, પરંતુ  સરદાર પટેલે છેડેલો બારડોલી સત્યાગ્રહ ખૂબ જ સુનિયોજિત અને એટલો તીવ્ર હતો કે, તે સમયે એક અંગ્રેજી અખબારે પોતાના એક અહેવાલમાં એવું લખવું પડ્યું હતું કે, સરદાર પટેલે બારડોલીમાં બોલશેવિક સત્તાની સ્થાપના કરી દીધી છે અને પટેલ અહીંના લેનિન છે.

દેશને આઝાદી મળી તેમાં બારડોલીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. બારડોલી સત્યાગ્રહમાં મળેલા વિજયની દેશભરમાં ગુંજ સંભળાઈ હતી. બારડોલી સત્યાગ્રહના નેતા વલ્લભભાઈ પટેલને સરદારનું ઉપનામ અહીંથી જ મળ્યું હતું. તે સમયમાં બારડોલીનું નામ દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગયું હતું. દેશના સ્વાધીનતા સંગ્રામમાં બારડોલી તેમજ અહીંના લોકોના યોગદાનથી આવનારી પેઢીઓ પણ અવગત થઈ શકે તે માટે અહીં ઓડિટોરિયમ પણ બનવાનું છે. જેમાં બારડોલી સત્યાગ્રહ અને સરદાર પટેલ વિશેની ફિલ્મો પણ બતાવવામાં આવશે. સરદાર પટેલ નેશનલ મ્યુઝિયમની પાછળ આ ઓડિટોરિયમ બની રહ્યું છે, જેમાં એકસાથે લગભગ ૩૦૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હશે. આ ઓડિટોરિયમ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.

પોતાના દૃઢ મનોબળના કારણે સરદાર લોખંડી પુરુષ તરીકે ઓળખાયા. દેશ માટે સફળ વકીલાત અને ધીકતી પ્રેક્ટિસ એક ઘડીમાં છોડી દેનારા સરદાર જ હતા. સ્વતંત્રતાના આંદોલનમાં જોડાઈને અંગ્રેજોને ઘૂંટણિયે પાડનારા આપણા સરદાર જ હતા. આ એ જ સરદાર હતા જેમણે અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું. આઝાદી બાદ પ્રથમ ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે દેશભરમાં શાંતિ સ્થાપનારા પણ સરદાર જ હતા. બ્રિટિશ રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી અખંડ ભારતનું નિર્માણ સરદારની મુત્સદ્દીગીરીની કારણે જ શક્ય બન્યું હતું. સરદાર જેવું વિરાટ વ્યક્તિત્વ કોઈ ઓળખનું મોહતાજ નથી, પરંતુ બારડોલીના સ્વરાજ આશ્રમના કાયાકલ્પ દ્વારા સરદાર સાથે જોડાયેલી ઐતિહાસિક સ્મૃતિઓને વૈશ્વિક ઓળખ મળશે તે નક્કી છે.
——————.

Leave A Reply

Your email address will not be published.

Translate »