તમારા માટે, તમારી સાથે, સતત…

સક્રિય રાજકારણમાં આવવા પ્રિયંકાએ ૨૦ વર્ષ પહેલાં જ મનસૂબો ઘડેલો?

ચૂંટણી પ્રચાર એ તેને માટે ભાવનાનો વિષય છે? કર્તવ્ય છે?

0 205

કવર સ્ટોરી – સુધીર એસ. રાવલ

દેશમાં ઘણા લાંબા સમયથી કોંગ્રેસનો તથા આમ જનતાનો એક મોટો વર્ગ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, એ જાહેરાત આખરે કોંગ્રેસ દ્વારા કરી દેવામાં આવી છે અને નહેરુ-ગાંધી પરિવારના ૧૧મા સભ્ય કહી શકાય તેવા પ્રિયંકા ગાંધીનો હવે દેશની રાજનીતિમાં સક્રિય પ્રવેશ થઈ ચૂક્યો છે. સ્વતંત્રતાના આંદોલન પહેલાંથી ગણીએ તો મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, વરુણ ગાંધી, રાહુલ ગાંધી અને હવે પ્રિયંકા ગાંધી. આને એક તરફ એક જ ખાનદાનની દેશ માટે સૌથી દીર્ઘ સેવા ગણાવાય છે અને બીજી તરફ વંશવાદના રાજકારણનો દાગ લગાવાય છે. દેશસેવા બદલ બે વડાપ્રધાનોને ભારતે ગુમાવ્યા છે, જેઓ નહેરુ-ગાંધી પરિવારમાંથી જ હતા, તે બલિદાનની નોંધ લેવી ઘટે.

પ્રિયંકા ગાંધીને હાલ છૈંઝ્રઝ્રનાં મહાસચિવનો હોદ્દો અપાયો છે અને તેની સાથે પૂર્વી ઉત્તર પ્રદેશની મહત્ત્વની જવાબદારી પણ સોંપાઈ છે. રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો આ પગલું અત્યંત મહત્ત્વનું, દૂરંદેશીભર્યું, આશાવાદી અને સાથે-સાથે સાહસપૂર્ણ પણ જણાય છે. ચૂંટણીઓના સમરાંગણમાં દેશના સૌથી મહત્ત્વના અને હાલ ભાજપનો ગઢ બની ચૂકેલા ઉત્તર પ્રદેશમાં

પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવા તે કોંગ્રેસ, ભાજપ, બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટી જેવા ઉત્તર પ્રદેશના ચારેય મુખ્ય પક્ષોની સાથે દેશભરમાં ચાલી રહેલા મહાગઠબંધનના રાજકારણ ઉપર પણ તેનો પ્રભાવ પડશે તે નિશ્ચિત છે. વળી, આ એ વિસ્તાર છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તથા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સંસદીય બેઠકો સામેલ છે.

આજ સુધી દેશભરમાં ચર્ચાઓ થતી રહી છે કે પ્રિયંકા ગાંધી રાજનીતિમાં આવશે કે નહીં? આવવી જોઈએ કે નહીં! આવે તો સફળ થાય કે નહીં? કોંગ્રેસને તેનો લાભ થાય કે નહીં? દેશના રાજકારણમાં તેનાથી શું ફેર પડે? વગેરે વગેરે.. આ તબક્કે ૨૦ વર્ષ પહેલાંની મારી અમેઠી ખાતે પ્રિયંકા ગાંધી સાથેની મુલાકાત વાચકોના ધ્યાન પર મૂકવા જેવી લાગે છે. સપ્ટેમ્બર-૧૯૯૯માં હું પ્રિયંકાના કાફલાની સાથે ઘણા ગામડાંઓ ફર્યો હતો. તે સમયે તેની સાથે પત્રકાર તરીકે પહોંચવું ઘણુ અઘરું હતંુ અને પ્રશ્નોત્તરીનો તો સવાલ જ ઉપસ્થિત થતો નહોતો. રાજીવ ગાંધીની હત્યા બાદ તે પરિવારની સલામતી માટે વહીવટીતંત્ર અત્યંત ચુસ્ત હતું. એક સ્વતંત્ર પત્રકાર તરીકે વ્યક્તિગતસ્તરે ઘણી રોચક અને સંઘર્ષપૂર્ણ રહેલી મારી તે મુલાકાત ‘નવનિર્માણ’ સાંધ્ય દૈનિક ઉપરાંત અન્ય અખબારમાં પ્રગટ થયેલી. તેની આજના સંદર્ભમાં નોંધ લેતાં સમજાય છે કે પ્રિયંકા ગાંધી તે સમયથી જ પોતાના રાજકારણ પ્રવેશ માટે સ્પષ્ટ હતાં.

તે સમયનો માહોલ કેવો હતો તેની કેટલીક રસપ્રદ વાતો તાજી કરવા જેવી છે. તે સમયે અમેઠીનો સીન જોવા જેવો હતો. પ્રિયંકાનો મુકામ ત્યાંના મુનશીગંજ ગામમાં આવેલી સંજય ગાંધી હૉસ્પિટલમાં હતો. પોતે સવારે આઠેક વાગે ઊઠી તૈયાર થઈ નવ વાગ્યાથી અગત્યની મિટિંગ કરવા માંડે અને દસ વાગ્યા બાદ ગામડાંઓ ખૂંદવા નીકળી પડે. રાત્રે સાડા દસ પછી પરત ફરીને ડિનર લીધા બાદ અગિયાર વાગ્યાથી કાર્યકર્તાઓ, બ્લોકસ્તરના આગેવાનો તથા સામાન્ય લોકોને મળવાનો કાર્યક્રમ શરૃ થઈ જાય અને તે મધ્યરાત્રિના સાડા ત્રણ વાગ્યાથી ચાર અને ક્યારેક વહેલી સવારના પાંચ વાગ્યા સુધી ચાલ્યા કરે. ત્રણ-ચાર કલાકના આરામ બાદ બીજે દિવસે પુનઃ નિત્યક્રમ શરૃ કરી દે. પ્રિયંકાનો સ્ટાફ તથા એસ.પી.જી.ના જવાનો થાકીને લોથપોથ થઈ જાય, પણ પ્રિયંકાની ગજબની સ્ફૂર્તિ સામે તેઓ લાચાર હોય! પ્રિયંકા ગામડે-ગામડે ફરી રહ્યાં હતાં. કોઈક સ્થળે ૨૦૦ માણસ તો ક્યાંક ૫૦૦, ક્યાંક વળી માત્ર ૫૦ અને જ્યાં જાય ત્યાં વધુ ને વધુ લોકો જોડાતાં જાય. લોકો સૂત્રોચ્ચાર કરતા હતા..

દેખ પ્રિયંકા કી શરૃઆત, યાદ હુઈ સબકો ઔકાત
કહે સોનિયા બડા અમેઠી, લિખ દિલ્હી કા ભાગ્ય અમેઠી
દેશ કી માટી કરે પુકાર, બને સોનિયા કી સરકાર

Related Posts
1 of 269

ગામડે-ગામડે પ્રિયંકાનો જયજયકાર.. તેની લોકપ્રિયતા જાણે બુલંદી પર..  લોકોને તેના પર જબરો વિશ્વાસ.. ગરીબોની આશા જાણે એકમાત્ર પ્રિયંકા.. પ્રિયંકાની મૃદુ વાણીમાં લોકોને નિષ્ઠા અને પ્રમાણિકતાના દર્શન થાય.. તાળીઓના ગડગડાટ બાદ શાંતિ છવાય એટલે પ્રિયંકાનું ટૂંકું અને મુદ્દાસર પ્રવચન શરૃ થાય..

‘ભાઈઓ ઔર બહિનો, સબસે પહેલે મંૈ આપકી માફી માંગતી હું કિ આપલોગોં કો મેરે લિયે ઇન્તજાર કરના પડા, સબ ગાંવ મેં લોગ રોક લેતે હે ઈસીલિયે થોડી બહુત દેરી હો જાતી હૈ.’ આજ સાતવા યા આઠવા દિન હૈ મેરા… આપ લોગ રાજીવજી કો અચ્છી તરહ જાનતે હૈ, યહાં જો ભી વિકાસ હુઆ હૈ વહ રાજીવજીને હી કીયા હૈ, પિછલે સાલોમેં જો વિકાસ હોના ચાહિએ થા વો નહીં હુઆ, ઉસકા મતલબ યે હૈ કી જો ભી આપકા પ્રતિનિધિ રહા, ઉસકે દિલ મેં આપકે લિયે દર્દ કમ હૈ… રાજીવજી કો આપ લોગોં કે લિયે બહોત પ્યાર થા. વે દિનરાત આપકી ચિંતા કરતે થે. આજ સોનિયાજી યહાં સે ચુનાવ લડ રહી હૈ… મૈં ઉનકી બેટી હૂં. મૈં ઉનકા દિલ જાનતી હૂં, મૈં આપકો ભરોસા દિલાતી હૂં કી રાજીવજી કે દિલમેં આપ લોગોં કે લિયે જીતના પ્રેમ થા, સન્માન થા વોહી પ્યાર ઔર સન્માન સોનિયાજી કે દિલમેં હૈ…

આપકો આપકા કર્તવ્ય નિભાના હોગા ઔર તીન તારીખ કો આજ કી તરહ ઘર સે બહાર નીકલિયે ઔર સોનિયાજી કો વોટ દેકર ઉસે ભારી સે ભારી બહુમત સે જીતાઈએ. મૈં આપસે વાદા કરતી હૂં કી આપ કે વિકાસ કા કાર્ય ફિર સે તેજી સે શુરૃ હો જાયે!!.. હમ આપકો નિરાશ નહિ કરેંગે..’ લોકો ગદ્દગદ્દ થઈ જાય છે અને કાફલો આગળ વધતો રહે છે.

મેં રૃબરૃ વાતચીતનો પ્રસ્તાવ કરી દીધેલો. કેટલાંક ગામડાંઓની સભાઓ સમાપ્ત કર્યા બાદ સામે ચાલીને પ્રિયંકાએ પોતાના વચનનું પાલન કરતી હોય, તેમ સામે ચાલીને મને બોલાવીને વાતચીત કરી. મારો પ્રથમ પ્રશ્ન જ એ હતો કે તેનો ચૂંટણી પ્રચાર એ તેને માટે ભાવનાનો વિષય છે? કર્તવ્ય છે? કે મજબૂરી છે? અને તેણે કહેલું કે, મજબૂરી નથી… ભાવના તો છે… પણ ખાસ તો મારી મા પ્રત્યે મારું કર્તવ્ય છે. આ સમયે મારે મારી માતાને મદદ કરવી જોઈએ અને હું એ કરી રહી છું. મારો એક પ્રશ્ન એવો હતો કે, આ દેશની ખૂબીઓ અને ખામીઓ વિષે આપનું શું કહેવું છે? ત્યારે તે હસી પડેલાં અને કહેલું કે, હે ભગવાન, આ પ્રશ્ન તો એવો છે કે એનો બહુ લાંબો જવાબ આપવો પડે…! મેં જ્યારે પૂછેલું કે, આપની પર ઇન્દિરાજી તથા રાજીવજીનો ખાસ્સો પ્રભાવ જોવા મળે છે. તેઓના કયા સદ્દગુણોથી આપ સૌથી વધારે પ્રભાવિત છો? પ્રિયંકાનો જવાબ હતો કે, એમના દિલમાં સચ્ચાઈ હતી. તેઓ દેશને સમર્પિત હતા. તેમણે પોતાનો સ્વાર્થ કદી ન જોયો અને રાતદિવસ જોયા વગર દેશ માટે પોતાનું કર્તવ્ય બજાવ્યે રાખ્યું. ગરીબોની તેઓ સતત ચિંતા કરતા. હું આ બધી બાબતોથી ખાસ પ્રભાવિત છું.

મેં દેશના સંદર્ભમાં પણ પ્રશ્નો કરેલા. મેં પૂછેલું કે, દેશમાં જે રીતે કટ્ટરવાદ આકાર લઈ રહ્યો છે, હિંસાનો પ્રભાવ વધતો જોવા મળે છે… આનો ઇલાજ શો હોઈ શકે? તેણે તુરંત જ જવાબ આપેલો કે, જુઓ, હિંસાનો એક જ જવાબ હોઈ શકે અને તે છે અહિંસા. મહાત્મા ગાંધીએ સૂચવેલા પ્રેમ અને અહિંસાના માર્ગે જ આવી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. મેં  બીજા પણ પ્રશ્નો પૂછેલા, પરંતુ એક પ્રશ્ન તેમના સક્રિય રાજકારણ પ્રવેશ અંગેનો હતો કે, તમે તમારા પિતાશ્રીની લાડકી દીકરી હતાં. તમારા પિતાશ્રીના અધૂરાં સ્વપ્નો પૂરા કરવા માટે તમે પણ કંઈક વિચારતા હશો? તેનો જવાબ હતો ઃ જુઓ, રાજીવજી માટે રાજનીતિ એ સત્તાની બાબત હતી નહીં. એમનું સ્વપ્ન એ હતું કે ગરીબોને મદદરૃપ થવું. જે લોકો પછાત છે તેમની મદદ કરવી. એ લોકોનું જીવન ધોરણ ઊંચંુ આવે એવાં કાર્યો કરવાં અને હું એ કામ કરીશ. પુરી નિષ્ઠાથી કરીશ, પરંતુ હાલ હું એ કાર્યો રાજકીય ધોરણે કરવા નથી ઇચ્છતી. બીજા પણ કેટલાયે રસ્તાઓ છે ગરીબોને મદદ કરવાના.

મારો છેલ્લો પ્રશ્ન હતો કે, આપની અંદર રહેલી એક ‘પ્રિયંકા’ જે છે, તે દેશ માટે શું કરવા ઇચ્છે છે? કંઈક તો યોગદાન આપવા ઇચ્છતી જ હશે ને? પ્રિયંકાએ ખૂબ સહજતા અને પ્રમાણિકતાપૂર્વક ઉત્તર આપેલો કે, બિલકુલ, દિલમાં દર્દ છે, લોકોના પ્રશ્નો જાણીને દિલમાં દુઃખ થાય છે. ઇચ્છા પણ થાય છે કંઈક કરવા માટે અને કરું પણ છું થોડું ઘણુ… મારાથી જેટલું થઈ શકે એટલું કરી લઉં છું. મારાથી જો દસ જણા પણ જો ખુશ થઈ શકતા હોય તો એ મારા માટે આનંદની બાબત છે. પ્રિયંકા ગાંધીની મહેનત બાદ અમેઠીની બેઠક સોનિયા ગાંધી જીતી ગયેલાં.

આજના સંદર્ભમાં પ્રિયંકાના એ વિચારો તેના વ્યક્તિત્વ, વિચારધારા, લોકપ્રિયતા અને સામર્થ્યના સંદર્ભમાં ઘણો મહત્ત્વનો સંદેશ આપી જાય છે. છેલ્લાં ૨૦ વર્ષમાં ભારતના રાજકારણમાં અનેક વહાણા વીતી ગયા છે ત્યારે પ્રિયંકાનો સક્રિય રાજકારણમાં પ્રવેશ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ માટે કેટલો ઉપયોગી સાબિત થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »