તમારા માટે, તમારી સાથે, સતત…

લાલી મેરે યાર કી: વસ્ત્રોમાં લાલ, પેસ્ટલ અને શિમરનો ટ્રેન્ડ

પેસ્ટલ કલર્સ મૉડર્ન હોવાની સાથે સાથે રોમેન્ટિક પણ હોય છે.

0 732
  • એનઆરઆઈ વટ્ઠેડિંગ સ્પેશિયલ – ભૂમિકા ત્રિવેદી

થોડા દાયકાઓ પહેલાં ફેશનના માપદંડો અલગ જ હતા. જો રૃટિન લાઇફમાં ફેશનનું મહત્ત્વ વધ્યું હોય તો કોઈ પણ યુવતી તેના લગ્નના દિવસ માટે તે શા માટે કોન્શિયસ ન થાય. ભારતીય લગ્નોમાં લાલ રંગની બોલબાલા કોઈ દિવસ ઘટવાની નથી. ગમે તેટલા કલર્સ આવે, ગમે તેવી ફેશન આવે પણ રેડ ઇઝ હોટ ઓલવેઝ. લગ્ન પ્રસંગોમાં અને ખાસ કરીને બ્રાઇડ માટે લાલ રંગ તેના આકર્ષણમાં વધારો કરે છે.

સમયની સાથે-સાથે હવે ફેશન શબ્દ પણ વિસ્તરતો ગયો છે. થોડા દાયકાઓ પહેલાંની વાત કરીએ તો ફેશનના માપદંડો કંઈક અલગ જ હતા. જો રૃટિન લાઇફમાં ફેશનનું મહત્ત્વ વધ્યું હોય તો કોઈ પણ યુવતી માટે તેની જિંદગીના સૌથી મહત્ત્વના દિવસ એટલે કે તેના લગ્નના દિવસ માટે તે શા માટે કોન્શિયસ ન થાય. ભારતીય સંસ્કૃતિમાં એમ પણ લગ્ન જિંદગીનો સૌથી મોટો પ્રસંગ છે. સોશિયલ મીડિયા ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, પિનટ્રેસ્ટના કારણે વેડિંગ પ્લાન કરવાનું પણ થોડું સરળ બન્યું છે. થોડાં વર્ષો પહેલાં તમે બ્રાઇડને માત્ર સફેદ અને લાલ પાનેતરમાં જ જોતા હશો. પાનેતર કે પછી લાલ-લીલા રંગના ગરચોળા એજ બ્રાઇડની ફેશન હતા. તેનાથી આગળની ફેશન વિશે કોઈ વિચારતું જ ન હતું, પરંતુ સમય ખૂબ જ ઝડપથી બદલાઈ ગયો છે. વધુ ને વધુ એક્સપોઝરના કારણે આજે તમને દુલ્હનો એકદમ ટ્રેન્ડી અને ફેશનેબલ વસ્ત્રોમાં જોવા મળે છે. દરેક યુવતી પોતાના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા સજાગ પણ એટલી જ હોય છે.

બોલિવૂડ સ્ટાર પણ દાયકાઓથી ટ્રેન્ડ સેટર રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં ઘણા બોલિવૂડ સ્ટાર લગ્નગ્રંથિથી જોડાયા છે અને આ લોકોએ જે ટ્રેન્ડી વસ્ત્રોમાં લોકોનું દિલ જીતી લીધું છે તેનાથી બ્રાઇડ-ટુ-બીને પણ એક માર્ગદર્શન મળ્યું છે. લગ્નમાં આવનારી દરેક વ્યક્તિની નજર બ્રાઇડ પર જ હોય છે. દરેક વ્યક્તિ ગોર્જિયસ બ્રાઇડ ઇચ્છે છે અને દરેક વ્યક્તિની આ ઇચ્છાને પૂરી કરવાની જવાબદારી પણ બ્રાઇડની હોય છે. તો બ્રાઇડ ટુ બી, તમને તમારા એ સ્પેશિયલ ડેમાં સૌથી આકર્ષક દેખાવા માટે કેટલાક લેટેસ્ટ ટ્રેન્ડ જણાવી દઈએ.

રેડની બોલબાલા અને શિમરનો ટ્રેન્ડ
લગ્નોમાં લાલ રંગની બોલબાલા કોઈ દિવસ ઘટવાની નથી. ગમે તેટલા કલર્સ આવે, ગમે તેવી ફેશન આવે પણ રેડ ઇઝ હોટ ઓલવેઝ. લગ્ન પ્રસંગોમાં અને ખાસ કરીને બ્રાઇડ માટે લાલ રંગ તેના આકર્ષણમાં વધારો કરે છે. ભારતના જાણીતા ડિઝાઇનર અને બોલિવૂડ અભિનેત્રીઓ તેમજ ઇન્ડિયન સેલિબ્રિટીઝના લોકપ્રિય ડિઝાઇનર એવા સબ્યસાચી મુખર્જી, મનીષ મલ્હોત્રા, શ્યામલ ભૂમિકા, અનામિકા ખન્ના અને તરુણ તહિલિયાનીના વેડિંગ કલેક્શનમાં રેડ કલર વગર બધું જ અધૂરું હોય છે. એમ પણ ટ્રેડિશનલ વસ્ત્રો ખાસ કરીને બ્રાઇડલ વૅર હોય અને એમાં રેડ કલર ન આવે તો મજા જ શું આવે, પરંતુ આજે બધંુ જ રેડ પર ટકેલું નથી. પહેલાંનો સમય હતો જ્યારે બ્રાઇડ માત્ર લાલ રંગના ડ્રેસમાં જ જોવા મળતી. આજે લાલ રંગમાં પણ ઘણા બધા શેડ્સ ઉપલબ્ધ છે. ગુલકંદ, મરુન, બર્ગન્ડી જેવા કલર્સ દુલ્હનોને આકર્ષી શકે છે. ઉપરાંત શિમરનો પણ ટ્રેન્ડ છે. ગોલ્ડ અને સિલ્વર કલરના ડ્રેસ આજની ફેશનના લિસ્ટમાં ટોચના સ્થાને છે. શિમરિંગ, ભપકાદાર ડ્રેસ દુલ્હનને રિચ લૂક આપે છે. હવે તો લગ્નમાં પિન્ક કલર પણ એટલો જ પહેરાય છે. બોલિવૂડમાં તાજેતરમાં થયેલા લગ્નોમાં નેહા ધુપિયા અને અનુષ્કા શર્મા બંને અભિનેત્રીઓ તેમનાં લગ્નમાં આવા બેબી પિન્ક કલરના સુંદર બ્રાઇડલ આઉટફિટમાં જોવા મળી હતી.

Related Posts
1 of 262

ગાર્ડન પાર્ટી માટે પેસ્ટલ પસંદ કરો
હવે બ્રાઇડલની ચોઇસ માત્ર રેડ નથી રહી તે આપણે જાણ્યું. જ્યારે તમારા મેરેજનું ફંક્શન ગાર્ડન કે વિન્ટેજ જેવા સ્થળે આયોજિત કરાયું હોય અથવા તો તમારું રિસેપ્શન ફંક્શન હોય ત્યારે તમે પેસ્ટલ કલર્સ પર પસંદગી ઢોળી શકો છો. પેસ્ટલ કલર્સ મૉડર્ન હોવાની સાથે સાથે રોમેન્ટિક પણ હોય છે. તમારો વેડિંગ ડે કે રિસેપ્શનનો લહેંગો પેસ્ટલ કલરમાં હશે ત્યારે તમે વધુ ચમકશો. બ્રાઇડલમાં આજકાલ પેસ્ટલ હોટ ફેવરિટ બની ગયો છે. પીચ અને પિન્ક, ડલ આઇવરી અને શેમ્પેઇન, ફેડેડ બ્લ્યુ, હળવો મિન્ટ આ બધા કલર પણ ટ્રાય કરી જ શકાય છે. પહેલાં ખૂબ જ વજનદાર લહેંગા બનતા હતા, હવે ડિઝાઇનરો વ્યક્તિના કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને લાઇટવેઇટ લહેંગા ડિઝાઇન કરી રહ્યા છે. દરેક બ્રાઇડ તેના લગ્નમાં ગોર્જિયસ અને સુંદર દેખાવા તો ઇચ્છે છે, પરંતુ તેઓ વધુ પડતું વજન સહન કરવા ઇચ્છતી નથી.

લાઇટ વેઇટ લહેંગાની પસંદગી
બ્રાઇડ લાઇટ વેઇટ લહેંગા ઇચ્છે છે તે વાત ડિઝાઇનરો પણ જાણે જ છે. આજે દરેક વ્યક્તિ ફેશન કરતાં કમ્ફર્ટને વધુ મહત્ત્વ આપી રહી છે. તો આ માટે ડિઝાઇનરો સિલ્ક, ચંદેરી, જોર્જટ, ક્રેપ જેવા કાપડ પસંદ કરી રહ્યા છે. આ કાપડ પર વિન્ટેજ ઍમ્બ્રૉઇડરી, લેટિસ વર્ક, ગોટા પત્તી, બિડ વર્ક, સિક્વન્સ વર્ક, સ્વારોસ્કી ક્રિસ્ટલ જેવા વર્ક કરે છે. ઍમ્બ્રૉઇડરી પણ થ્રીડી હોય છે. આ એક ગ્લોબલ ટ્રેન્ડ બની ચૂક્યો છે. જે બ્રાઇડ લગ્ન માટે લાલ રંગ પસંદ કરે છે તે પોતાના બીજા ફંક્શન માટે પેસ્ટલ કલર્સ પર પસંદગી ઢોળે છે. વેડિંગ એક્સપર્ટ તરુણ તિહલાની પણ આવી જ સલાહ આપે છે કે બ્રાઇડે ડ્રીમી પેસ્ટલ કલર્સ ટ્રાય કરવા જ જોઈએ.

અલગ-અલગ ફંક્શન માટે મિક્સ્ડ ઓપ્શન્સ
હવે લગ્નનું ફંક્શન એક કે બે દિવસનું રહ્યું નથી. આજે દુલ્હને પાંચથી છ અલગ અલગ આઉટફિટ પહેરવાના હોય છે. હલ્દી, મહેંદી, ઍન્ગેજમૅન્ટ, સંગીત, લગ્ન, રિસેપ્શન વગેરે..આ દરેક ફંક્શનમાં દુલ્હને મોસ્ટ ગ્લેમરસ દેખાવાનું હોય છે. બ્રાઇડલે ફક્ત લગ્નના દિવસે જ એકદમ ટ્રેડિશનલ વસ્ત્રો પહેરવાના હોય છે. બાકીના ફંક્શનમાં તે થોડું લાઇટ પણ ટ્રાય કરી શકે છે. આ બધાં ફંક્શનમાં તે એકાદ વાર ફ્લોરલ ઍમ્બ્રૉઇડરી ટ્રાય કરી શકે છે. પહેલાં ફ્લોરલ પ્રિન્ટની ફેશન હતી આજે તે આઉટડેટેડ થઈ ચૂકી છે. હવે સિલ્કના કાપડમાં ફ્લોરલ ઍમ્બ્રૉઇડરી સુપર્બ લાગે છે. બ્રાઇડે ડિફરન્ટ અને મિક્સ્ડ લૂક ટ્રાય કરતા ગભરાવું ન જોઈએ. કાશ્મીરી, બનારસી, ચિકનકારી જેવા કોઈ પણ વર્ક ટ્રાય કરી શકાય. મહેંદી ફંક્શન કે સંગીત માટે બોલ્ડ ઍમ્બ્રૉઇડરી કે મોટિફ ટ્રાય કરી શકાય. આઉટફિટમાં ફેધર, ફ્રિંન્જિસ કે ટસલ્સને મિક્સ કરી શકાય. ઍમ્બ્રૉઇડરી કે

સિક્વન્સવાળો નેટ બ્લાઉઝ, એટેચ્ડ
ડ્રેપ્સવાળો વન શોલ્ડર બ્લાઉઝ પણ પહેરી શકાય. ફ્યુઝન વેરને પણ મિસ ન કરતા હાલના મોડર્ન ફ્યુઝનમાં સાડી ગાઉન કે કોન્સેપ્ટ સાડી સામેલ છે. આ આવતી કાલનો પણ મોટો ટ્રેન્ડ બનશે. લગ્નના દિવસે બ્રાઇડ ઇન્ડિયન બ્રાઇડલ વૅર જ પહેરવાનું પસંદ કરે છે, પરંતુ પ્રિ-વેડિંગ કે પોસ્ટ વેડિંગ ફંક્શનમાં તે ગ્લોબલ ટ્રેન્ડને અનુસરે છે. ફ્યુઝન સાડી – ગાઉન લગભગ દરેક ફેશનિસ્ટાના વૉર્ડરોબમાં હોય જ છે. આ ફ્યુઝન વૅરથી બ્રાઇડ યોગ્ય શેપમાં લાગે છે અને મૉડર્ન ગ્લોબલ ઇન્ડિયન સ્ટેટમેન્ટને પણ તે પૂરું કરે છે. ફ્યુઝન સ્ટાઇલ સારી ગાઉન પહેરવામાં એકદમ કમ્ફર્ટેબલ હોય છે. સાડી પહેરવામાં ઘણો સમય લાગી જાય છે જ્યારે આ ફ્યુઝન વૅર અત્યંત ઝડપથી પહેરી શકાય છે. આ તેની સૌથી મોટી ખાસિયત છે. ડિઝાઇનર તરુણ તિહલાની જણાવે છે કે બ્રાઇડને તેના જ ફંક્શનમાં જો સરળતાથી પહેરી શકાય તેવા કમ્ફર્ટેબલ ફિલ કરાવે તેવા લાઇટવેઇટ આઉટફિટ જો અમે ન આપી શકીએ તો તે અમારી મોટી નિષ્ફળતા ગણાય. કોન્સેપ્ટ સાડી આ માટેના બેસ્ટ ઓપ્શન છે.
—————-.

ચમકદમકને ફેબ્રિક કરતાં વધુ મહત્ત્વ
રેવ ફેશન્સનાં સીઈઓ અને જાણીતાં ડિઝાઇનર જિજ્ઞા શાહ બ્રાઇડલ ફેશન અંગે વાત કરતાં કહે છે, ‘ફેશન હંમેશાં ફરી ફરીને પરંતુ થોડા અપડેટ્સ સાથે પરત ફરતી હોય છે. ઘરારા અને સરારા, ચોલી સૂટની ફેશન હવે પાછી આવી છે. લગ્નોમાં હવે વ્હાઇટ રેડ પાનેતર પહેરવાનું ઓછંુ પ્રિફર કરાય છે. હવે દરેક કલર ટ્રાય કરતાં દુલ્હનો ખચકાતી નથી. પહેલાં બાંધણી સ્ટેટસ સિમ્બોલ ગણાતી હતી. હવે બાંધણી, પટોળા, સાઉથ સિલ્ક એ બધું આઉટઓફ ફેશન થઈ ગયું છે. હવે બ્રાઇડ લહેંગા-ચોલી અને એ પણ ભપકાદાર અને વર્કવાળા, શિમરિંગ, સિક્વન્સ, સિલ્વર-ગોલ્ડ જેવા આઉટફિટ પહેરે છે. હવે ચોલી એકદમ ફેન્સી બની છે. દુપટ્ટા મોટા અને હેવી વર્કવાળા પસંદ કરાય છે. હવે ફેબ્રિક કરતાં વધુ મહત્ત્વ ચમકદમકને અપાવા લાગ્યું છે. લગ્ન સિવાયના ફંક્શનમાં દુલ્હન સ્કર્ટ-ક્રોપ ટોપ, પ્લાઝો, ધોતી, મિડલ ટોપ વિથ હેવી દુપટ્ટા, સરારા પણ પહેરે છે.
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »